Friday, March 7, 2025
More
    હોમપેજરાજકારણ10 વર્ષે પણ યમુના ન કરી શક્યા સાફ, પ્રદૂષણ મુદ્દે કાયમ ઢોળ્યો...

    10 વર્ષે પણ યમુના ન કરી શક્યા સાફ, પ્રદૂષણ મુદ્દે કાયમ ઢોળ્યો દોષનો ટોપલો, લઈ ડૂબ્યા અહંકાર અને ભ્રષ્ટાચાર: એ ફેક્ટરો, જેના કારણે જનતાની અદાલતમાં ફેલ ગયા કેજરીવાલ

    કેજરીવાલ અને તેમની સરકારની હાર પાછળનું એક સૌથી મોટું કારણ હિંદુવિરોધી માનસિકતા પણ છે. વિધાનસભામાં કેજરીવાલ અને તેમના સહયોગીઓએ કાશ્મીરી હિંદુઓ પર કરેલું અટ્ટહાસ્ય દેશના કરોડો લોકોની ભીતર સળગતું રહ્યું હતું.

    - Advertisement -

    દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ સામે આવ્યા બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે રાજધાનીમાં 27 વર્ષ બાદ ભાજપની વાપસી થઈ રહી છે. જંગી બહુમતી સાથે ભાજપ દિલ્હીમાં સરકાર બનાવી રહી છે. પરિણામથી ન માત્ર ભાજપના નેતા-કાર્યકર્તાઓ જ ખુશ છે, પરંતુ રોજબરોજની સમસ્યાથી પાકી ગયેલી અને સત્તા પરિવર્તનને જ એકમાત્ર વિકલ્પ માની ચૂકેલી દિલ્હીની જનતા પણ ખુશ છે. પરિણામો બાદ AAP કાર્યાલય બંધ થઈ ગયાં હતાં તો ભાજપના કાર્યાલયમાં ઉત્સવની તૈયારી શરૂ થઈ ગઈ હતી.

    ચૂંટણી પરિણામોની વાત કરીએ તો આમ આદમી પાર્ટીના આતિશી સિવાયના તમામ પ્રથમ હરોળના નેતાઓને હાર મળી છે. કેજરીવાલ પોતે પણ નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી હારી ગયા છે. મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન પણ ભાજપ સામે હારી ગયા છે. 27 વર્ષ બાદ ભાજપ સત્તામાં આવી છે અને એટલી પ્રચંડ શક્તિથી આવી છે કે, AAPના મૂળિયાં પણ હલી ગયા છે. પરંતુ ભાજપની રણનીતિ, વિકાસ અને PM મોદીની ગેરંટી સિવાય આમ આદમી પાર્ટીના કેટલાક કાંડ અને તેમની નીતિના કારણે પણ કેજરીવાલ ગેંગે સત્તા ગુમાવવી પડી છે. અહીં આપણે AAPના હારવા પાછળના કારણોની ચર્ચા કરીશું.

    જબરદસ્ત એન્ટી ઇન્કમ્બન્સી

    AAPએ 2015 અને 2020ની ચૂંટણીમાં દિલ્હીમાં મોટી જીત મેળવી હતી. ‘દિલ્હી મોડેલ’નો નેરેટિવ ઘડીને આખા દેશમાં ફેલાવવામાં આવ્યો હતો. લોકો પણ તેની આ નીતિમાં અંજાઈ ગયા હતા. પરંતુ કામ કર્યાં હોવાની વાતો જમીની સ્તર સુધી અનુભવાઈ નહોતી. એકંદરે એકાદ-બે કિસ્સાને છોડીને કામ કશું કર્યું જ નહોતું. કાયમ LG કામ નથી કરવા દેતા કે કેન્દ્ર સરકાર સમસ્યા ઊભી કરે છેના રોદણાં રડ્યા કર્યા હતા. યમુનાની સફાઈ, શાળા-કોલેજોના બાંધકામ, પ્રદૂષણથી માંડીને દિલ્હીને લંડન બનાવવા સુધીની વાતો કરી હતી, પરંતુ આજ સુધી ન તો તે કામ જનતાને દેખાયા કે ન તો કેજરીવાલ સરકારે તેનો હિસાબ આપ્યો.

    - Advertisement -

    શાળા-કોલેજો વખતે તો રીતસર આખા દેશમાં જઈને ‘દિલ્હીનું એજ્યુકેશન મોડેલ’ ફેલાવવામાં આવ્યું હતું. ‘શિક્ષણમાં ક્રાંતિ’ લાવવાની પાયાવિહોણી વાતો કરી હતી અને કારણ વગરનો શ્રેય પણ લીધો હતો. છેલ્લે તો જનતા પણ સમજી ગઈ હતી કે, શાળા-કોલેજો કે હોસ્પિટલો બનાવવાની વાતો કરતી કેજરીવાલ સરકારે કર્યું તો કશું જ નથી. માત્ર વાતો કરીને ફાંકા-ફોજદારી કરવાથી વિકાસ નથી થઈ શકતો, કેજરીવાલે આ સિદ્ધાંતને જીવ્યો છે અને સિદ્ધ પણ કરી બતાવ્યો છે.

    આ 10 વર્ષના શાસનમાં જનતાએ તમામ પાસાઓ પર નિરીક્ષણ કર્યું અને તેનું પરિણામ આજે દેશની સામે છે. જોકે, 10 વર્ષના શાસન બાદ એન્ટી ઇન્કમ્બન્સી એક મોટું ફેક્ટર હોય તે વાત સાચી, પરંતુ જનતા માટે સરકારે યોગ્ય કામો કર્યા હોય તો તે ફેક્ટરને પણ સરળતાથી પાર પાડી શકાય છે. જેવું મોદી સરકારે 2024માં કર્યું હતું. ભલે બેઠકો ઓછી આવી, પણ સત્તા તો જાળવી રાખી છે.

    ભ્રષ્ટાચાર અને શીશમહેલ

    કેજરીવાલે સત્તા ગુમાવી તે પાછળનું એક સૌથી મોટું કારણ ભ્રષ્ટાચાર પણ છે. ભ્રષ્ટાચારને ખતમ કરવાના બણગાં ફૂંકીને સત્તામાં આવેલી આમ આદમી પાર્ટી દેશની એવી પહેલી પાર્ટી બની જે ભ્રષ્ટાચારના કેસમાં આરોપી બની. પ્રથમ હરોળના દિગ્ગજ નેતાઓ જેલમાં ગયા અને એ પણ દારૂ કૌભાંડના કેસમાં. જોકે, આ દરમિયાન કેજરીવાલના પત્નીએ કમાન સંભાળી હતી અને સહાનુભૂતિ મેળવવાના અનેક પ્રયાસો પણ કર્યા હતા પણ તે મળી શકી નહીં. કારણ કે દારૂ કૌભાંડ મામલે કેસ મજબૂત હતા અને બાકી બધુ જનતાની સામે હતું. લોકોમાં પણ આ કૌભાંડને લઈને ખૂબ ચર્ચા થઈ હતી.

    બીજા કોઈ કેસ મામલે જેલ થઈ હોત અને આરોપો લાગ્યા હોત તો સહાનુભૂતિ મળવાની શક્યતા વધુ હતી, પરંતુ દારૂ જેવા સંવેદનશીલ મુદ્દામાં તો સહાનુભૂતિ ન જ મળી શકે. તે સિવાય આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ પર પણ ભ્રષ્ટાચારના અન્ય આરોપો સામે આવ્યા હતા. જેમાં અમાનતુલ્લાહ ખાન પર લાગેલા વક્ફ બોર્ડ મની લોન્ડરિંગના આરોપો અને જલ બોર્ડમાં થયેલા ભ્રષ્ટાચારના આરોપોનો સમાવેશ કરી શકાય છે.

    ભ્રષ્ટાચારના આરોપો લાગે ત્યારે બેદાગ માણસ હોય એ તપાસ કરાવવાનું કહે, જેવી રીતે નરેન્દ્ર મોદીએ 2013માં કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, UPA સરકાર સત્તામાં છે, તે તેની બધી જ મશીનરી લગાવી દે અને મોદીની તમામ રીતે તપાસ કરાવી લે, જે નિષ્કર્ષ સામે આવે તે લોકો સામે રાખીને મૂકી દે, પછી જનતા નિર્ણય કરશે કે, શું સાચું છે અને શું ખોટું છે. પણ આ લોકો (AAPના) તપાસ કરાવવાનું કહેવાની જગ્યાએ ભાગતા રહ્યા અને તપાસમાં પણ સહયોગી ન થયા. કેજરીવાલે સાતેક સમન્સ સ્કીપ કર્યાં હતાં અને કોર્ટમાંથી પણ રાહત ન મળી ત્યારે ધરપકડ થઈ હતી. આ સાથે જ તેઓ કેન્દ્ર પર વેન્ડેટા પોલિટીક્સના આરોપો લગાવતા રહ્યા. જનતાએ આ બધુ જોયું અને નક્કી પણ કર્યું કે, કોણ સાચું છે અને કોણ નહીં.

    આ સાથે જ શીશમહેલ, ચૂંટણીમાં અને ચૂંટણી પહેલાં પણ એક વિવાદ વધારતો મુદ્દો રહ્યો. કેજરીવાલના શીશમહેલ પાછળ થયેલા કરોડોના ખર્ચા અને લક્ઝુરિયસ વસ્તુઓ પણ લોકોને દેખાતી રહી. વધુમાં CAGનો રિપોર્ટ સામે આવી ગયો. CAGની તપાસમાં તે પણ સામે આવ્યું કે, શીશમહેલના રિનોવેશન માટેના પ્રારંભિક ખર્ચનું અનુમાન ₹7.91 કરોડ હતું, 2020માં જ્યારે કામ સોંપવામાં આવ્યું, ત્યારે તેનો ખર્ચ ₹8.62 કરોડ ગણાયો. પરંતુ PWDએ જ્યારે 2022માં કામ પૂરું કર્યું તો તેનો ખર્ચ હતો ₹33.66 કરોડ. લોકો કદાચ આ પણ સહન કરી શકત, પરંતુ કેજરીવાલે સત્તામાં આવ્યા પહેલાં VIP કલ્ચરને ખતમ કરવાના મોટા-મોટા દાવા કર્યા હતા તેનું શું? આ પ્રશ્ન લોકોને પણ ખૂંચતો હતો.

    માત્ર મફતના રાજકારણના સહારે તરવાના પ્રયાસો

    AAPની કોઈ ચોક્કસ રાજકીય વિચારધારા નથી. તે માત્ર મફતના રાજકારણથી તરવાના પ્રયાસો જ કરતી રહી છે. આ વખતે પણ વીજળી જેવા એકાદ-બે મુદ્દાઓ પર કામ કર્યું હતું, પણ બીજી પાર્ટીઓએ પણ પછીથી આ મફતના રાજકારણમાં ઝંપલાવ્યું તો લોકોને કેજરીવાલનો વિકલ્પ પણ મળી ગયો. જોકે, લોકોને મફતના રાજકારણ પછી થતાં ગેરફાયદા પણ દેખાવા લાગ્યા હતા. કર્ણાટક સરકારે મફતના રાજકારણ કર્યા બાદ હવે જે સ્થિતિ ઊભી કરી હતી, તે સ્થિતિ દિલ્હીવાસીઓને પોતાનું ભવિષ્ય પણ દેખાડી રહી હતી. આ એક કારણ પણ છે કે, દિલ્હીવાસીઓના મિજાજ બદલાયા અને પછી જે થયું એ દુનિયાની સામે છે.

    મિથ્યાભિમાન અને માલિકી હક દર્શાવવાની માનસિકતા

    વિકાસના મુદ્દાની સાથે સરકારની માનસિકતા અને બહુમતી સમાજ પ્રત્યેની જે-તે પાર્ટીની નીતિ પણ એ નક્કી કરે છે કે, આવનારા સમયમાં તે પાર્ટી ક્યાં હશે અને તેની સાથે શું કરવામાં આવશે. આવું જ આમ આદમી પાર્ટી સાથે પણ થયું. કશું ક્રાંતિકારી કામો સિવાયનું મિથ્યાભિમાન આખી સત્તાને લઈ ડૂબે છે, આવું રામાયણથી પણ જાણવા મળ્યું હતું અને કેજરીવાલ સરકારના પતનથી પણ જાણવા મળ્યું છે. કેજરીવાલે અભિમાનમાં રત રહીને વારંવાર વિપક્ષી પાર્ટીના મોટા નેતા અને દેશના વડાપ્રધાનને પડકારો ફેંક્યા હતા.

    કેજરીવાલે વારંવાર દાવા કર્યા હતા કે, આ જન્મમાં તો મોદીજી ક્યારેય દિલ્હીને નહીં જીતી શકે. આજે તેમના અભિમાન દ્વારા બોલાયેલા એ શબ્દો કદાચ તેમના જ વોટ્સએપ પર કોઈ સેન્ડ કરીને ‘રાક્ષસી આનંદ’ લે તો નવાઈ નહીં. જોકે, અભિમાન ત્યારે જીરવી પણ શકાય કે, જ્યારે શાસકે કોઈ ક્ષેત્રમાં ક્રાંતિ લાવી દીધી હોય. પરંતુ, કોઈ કામ કર્યા વગર પિતાજીની જાગીર સમજીને અપાયેલા આવા પડકારો અને નિવેદનો આખરે તો અંતને જ આંબી લે છે. કેજરીવાલના કેસમાં પણ તે જ થયું.

    આ સાથે જ કોઈપણ શાસકની એક માનસિકતા હોય છે અને તે અનુસાર જ તે કામ પણ કરે છે. એક તરફ આખા દેશને પોતાનો પરિવાર માનીને ગર્વથી પોતાને દેશનો ‘ચોકીદાર’ અને ‘દેશનો સેવક’ ગણાવીને કામ કરતો શાસક હોય અને તેની સામે એક નાના ભૂભાગનો શાસક, પોતાને તે પ્રદેશનો માલિક ગણાવે તો પરિવર્તનની તાતી જરૂરિયાત જણાઈ આવે છે અને તે જનતાને પણ દેખાય છે. કેજરીવાલે વિધાનસભામાં સ્પષ્ટપણે કહ્યું હતું કે, ‘અમે દિલ્હીના માલિક છીએ’. આખરે આજના દિવસે દિલ્હીની જનતાએ એ સાબિત કરી દીધું કે, દિલ્હીની માલિક માત્ર ત્યાંની જનતા છે, બીજું કોઈ નહીં.

    હિંદુવિરોધી માનસિકતા

    કેજરીવાલ અને તેમની સરકારની હાર પાછળનું એક સૌથી મોટું કારણ હિંદુવિરોધી માનસિકતા પણ છે. વિધાનસભામાં કેજરીવાલ અને તેમના સહયોગીઓએ કાશ્મીરી હિંદુઓ પર કરેલું અટ્ટહાસ્ય દેશના કરોડો લોકોની ભીતર સળગતું રહ્યું હતું. તે અટ્ટહાસ્ય કાયમ દેશની બહુમતી પ્રજાને પરિવર્તનની શિખામણ આપતું હતું. કારણ કે, તે માત્ર એક ફિલ્મ કે એક રાજકીય પક્ષ પર કરેલું હાસ્ય નહોતું, તે હાસ્ય કરોડો હિંદુઓની લાચારી અને કરુણતા પર હતું. હિંદુઓએ તે અહંકારી અટ્ટહાસ્યને પોતાની ભીતર જીવતું રાખ્યું હતું અને તે જ અટ્ટહાસ્ય સમય આવ્યે દિલ્હીના ચોકમાં જઈને ઉભરાઈ આવ્યું હતું. આજે દેશના કરોડો લોકો કેજરીવાલ અને તેની સેનાને એ જ અટ્ટહાસ્ય યાદ કરાવી રહ્યા છે.

    આ માનસિકતા અહીં સુધી જ નહોતી. કેજરીવાલે માર્ચ 2014માં રામ મંદિર પર પણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, “જ્યારે બાબરી મસ્જિદ ધ્વસ્ત થઈ ત્યારે મેં મારી નાનીને પૂછ્યું હતું કે, નાની તમે તો ખૂબ ખુશ હશોને? હવે તો તમારા ભગવાન રામનું મંદિર બનશે. નાનીએ જવાબ આપ્યો- ના બેટા, મારો રામ કોઈની મસ્જિદ તોડીને આમ મંદિરમાં ના વસી શકે.” પરંતુ, સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ જ્યારે હિંદુઓએ મંદિર ઊભું કરી નાખ્યું, ત્યારે કેજરીવાલ ‘સવાયા હિંદુ’ બનવા ગયા અને મંદિરમાં જઈને દર્શન કરી આવ્યા. તે સમયે પણ લોકોએ તેમને તેમની નાની યાદ અપાવી હતી. કારણ કે, લોકો કેજરીવાલને સારી રીતે ઓળખી ગયા હતા.

    જુઠ્ઠાણાંનું રાજકારણ, દોષનો ટોપલો હંમેશા બીજા પર ઢોળ્યો

    કેજરીવાલે ‘ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલન’ સમયે પોતાના દીકરાઓની કસમ ખાઈને કહ્યું હતું કે, તેઓ ક્યારેય રાજકારણમાં નહીં આવે. પરંતુ થયું શું? તે સિવાય તેમણે રાજકીય પદ નહીં મેળવવાની પણ કસમ ખાધી હતી, પરંતુ 10 વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા. આ બધા જુઠ્ઠાણાં પણ લાંબાગાળે લોકો પર અસર કરતા હોય છે. તે સિવાય કોઈપણ સમસ્યાનો જવાબ જનતા હંમેશા સરકાર પાસે જ માંગવાની છે અને સરકારે જવાબ આપવો પણ પડે છે. પરંતુ દિલ્હીમાં ઊભી થયેલી સમસ્યાને લઈને જ્યારે સવાલ ઉઠતાં તો કેજરીવાલ અને તેમની ગેંગ બીજા પર દોષનો ટોપલો ઢોળતા સહેજ પણ શરમાયા નહોતા.

    દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યા હોય તો તરત જ પંજાબની પરાળી પર દોષનો ટોપલો ઢોળી દેવાતો, પરંતુ પંજાબમાં પણ AAPની સરકાર બની ગયા બાદ કેજરીવાલ ટોળકીએ હરિયાણા પર ટોપલો ઢોળવાનું ચાલુ કર્યું. એક વખત તો એવું પણ કહી દીધું હતું કે, યુપીની સરકારી બસના કારણે દિલ્હીનું વાતાવરણ દૂષિત થયું છે! આવું જ તેમણે યમુનાની સફાઈ પર પણ કર્યું હતું. કેજરીવાલે પોતે પહેલાં પૂર્વાંચલના લોકો પર યમુનાને દૂષિત કરવાનો દોષ ઢોળ્યો હતો અને ત્યારબાદ ચૂંટણી સમયે હરિયાણા પર પાણીમાં ઝેર ભેળવવાનો આરોપ લગાવી દીધો હતો. જોકે, દિલ્હીના જલ બોર્ડે જ કેજરીવાલના આ દાવાને પાયાવિહોણો ગણાવી દઈને જાહેરમાં ફજેતી કરી નાખી હતી.

    શનિવારે (8 ફેબ્રુઆરી) દિલ્હીમાં જે ઐતિહાસિક પરિવર્તન આવ્યું, તે માટેના અનેક કારણો છે, પરંતુ ઉપરોક્ત કારણો મુખ્ય અને મહત્વના છે. એક શાસક માટે માત્ર ‘બોલવું’ જ બધુ નથી હોતું, ખરો શાસક એ છે, જે પોતાને માલિક નહીં, પરંતુ દેશનો સેવક સમજીને પોતાની ફરજના ભાગરૂપે બોલેલું હકીકતમાં પરિવર્તિત કરીને બતાવે. જે ઘોષણપત્રમાં કહે છે, એ જ્યારે દેશમાં થતું દેખાય ત્યારે જનતા તેને ફરી સિંહાસન પર બેસવાનો અધિકાર આપે છે. બાકી જનતા પોતાનું કામ કરવાનું સારી રીતે જાણે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં