ઉત્તર પ્રદેશના સંભલમાં (Sambhal) વીજળી ચોરીવિરોધી અભિયાન દરમિયાન સ્થાનિક પ્રશાસન અને પોલીસને એક હિંદુ મંદિર મળી આવ્યું છે. મુસ્લિમ બહુમતી વિસ્તારમાં સ્થિત આ મંદિર (Hindu Temple) લગભગ ચાળીસ વર્ષથી બંધ હાલતમાં પડી રહ્યું હતું. પોલીસે મંદિર ખોલાવીને સાફસફાઈ કરાવી હતી. મંદિરની સામેથી એક કૂવો પણ મળી આવ્યો છે.
વધુ વિગતો એવી છે કે, તાજેતરમાં સંભલની જામા મસ્જિદમાં કોર્ટના આદેશ બાદ સરવે કરવા પહોંચેલી અધિકારીઓની ટીમ પર સ્થાનિક મુસ્લિમોનાં ટોળાંએ હુમલો કરી દીધો હતો. આ ઘટના બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરતાં જાણવા મળ્યું કે, વિસ્તારમાં વીજચોરી પણ બહુ મોટા પ્રમાણમાં થઈ રહી છે. ત્યારબાદ જિલ્લા પ્રશાસન અને પોલીસે મળીને શનિવારે (14 ડિસેમ્બર) વીજચોરી પકડવા માટે એક ખાસ ડ્રાઈવ શરૂ કરી હતી.
#WATCH | Uttar Pradesh: A temple has been reopened in Sambhal.
— ANI (@ANI) December 14, 2024
Patron of Nagar Hindu Sabha, Vishnu Sharan Rastogi claims that the temple has been re-opened after 1978. pic.twitter.com/UQdzODtuYa
આ ડ્રાઇવ દરમિયાન જ અધિકારીઓને એક મકાન મળી આવ્યું, જે બંધ હાલતમાં હતું. તેનાં કપાટ ખોલવામાં આવ્યાં તો અંદર ભગવાન હનુમાનજીની મૂર્તિ હતી અને સાથે શિવલિંગ અને નંદી પણ મળી આવ્યાં. ભગવાનને જોતાં તાત્કાલિક ત્યાં જે હાજર હતા તે પોલીસ અધિકારીઓએ ક્ષણનો વિલંબ કર્યા વગર સાફસફાઈ કરવાની શરૂ કરી દીધી હતી.
રિપોર્ટ અનુસાર, આ મંદિર મુસ્લિમ બહુમતી વિસ્તારમાંથી મળી આવ્યું છે. ઉપરાંત, તે સમાજવાદી પાર્ટીના સાંસદ ઝિયાઉર રહેમાન બર્કના ઘરથી માત્ર 200 મીટર અંતર પર જ સ્થિત છે.
અધિકારીઓ જ્યારે મંદિરની સાફસફાઈ કરી રહ્યા હતા ત્યારે સ્થાનિકોએ તેમને જણાવ્યું કે, મંદિરની સામે એક કૂવો પણ હતો, જેની ઉપર રેમ્પ બનાવી દેવામાં આવ્યો છે. ત્યારબાદ રેમ્પ હટાવવામાં આવ્યો તો કૂવો પણ મળી આવ્યો હતો.
મંદિરને લઈને વધુ જાણકારી આપતાં ડીએમ રાજેન્દ્ર પેંસિયાએ જણાવ્યું કે, “અહીં વીજચોરીની ઘટનાઓ બહુ જોવા મળતી હતી, જેથી અમે ચેકિંગ માટે આવ્યા હતા. અહીં અમને એક મંદિર મળી આવ્યું છે, જેની ઉપર અતિક્રમણ કરવામાં આવ્યું હતું. તેની સાફસફાઈ કરવામાં આવી રહી છે. બીજું, અહીં એક કૂવો મળી આવ્યો છે, જેની ઉપર રેમ્પ બનાવી દેવાયો હતો. અમને તો ખબર ન હતી, પણ એક વ્યક્તિએ આવીને અમને જણાવ્યું. અમે રેમ્પ હટાવ્યો તો અહીં કૂવો મળી આવ્યો હતો.”
#WATCH | Sambhal, UP: DM Sambhal, Dr Rajender Pensiya says, "When we were carrying out a campaign against the electricity theft in the area, we found a temple which was encroached. We are cleaning the temple and a ramp was constructed upon the ancient well…When we lifted the… pic.twitter.com/Ud1FCHGQLJ
— ANI (@ANI) December 14, 2024
તેમણે જણાવ્યું કે, “આ વિસ્તારમાં મુસ્લિમ વસ્તી જ રહે છે.” અધિકારીએ જણાવ્યું કે, મંદિર હિંદુ સમાજને સોંપી દેવામાં આવશે. તેઓ મંદિર શરૂ કરે અને પૂજાપાઠ શરૂ કરે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવશે.
અધિકારીએ જણાવ્યું હતું કે, “જેમણે અતિક્રમણ કર્યું હતું તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને આવા કબજા ઘણા ઠેકાણે કરવામાં આવ્યા હોય તો તેમને ભૂમાફિયા તરીકે ચિહ્નિત કરવામાં આવશે.”
મંદિર કેટલું જૂનું છે તે પ્રશ્ન પર અધિકારીએ કહ્યું કે, “અહીંના સ્થાનિક હિંદુઓ કહે છે કે તેમના દાદા-પરદાદાઓ અહીં પૂજા કરવા માટે આવતા હતા. તેમનું કહેવું છે કે મંદિર ચારસોથી પાંચસો વર્ષ પ્રાચીન છે. હવે આ ASIનો વિષય છે. તેઓ કાર્બન ડેટિંગ કરીને મંદિર કેટલું જૂનું છે એ નક્કી કરશે. અમે ASIને આ બાબતે જાણ કરીશું.”
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 1978 સુધી આ મંદિર ખુલ્લું હતું. ત્યારબાદ અહીં રમખાણો થયાં અને હિંદુઓ પલાયન કરી ગયા હતા. ત્યારબાદ મંદિર પર કબજો કરી લેવામાં આવ્યો અને ત્યારથી બંધ પડ્યું હતું. આખરે ચાર દાયકા બાદ ફરી ખૂલ્યું છે.
મંદિર મળી આવતાં સ્થાનિક હિંદુઓમાં ખુશીનો માહોલ છે. તેમણે મૂર્તિઓની સાફસફાઈ કરીને પૂજાવિધિ શરૂ કરી દીધી છે.