અમેરિકામાં (America) કેલિફોર્નિયા ખાતે (California) ડ્રગ્સ ડીલર સુનિલ યાદવ (Sunil Yadav) ઉર્ફે ગોલિયા વિરામ ખેડા અબોહરની ગોળી મારીને હત્યા (Murder) કરવામાં આવી. આ હત્યાની જવાબદારી લૉરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) અને ગોલ્ડી બરાર (Goldy Brar) ગેંગે લીધી હતી. આ મામલે ગેંગમાં સંડોવાયેલ વ્યક્તિએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી હતી. હત્યાનું એવું કારણ આપ્યું હતું કે સુનીલ યાદવ પંજાબ પોલીસને ગેંગની માહિતી આપતો હતો.
નોંધનીય છે કે સુનીલ યાદવ ડ્રગ સ્મગલિંગમાં સંડોવાયેલો હતો. પાકિસ્તાનમાંથી ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ મળ્યા બાદ તે સપ્લાય કરતો હતો. અહેવાલો અનુસાર અમેરિકામાં સુનીલ યાદવની હત્યા બાદ લૉરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલ રોહિત ગોદરાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને હત્યાની જવાબદારી લીધી હતી, તથા હત્યાનું કારણ પણ આપ્યું હતું.
બિશ્નોઈ ગેંગે સોશિયલ મીડિયા પોસ્ટ કરી લીધી જવાબદારી
રોહિત ગોદરાએ લખ્યું હતું કે, “રામ-રામ જય શ્રી રામ ભાઈઓ… હું રોહિત ગોદરા, ગોલ્ડી બરાર… ભાઈઓ, આજે કેલિફોર્નિયા, સ્ટોકટન,ઘર નંબર 6706 માઉન્ટ એલ્બર્સ, વ્હાઈ અમેરિકા ખાતે સુનીલ યાદવ ઉર્ફે ગોલિયા વિરામ ખેડા અબોહરની હત્યા થઇ છે, તેની સંપૂર્ણ જવાબદારી અમે લઈએ છીએ. તેણે પંજાબ પોલીસ સાથે મળીને અમારા સૌથી પ્રિય ભાઈ અંકિત ભાદુનું એનકાઉન્ટર કરાવ્યું હતું, જેનો અમે બદલો લીધો છે… અને જે કોઈ પણ આમાં સામેલ હશે, બધાનો હિસાબ થશે.”

રોહિત ગોદરાએ આગળ લખ્યું, “ભાઈઓ, આ લોકોએ સમગ્ર પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના યુવાનોને ડ્રગ્સના બંધાણી બનાવી દીધા છે. આ લોકો પોલીસ સાથે મળીને ડ્રગ્સ વેચે છે. ગુજરાતમાં 300 કિલો ડ્રગ્સ માટે તેમની પાસે વોરંટ છે. જ્યારે અમને ખબર પડી. કે અંકિત ભાદુના એનકાઉન્ટરમાં આનો હાથ છે ત્યારે તે મોતની બીકે પોલીસની મદદથી અમેરિકા ભાગી ગયો.”
‘દુનિયાના ગમે તે ખૂણે જશો, પણ નહીં બચો’- રોહિત ગોદરા
રોહિતે પોસ્ટમાં જણાવ્યા મુજબ સુનીલ યાદવ પોલીસનો બાતમીદાર હતો. તેણે લખ્યું હતું કે, “આમારા જેટલા પણ દુશ્મનો છે બધા તૈયાર રહેજો… દુનિયાના કોઈપણ ખૂણે જશો તો પણ અમે તમારા સુધી પહોંચી જઈશું.” નોંધનીય છે કે સુનીલ યાદવ 2 મહિના પહેલાં રાહુલ નામથી નકલી પાસપોર્ટ બનાવીને અમેરિકા ભાગી ગયો હતો.

ઉલ્લેખનીય છે કે સુનીલ યાદવ મૂળ અબોહર ફાઝિલકનો રહેવાસી હતો અને તે અગાઉ લૉરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો હતો. તે ઇન્ટરનેશલ સ્તરે ડ્રગ્સ સપ્લાય કરતો હતો. સુનીલ યાદવનું એક કન્સાઈનમેન્ટ થોડા વર્ષો પહેલા ભારતમાં પકડાયું હતું. તેમાં લગભગ 300 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર થોડા સમય પહેલાં જ રાજસ્થાન પોલીસે તેની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરી હતી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.