રાજકારણ નેતાઓને ભલભલા ખેલ કરાવે છે એવી વાત તમે સાંભળી હશે. એ સાચી છે, ઘણે અંશે. રાહુલ ગાંધીનું (Rahul Gandhi) ઉદાહરણ જુઓ. ગાંધી પરિવાર અને ઠાકરે પરિવારને વર્ષો સુધી બાપે માર્યાં વેર રહ્યાં. આ તો 2019માં ઉદ્ધવ ઠાકરેએ 180 ડિગ્રીનો વળાંક લઈને વિચારધારા સાથે સમાધાન કરી નાખ્યું પછી પરિસ્થિતિ બદલાઈ અને બંને એક જ ડાળનાં પંખી બની ગયાં. પણ તેમ છતાં રાહુલ ગાંધી કે તેમનો પરિવાર બાળાસાહેબ ઠાકરેનું (Bal Thackeray) નામ લેવાનું, તેમની પ્રશંસા કરવાનું ટાળતા હતા.
બાળાસાહેબ ગાંધી પરિવારનો મુખરતાથી વિરોધ કરતા એ વાત ક્યાંય છૂપી નથી. આજીવન તેઓ કોંગ્રેસના વિરોધી રહ્યા. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિશેની તેમની ટિપ્પણીઓના વિડીયો તમને હજુ સોશિયલ મીડિયા પર હાલતાં-ચાલતાં મળી જશે.
2012માં બાળાસાહેબ ઠાકરેનું નિધન થઈ ગયું. તેમની પુણ્યતિથિ 17 નવેમ્બરે આવે છે. આ 12 વર્ષમાં રાહુલ ગાંધીએ ક્યારેય પૂર્વ શિવસેના પ્રમુખ વિશે ક્યાંય એક શબ્દ લખ્યો કે બોલ્યો હોય તેવું યાદ નથી ને ઈન્ટરનેટ પર સર્ચ કરશો તો મળશે પણ નહીં, કારણ કે અસ્તિત્વ જ નથી. પણ હવે સમય બદલાયો છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નજીક છે અને તેમાં કોંગ્રેસ અને બાળાસાહેબનો પુત્ર ઉદ્ધવ સાથે મળીને લડી રહ્યા છે. જોકે, તેમ છતાં રાહુલ કે કોંગ્રેસ પોતાનાં ભાષણોમાં ક્યાંય બાળાસાહેબનું નામ લેતા ન હતા. એટલે જ હમણાં એક રેલીમાં પીએમ મોદીએ પડકાર પણ ફેંક્યો હતો.
રેલીમાં વડાપ્રધાને ઉદ્ધવ સેનાને એક પડકાર ફેંકતાં કહ્યું હતું કે, તેઓ કોંગ્રેસ પાસે બાળાસાહેબ કે વિનાયક સાવરકરની પ્રશંસા કરાવી બતાવે. પીએમ મોદીએ કહ્યું હતું, “મુંબઈ સ્વમાનીઓનું શહેર છે, પણ મહાવિકાસ આઘાડીમાં એક પાર્ટી છે, જેણે બાળાસાહેબ ઠાકરેનું અપમાન કરનારાઓના હાથમાં રિમોટ કન્ટ્રોલ આપી રાખ્યું છે. એટલે જ હું તેમને પડકાર ફેંકી રહ્યો છું કે, કોંગ્રેસ પાસે બાળાસાહેબ ઠાકરેની પ્રશંસા કરાવી બતાવે. આજ સુધી આ લોકો કોંગ્રેસ કે કોંગ્રેસના શહેજાદા પાસે બાળાસાહેબની પ્રશંસા નથી કરાવી શક્યા.”
હવે કારણ પીએમ મોદીના આ પડકારની અને રાજકીય દબાણની અસર છે કે પછી વૉટ જવાનો ડર, એ રાહુલ ગાંધી અને કોંગ્રેસ જાણે, પણ 12 વર્ષમાં પહેલી વખત રાહુલ ગાંધીએ બાળાસાહેબને યાદ કર્યા છે.
X પર એક પોસ્ટ કરતાં રાહુલે લખ્યું, “12મી પુણ્યતિથિ પર બાળાસાહેબનું સ્મરણ કરીએ. મારી ભાવનાઓ ઉદ્ધવ ઠાકરે, આદિત્ય અને સમગ્ર શિવસેના પરિવાર સાથે છે.”
Remembering Balasaheb Thackeray ji on his 12th death anniversary. My thoughts are with Uddhav Thackeray ji, Aditya and the entire Shiv Sena family.
— Rahul Gandhi (@RahulGandhi) November 17, 2024
અહીં નોંધવાની બે વાત છે. એક- રાહુલ ગાંધીએ ક્યાંય બાળાસાહેબ ઠાકરે વિશે પ્રશંસાનો એક શબ્દ નથી લખ્યો. બીજી- તેમણે બાળાસાહેબને માત્ર શિવસેના અને ઠાકરે પરિવાર સુધી સીમિત કરી દીધા, જ્યારે હકીકતે તો આખું મહારાષ્ટ્ર અને દેશ તેમનું સન્માન કરે છે અને યાદ કરે છે.
મહારાષ્ટ્રની ચૂંટણી ન હોત તો રાહુલ ગાંધીએ આ પોસ્ટ કરી હોત કે કેમ એ પ્રશ્ન છે. એટલે જ હવે ભાજપ અને શિવસેના (સાચી, એકનાથ શિંદેવાળી) પ્રશ્નો પણ ઉઠાવી રહ્યાં છે. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરના રોજ મતદાન હાથ ધરવામાં આવશે. 23 નવેમ્બરે પરિણામ છે.