વર્તમાનમાં તમિલનાડુ (Tamil Nadu) અને કેન્દ્ર સરકાર વચ્ચે ભાષા અંગેનો વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આ વિવાદ વચ્ચે જ Zoho કંપનીના ચીફ સાયન્ટીસ્ટ શ્રીધર વેમ્બુએ (Shridhar Vembu) તમિલ ભાષી ઇજનેરો અને ઉદ્યોગસાહસિકોને હિન્દી (Hindi Language) શીખવાની અપીલ કરી છે. તેમનું કહેવું છે કે તમિલનાડુના ગ્રામીણ વિસ્તારોમાં કામ કરતા એન્જિનિયરો માટે હિન્દી ન આવડવું એ એક મોટો ગેરલાભ હોઈ શકે છે.
શ્રીધર વેમ્બુએ જણાવ્યું હતું કે Zohoનો ઝડપથી વિકસતો વ્યવસાય મુંબઈ, દિલ્હી અને ગુજરાત સુધી ફેલાયેલો છે. આ શહેરોના ગ્રાહકો સાથે પ્રભાવી વાતચીત કરવા માટે અને ગ્રામીણ તમિલનાડુમાં રોજગાર માટે હિન્દી આવડવું જરૂરી છે. હિન્દી ન આવડતી હોવાથી ઘણા એન્જિનિયરોને સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
તેમણે લખ્યું હતું કે, “ભારતમાં ઝોહો ઝડપથી વિકસી રહ્યું છે, તેથી અમારી પાસે તમિલનાડુમાં ગ્રામીણ ઇજનેરો છે જે મુંબઈ અને દિલ્હીના ગ્રાહકો સાથે નજીકથી કામ કરે છે – તેથી અમારો મોટાભાગનો વ્યવસાય આ શહેરો અને ગુજરાતમાંથી આવે છે. તમિલનાડુમાં ગ્રામીણ નોકરીઓ અમારા પર નિર્ભર છે કે અમે તે ગ્રાહકોને સારી રીતે સેવા આપીએ છીએ. તમિલનાડુમાં હિન્દી ન જાણવું ઘણીવાર અમારા માટે એક ગંભીર અવરોધ બની જાય છે,”
As Zoho grows rapidly in India, we have rural engineers in Tamil Nadu working closely with customers in Mumbai and Delhi – so much of our business is driven form these cities and from Gujarat. Rural jobs in Tamil Nadu depend on us serving those customers well.
— Sridhar Vembu (@svembu) February 25, 2025
Not knowing Hindi…
પોતાની હિન્દી શીખવાની સફર વિશે વાત કરતાં તેમણે કહ્યું કે તેઓ છેલ્લા પાંચ વર્ષમાં હિન્દી વાંચવાનું શીખ્યા છે અને હવે તેઓ તેમાંથી 20% સુધી સમજી શકે છે. તેમણે કહ્યું હતું કે, “ભારત એક ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા હોવાથી, તમિલનાડુના ઇજનેરો અને ઉદ્યોગસાહસિકો માટે હિન્દી શીખવું સમજદારીભર્યું રહેશે.” તેમણે તમિલનાડુના લોકોને હિન્દી શીખવાની સલાહ આપી અને કહ્યું કે ભાષા શીખવાને રાજકારણથી અલગ રાખવી જોઈએ. તેણે કહ્યું, “ચાલો હિન્દી શીખીએ!”
Zohoના ચીફ શ્રીધર વેમ્બુનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ડીએમકેના ધારાસભ્ય શંકરનકોવિલ અને તેમના સમર્થકોએ રેલવે સ્ટેશનો પર લખેલા હિન્દી શબ્દો પર કાળો રંગ પોતી દીધો હતો. આ વિરોધ ત્રણ-ભાષા નીતિ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) સામે હતો.
તમિલનાડુ સરકાર કેન્દ્ર સરકાર પર બળજબરીપૂર્વક હિન્દી લાદવાનો આરોપ લગાવીને તેનો વિરોધ કરી રહી છે. તે જ સમયે, ભાજપે એમકે સ્ટાલિન સરકારની ટીકા કરી છે. તમિલનાડુ ભાજપના પ્રમુખ કે અન્નામલાઈએ કહ્યું કે NEP ત્રિભાષી મોડેલમાં હિન્દી ફરજિયાત બનાવવામાં આવી નથી, તેમ છતાં સ્ટાલિન અને DMK NEP પર હોબાળો મચાવી રહ્યા છે.