Tuesday, February 25, 2025
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિ1978માં બંધ થઈ ગયેલા મંદિરનાં કપાટ છેક હમણાં ખૂલ્યાં: વાંચો ચાર દાયકા...

    1978માં બંધ થઈ ગયેલા મંદિરનાં કપાટ છેક હમણાં ખૂલ્યાં: વાંચો ચાર દાયકા પહેલાં સંભલમાં શું બન્યું હતું, જેના કારણે હિંદુઓએ કરવું પડ્યું પલાયન અને મંદિરને લાગી ગયાં તાળાં

    હાલ આ મંદિરમાં દિવ્ય શિવલિંગ છે. તેમની સામેની તરફ નંદી મહારાજની મૂર્તિ છે. એક તરફ હનુમાનજી મહારાજની અતિ દિવ્ય કૃતિ બિરાજમાન છે. હનુમાનજી અહીં વીર મુદ્રામાં દર્શન આપી રહ્યા છે, તેમના એક હાથમાં ગદા તો બીજા હાથમાં પહાડ છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના સંભલમાં (Sambhal) શનિવારે (14 ડિસેમ્બર) એક અસામાન્ય ઘટના બની. અહીં તાજેતરમાં થયેલી ઇસ્લામી હિંસા બાદ જિલ્લા પ્રશાસનની ટીમ અતિક્રમણ ચિન્હિત કરવા માટે અને વીજચોરી પકડવા માટે પહોંચી હતી, પણ આ દરમિયાન તેમને એક બંધ પડેલું મકાન મળી આવ્યું. જરા અંદર જઈને જોયું તો જાણવા મળ્યું કે આ મકાન બીજું કશું જ નહીં પણ એક મંદિર (Mandir) છે અને તે પણ અતિપ્રાચીન. મંદિરમાંથી હનુમાનજીની પ્રતિમા, શિવલિંગ અને નંદી મળી આવ્યાં. ત્યારબાદ અધિકારીઓએ ત્યાં જ સાફસફાઈ કરાવી અને હવે પૂજાપાઠ પણ શરૂ થઈ ગયા છે. આ જ મંદિર પાસેથી એક કૂવો પણ મળી આવ્યો છે, જે પૂરી દેવામાં આવ્યો હતો.

    કહેવામાં આવી રહ્યું છે કે આ મંદિર અંદાજે 400 વર્ષ જૂનું છે અને તે લગભગ 46 વર્ષથી બંધ પડ્યું હતું. જે મહોલ્લામાં મંદિર છે તે મહોલ્લામાં માત્ર મુસ્લિમોની વસ્તી છે. સમાજવાદી પાર્ટી સાંસદ ઝિયાઉર રહેમાન બર્કના નિવાસસ્થાનથી માત્ર 200 મીટર અંતરે મંદિર આવેલું છે. તો પ્રશ્ન એ થાય કે આખરે શા માટે ચાર-ચાર દાયકાઓથી મંદિર શા માટે બંધ પડી રહ્યું અને એવું શું થયું હતું કે તેનાં કપાટ કાયમ માટે બંધ થઈ ગયાં?

    સવાલનો જવાબ મેળવવા 46 વર્ષ પહેલાંની લોહિયાળ ઘટનાઓ તરફ જઈએ તે પહેલાં એક વાર મંદિરની વર્તમાન સ્થિતિ પર નજર કરી લઈએ. હાલ આ મંદિરમાં દિવ્ય શિવલિંગ છે. તેમની સામેની તરફ નંદી મહારાજની મૂર્તિ છે. એક તરફ હનુમાનજી મહારાજની અતિ દિવ્ય કૃતિ બિરાજમાન છે. હનુમાનજી અહીં વીર મુદ્રામાં દર્શન આપી રહ્યા છે, તેમના એક હાથમાં ગદા તો બીજા હાથમાં પહાડ છે. દાયકાઓ પહેલાં થયેલો સિંદુરી લેપ યથાવત છે. આમ તો રવિવારે મંદિરમાં દાયકાઓ બાદ આરતી કરવામાં આવી, પરંતુ શનિવારે આખું ગર્ભગૃહ ધૂળધાણી હતું. જે ફોટા સામે આવ્યા તેમાં દેશનાં અન્ય મંદિરોની માફક ઘુમ્મટ તોડી પાડવામાં આવ્યો હોય તેમ શિખર અધૂરું નજરે પડી રહ્યું હતું. શિખરની ઉપર પણ બાજુની ઈમારતની છત નજરે પડી રહી હતી.

    - Advertisement -

    પ્રશાસન પણ મંદિર જોઈ અચરજમાં

    જેટલું જૂનું અને જર્જરિત મંદિર છે, એટલા જ જૂના તેના કપાટ છે. આ મંદિરની નજીકમાં જ એક કૂવો પણ છે, જેના પર એક રેમ્પ બનાવી દેવામાં આવ્યો છે. વીજ ચોરી પકડવા પહોંચેલા અધિકારીઓ આ મંદિર જોઇને ચોંકી ઉઠ્યા હતા. ડીએમ રાજેન્દ્ર પેંસિયાએ આ મંદિર વિશે જણાવતાં કહ્યું હતું કે, “મંદિર ઉપર અતિક્રમણ કરવામાં આવ્યું હતું. તેની સાફસફાઈ કરવામાં આવી રહી છે. આ વિસ્તારમાં મુસ્લિમ વસ્તી જ રહે છે. જેમણે અતિક્રમણ કર્યું હતું તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને આવા કબજા ઘણા ઠેકાણે કરવામાં આવ્યા હોય તો તેમને ભૂમાફિયા તરીકે ચિહ્નિત કરવામાં આવશે.”

    રાજેન્દ્ર કુમારે મીડિયાને જણાવતા તેમ પણ કહ્યું હતું કે આ મંદિર 400 વર્ષથી પણ જૂનું હોઈ શકે છે. જો વીજચોરી પકડવાનું અભિયાન ન ચાલ્યું હોત અને અધિકારીઓને ધ્યાને ન આવ્યું હોત તો થોડા જ સમયમાં આ મંદિર પર કબજો કરી દેવાની તૈયારીઓ કરી દેવામાં આવી હતી. આસપાસની ઈમારતોનો અજગર મંદિરને ગળી જવાની તૈયારીમાં હતો. અને જો આમ થયું હોત, તો સદીઓ જૂનું હિંદુઓનું આ આસ્થાનું કેન્દ્ર હતું-નહોતું થઈ જાત, પણ ખેર ઈશ્વરને તે મંજૂર નહીં હોય અને ફરી અસ્તિત્વમાં આવ્યું. ભારે પોલીસ કાફલા સાથે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા છે અને હવે અહીં પૂજા-અર્ચના પણ શરૂ કરવામાં આવી છે.

    નજર ઇતિહાસના એ ભાગ પર, જેની સાથે જોડાયેલા છે મંદિરના તાર

    આ તો થઇ મંદિરની વર્તમાન સ્થિતિની વાત. હવે મંદિર આ સ્થિતિમાં પહોંચ્યું કેવી રીતે તે તરફ જઈએ. તેના માટે ચાર દાયકા પાછળ જવું પડે. વાત છે 46 વર્ષ પહેલાં, એટલે કે 1978ની. આ વર્ષ પછી મંદિરના કપાટ બંધ થઈ ગયા હતા. એક સમયે હિંદુઓના કોલાહલથી ગુંજતો સંભલનો આ વિસ્તાર એવા નરસંહારનો સાક્ષી બન્યો કે, હિંદુઓ પોતાનું સર્વસ્વ ત્યાગીને પલાયન કરવા મજબૂર થઈ ગયા. આમ તો સંભલ એક-બે વાર નહીં, લગભગ 14 વાર હિંસાની આગમાં ભડકે બળ્યું છે. પરંતુ 1976 અને 1978માં થયેલી હિંસાએ અહીંની ડેમોગ્રાફી બદલવામાં મોટો ભાગ ભજવ્યો.

    1976માં થયેલી હિંસામાં હિંદુઓની આસ્થા પર લાગી ગયાં તાળાં

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર સંભલમાં 1976માં વિવાદિત શાહી જામા મસ્જિદ સાથે જોડાયેલા મહોમ્મદ હુસૈન નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. કેટલાક લોકો કહે છે કે તે મસ્જિદના મૌલાના હતા. સંસદીય રેકોર્ડમાં અને કેટલાંક પુસ્તકોમાં આ હત્યા કોઈ હિંદુ યુવાને કરી હોવાના દાવા કરવામાં આવ્યા છે. કહેવામાં આવે છે કે આ હત્યા બાદ સંભલમાં હિંસા ફાટી નીકળી. અગાઉનાં છમકલાં કરતાં આ વખતે હિંસા વિકરાળ હતી. જોતજોતાંમાં આખું સંભલ ભળકે બળ્યું.

    જ્યાં મંદિર મળી આવ્યું, તે ખગ્ગુસરાય વિસ્તારમાં સારી એવી સંખ્યામાં હિંદુઓ પણ રહેતા હતા. તે વખતે ત્યાં મુસ્લિમોની વસ્તી પણ સારી એવી હતી. જોકે હિંસાની આગ એવી ભભૂકી કે હિંદુઓએ જીવ બચાવવા અહીંથી ભાગી જવું પડ્યું. કહેવામાં આવે છે કે 1976માં જ અહીંના મંદિરોમાં તાળાં મારી દેવામાં આવ્યાં. એક સમય એવો આવ્યો કે જે મંદિર બહાર શેરી-ઘર-રસ્તાઓ પર હિંદુઓ સંસ્કૃતના મંત્રોચ્ચાર કરતા સાંભળવા મળતા, ત્યાં માત્ર અરબી અજાનોના અવાજ રહી ગયા. આખેઆખા વિસ્તારથી હિંદુઓ લુપ્ત થઈ ગયા અને વિસ્તાર આખા પર મુસ્લિમોએ કબજો જમાવી લીધો.

    1978ની એ હિંસા, જેણે અહીંથી વધ્યા-ઘટ્યા હિંદુઓનું નામોનિશાન ભૂંસી નાખ્યું

    1976નાં રમખાણોને હજુ કળ નહોતી વળી, ત્યાં જ 1978માં ફરી એકવાર હિંસાનો દાવાનળ ફાટી નીકળ્યો. વાત છે 28 માર્ચ, 1978ની. અહીંની ડિગ્રી કોલેજમાં આયોજિત એક સંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન કેટલાક મુસ્લિમ વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે તેમને આપવામાં આવી રહેલી ઉપાધિઓ આપત્તિજનક છે. હોબાળો વધી ગયો અને સ્થાનિક ‘અગ્રણી’ મંજર અલીની આગેવાનીમાં રમખાણોની શરૂઆત થઈ.

    ત્યારબાદ 29 માર્ચના રોજ ફરી હિંસા ભડકી. આ હિંસા પાછળ મંજર અલીનું ભેજું કામ કરી ગયું. વાસ્તવમાં તે ડિગ્રી કોલેજમાં મેનેજમેન્ટ સમિતિનો સભ્ય બનવા માંગતો હતો. પરંતુ પ્રશાસને તેનેઈ માન્યતા રદ કરી દીધી. તે સમયે 10 હજાર રૂપિયા ભરીને સ્થાયી સભ્યપદ મેળવી શકાતું હતું, પરંતુ મંજર અલીને પદ ન મળતાં તે ઉકળી ઉઠ્યો અને તેણે કોલેજના વિદ્યાર્થીઓને ભડકાવવાનું કાર્ય કર્યું. આખરે તેણે ચાંપેલું તણખલું હિંસાનો ભડકો બનીને ઉભર્યું.

    આમ તો હિંસા આખા શહેરમાં ફેલાઈ હતી. પરંતુ ખગ્ગુસરાય, સરાફા બજાર અને ગંજ વિસ્તારમાં હિંસાએ વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. અહીં વસતા હિંદુઓ હિંસામાં ફસાઈ ગયા. તેવામાં કોઈએ અફવા ફેલાવી કે જામા મસ્જિદના ઈમામની હત્યા કરી દેવામાં આવી છે અને મસ્જિદ તોડવામાં આવી રહી છે. જોતજોતામાં હિંદુઓની હત્યાનો સિલસિલો શરૂ થયો. દાવો કરવામાં આવી રહ્યો છે કે થોડા જ કલાકોમાં 10 થી 12 નિર્દોષ હિંદુઓની કરપીણ હત્યા કરવામાં આવી. તે સમયે લગભગ 169 ફરિયાદો દાખલ કરવામાં આવી હતી, જેમાંથી 3 કેસમાં પોલીસ પોતે ફરિયાદી હતી. હિંસા એટલી વધી ગઈ કે આ વિસ્તારોમાંથી વધ્યા-ઘટ્યા હિંદુઓ પણ પલાયન કરી ગયા.

    ત્યારબાદ પણ હિંસાઓ થતી રહી

    ઉપર જણાવ્યું એમ હિંસા મામલે સંભલનો ઈતિહાસ ભેંકાર અને ભયંકર છે. 1976 અને 1978 બાદ 1992માં બાબરી ધ્વંસ વખતે પણ સંભલ હિંસાના ભરડામાં આવ્યું. એક સમયે જ્યાં હિંદુ-મુસ્લિમ ભાઈ-ભાઈની દુહાઈઓ દેવામાં આવતી, ત્યાં હવે એક આખો સમુદાય બીજા સમુદાયનો લોહીનો તરસ્યો બની ગયો. ઉપરોક્ત વિસ્તારોથી હિંદુઓ પલાયન કરી ગયા અને આખરે મુસ્લિમ સમુદાયના હાથમાં સંભલની કમાન આવી ગઈ. અહીં હિંદુઓનાં ઘર અને તેમની અન્ય સંપત્તિઓ જ નહીં, તેમનાં આસ્થાનાં કેન્દ્રો એવાં મંદિરો અને અન્ય ધાર્મિક સ્થળો પણ હિંસાની આગમાં હોમાઈ ગયાં. ખગ્ગુસરાયમાં મળી આવેલું સદીઓ જૂનું શિવાલય તે વાતની સાબિતી છે.

    શિવાલયની બાજુમાં જ અકીલ અહેમદ નામના વ્યક્તિનું ઘર છે. અકીલ અહેમદનું ઘર એટલું ફૂલ્યું-ફાલ્યું છે કે મંદિરનું શિખર તેની છત નીચે આવી ગયું છે. મંદિર બહારનો કૂવો પણ તેના કબજામાં જોવા મળ્યો. આજે સંભલના 77% ભાગ પર મુસ્લિમ આબાદી વસે છે. એવી અઢળક જગ્યાઓ છે જ્યાં હિંદુઓના ભૂતકાળની નિશાનીઓ આજે પણ અકબંધ હશે. આ મંદિર માત્ર કોઈ હેરિટેજ સાઈટ નથી, હિંદુઓ માટે આશાનું એક કિરણ છે. અહીં શરૂ થયેલી પૂજા-અર્ચના એક રીતે અહીંથી પલાયન થઈ ચૂકેલા હિંદુઓના અસ્તિત્વ પર મારવામાં આવેલી મહોર છે. જે લોકો ચાલ્યા ગયા છે, તેઓ કદાચ આજે નહીં પણ હોય તો તેમના વંશજોમાં એક લાગણી ચોક્કસ સળવળી હશે કે એક સમય હતો જ્યારે સંભલના કેટલાક વિસ્તારોમાં તેમના પૂર્વજો સુખ-ચેનથી રહેતા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં