પાકિસ્તાનના (Pakistan) કરાચીની (Karachi) જિલ્લા જેલમાંથી (Jail) સોમવારની રાત્રે (2 જૂન) 216 કેદીઓ ભાગી ગયા (Prisoners Escaped) હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, સતત ભૂકંપના (Earthquake) આંચકાના કારણે અફરાતફરી મચી ગઈ હતી અને દીવાલ પણ પડી ગઈ હતી. આ દરમિયાન કેદીઓ તકનો લાભ ઉઠાવીને સામૂહિક રીતે ફરાર થઈ ગયા હતા. ઘટના સમયે જેલમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ હતી, પરંતુ તેમ છતાં 216 કેદીઓ ભાગવામાં સફળ થઈ ગયા હતા. વધુમાં એવું પણ કહેવાય રહ્યું છે કે, ઘણા કેદીઓ પહેલાંથી જ બેરેકની બહાર હતા અને તેમણે અફરાતફરીના લાભ લઈને જેલ સ્ટાફ પર દબાણ ઊભું કર્યું હતું.
સોશિયલ મીડિયા પર પણ આ ઘટનાને લઈને ચર્ચા જોવા મળી રહી છે. લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે, એક સાથે 200થી વધુ કેદીઓ કઈ રીતે ભાગી શકે. બીજી તરફ પાકિસ્તાની પોલીસનું કહેવું છે કે, ફાયરિંગમાં તેમણે એક કેદીને ઠાર કરી દીધો છે અને 80 કેદીઓને ફરીથી પકડી લીધા છે. 80 સિવાયના બાકીના કેદીઓનું શું થયું એ પોલીસ જણાવવાનું ભૂલી ગઈ છે. જોકે, 80 સિવાયના બાકી બધા કેદીઓ પાકિસ્તાની પ્રશાસન અને કાયદા-વ્યવસ્થા પર થૂંકીને ફરાર થઈ ગયા છે, તેવું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે.
વધુમાં ‘આલા દરજ્જા’ની પાકિસ્તાની પોલીસે બાકીના કેદીઓને પકડવા માટે ‘આલા દરજ્જા’ની પાકિસ્તાની આવામની મદદ માંગી છે. મસ્જિદોમાંથી રીતસર એલાન થયા છે કે, આવામ આગળ આવીને પોલીસની મદદ કરે. કારણ કે, પોલીસ આવામની મદદ કરવામાં સક્ષમ નથી! આ જ નિર્લજ્જ પાકિસ્તાની કોમ રામ મંદિરને નષ્ટ કરવાની વાત કરી રહી હતી, તેનાથી તેમના પોતાના કેદીઓ તો સંભાળી શકાતા નથી અને વાતો કરે છે ‘ભારત ફતેહ’ની. પહેલાં કેદીઓ પર ફતેહ મેળવી લે એટલે ઘણું છે.
ઑપરેશન સિંદૂર બાદથી પાકિસ્તાન-તૂર્કીમાં આવી રહ્યા છે ભૂકંપ
નોંધવા જેવું છે કે, ઑપરેશન સિંદૂર સફળ થયા બાદથી સતત પાકિસ્તાન ભૂકંપનો સામનો કરી રહ્યું છે. અનેક સ્થળોએ ભૂકંપના સમાચારો સામે આવ્યા હતા. યુદ્ધવિરામના બે-ત્રણ દિવસ બાદથી પાકિસ્તાનમાં ભૂકંપ આવ્યા હતા. ક્યારેક 5.6 તો ક્યારેક 6 કરતાં પણ વધારે તીવ્રતાના ભૂકંપ આવ્યા હતા. તાજેતરની જ વાત કરીએ તો 31 મે-1 જૂન દરમિયાન પાકિસ્તાનમાં 24 કલાકમાં 8 વખત ભૂકંપમાં આંચકા આવ્યા હતા. આ ભૂકંપના કારણે કરાચી જેવા શહેરોમાં પણ અફરાતફરી મચી ગઈ હતી.
તે સિવાય પાકિસ્તાન સાથે લોહીનો સંબંધ ધરાવતા દેશ તૂર્કીમાં પણ છેલ્લા કેટલાક સમયથી ભૂકંપ આવી રહ્યો છે. થોડા દિવસો પહેલાં જ તૂર્કીના વિવિધ સ્થળોએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કહેવામાં આવ્યું હતું કે, ભૂકંપની તીવ્રતા 5.2ની હતી. તે સિવાય તૂર્કીની સરહદ નજીક પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત 2 જૂનના રોજ તૂર્કીમાં 6.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવ્યો હતો, જેના કારણે લોકો જીવ બચાવવા ઘર પરથી કૂદી પડ્યા હતા. આ ઘટનામાં 69 લોકો ઘાયલ થયા હતા.