Friday, March 21, 2025
More

    સંભલના મંદિરમાં 46 વર્ષ બાદ ફરી શરૂ થઈ પૂજા-આરતી, શ્રદ્ધાળુઓ ઉમટ્યા: અતિક્રમણવિરોધી ડ્રાઇવ દરમિયાન મળી આવ્યું હતું મંદિર

    તાજેતરમાં વીજચોરી અને અતિક્રમણ સામેની ડ્રાઇવ દરમિયાન ઉત્તર પ્રદેશના સંભલમાં મુસ્લિમ બહુમતી વિસ્તારમાં એક હિંદુ મંદિર મળી આવ્યું હતું. મંદિર લગભગ 4 દાયકાથી બંધ પડી રહ્યું હોવાનું કહેવાય છે. પરંતુ હવે તેમાં પૂજા-આરતી શરૂ થઈ ગયાં છે. 

    રવિવારે (15 ડિસેમ્બર) સવારે સંભલના આ હનુમાન મંદિરમાં આરતી કરવામાં આવી હતી. જેમાં ઘણા લોકોએ ભાગ લીધો. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

    બીજી તરફ, સંવેદનશીલતાને જોતાં સ્થાનિક પોલીસ તંત્રે અહીં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. શનિવારે મંદિર મળી આવ્યા બાદથી જ અહીં પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. બીજી તરફ, અતિક્રમણવિરોધી ડ્રાઇવ સતત ચાલી રહી છે. 

    ઉલ્લેખનીય છે કે આ મંદિર શનિવારે એક ડ્રાઇવ દરમિયાન અધિકારીઓને મળ્યું હતું. બંધ પડી રહેલા મકાનના કપાટ ખોલવામાં આવ્યા ત્યારે અંદરથી હનુમાનજીની મૂર્તિ મળી આવી. સાથે શિવલિંગ અને નંદી પણ હતાં. ત્યારબાદ સામેથી એક કૂવો પણ મળી આવ્યો, જેને પૂરી દેવામાં આવ્યો હતો.