અમદાવાદની સેશન્સ કોર્ટે (Ahmedabad Sessions Court) મેટ્રોપોલિટન કોર્ટનો (Metropolitan Court) એક આદેશ બરકરાર રાખીને ભરણપોષણ (Alimony) આપવાના વિરુદ્ધમાં મેટ્રોપોલિટન કોર્ટના આદેશને પડકારતી અરજી ફગાવી દીધી હતી. જે અંતર્ગત પતિ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે તેની પત્ની પાસે ₹3 કરોડની સંપત્તિ હોવા છતાં તે તેની પાસે ભરણપોષણની માંગ કરી રહી હતી. આ મામલે મેટ્રોપોલિટન કોર્ટે નક્કી કરેલ રકમ આપવાનો આદેશ પણ સેશન કોર્ટે બરકરાર રાખ્યો હતો. મેટ્રોપોલિટન કોર્ટ અગાઉથી જ પત્નીએ કરેલી માંગ પર ભરણપોષણ આપવાનો આદેશ આપી ચુકી છે.
સમગ્ર મામલો 2022નો છે. વર્ષ 2022માં પત્નીએ ઘરેલું હિંસા વિરોધી કાયદા અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. ઉપરાંત પત્નીએ તેના પતિ પાસે તેમના 2 પુત્રો માટે અને તેના માટે ભરણપોષણની માંગ કરી હતી. તથા તેના પતિ પર આરોપ મુક્યો હતો કે તે કોઈ કારણ વિના તેને છોડીને ચાલ્યો ગયો છે. તેણે ભરણપોષણ માંગતા દાવો કર્યો હતો કે તેનો પતિ મહિને લગભગ ₹2,00,000 લાખથી વધુ કમાય છે, તથા તેની પાસે ત્રણ લક્ઝુરીયસ ગાડીઓ છે.
₹75,000 ભરણપોષણ પેટે માંગ્યા
તેણે પતિ પાસે દર મહિને ₹75,000 ભરણપોષણ પેટે માંગ્યા હતા. જોકે તેના પતિએ દાવો કર્યો હતો કે તે પહેલેથી જ તેની પત્નીને દર મહિને ₹25,000 આપી રહ્યો છે. ઉપરાંત તેના પતિએ એવો પણ દાવો કર્યો હતો કે તેની પત્ની પાસે 3 કરોડના 2 મોટા પ્લોટ છે. આ ઉપરાંત તેની પત્ની પણ કમાય છે. જ્યારે પતિની આવક ₹75,000 છે.
આ ઉપરાંત તેના પતિએ એવી પણ દલીલ કરી હતી કે તેમના પુત્રો પણ પુખ્તવયના છે. તે બંને પોતે કમાઈને પણ તેમની માતાની સંભાળ રાખી શકે છે. આ દલીલ કરતા પતિએ એક્ટની કલમ 20 (1) (d)નો હવાલો આપ્યો હતો. આ અંતર્ગત બાળકો માટે ભરણપોષણની જોગવાઈ છે પરંતુ જો બાળકો પુખ્તવયના હોય તો ભરણપોષણ આપવાનું રહેતું નથી, કારણ કે સીઆરપીસીની કલમ 125 વયસ્ક પુત્રોને ભરણપોષણ આપવા પર રોક લગાવે છે.
પતિ પહેલેથી જ આપી રહ્યો છે ભરણપોષણ
ત્યારે આ મામલે ફેબ્રુઆરી 2023માં મેટ્રોપોલિટન કોર્ટે એક વચગાળાનો આદેશ પારિત કર્યો હતો. જે અંતગર્ત પતિને તેની પત્નીને દર મહિને ₹28,000 અને એના સિવાય દરેક પુત્રને ₹7,000 ભરણપોષણ રૂપે આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ અંગે કોર્ટે કહ્યું હતું કે બંને પુત્રો ભલે વયસ્ક છે પરંતુ તેમનો અભ્યાસ ચાલુ છે જેનો ખર્ચ તેમની માતા ઉઠાવી રહી છે.
આ મામલે પતિએ આ આદેશને પડકારતી અરજી કરી હતી જેમાં કહ્યું હતું કે મેટ્રોપોલિટન કોર્ટે ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપતા પહેલાં એ હકીકત ધ્યાનમાં લીધી ન હતી કે તેની પત્ની કમાય છે અને તેના બે પુત્રો પુખ્ત હતા. જોકે, એડિશનલ સેશન્સ જજ એમ.પી. પુરોહિતે કહ્યું કે તે માત્ર એક વચગાળાનો આદેશ હતો અને પુરાવાનો તબક્કો ટ્રાયલ કોર્ટ સમક્ષ પેન્ડિંગ હતો. વાંધાજનક આદેશમાં કોઈ અનિયમિતતા કે અયોગ્યતા ન હોવાનું માનીને, ASJ એ કહ્યું હતું કે આ તબક્કે કોઈ દખલગીરીની જરૂર નથી. કોર્ટે આ અરજી ફગાવી દીધી.