AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ (Chaitar Vasava) કોંગ્રેસ નેતા (Congress) હીરા જોટવા (Hirabhai Jotva) પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા બાદ બંને વચ્ચે વિવાદ વધ્યો છે. બંનેની પાર્ટીમાં તો પહેલાંથી જ ખેંચતાણ જોવા મળી રહી હતી, પરંતુ હવે આ બંને નેતાઓ વચ્ચે પણ ખેંચતાણ જોવા મળી રહી છે. ચૈતર વસાવા કહે છે કે, તેમની પાસે ભ્રષ્ટ્રાચાર કર્યો હોવાના તમામ પુરાવા છે તો બીજી તરફ હીરા જોટવા માનહાનિનો દાવો કરવા આગળ વધી ગયા છે. જોટવાએ આ આખી ઘટનાને વિસાવદરની પેટાચૂંટણી સાથે જોડી છે અને રાજકારણ ગણાવ્યું છે.
આ સમગ્ર વિવાદની શરૂઆતના ચૈતર વસાવાના આરોપોથી થઈ હતી. ચૈતર વસાવાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો અને દાવો કર્યો હતો કે, કોંગ્રેસ નેતા હીરા જોટવાએ આદિવાસી વિસ્તારમાંથી ‘મનરેગા કૌભાંડ’ હેઠળ ₹400 કરોડ ખંખેરી લીધા હતા. તેમણે આરોપ લગાવ્યો કે, આ કૌભાંડમાં બચુ ખાબડના પુત્ર જ નહીં, પણ અનેક નેતાઓ સામેલ છે. વસાવાએ કહ્યું કે, વર્ષ 2020-21થી 2022-23 સુધીમાં મંત્રી બચુ ખાબડ પ્રભારી હતા. ત્યારે આ ભ્રષ્ટાચાર થયો હતો.
નર્મદા જિલ્લામાં વર્ષ 2020-21, 2021-22 અને 2022-23 માં મંત્રીશ્રી બચુભાઈ ખાબડ જ્યારે પ્રભારી મંત્રી હતા, તે દરમિયાન કોંગ્રેસના એક દિગ્ગજ નેતા હીરા જોટવાની જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સીને સાથે રાખીને બંને જણની ભાગીદારીમાં મટીરીયલ પૂરું પાડવાના નામે 400 કરોડથી વધારેનું કૌભાંડ થયું હોય… pic.twitter.com/r4XogBdBRp
— Chaitar Vasava AAP (@Chaitar_Vasava) May 29, 2025
જોકે, આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવ્યા બાદ કોંગ્રેસ નેતા જોટવાએ આ તમામ આરોપોને નિરાધાર ગણાવી દીધા હતા. સાથે તેમણે એવું પણ કહી દીધું હતું કે, તેઓ ચૈતર વસાવા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરશે. આ સમગ્ર ઘટનાને લઈને તેમણે એવું પણ કહી દીધું હતું કે, આમ આદમી પાર્ટી ભાજપની ‘બી ટીમ’ છે. આ વિવાદને લઈને ઑપઇન્ડિયાએ બંને નેતાઓ સાથે વાત કરી છે.
‘ગાંધીનગર સુધી મોરચો ખોલીશું’- ચૈતર વસાવા
કોંગ્રેસ નેતા જોટવાના માનહાનિના નિવેદન બાદ ચૈતર વસાવાએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, તેઓ કોર્ટ કાર્યવાહી માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે એવું પણ કહ્યું હતું કે, તેઓ કોર્ટમાં બધા પુરાવા રજૂ કરશે. વધુમાં તેમણે આખા રાજ્યમાં મોરચો ખોલીને આંદોલનની ધમકી પણ આપી હતી. તેમણે સરકાર પાસે માંગણી કરી છે કે, આ કેસ મામલે તપાસ સમિતિ બનાવવામાં આવે અને તેની તપાસ તે સમિતિને સોંપવામાં આવે.
ચૈતર વસાવાએ ઑપઇન્ડિયાને કહ્યું કે, “બચુભાઈ ખાબડ પ્રભારી મંત્રી હતા, તે દરમિયાન કોંગ્રેસના નેતા હીરા જોટવાની ‘જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સી’ને સાથે રાખીને બંને જણની ભાગીદારીમાં મટિરિયલ પૂરું પાડવાના નામે ₹400 કરોડથી વધુનું કૌભાંડ થયું હતું. આ બાબતના બધા જ પુરાવા મારી પાસે છે. સહી-સિક્કા સાથેના દસ્તાવેજો પણ ઉપલબ્ધ છે. ભૂતકાળમાં અનેક સરપંચોને સાથે રાખીને અમે આ મુદ્દે આવેદનપત્ર પણ આપ્યું હતું અને પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. પરંતુ ત્યારે કોઈ કાર્યવાહી થઈ નહોતી.”
વસાવાએ આરોપ લગાવ્યો કે, “કરોડો રૂપિયાના પેમેન્ટો ચૂકવાયા છે, પરંતુ એક પણ જગ્યાએ કામ થયા નથી. કોઈપણ ગામમાં એક પણ જગ્યાએ રેતી, કપચી આપ્યા વગર GST બિલો વગર પંચાયતના નામે કરોડો રૂપિયા સેરવી લીધા છે. અમારી સરકાર સમક્ષ વિનંતી છે કે, આ જલારામ એજન્સી દ્વારા નર્મદા જિલ્લામાં જે પણ કામ કરવામાં આવ્યા છે તેની તપાસ કરવામાં આવે. જો યોગ્ય તપાસ કરવામાં આવે તો ₹400 કરોડથી વધારે કૌભાંડ બહાર આવી શકે તેમ છે.”
‘ભાજપની બી ટીમ છે AAP’- કોંગ્રેસ નેતા
બીજી તરફ વસાવાના નિવેદનને લઈને કોંગ્રેસ નેતા પણ મેદાને આવ્યા છે. કોંગ્રેસ નેતા હીરા જોટવાએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, વસાવા પાસે ગમે તેટલા પુરાવા હોય, પણ તે તમામ પુરાવા ખોટા છે. તેમણે કહ્યું કે, માનહાનિનો દાવો કરવા માટેની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે અને હવે કોર્ટમાં જ વસાવાને જોઈ લેવાશે. તેમણે એવું પણ કહ્યું કે, આ કેસ તેઓ જ જીતવાના છે. સમગ્ર વાતચીત દરમિયાન તેમણે AAPને ભાજપની ‘બી ટીમ’ ગણાવી અને પોતાને વારંવાર નિર્દોષ ગણાવ્યા છે. વધુમાં તેમણે આ સમગ્ર ઘટનાને રાજકારણ ગણાવી દીધું હતું.
ઑપઇન્ડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, “માનહાનિનો દાવો કોર્ટમાં થશે અને કોર્ટ તેમને સવાલ કરશે. હું કોર્ટમાં તેમને હરાવીને જ રહીશ. પહેલાં એ લોકો ₹2400 કરોડના કૌભાંડની વાતો કરતા હતા, પછી ₹400 કરોડે આવી ગયા. આ બધુ ઓનલાઈન પણ દેખાતું હોય છે અને ગાંડા માણસને પણ ખબર પડે કે, વેપાર હોય એટલો વકરો ન હોય. વિસાવદરની ચૂંટણી એમ જ નહીં જીતી શકાય. વિસાવદર જીતવા માટે મહેનત જરૂરી છે અને ત્યાંનાં સ્થાનિક હોવું જરૂરી છે.”
વધુમાં તેમણે એવું પણ કહ્યું કે, આમ આદમી પાર્ટીને સ્થાનિક કોઈ ઉમેદવાર ન મળ્યો એટલે તેઓ બહારથી એક ઉમેદવારને લઈને આવ્યા. તેમણે એવું પણ કહ્યું છે કે, ગોપાલ ઇટાલિયાને બહારથી લાવીને વિસાવદરમાં જીતાડી દેવાના કોંગ્રેસના સપના ખોટા સાબિત થશે. તેમણે કહ્યું કે, ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા બંનેથી કશું થઈ શકવાનું નથી. તેમણે AAPને ભાજપની ‘બી ટીમ’ ગણાવી દીધી હતી અને આગાહી પણ કરી હતી કે, આવનારી ચૂંટણી વસાવા અને ઇટાલિયા ભાજપમાંથી લડશે.