દેશમાં સોમવારથી (21 જુલાઈ) સંસદના ચોમાસું સત્રની (Monsoon session of Parliament) શરૂઆત થઈ ગઈ છે. આ સત્ર 21 જુલાઈથી 21 ઑગસ્ટ 2025 સુધી ચાલશે. જેમાં 32 દિવસમાં કુલ 21 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. સંસદના મોન્સૂન સત્રના પહેલા દિવસે જ વિપક્ષે (Opposition) હોબાળો મચાવતા સંસદનું કામકાજ ઠપ થઈ ગયું હતું. સંસદના પહેલા પ્રશ્નકાળમાં વિક્ષેપ પડ્યો તો 12 વાગ્યા સુધી લોકસભાની કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. જે પછી વિપક્ષે ફરી હોબાળો મચાવતાં સભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
જોકે, સંસદના કામકાજમાં વિક્ષેપ પડવો એ કોઈ અલગ વાત નથી. દુનિયાની બધી સંસદોમાં આ થતું જ હોય છે. પરંતુ દર વખતે આખે-આખો દિવસ સંસદ ન ચાલવા દેવી અને પહેલાં બેઠકોમાં સહમતી દર્શાવ્યા પછી પણ તેમાં ડેડલોક પેદા કરવાની ભારતીય વિપક્ષની આદત બની ગઈ છે. હવે તો એવી સ્થિતિ ઊભી થઈ છે કે લોકો પહેલાંથી જ જાણે છે કે સંસદનું સત્ર ચાલુ થશે એ પહેલાં એવો કોઈ રિપોર્ટ આવશે અથવા એવો કોઈ મુદ્દો ઉછળશે, જેના પર હોબાળો થશે અને પછી સંસદનું સત્ર બરબાદ થઈ જશે.
કામગીરીમાં વિક્ષેપ એટલે કરોડોની બરબાદી
સંસદના ચોમાસું સત્રના પહેલા દિવસે જ હંગામો થવો એ શુભ સંકેત નથી. આ સત્ર 32 દિવસ સુધી ચાલવાનું છે અને જેમાં 21 દિવસ સંસદની બેઠક યોજાશે. નિયમાનુસાર દરેક દિવસે સંસદના બંને ગૃહો 6 કલાક કામ કરે છે. આ સમયમાં વધારો-ઘટાડો થઈ શકે છે. પરંતુ જો અહીં સંસદ 21 દિવસ ચાલે અને જો દરરોજ 6 કલાક કામ થાય તો પણ મોટો ખર્ચ થશે. આ બધો ખર્ચ નાગરિકોના પૈસે થાય છે, જેને આપણે ટેક્સ કહીએ છીએ. લોકસભાના પૂર્વ મહાસચિવ PDT આચાર્યે ઘણા વર્ષો પહેલાં જણાવ્યું હતું કે, સંસદની એક મિનિટ ચાલવા પર ₹2.5 લાખ સુધીનો ખર્ચથાય છે.
તેમાં સાંસદોનો પગાર, વીજળી-પાણી સહિતના તમામ ખર્ચાઓનો સમાવેશ થાય છે. ઉપરોક્ત ખર્ચ તો અત્યાર સુધીમાં ઘણો વધી ગયો હશે. પરંતુ જો ₹2.5 લાખના ખર્ચને આજે પણ પ્રતિ મિનિટ ગણવામાં આવે તો આ ચોમાસું સત્રમાં કરોડોનો ખર્ચ થવાનો છે.
ગણિત માંડીએ તો આ સંસદ સત્રમાં ₹2.5 લાખ/મિનિટના હિસાબે ₹189 કરોડનો ખર્ચ થવાની શક્યતા છે. આ વખતના સત્રમાં સંસદ 21 દિવસમાં કુલ 126 કલાક ચાલવાની છે. મતલબ સંસદની કાર્યવાહી મિનિટમાં ગણીએ તો 7560 મિનિટ ચાલશે અને આ 7560 મિનિટોને ₹2.5 લાખથી ગુણીએ તો મળેલ આંકડા મુજબ ₹189 કરોડનો ખર્ચ થાય છે.
સંસદમાં આ ઉપરાંત પણ વિવિધ ખર્ચાઓ હોય છે. જેમકે સાંસદોને સંસદ સત્ર દરમિયાન દિવસના ભથ્થા તરીકે ₹2500 આપવામાં આવે છે. તેવામાં સંસદના ખર્ચમાં વધારો જ થશે. દેશના લોકતંત્રના મંદિરમાં ખર્ચ થાય તો કોઈને વાંધો નથી પણ જે રીતે સત્રની શરૂઆત થઈ છે એ જોતાં સારા અણસાર આવી રહ્યા નથી.
સંસદના ચોમાસું સત્ર પહેલાં સર્વપક્ષીય બેઠકમાં સરકાર જણાવી ચૂકી છે કે તે ઑપરેશન સિંદૂર સહિત બધા જ મુદ્દાઓ પર વાત કરવાં માટે તૈયાર છે. વિપક્ષે માંગ કરી હતી કે, આ દરમિયાન બિહારમાં ચૂંટણી પંચની સુધારણાની પ્રક્રિયા અને એર ઇન્ડિયા દુર્ઘટના ઉપર ચર્ચા થાય.
કેન્દ્ર સરકારે આ બાબતે પણ હામી ભરી હતી. જોકે, સંસદનો પહેલો જ દિવસ હોબાળામાં ખર્ચાઈ જતાં એ આશંકા વધુ પ્રબળ થાય છે કે, આ વખતે પણ નાગરિકો ઠગાશે અને આશરે ₹200 કરોડ ખાલી પ્લેકાર્ડ્સ અને હોબાળામાં જ વપરાય જશે.
અગાઉનાં સત્રો પણ થઈ ચૂક્યાં છે બરબાદ
આ પહેલી વાર નથી કે, જ્યારે સંસદ સત્ર શરૂ થાય તે પહેલાં જ તેને બરબાદ કરવાનો તખ્તો ઘડવામાં આવ્યો હોય. આ વખતે વિપક્ષે બિહારમાં ચૂંટણી પંચની સુધારાની પ્રક્રિયા, ઑપરેશન સિંદૂર અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનોને ચોમાસુ સત્રના મુદ્દા બનાવ્યા છે, પરંતુ આ પહેલાં પણ વિપક્ષ દ્વારા દર વખતે સંસદ સત્ર બગાડવાની પટકથા પહેલેથી જ લખાઈ ગઈ હોય છે.
આ પહેલાં વિપક્ષે પેગાસસ સ્નુપિંગના આધાર વગરના આરોપોને લઈને રાફેલ અને અદાણી-હિંડનબર્ગ સુધીના મુદ્દાઓ ઉઠાવ્યા છે. આ મુદાઓ સંસદના સત્રને બગાડવાનું મોટું કારણ રહ્યા છે. વર્ષ 2023ના બજેટ સત્રને વેડફી નાખવા માટે કોંગ્રેસ અને વિપક્ષે અદાણી સામે હિંડનબર્ગ રિસર્ચ દ્વારા પ્રકાશિત હિટ જોબવાળા રિપોર્ટનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આખું સત્ર બરબાદ કરી નાખ્યું હતું.
તે જ સત્ર પહેલાં BBCએ પીએમ નરેન્દ્ર મોદી પર બનાવેલી એક પ્રોપગેન્ડા ડોક્યુમેન્ટરીને લઈને પણ વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. આ ઉપરાંત એ જ વર્ષે શિયાળુ સત્રના શરૂ થતાં પહેલાં એપલ આઈફોનના નોટિફિકેશન મામલે પણ વિપક્ષે તોફાન મચાવ્યું હતું. જોકે, આ મામલે એપલ કંપનીએ સ્પષ્ટતા આપી દીધી હતી.
આ પહેલાં વર્ષ 2021માં ચોમાસું સત્ર પહેલાં પેગાસસની સ્ટોરીને લઈને હોબાળો મચ્યો હતો. આ સત્રમાં પણ દાવો કરવામાં આવ્યો હતો કે, સરકાર સ્નુપિંગ સાથે સંકળાયેલી છે. જે પછી આ દાવો ખોટો નીકળ્યો અને સંસદનું એ સત્ર પણ વેડફાઈ ગયું. આ સત્રમાં પણ નાગરિકોના કરોડો રૂપિયા પાણીની જેમ વહી ગયા હતા.
આ ઉપરાંત વર્ષ 2021માં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાફેલ વિમાન ખરીદવાના કથિત કૌભાંડનો મામલો ઉઠાવ્યો હતો. વિદેશી મીડિયાના અમુક અહેવાલોના આધારે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જેને લઈને વર્ષ 2021નું સત્રમાં હોબાળાઓથી ભરેલું રહ્યું. રાફેલ ખરીદીનો કથિત કૌભાંડનો મામલો પણ સંસદથી લઈ સુપ્રીમ કોર્ટ સુધી ક્યાંય ટકી શક્યો નહીં, પરંતુ આ બધામાં સંસદનો સમય જરૂર વેડફાયો હતો.
આ દરમિયાન જે સમયનો સદુપયોગ દેશમાં નવા કાયદાઓની ચર્ચા, જૂના કાયદાઓની સમીક્ષા કરવા અને નાગરિકોના જરૂરી પ્રશ્નો ઉઠાવવા માટે થવો જોઈએ તેનો ઉપયોગ વિપક્ષે પ્લેકાર્ડ્સ ઉછાળવામાં અને હોબાળો મચાવવામાં જ પસાર કર્યો છે. વિપક્ષે આ દરમિયાન ઘણીવાર સંસદમાં ડેડલોકની સ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ કર્યો અને સંસદીય કામ જ્યાં હતું ત્યાં જ અટકેલું રહ્યું.
કેમ ચિંતાજનક છે આ ટ્રેન્ડ ?
દેશની સંસદને સુચારું રીતે ચલાવવી એ પક્ષ અને વિપક્ષ બંનેની જવાબદારી હોય છે. સંસદનું ઓછા દિવસો ચાલવું અને ઓછું કામ થવું એ ચિંતાજનક પણ છે. કારણ કે, તેનાથી વ્યવસ્થાના બીજા ભાગોને પ્રભાવ વધારવાની તક મળે છે. એક અહેવાલ અનુસાર, જ્યાં પહેલી લોકસભા (1952-57) વર્ષના 135 દિવસ ચાલતી હતી તો ત્યાં હાલની 17મી (2019-24) લોકસભા માત્ર 55 દિવસ જ ચાલી છે.
તેનાથી પણ વધુ ચિંતાજનક ટ્રેન્ડ એ છે કે, આ 17મી લોકસભાનો લગભગ 50% સમય હોબાળાઓ અને ધમાલ કરવામાં જ નીકળી ગયો છે. આ દરમિયાન એક બાજુ જ્યાં પૈસાની બરબાદી થાય છે ત્યાં બીજી બાજુ મહત્વપૂર્ણ બિલો પર ચર્ચા થઈ શકતી નથી.
આવામાં વિપક્ષે ફક્ત હોબાળો ઊભો કરવાની જગ્યાએ તર્ક અને પુરાવાઓના આધારે સરકારને ઘેરવાની નીતિ બનાવવી જોઈએ, ન કે સંસદની કામગીરીમાં અડચણ ઊભી કરવી જોઈએ. એનાથી નાગરિકોનો વિશ્વાસ તો વધશે જ, સાથે દેશનું લોકતંત્ર પણ મજબૂત બનશે અને સરકારી રૂપિયાનો વ્યય પણ અટકશે.


