ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) કાનપુરથી (Kanpur) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મુસ્લિમ પરિવારમાં ટ્રિપલ તલાક (Triple Talaq) અને હલાલા (Halala) અંગેનો મામલો સામે આવ્યો હતો. જેમાં મુસ્લિમ મહિલાનો શોહર અને તેના સાસરિયા તેને પરેશાન કરતા હતા. ઉપરાંત તેના શોહરે દહેજના મામલે મહિલાનું શોષણ કર્યું અને તેને ટ્રિપલ તલાક આપી દીધાં હતા. તલાક આપ્યા બાદ પણ શોહરે જબરન તેની બીવીના હલાલા કરાવવા તેની સાથે મારપીટ કરી હોવાનો મામલો સામે આવ્યો હતો.
ઉત્તર પ્રદેશના કાનપુર સ્થિત બબૂપુરવા વિસ્તારમાંથી આ ઘટના સામે આવી હતી. અહેવાલો મુજબ મુસ્લિમ વ્યક્તિએ દહેજ માટે તેની બીવીને તલાક આપી દીધાં હતા. તેને એક પુત્રી પણ છે. તલાક આપ્યા બાદ ફરીથી નિકાહ કરવા વ્યક્તિએ તેની બીવી સમક્ષ તેના નણદોઇ એટલે કે પોતાના જીજા સાથે હલાલા કરાવાની શરત મૂકી હતી.
બબૂપુરવાની રહેવાસી મુસ્લિમ મહિલાના જણાવ્યા અનુસાર તેના નિકાહ માર્ચ 2017માં મધ્યપ્રદેશના ભીંડમાં રહેતા મુસ્લિમ વ્યક્તિ સાથે થયા હતા. નિકાહ દરમિયાન દહેજ આપ્યાં છતાં નિકાહ પછી તરત જ તેના સાસરિયાઓએ ₹5 લાખના વધારાના દહેજ અને કારની માંગણી શરૂ કરી હતી. આ માંગણીઓ સંતોષવા મહિલા સાથે મારપીટ પણ કરવામાં આવતી.
પીડિતાએ જણાવ્યા મુજબ એપ્રિલ 2018માં, તેને પુત્રી જન્મી હતી. પીડિતાના સાસરિયા તેને પુત્રીને જન્મ આપવા બદલ પણ માર મારવા લાગ્યા. તેણે એમ પણ જણાવ્યું હતું કે ઓક્ટોબર 2021માં તેના સાસરિયાઓએ તેને ઘરમાંથી કાઢી મુકી હતી. ઉપરાંત તેના શોહરે પણ તેને બધાની સામે ટ્રિપલ તલાક આપી દીધા હતા. તે અને તેના પિતા તથા પિયરના લોકો તેના શોહર અને તેના સાસરિયાને સમજાવવાનો પ્રયાસ કરતા રહ્યા છતાં પરિસ્થિતિમાં કોઈ સુધાર આવ્યો નહોતો.
ટ્રિપલ તલાક આપ્યા બાદ મૂકી હલાલા કરવાની શરત
થોડા સમય બાદ તેનો શોહર તેની સાથે ફરીથી નિકાહ કરવા તૈયાર થયો પરંતુ તેણે પીડિતા સમક્ષ શરત મૂકી હતી. તેના શોહરે શરત મૂકી કે જો પીડિતા નણદોઇ સાથે હલાલા કરશે તો જ તે પીડિતા સાથે ફરીથી નિકાહ કરશે. પીડિતાનો શોહર અને તેના સાસરિયા તેના પર હલાલા માટે દબાણ ઉભું કરવા લાગ્યા. જ્યારે પીડિતાએ હલાલા માટે વિરોધ કર્યો ત્યારે તેના સાસરિયાએ તેની સાથે મારપીટ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
અંતે પીડિતાએ તેના શોહર અને સાસરિયાના શોષણથી કંટાળી બબૂપુરવા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે તેના પતિ સહિત સાત લોકો સામે ગંભીર કલમો હેઠળ ફરિયાદ દાખલ કરીને કેસની તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ પીડિતાએ લગાવેલા આરોપો મામલે પોલીસ તપાસ કરી રહી છે.
શું છે હલાલા
મુસ્લિમ સમુદાયમાં કોઈ શોહર તેની બીવીને ટ્રિપલ તલાક અથવા તલાક આપે પછી જો તે જ સ્ત્રી સાથે ફરીથી નિકાહ કરવા હોય તો સ્ત્રીએ હલાલા કરવા પડે છે. હલાલા એટલે કે તેના પૂર્વ શોહર સિવાયના કોઈ બીજા પુરૂષ સાથે નિકાહ કરીને તેની સાથે એક રાત સાથે કાઢવાની. મોટા ભાગે હલાલા શોહરના જ પરિવારના કોઈ પુરૂષ એટલે અબ્બુ, નાના કે મોટા ભાઈ સાથે થતા હોય છે. ક્યારેક કોઈ મૌલવી સાથે પણ હલાલા કરવામાં આવતા હોય છે. જો બીવી હલાલા પુરા કરે તો જ તે તેના શોહર સાથે ફરીથી નિકાહ કરી શકે છે.