શર્મિષ્ઠા પાનોલી (Sharmishtha Panoli Arrested) એક 22 વર્ષની લૉ સ્ટુડન્ટ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હાલમાં કોલકાતાની અલીપોર વિમેન્સ કરેક્શનલ હોમમાં ન્યાયિક કસ્ટડીમાં છે. તેની ધરપકડ 30 મે 2025ના રોજ ગુરુગ્રામ હરિયાણાથી કોલકાતા પોલીસ (Kolkata Police) દ્વારા કરવામાં આવી હતી. આ ધરપકડ એક ઇન્સ્ટાગ્રામ વિડીયોને કારણે થઈ હતી. આ વિડીયોમાં શર્મિષ્ઠાએ ‘ઑપરેશન સિંદૂર’ના સંદર્ભમાં કથિત રીતે મજહબી લાગણીઓને ઠેસ પહોંચાડતી ટિપ્પણીઓ કરી હોવાનો આરોપ છે.
આ વિડીયોમાં તેણે કેટલાક બોલિવૂડ સેલિબ્રિટીઓ, ખાસ કરીને મુસ્લિમ સ્ટાર્સની ઑપરેશન સિંદૂર પર મૌન રહેવા બદલ ટીકા કરી હતી. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર મોટો વિવાદ ઉભો કર્યો હતો, જેના પગલે શર્મિષ્ઠાએ વિડીયો ડિલીટ કરી દીધો અને બિનશરતી માફી માંગી હતી. જોકે, ઇસ્લામિક કટ્ટરપંથીઓએ તેમ છતાં તેની વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરી હતી. જેના કારણે પશ્ચિમ બંગાળ પોલીસે છેક ગુરુગ્રામ જઈને તેની ધરપકડ કરી હતી.
જેલમાં ધમકીઓ અને સુરક્ષાની અરજી
શર્મિષ્ઠા પાનોલીએ 2 જૂન, 2025ના રોજ અલીપોર કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. જેમાં તેણે જેલમાં બળાત્કાર અને મૃત્યુની ધમકીઓ મળી રહી હોવાનો દાવો કર્યો હતો. તેના વકીલ મોહમ્મદ સમીમુદ્દીને જણાવ્યું હતું કે, અલીપોર વિમેન્સ કરેક્શનલ હોમમાં યોગ્ય સ્વચ્છતા જાળવવામાં આવતી નથી. તેમણે જણાવ્યું કે શર્મિષ્ઠાને કિડનીમાં પથરી હોવા છતાં તેને પૂરતી તબીબી સુવિધાઓ તથા અખબારો અને મેગેઝિન જેવી મૂળભૂત સુવિધાઓ આપવામાં આવી રહી નથી. આ અરજીમાં તેની સુરક્ષા અને મૂળભૂત અધિકારોની માંગ કરવામાં આવી હતી. કોર્ટે આ મામલે 4 જૂન સુધીમાં રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે.
કલકત્તા હાઇકોર્ટનો નિર્ણય
3 જૂન, 2025ના રોજ કલકત્તા હાઇકોર્ટે શર્મિષ્ઠા પનોલીની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે, “જો જામીન અરજીને સ્થગિત કરવામાં આવે અને કેસની સુનાવણી પછીથી કરવામાં આવે તો આભ નહીં તૂટી પડે.” કોર્ટે રાજ્ય સરકારને આગામી સુનાવણીમાં કેસ ડાયરી રજૂ કરવા નિર્દેશ આપ્યો છે, જે 5 જૂન, 2025ના રોજ નિર્ધારિત છે. કોર્ટે એમ પણ નોંધ્યું કે, અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર સર્વોચ્ચ કક્ષાનો નથી, તેથી તેનો ઉપયોગ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા માટે ન થવો જોઈએ.
બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા અને દિલ્હી બાર કાઉન્સિલે કરી નિંદા
બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા અને દિલ્હી બાર કાઉન્સિલે શર્મિષ્ઠાની ધરપકડની નિંદા કરી છે અને તેની તાત્કાલિક મુક્તિની માંગ કરી છે. બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ મનન કુમાર મિશ્રાએ આ ધરપકડને ‘ન્યાયની સંપૂર્ણ નિષ્ફળતા’ ગણાવી અને રાજ્ય સરકાર પર પસંદગીની કાર્યવાહીનો આરોપ લગાવ્યો. બોલિવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રણૌતે પણ શર્મિષ્ઠાની મુક્તિની માંગ કરી છે, જ્યારે આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે કહ્યું કે ‘નિર્પેક્ષતા દ્વિમાર્ગી હોવી જોઈએ’.
NHRCની દરમિયાનગીરી
રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે (NHRC) શર્મિષ્ઠા પનોલીની ધરપકડ અને તેની સુરક્ષાને લઈને સ્વયંભૂ સંજ્ઞાન લીધું છે. NHRCના સભ્ય પ્રિયંક કનૂંગોએ જણાવ્યું કે, લીગલ રાઈટ્સ ઓબ્ઝર્વેટરી (LRO) તરફથી એક વિગતવાર ફરિયાદ મળી હતી, જેમાં શર્મિષ્ઠાની ધરપકડ અને હરિયાણાથી કોલકાતા લઈ જવાની પ્રક્રિયામાં ગંભીર પ્રક્રિયાગત ખામીઓનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
NHRCએ પશ્ચિમ બંગાળના ડીજીપી રાજીવ કુમારને નોટિસ જારી કરીને શર્મિષ્ઠાની સુરક્ષા સુનિશ્ચિત કરવા તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું છે. આ ઉપરાંત, હરિયાણા સરકારને પણ ધરપકડ દરમિયાન કાનૂની પ્રક્રિયાઓનું પાલન થયું હતું કે નહીં તેની ચકાસણી કરવા કહેવામાં આવ્યું છે.
ફરિયાદી વઝાહત ખાન ગુમ
શર્મિષ્ઠા પનોલી વિરુદ્ધ વઝાહત ખાન નામના 30 વર્ષના કોલકાતા નિવાસીએ ગાર્ડન રીચ પોલીસ સ્ટેશનમાં 15 મે, 2025ના રોજ નોંધાવી હતી. જોકે, હવે વઝાહત ખાનના પિતા સઆદત ખાને દાવો કર્યો છે કે તેમનો પુત્ર 1 જૂન, 2025ની રાતથી ગુમ છે. સઆદત ખાને આજતકને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે શર્મિષ્ઠાની ધરપકડ બાદથી તેમના પરિવારને ધમકીભર્યા ફોન કોલ્સ આવી રહ્યા છે.
બીજી તરફ, વઝાહત ખાન વિરુદ્ધ પણ બે અલગ-અલગ ફરિયાદો નોંધાઈ છે, જેમાં તેના પર હિંદુ દેવી-દેવતાઓ અને સંસ્કૃતિ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરવાનો આરોપ છે. આ ફરિયાદોમાંથી એક શ્રી રામ સ્વાભિમાન પરિષદ અને બીજી પ્રસુન મૈત્રા નામના વ્યક્તિ દ્વારા નોંધાઈ છે, જે આત્મદીપ નામની એનજીઓના પ્રમુખ છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું કે વઝાહત ખાન વિરુદ્ધ આસામમાં પણ એક કેસ નોંધાયો છે, જેમાં તેના પર દેવી કામાખ્યા સહિત હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરવાનો આરોપ છે. આસામ પોલીસે વઝાહતની કસ્ટડી માટે પશ્ચિમ બંગાળ સરકારની મદદ માંગી છે.
ભાજપે કર્યો વિરોધ
શર્મિષ્ઠા પાનોલીની ધરપકડનો ભાજપે વિરોધ કર્યો છે. ભાજપે મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકાર પર ‘મુસ્લિમ મતબેંકને ખુશ કરવા’ માટે શર્મિષ્ઠાને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે. ભાજપ નેતા અગ્નિમિત્રા પોલે જણાવ્યું કે રાજ્યમાં હિંદુઓ અને મુસ્લિમો માટે અલગ-અલગ નિયમો લાગુ કરવામાં આવે છે અને TMC સરકાર હિંદુઓ વિરુદ્ધ પૂર્વગ્રહ ધરાવે છે. ભાજપ પશ્ચિમ બંગાળ અધ્યક્ષ સુકાંત મજમદારે પણ આ ધરપકડને ‘વોટ-બેંક રાજનીતિ’નું પરિણામ ગણાવ્યું હતું.
શર્મિષ્ઠા પનોલીની ધરપકડે સોશિયલ મીડિયા પર તીવ્ર ચર્ચા જન્માવી છે, જેમાં કેટલાક લોકો તેની ધરપકડને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો ગણાવ્યો છે. આ કેસ એક મહત્વનો મુદ્દો બની ગયો છે, જેમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા અને માનવાધિકારોના પ્રશ્નો સામેલ છે. NHRCની દરમિયાનગીરી અને કલકત્તા હાઇકોર્ટની આગામી સુનાવણી આ કેસની દિશા નક્કી કરશે.