ઉત્તર પ્રદેશના સંભલમાં ખગ્ગુસરાય વિસ્તારમાં (Khaggu Sarai, Sambhal) ગત શનિવારે (14 ડિસેમ્બર 2024) જિલ્લા પ્રશાસનની ટીમ અતિક્રમણ (Encroachment) ચિન્હિત કરવા માટે અને વીજચોરી (Electricity theft) પકડવા માટે પહોંચી ત્યારે અહીં તેમને દાયકાઓથી બંધ સદીઓ જૂનું મંદિર અને તેની બહાર એક કૂવો (Well) મળી આવ્યો હતો. ત્યારે હવે આ કૂવામાં ખોદકામ કરતા તેમાંથી કેટલીક મૂર્તિઓ (Hindu God Idols)મળી આવી હતી. આ મૂર્તિઓ ભગવાન ગણેશ, કાર્તિકેય અને માતા પાર્વતીની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સંભલના મંદિર પાસેના કૂવામાંથી મૂર્તિઓ મળી આવતા સ્થાનિક હિંદુ ભક્તોમાં કુતૂહલ સર્જાયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સંભલના મંદિર પાસેના કૂવામાંથી ખોદકામ કરતા 15થી 20 ફૂટમાં જ આ મૂર્તિઓ મળી આવી હતી. મૂર્તિઓ મળતાની સાથે જ પ્રશાસન હરકતમાં આવ્યું અને આખા વિસ્તારને કોર્ડન કરીને ખોદકામ રોકી દેવામાં આવ્યું. જેથી કરીને આગળ સુરક્ષિત રીતે વધારાનું ખોદકામ કરી શકાય. આ મામલે ASP શ્રીશચંદે જણાવ્યું હતું કે હાલ આ મૂર્તિઓને સુરક્ષિત રીતે રીકવર કરી દેવામાં આવી છે અને તેને તપાસ અર્થે મોકલવાની તૈયારીઓ કરવામાં આવી છે.
BREAKING | संभल में कुएं को प्रशासन ने लोहे के गेट से ढका, सुनिए क्या बोले संभल के ASP? @journosnehlata | @DivyankarTiwari | https://t.co/smwhXURgtc #Sambhal #Devotees #Temple #LatestNews pic.twitter.com/7XF4OczuZQ
— ABP News (@ABPNews) December 16, 2024
તેમણે વધુમાં જણાવ્યું કે, “જે મૂર્તિઓ મળી આવી છે તેમાં ભગવાન ગણેશ, ભગવાન કાર્તિકેય અને માતા પાર્વતી એમ ત્રણ મૂર્તિઓ મળી છે. આ મૂર્તિઓ કેટલી જૂની છે તે હમણાં નહીં જણાવી શકાય, પરંતુ તેને તપાસ અર્થે મોકલી આપવામાં આવી છે.” અધિકારીના જણાવ્યા અનુસાર અહીં કૂવામાં આગળ પણ ખોદકામ કરવામાં આવશે. બીજી તરફ મૂર્તિઓ મળી આવતા ભક્તોમાં આનંદની લહેર છે અને મંદિરમાં ભજન-કીર્તન કરવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા જયારે પ્રશાસને બંધ પડેલા મંદિરના કપાટ ખોલ્યા ત્યારે તેમાં શિવલિંગ, નંદી મહારાજ અને ભગવાન હનુમાનજીની મૂર્તિ જોવા મળી હતી. હિંદુ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જ્યાં પણ શિવાલયનું નિર્માણ કરવામાં આવે છે, ત્યાં શિવ પરિવારને સ્થાપિત કરવામાં આવે છે. શિવ પરિવારમાં ભગવાન શિવ, માતા પાર્વતી, ભગવાન ગણેશ અને કાર્તિકેયનો સમાવેશ થાય છે.
મંદિર ખોલવા પર ભગવાનના બાકીના પરિવારના કોઈ ચિહ્ન નહોતા મળ્યા, પરંતુ દબાણ કરીને બુરી દેવામાં આવેલા કૂવામાંથી મળી આવેલી મૂર્તિઓ શિવ પરિવારની છે. હવે આ મૂર્તિઓ ખંડિત હતી એટલે પધરાવી દેવામાં આવી હતી કે પછી કોઈએ જાણી જોઇને તેને કૂવામાં દાટી દીધી હતી તે તપાસનો વિષય છે.