ગુરુવાર, 6 ડિસેમ્બરે, રાજ્યસભાએ (Upper House) ભારતીય વાયુયાન વિધેયક (Bharatiya Vayuyan Vodheyak), 2024 પસાર કર્યું હતું. આ વિધેયક 90 વર્ષ જૂના એરક્રાફ્ટ એક્ટ, 1934ને બદલવા માટે પસાર કરવામાં આવ્યું છે. આ વર્ષે ઑગસ્ટમાં લોકસભામાં પસાર થયેલું આ બિલ એવિએશન ક્ષેત્રમાં (Aviation Sector) વ્યાપાર કરવાની તકોને સરળ બનાવવા તરફ લઇ જશે.
દરમિયાન, INDI ગઠબંધનની આગેવાની હેઠળના વિરોધ પક્ષોએ બિલનો વિરોધ કર્યો હતો. વિપક્ષોએ એવો દાવો કર્યો હતો કે બિલનું નામ અંગ્રેજીમાંથી બદલીને હિન્દીમાં કરી દેવામાં આવ્યું છે. કેટલાક વિપક્ષી નેતાઓએ એવો પણ દાવો કર્યો કે બિલનું હિન્દી નામ જટિલ છે અને બંધારણીય નિયમનું ઉલ્લંઘન કરે છે.
જોકે, આ અંગે પ્રતિક્રિયા આપતા સિવિલ એવિએશન મંત્રી કિંજરાપુ રામ મોહન નાયડુએ રાજ્યસભામાં સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારતની ધરોહર અને સંસ્કૃતિને પ્રતિબિંબિત કરવા માટે નામ બદલવામાં આવ્યું છે તથા હિન્દી ભાષામાં કરવામાં આવ્યું છે. ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે હિન્દીમાં નામ રાખવામાં કોઈ બંધારણીય નિયમનું ઉલ્લંઘન થતું નથી.
તેમણે સંબોધન દરમિયાન કહ્યું હતું કે, “શરૂઆતમાં બિલનું નામ હિન્દીમાં ઉચ્ચારવું મુશ્કેલ હશે પરંતુ તેની આદત પડી જશે. ઘણા લોકો આ નામ ઉચ્ચારવામાં શરમ અનુભવતા હોય તેવું લાગે છે પરંતુ શરમ અનુભવવા જેવું કંઈ નથી. ભારતની સંસ્કૃતિ, વારસો અને વાસ્તવિક ઓળખને દર્શાવવાના હેતુથી સરકારે જૂના બિલને હિન્દીમાં નામ આપ્યું છે.”
आखिर बिल के नाम हिन्दी में क्यों रखे जा रहे हैं?
— SansadTV (@sansad_tv) December 5, 2024
नागर विमानन मंत्री @RamMNK ने बताया भारतीय भाषाओं में विधेयकों के नाम रखने से भारतीय संस्कृति और विरासत को ही बढ़ावा मिल जा रहा है.@MoCA_GoI #BharatiyaVayuyanVidheyak pic.twitter.com/cpaKOz82ZQ
તેમણે કહ્યું, “પીએમ મોદીના નેતૃત્વમાં, અમે સંસ્થાનવાદના કોશેટાને તોડીને ભારતના સાચા રંગો બતાવવા માંગીએ છીએ. ભારતીય વાયુયાન વિધાયક પણ ઘણી ભાષાઓનું મિશ્રણ છે. હું તેલુગુ છું અને મને મારી ભાષા પર ગર્વ છે. આ હોવા છતાં, હું હિન્દી નામનું સમર્થન કરું છું કારણ કે ભારતને તેલુગુમાં પણ ભારત જ કહેવામાં આવે છે, વાયુ ને તેલુગુમાં પણ વાયુ જ કહેવામાં આવે છે તેથી જ મારા માટે બિલનું નામ અડધું તેલુગુ છે.”
વધુમાં, તેમણે કહ્યું કે ઘણા લોકો વારંવાર તેમના નામનું ભૂલથી ખોટું ઉચ્ચારણ કરે છે કારણ કે તેઓ ‘કિંજરાપુ’ એવો શુદ્ધ ઉચ્ચારણ કરી શકતા નથી. પરંતુ તેનો અર્થ એ નથી કે તે તેમનું નામ એટલે તેમની મૂળ ઓળખ બદલી નાખે. તેમણે કહ્યું કે “લોકોને ધીમે ધીમે તેની આદત પડી જશે.”
ભારતમાં એરક્રાફ્ટ એક્ટ વર્ષ 1934માં ઘડવામાં આવ્યો હતો, ત્યારથી તેમાં 21 વખત સુધારો કરવામાં આવ્યો છે. હવે એરક્રાફ્ટ એક્ટ, 1934નું ભારતીય વાયુયાન વિધેયકમાં રૂપાંતરણ થશે. પરંતુ 1943ના એક્ટની મોટાભાગની જોગવાઈઓ જાળવી રાખવામાં આવી છે. આ એક્ટ સલામતીની દેખરેખ રાખવા અને નિયમનકારી કાર્યો કરવા માટે DGCA, સુરક્ષાની દેખરેખ માટે BCAS અને અકસ્માતોની તપાસ માટે AAIB ની સ્થાપના કરવાનું સૂચવે છે.
ભારતીય વાયુયાન વિધેયક એરક્રાફ્ટની ડિઝાઇન, ઉત્પાદન, જાળવણી, કબજો, ઉપયોગ, સંચાલન, વેચાણ, નિકાસ અને આયાત અને તેની સાથે સંબંધિત બાબતોનું નિયમન અને નિયંત્રણ કરશે. આ બિલમાં તાજેતરમાં થઇ રહેલ નવા ગુના અને તેના માટેના દંડનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ બિલ 6 ડિસેમ્બર 2024ના રોજ ઉપલા ગૃહમાં પસાર કરવામાં આવ્યો હતો.