છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં રહેલા ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) સંભલમાં (Sambhal) ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ ટીમ (ASI) દ્વારા કેટલાંક સ્થળોએ સરવેનું કામ કરવામાં આવ્યું. આ કામગીરી શુક્રવારે (20 ડિસેમ્બર, 2024) વહેલી સવારે શરૂ કરવામાં આવી હતી. સરવેની નક્કી તારીખના દિવસે જુમ્મા (શુક્રવાર) હોવાથી કામગીરી એકદમ ગોપનીય રાખવામાં આવી હતી. સર્વેક્ષણ ટીમ સાથે પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ સરવેનું કામ કુલ 5 તીર્થો અને 19 કુવાઓમાં કરવામાં આવ્યું. આ તીર્થોમાં થોડા સમય પહેલાં પ્રશાસન દ્વારા 46 વર્ષ બાદ ખોલવામાં આવેલું ખગ્ગુસરાય ખાતેથી મળી આવેલું શિવ મંદિર પણ સામેલ હતું. આ સરવે વહેલી સવારે 6 વાગ્યે શરૂ કરવામાં આવ્યો હતો. સરવે ટીમે ભદ્રકાશ્રમ, સ્વર્ગદીપ, ચક્રપાણી, પ્રાચીન સ્મશાન મંદિર અને 19 કુવાઓ પર સરવે કર્યો. ત્યારબાદ સર્વેક્ષણ ટીમ સદીઓ જૂના શિવાલય પર પહોંચી અને ત્યાં પણ નિરીક્ષણ કર્યું.
7થી 8 કલાક ચાલ્યો સરવે
આ મામલે સંભલના જિલ્લાઅધિકારી રાજેન્દ્ર પેંસિયાએ જણાવ્યું કે, “શુક્રવારે સવારે 6 વાગ્યે શરૂ કરવામાં આવેલું સરવેનું કાર્ય બપોરે 3 વાગતાં પૂર્ણ થયું. આ સરવે તીર્થો અને કૂવાનો કરવામાં આવ્યો જે ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. સાથે-સાથે તે મંદિરને પણ સરવેમાં સામેલ કરવામાં આવ્યું જે થોડા સમય પહેલાં જ મળી આવ્યું હતું. આ સરવેનું કાર્ય 7થી 8 કલાક ચાલ્યું હતું.”
તેમણે વધુમાં જણાવ્યું કે, “આ સરવે બધાની સામે જ કરવામાં આવ્યો. સરવે ટીમમાં 4 લોકો હતા અને તેઓ આજે રાત્રે કે પછી આવતીકાલે બપોર સુધીમાં અહીંથી રિપોર્ટ તૈયાર કરીને રવાના થઈ જશે. આખી પ્રક્રિયામાં સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. નવા મંદિરને લઈને હજુ સંપૂર્ણ માહિતીઓ સામે નથી આવી, ટીમને મળ્યા બાદ જ કશું કહી શકાશે.”
નોંધનીય છે કે ગયા મહિને સંભલની શાહી જામા મસ્જિદમાં સરવે કરવા ગયેલી ASI ટીમ પર હુમલો અને ત્યારબાદ ફાટી નીકળેલી હિંસાને ધ્યાનમાં લઈને આખી કામગીરી ગુપ્ત રાખવામાં આવી હતી. મીડિયાકર્મીઓને પણ આ કામગીરીથી દૂર રાખવામાં આવ્યા હતા. હિંસા બાદ નવા મળી આવેલા સદીઓ જૂના મંદિરે પણ થોડા સમયથી સંભલને ચર્ચામાં રાખ્યું છે. ટીમના રિપોર્ટ તૈયાર કરાયા બાદ જાણી શકાશે કે મંદિર કેટલું જૂનું છે.