Wednesday, December 4, 2024
More
    હોમપેજદેશ‘1920થી ‘સંરક્ષિત સ્મારક’, છતાં અનેક વખત થયા ફેરફારો’: સંભલ જામા મસ્જિદ કેસમાં...

    ‘1920થી ‘સંરક્ષિત સ્મારક’, છતાં અનેક વખત થયા ફેરફારો’: સંભલ જામા મસ્જિદ કેસમાં ASIના એફિડેવિટથી ખુલી પોલ, કહ્યું- અધિકારીઓના પ્રવેશ પર પણ હતી રોક

    એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે, ASI અધિકારીઓને તપાસ માટે કે નિરીક્ષણ માટે પણ મસ્જિદમાં પ્રવેશવાની પરવાનગી આપવામાં આવતી નહોતી. ઘણા વર્ષો સુધી ASI પર નિરીક્ષણ માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

    - Advertisement -

    સંભલ (Sambhal) સ્થિત જામા મસ્જિદ-હરિહર મંદિર વિવાદમાં (Jama Masjid-Harihar Temple Controversy) હવે ASIએ સંભલની સ્થાનિક કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે. ASIના અધિક્ષક પુરાતત્વવિદ (Superintending Archaeologist) વીએસ રાવતે દાખલ કરેલા આ સોગંદનામાંમાં (Affidavit) અનેક બાબતો સામે આવીને ઊભી રહી છે. સૌથી મહત્વની બાબત તે છે કે, વર્ષ 1920માં સંભલની વિવાદિત જામા મસ્જિદને ‘સંરક્ષિત સ્મારક’ ઘોષિત કરવામાં આવી હતી. તેમ છતાં મસ્જિદ કમિટીએ નિયમોથી ઉપરવટ જઈને વારંવાર તેના માળખામાં બદલાવ કર્યા છે. જે સ્પષ્ટ રીતે ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ અથવા તો તેને છુપાવવા તરફ ઈશારો કરે છે.

    એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે, ASI (Archaeological Survey of India) અધિકારીઓને તપાસ માટે કે નિરીક્ષણ માટે પણ મસ્જિદમાં પ્રવેશવાની પરવાનગી આપવામાં આવતી નહોતી. ઘણાં વર્ષો સુધી ASI પર નિરીક્ષણ માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આ સાથે સોગંદનામાંમાં એ પણ કહેવાયું છે કે, મસ્જિદ પ્રબંધન કમિટીએ મસ્જિદની અંદર ઘણા હસ્તક્ષેપ કર્યા છે અને ઘણા બદલાવ પણ કર્યા છે. જોકે, રાવતે કહ્યું છે કે, વારંવાર બદલાવની આ પ્રક્રિયાને લઈને ASIએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં FIR પણ નોંધાવી હતી.

    ‘ASIના અધિકારીઓને મસ્જિદમાં પ્રવેશની નહોતી મળતી મંજૂરી’

    સોગંદનામાંમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, ASIની ટીમે એક વખત 1998માં અને ત્યારબાદ જૂન 2024માં વિવાદિત મસ્જિદનું નિરીક્ષણ કર્યું હતું. સોગંદનમાંમાં લખવામાં આવ્યું છે કે, “અરજીના ચોથા અને પાંચમા ફકરાના જવાબમાં તે પ્રસ્તુત કરવામાં આવે છે કે, ASI માટે પણ સ્થિતિ ખૂબ અઘરી હતી. ત્યાં સુધી કે ASIના અધિકારીઓને નિરીક્ષણ માટે મસ્જિદમાં પ્રવેશ પણ આપવામાં આવતો નહોતો. જોકે, જિલ્લા વહીવટીતંત્રની મદદથી ASIએ સમય-સમયે સ્મારકનું નિરીક્ષણ કર્યું હતું. ASIની ટીમે વર્ષ 1998માં સ્મારકનું નિરીક્ષણ કર્યું હતું.”

    - Advertisement -

    વધુમાં કહેવાયું છે કે, “ASI ટીમે તાજેતરમાં 25 જૂન, 2024માં પણ નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ નોંધની એક નકલ સાથે સંલગ્ન કરવામાં આવી છે.” વધુમાં ASI મેરઠ સર્કલના અધિક્ષણ પુરાતત્વવિદે કહ્યું કે, સંભલ જામા મસ્જિદ પ્રબંધન કમિટીએ વિવાદિત મસ્જિદમાં અનેક વખત હસ્તક્ષેપ અને બદલાવ કર્યો છે. તે સિવાય રાવતે કહ્યું કે, મસ્જિદ કમિટીએ ASIની ટીમને નિરીક્ષણ કરવા પર રોકી હતી, જેના કારણે ASIને મસ્જિદની હાલની સ્થિતિ વિશે કોઈ ખ્યાલ નથી.

    સોગંદનામાંમાં કહેવાયું છે કે, “જૂન, 2024ના મહિનામાં ASI અધિકારીઓએ કરેલા નિરીક્ષણમાં વિવાદિત સ્મારકમાં કરવામાં આવેલા હસ્તક્ષેપોની નોંધ લેવામાં આવી હતી. તે નિરીક્ષણ નોંધની એક પ્રત પણ સાથે જોડવામાં આવી છે. જોકે, નિરીક્ષણ માટે ASIની ટીમ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, તેથી વર્તમાન સ્થિતિ અને કરવામાં આવેલા પરિવર્તન વિશે ASI પાસે કોઈ જાણકારી નથી.”

    1920માં વિવાદિત સ્થળને ‘સંરક્ષિત સ્મારક’ ઘોષિત કરાયું હતું

    નોંધવા જેવું છે કે, 22 ડિસેમ્બર, 1920ના રોજ અધિનિયમની કલમ 3(3) હેઠળ સંયુક્ત પ્રાંત સરકારના સચિવ દ્વારા જારી કરવામાં આવેલી અધિસૂચનામાં વિવાદિત સ્થળને ‘સંરક્ષિત સ્મારક’ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. આ હકીકતે ઉપરોક્ત માહિતી કેસમાં નિર્ણાયક સાબિત થઈ શકે તેમ છે. સંભલ જામા મસ્જિદ મામલે અરજદારોએ દલીલ કરી છે કે, વિવાદિત સ્થળ સંરક્ષિત સ્મારક હોવા છતાં ASI તેના સંચાલનને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહ્યું છે. અરજદારોની દલીલ છે કે, આ સાઇટને ASIની દેખરેખ અને નિયંત્રણ હેઠળ મૂકવામાં આવી હતી, જેથી તેનું સંચાલન, સંભાળ અને બાકીની તમામ બાબતો કાનૂની સંરક્ષક તરીકે ASI પાસે હોવી જોઈતી હતી.

    સોગંદનામાંમાં થયેલા ઘટસ્ફોટથી હવે એ સવાલો ઉઠી રહ્યા છે કે, ASI સંરક્ષિત સ્મારકનું સંચાલન જામા મસ્જિદ કમિટી દ્વારા કરવામાં આવે તે કેવી રીતે કાયદેસર થયું? અને તે કમિટી ASI દ્વારા જ સંરક્ષિત સ્મારકમાં ASIની ટીમને જ નિરીક્ષણ કરતા કેવી રીતે અટકાવી શકે? સૌથી મોટો પ્રશ્ન એ છે કે, સ્મારકમાં હસ્તક્ષેપ કેમ થયો? મસ્જિદ કમિટી આટલા લાંબા સમયથી શું છુપાવવા માંગે છે અને કેમ?

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં