ગુજરાતમાં (Gujarat) સરકારી શાળાઓની (Government Schools) સ્થિતિ હવે દિનપ્રતિદિન વધુ ઉત્કૃષ્ટ થઈ રહી છે. તેનું સ્પષ્ટ ઉદાહરણ એ છે કે, વર્ષોથી ખાનગી શાળામાં (Private Schools) ભણેલા બાળકો પણ સરકારી શાળામાં એડમિશન લેતા થઈ ગયા છે. છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં (Ahmedabad) ખાનગી શાળાઓને અલવિદા કરીને સરકારી શાળાઓમાં એડમિશન (Admission) લેવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. છેલ્લા દસ વર્ષમાં અંદાજે 55 હજારથી વધુ બાળકોએ પ્રાઇવેટ સ્કૂલ છોડીને સરકારી શાળાઓને પસંદ કરી છે. જોકે, સરકારી શાળામાં એડમિશન લેવા માટેના ઘણા કારણો છે, પરંતુ મહત્વનું એક કારણ છે, ખાનગી શાળામાં વધતી તોતિંગ ફી અને તેની સામે સરકારી શાળાઓમાં વધતી અભ્યાસની અત્યાધુનિક સુવિધાઓ.
માહિતી અનુસાર, અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત શાળાઓમાં દસ વર્ષના સમયમાં ખાનગી શાળા છોડીને 55,605 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. તે ઉપરાંત વિવિધ વોર્ડમાં આવેલી 129 જેટલી શાળાઓને પણ આ દરમિયાન સ્માર્ટ શાળા બનાવી દેવામાં આવી છે. જેના કારણે બાળકોને નિઃશુલ્ક અત્યાધુનિક શિક્ષણની સાથે આધુનિક વ્યવસ્થા અને સુવિધાઓ પણ મળી રહે છે. આ ઉપરાંત વહીવટીતંત્રએ ભવિષ્યની સુવિધાઓ માટે યોજના બનાવી કાઢી છે.
અમદાવાદમાં વર્ષ 2025-26માં બનશે 24 નવી શાળાઓ
વર્ષ 2025-26માં AMC દ્વારા 24 નવી શાળા પણ બનાવવામાં આવશે. આ માટે કરોડો રૂપિયા પણ ખર્ચવામાં આવશે. આ 24 શાળાઓમાં 12 શાળા રાજ્ય સરકાર તરફથી અને 12 મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી બનાવવામાં આવશે. આ તમામ શાળાઓ પણ સ્માર્ટ હશે. જેના કારણે આર્થિક પછાત બાળકોને પણ સારૂ શિક્ષણ અને સુવિધાઓ આપી શકાશે. આ ઉપરાંત શાળાઓમાં વધારો કરવા માટેની યોજના પણ બનાવવામાં આવી શકે છે.
સરકારી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે ઇન્ફ્રાસ્ટ્રકચર સહિત જુદી-જુદી સુવિધાઓ સાથે સ્માર્ટ સ્કૂલ તૈયાર કરવામાં આવી રહી છે. ખાનગી સ્કૂલમાં પણ ન હોય તેવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર AMC સંચાલિત સ્માર્ટ સ્કૂલમાં મળી રહે છે. હાલની સ્માર્ટ શાળાઓમાં ક્રોમ બુક, ફાયર સેફ્ટીના સાધનો, CCTV કેમેરા, લોકરની સુવિધા, પ્રોજેક્ટર, ગણિત, વિજ્ઞાન અને જુદી-જુદી આધુનિક લેબ, પ્રી એજ્યુકેશનલ કીટ, 3 – D એજ્યુકેશનલ ચાર્ટ, અભ્યાસ માટે જરૂરી વર્કિંગ મોડેલ, ડિજિટલ પ્લેનેટોરિયમ, ફ્યુચર ક્લાસરૂમ, ફોલ્સ સીલીંગ, મલ્ટીપ્લે સ્ટેશન અને આઉટડોર રબર મેટ, ફ્રેન્સી બેન્ચ, ઇન્ડોર મેટ, વ્હાઇટ બોર્ડ, સ્પોર્ટ્સ કીટ જેવી સુવિધાઓ મળી રહે છે.
સુરતમાં પણ સરકારી શાળાઓમાં વધ્યો છે એડમિશનનો ટ્રેન્ડ
નોંધવા જેવું છે કે, અમદાવાદની જેમ સુરતમાં પણ સરકારી શાળાઓમાં એડમિશન લેવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. વર્ષ 2024માં પણ મ્યુનિસિપલ સરકારી સ્કૂલોમાં એડમિશન માટે પડાપડી જોવા મળી રહી હતી. છેલ્લા પાંચ વર્ષથી સુરતમાં આ જ સ્થિતિ છે. દિનપ્રતિદિન બાળકો ખાનગી શાળાઓને છોડીને સરકારી સ્માર્ટ સ્કૂલમાં એડમિશન લઈ રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં જ સુરતમાં લાખોની સંખ્યામાં બાળકોએ સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો હતો. ખાનગી શાળામાંથી સરકારી શાળામાં એડમિશન લેતા બાળકોના વાલીઓએ મીડિયા સાથે વાતો પણ કરી હતી. તમામનો એક જ મત હતો કે, જો સરકારી શાળામાં અત્યાધુનિક સુવિધા સાથે શિક્ષણ આપવામાં આવે તો કોઈપણ વ્યક્તિ પોતાના બાળકને ખાનગી શાળામાં મૂકવા માટે રાજી નથી. તે જ હાલત જોયા પણ મળી હતી.
સુરતના વરાછાથી લઈને તમામ વિસ્તારોમાં સરકારી શાળામાં પ્રવેશ મેળવવા માટેની લાંબી-લાંબી કતારો લાગી હતી. સરકારી શાળા તરફ વળવાનું સૌથી મોટું કારણ એ છે કે, હવે સરકારી સ્માર્ટ શાળાઓમાં ખાનગી સ્કૂલો કરતા પણ વિશેષ અત્યાધુનિક સુવિધાઓ આપવામાં આવે છે અને ઉચ્ચ શિક્ષણ પણ મળી રહે છે. મજબૂત અને ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રકચરની સાથે નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવે છે. જેથી મધ્યમવર્ગના લોકો અને આર્થિક પછાત લોકોના બાળકો પણ સરળતાથી શાળામાં પ્રવેશ મેળવી શકે છે.