Sunday, March 15, 2026
More
    હોમપેજદેશવિપક્ષી પ્રોપગેન્ડા, રાજકીય નૈતિકતા અને લોકતાંત્રિક સિદ્ધાંતો...: અમિત શાહે સમજાવ્યું કેમ જરૂરી...

    વિપક્ષી પ્રોપગેન્ડા, રાજકીય નૈતિકતા અને લોકતાંત્રિક સિદ્ધાંતો…: અમિત શાહે સમજાવ્યું કેમ જરૂરી છે 130મુ બંધારણીય સુધારા બિલ

    અમિત શાહનું ANI ઇન્ટરવ્યુ 130મા બંધારણીય સુધારાની જરૂરિયાત અને તેની પાછળની ભાવનાને સ્પષ્ટ કરે છે. શાહે નૈતિકતા, લોકતંત્રની ગરિમા અને કાયદાની સમાનતા પર ભાર મૂકીને આ બિલનો બચાવ કર્યો, સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નૈતિક પ્રતિબદ્ધતાને હાઈલાઈટ કરી.

    - Advertisement -

    દેશના ગૃહમંત્રી અમિત શાહે ANIના પત્રકાર સ્મિતા પ્રકાશ સાથેના એક ઇન્ટરવ્યુમાં 130મા બંધારણીય સુધારા અંગે વિસ્તારથી ચર્ચા કરી છે. આ સુધારો એક નવો કાયદો રજૂ કરે છે, જે મુજબ કોઈ પણ ચૂંટાયેલ પ્રતિનિધિ વડાપ્રધાન, મુખ્યમંત્રી કે કેન્દ્ર કે રાજ્યના મંત્રીઓ જો ગંભીર આરોપો હેઠળ ધરપકડ પામે અને 30 દિવસમાં જામીન ન મળે તો તેમને તેમના પદેથી મુક્ત કરવામાં આવશે. આ બિલે રાજકીય વર્તુળોમાં ઉગ્ર ચર્ચાઓને જન્મ આપ્યો છે અને વિપક્ષે તેનો તીવ્ર વિરોધ કર્યો છે. શાહે આ ઇન્ટરવ્યુમાં બિલની ભાવના, તેની જરૂરિયાત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અભિપ્રાય અને વિપક્ષના વિરોધનો સણસણતો જવાબ આપ્યો હતો.

    130મો બંધારણીય સુધારો: મુખ્ય જોગવાઈ અને વડાપ્રધાનની ભૂમિકા

    130મો બંધારણીય સુધારો એક નવતર કાયદો રજૂ કરે છે, જે ચૂંટાયેલ પ્રતિનિધિઓની જવાબદારી અને નૈતિકતાને સુનિશ્ચિત કરવા માટે રચાયો છે. આ બિલ મુજબ, જો કોઈ વડાપ્રધાન, મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી અથવા રાજ્યના મંત્રી ગંભીર આરોપો—જેમ કે ભ્રષ્ટાચાર, હત્યા, બળાત્કાર, અથવા પાંચ વર્ષથી વધુ સજાને પાત્ર ગુનાઓ—હેઠળ ધરપકડ પામે અને 30 દિવસની અંદર જામીન ન મળે તો તેમને તેમના પદેથી હટાવવામાં આવશે. અમિત શાહે ખાસ ઉલ્લેખ કર્યો છે કે આ બિલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાને પણ સામેલ કર્યા છે, જે દર્શાવે છે કે આ કાયદો કોઈ ચોક્કસ પક્ષ કે વ્યક્તિને લક્ષ્ય બનાવવા માટે નથી, પરંતુ તે સમાન રીતે બધા પર લાગુ થશે. અમિત શાહે એવું પણ કહ્યું છે કે, જો જામીન મળે તો સંબંધિત વ્યક્તિ ફરીથી શપથ લઈને પોતાનું પદ સંભાળી શકે છે.

    શાહે ભારપૂર્વક જણાવ્યું કે આ સુધારો લોકતંત્રની ગરિમા જાળવવા અને નૈતિક મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે, “શું જેલમાંથી વડાપ્રધાન, મુખ્યમંત્રી કે મંત્રી સરકાર ચલાવી શકે? શું આ લોકતંત્રની ગરિમાને શોભે છે?” તેમણે દલીલ કરી કે તાજેતરના સમયમાં કેટલાક નેતાઓએ જેલમાં હોવા છતાં પદ ન છોડવાનું વલણ અપનાવ્યું છે, જે ભારતના લોકતાંત્રિક મૂલ્યોને નુકસાન પહોંચાડે છે.

    - Advertisement -

    વિપક્ષનો વિરોધ: ‘રાજકીય હત્યા’નો આરોપ

    વિપક્ષે ખાસ કરીને કોંગ્રેસ, TMC, અને આમ આદમી પાર્ટી (AAP) જેવા INDI ગઠબંધનના દળોએ આ બિલનો ઉગ્ર વિરોધ કર્યો છે. તેમણે આ બિલને ‘રાજકીય હત્યા’ અને ‘લોકતંત્રની હત્યા’ ગણાવે છે. તેમનું કહેવું છે કે આ બિલ ચૂંટાયેલ પ્રતિનિધિઓના જનાધારને નબળો પાડવાનો સરકારનો પ્રયાસ છે. વિપક્ષનું કહેવું છે કે 30 દિવસમાં જામીન ન મળવાની શરત એ ‘ઇનોસન્ટ અન્ટિલ પ્રૂવન ગિલ્ટી’ના (નિર્દોષ સુધી દોષી સાબિત ન થાય) મૂળભૂત સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે. વિપક્ષનો આરોપ છે કે સરકાર આ બિલનો ઉપયોગ ખાસ કરીને બિન-BJP શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નેતાઓને નિશાન બનાવવા માટે કરશે.

    અમિત શાહે આ આરોપોનો કડક જવાબ આપ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ બિલ NDAના મુખ્યમંત્રીઓ અને વડાપ્રધાન પર પણ લાગુ પડે છે અને તેમાં કોઈ રાજકીય વેરઝેરનો હેતુ નથી. તેમણે જણાવ્યું કે ફક્ત પાંચ વર્ષથી વધુ સજાને પાત્ર ગુનાઓ જ આ બિલના દાયરામાં આવશે, નાના-મોટા આરોપો નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ખોટા કેસોમાં જામીન આપવાનો અધિકાર ધરાવે છે અને જો કોઈ કેસ ખોટો હશે તો કોર્ટ તેને રદ્દ કરી શકે છે. તેમણે વિપક્ષના ‘રાજકીય વેરઝેર’ના આરોપોને ફગાવી દીધા અને કહ્યું કે કોર્ટ સંવેદનશીલ છે અને લોકતાંત્રિક પ્રક્રિયામાં તુરંત હસ્તક્ષેપ કરશે.

    અરવિંદ કેજરીવાલ અને ઇન્દિરા ગાંધી: શાહની ટીકા

    શાહે ઇન્ટરવ્યુમાં આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ નેતા ઇન્દિરા ગાંધીનો ઉલ્લેખ કરીને વિપક્ષની નૈતિકતા પર સવાલ ઉઠાવ્યા. તેમણે કેજરીવાલના ઉદાહરણને ટાંકતા કહ્યું કે જો આ બિલ અમલમાં હોત તો કેજરીવાલે જેલમાંથી મુખ્યમંત્રી પદે રહેવાને બદલે રાજીનામું આપવું પડત. તેમણે જણાવ્યું કે કેજરીવાલે જાહેર દબાણને કારણે મોરલ ગ્રાઉન્ડ પર રાજીનામું આપ્યું હતું અને આ બિલ આવી નૈતિક જવાબદારીને કાયદાકીય રૂપ આપે છે. તેમણે AAPના પ્રચારને ‘ભ્રમજનક’ ગણાવ્યો અને કહ્યું કે કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈન જેવા નેતાઓના કેસો હજુ ચાલી રહ્યા છે અને તેમની સામે ચાર્જશીટ દાખલ થઈ છે.

    ઇન્દિરા ગાંધીનો ઉલ્લેખ કરતાં શાહે 39મા બંધારણીય સુધારાનો સંદર્ભ આપ્યો, જે ઇન્દિરા ગાંધીએ 1970ના દાયકામાં રજૂ કર્યો હતો. આ સુધારામાં વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ સામે ચૂંટણી સંબંધી કેસોની માન્યતા ન હોય તેવી જોગવાઈ હતી. શાહે આ સુધારાને ઇન્દિરા ગાંધીની નૈતિકતા પર સવાલ ઉઠાવતો ગણાવ્યો અને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બિલમાં પોતાને સામેલ કરીને નૈતિક ધોરણો ઉચ્ચ રાખ્યા છે. તેમણે કોંગ્રેસની નૈતિકતા પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે જ્યારે ઇન્દિરા ગાંધીએ પોતાને બચાવવા કાયદો બનાવ્યો, ત્યારે મોદીએ પોતાને આ કાયદાના દાયરામાં રાખ્યા.

    નૈતિકતાનો મુદ્દો અને ઐતિહાસિક ઉદાહરણો

    શાહે નૈતિકતાને આ બિલનો પાયો ગણાવ્યો અને ઘણા ઐતિહાસિક ઉદાહરણો આપ્યા. તેમણે લાલકૃષ્ણ આડવાણી, યેદુરપ્પા, ઈશ્વરપ્પા, જ્યોર્જ ફર્નાન્ડિસ અને હેમંત સોરેનનો ઉલ્લેખ કર્યો, જેમણે નૈતિક આધારો પર રાજીનામું આપ્યું હતું. તેમણે કોંગ્રેસ સાંસદ કેસી વેણુગોપાલે ઉઠાવેલ પ્રશ્નનો ઉલ્લેખ કરતા કહ્યું કે 2010માં જ્યારે CBIએ તેમની સામે સમન્સ જારી કર્યું, ત્યારે તેમણે બીજા જ દિવસે રાજીનામું આપી દીધું હતું. તેમની સામેનો કેસ ‘રાજકીય વેરઝેર’નો હતો અને તેઓ નિર્દોષ પણ સાબિત થયા હતા. પરંતુ તેમણે આરોપો ખારીજ ન થાય ત્યાં સુધી કોઈ સંવૈધાનિક પદ સ્વીકાર્યું ન હતું. શાહે પ્રશ્ન ઉઠાવ્યો કે જો તેમણે નૈતિકતાનું પાલન કર્યું તો વિપક્ષ શા માટે આવું નથી કરી શકતો?

    તેમણે કોંગ્રેસના દ્વિમુખી વલણની ટીકા કરતા 2013નો એક ઘટનાક્રમ યાદ કર્યો, જ્યારે UPA સરકાર એક ઓર્ડિનન્સ લાવી હતી, જેમાં બે વર્ષની સજા થયેલા સાંસદોની સદસ્યતા અપીલ પેન્ડિંગ હોય તો રદ ન થાય. રાહુલ ગાંધીએ આ ઓર્ડિનન્સને ‘નોનસેન્સ’ ગણાવીને જાહેરમાં ફાડી નાખ્યો હતો, પરંતુ આજે તેઓ લાલુ પ્રસાદ યાદવ જેવા નેતાઓનું સમર્થન કરે છે. શાહે આને કોંગ્રેસનું ‘ડબલ સ્ટાન્ડર્ડ’ ગણાવ્યું અને પ્રશ્ન ઉઠાવ્યો કે શું નૈતિકતાના ધોરણો ચૂંટણીની જીત-હાર પર આધારિત હોવા જોઈએ?

    JPC અને વિપક્ષનું બહિષ્કારનું વલણ

    શાહે જણાવ્યું કે આ બિલ સંસદની સંયુક્ત સમિતિમાં (JPC) મોકલવામાં આવશે, જ્યાં 31 સભ્યો (21 લોકસભા અને 10 રાજ્યસભા) તમામ પક્ષોનું પ્રતિનિધિત્વ કરશે. જોકે, TMC જેવા વિપક્ષી દળોએ JPCનો ભાગ ન બનવાની અને તેનો બહિષ્કાર કરવાની ધમકી આપી છે. શાહે આ વલણને બિનલોકતાંત્રિક ગણાવ્યું અને કહ્યું કે વિપક્ષનું આવું વર્તન દેશની જનતા સામે જવાબદાર ઠરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સંસદ ચર્ચા અને વિચાર-વિમર્શ માટે છે, નહીં કે હોબાળા અને વિરોધ માટે. તેમણે કહ્યું, “જો વિપક્ષ JPCનો બહિષ્કાર કરશે તો JPC પોતાનું કામ કરશે અને દેશની જનતા જોશે કે કોણ લોકતંત્રની પ્રક્રિયામાં સહયોગ નથી આપતું.”

    લોકતંત્રની ગરિમા અને નૈતિકતાનો આગ્રહ

    શાહે વારંવાર લોકતંત્રની ગરિમા અને નૈતિકતા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે ભારતના સંવિધાન નિર્માતાઓએ ક્યારેય એવી કલ્પના નહોતી કરી કે કોઈ મુખ્યમંત્રી નિર્લજ્જ બનીને જેલમાંથી સરકાર ચલાવશે. તેમણે દલીલ કરી કે આ બિલ લોકતાંત્રિક મૂલ્યોને મજબૂત કરશે અને જનતાનો વિશ્વાસ વધારશે. તેમણે વિપક્ષના આરોપોને ફગાવતા કહ્યું કે આ બિલ કોર્ટની સંવેદનશીલતા પર આધારિત છે અને ખોટા કેસોમાં કોર્ટ તુરંત હસ્તક્ષેપ કરશે. તેમણે ઉદાહરણ આપ્યું કે જો કોઈ નેતાને 30 દિવસમાં જામીન ન મળે અને તે પદ છોડે તો જામીન મળ્યા બાદ તે ફરીથી શપથ લઈ શકે છે, જે આ બિલની નિષ્પક્ષતા દર્શાવે છે.

    ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી

    ઇન્ટરવ્યુમાં ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી પર પણ ચર્ચા થઈ. શાહે સ્પષ્ટ કર્યું કે NDAના ઉમેદવાર રાધાકૃષ્ણનની પસંદગી તમિલનાડુમાં રાજકીય લાભ મેળવવા માટે નથી, પરંતુ દક્ષિણ ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે છે. તેમણે રાધાકૃષ્ણનની પ્રશંસા કરી, જેમનો રાજકીય અને સાર્વજનિક જીવનમાં સ્વચ્છ રેકોર્ડ છે. વિપક્ષના ઉમેદવાર પર ટીકા કરતા શાહે કહ્યું કે તેમના સુપ્રીમ કોર્ટના નિર્ણયો, જેમ કે સલવા જુડમની રદ્દી, નક્સલવાદને પ્રોત્સાહન આપનારા હતા, જેના કારણે નક્સલવાદ બે દાયકા વધુ ચાલ્યો.

    ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા અંગે અમિત શાહે સ્પષ્ટતા કરી છે કે ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિની તબિયત સારી ન હતી, તેથી તેમણે સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપ્યું છે. તેમની પ્રશંસા કરતા શાહે કહ્યું કે ‘હાઉસ અરેસ્ટ’ હોવાના વિપક્ષના આરોપો સંપૂર્ણપણે ખોટા છે. ગૃહમંત્રીએ ANI ને જણાવ્યું હતું કે, “ધનખડ સાહેબનો રાજીનામાંનો પત્ર સ્વયં સ્પષ્ટ છે. તેમણે સ્વાસ્થ્યના કારણોનો ઉલ્લેખ કર્યો છે અને વડાપ્રધાન સહિત દરેકનો આભાર માન્યો છે. આ અંગે કોઈ બિનજરૂરી હોબાળો ન થવો જોઈએ. વિપક્ષના નિવેદનો સત્યની બહાર છે.”

    અમિત શાહનું ANI ઇન્ટરવ્યુ 130મા બંધારણીય સુધારાની જરૂરિયાત અને તેની પાછળની ભાવનાને સ્પષ્ટ કરે છે. શાહે નૈતિકતા, લોકતંત્રની ગરિમા અને કાયદાની સમાનતા પર ભાર મૂકીને આ બિલનો બચાવ કર્યો, સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નૈતિક પ્રતિબદ્ધતાને હાઈલાઈટ કરી, જેમણે આ બિલમાં પોતાને સામેલ કર્યા. તેમણે અરવિંદ કેજરીવાલ, ઇન્દિરા ગાંધી, અને કોંગ્રેસના દ્વિમુખી વલણની ટીકા કરી અને વિપક્ષના બિનલોકતાંત્રિક વિરોધને જનતા વિરુદ્ધ ગણાવ્યો. આ બિલ ભારતના રાજકીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ પગલું બની શકે છે, જે નૈતિકતા અને જવાબદારીના નવા ધોરણો સ્થાપિત કરશે. જોકે, તેની સફળતા JPCની ચર્ચાઓ, સંસદના નિર્ણયો, અને કોર્ટની સંવેદનશીલતા પર નિર્ભર રહેશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં