ભારતમાં ચૂંટણીલક્ષી રાજકારણ મોટેભાગે નેતાઓ કેન્દ્રિત રહે છે. બંને બાજુ નફા-નુકસાન છે એનાં. જીત મળે તો કહી શકાય કે આ જે-તે નેતાની જીત છે. પણ હાર મળે તોપણ એ નેતાની જ હાર કહેવાય.જે નેતાઓને હારની જવાબદારી ઉપાડવામાં જોર પડે તેઓ પછી ચૂંટણી પંચ પર દોષ નાખીને છટકબારી શોધી લે છે. આ જ નેતાઓની હાર-જીત પાછળ તેમના સલાહકારોનો ફાળો મોટો હોય. ભારતના રાજકારણમાં નેતાઓ જેટલા ચર્ચામાં રહ્યા, તેટલા જ ચર્ચામાં તેમના સલાહકારો પણ રહ્યા છે.
બિહારમાં હમણાં આવા બે ‘સલાહકારો’ હમણાં ચર્ચામાં છે. બંને તેજસ્વી યાદવના સલાહકારો છે. બિહારનાં પરિણામો આવ્યાં પછી લાલુ યાદવના પરિવારમાં નવી બબાલ શરૂ થઈ છે. લાલુની પુત્રી રોહિણી યાદવે (જેણે કિડની આપી હતી) આરોપ લગાવ્યો કે તેને ઘરમાંથી હડધૂત કરીને કાઢી મૂકવામાં આવી. તેણે બે વ્યક્તિઓનાં નામ આપ્યાં– સંજય યાદવ અને રમીઝ.
આમ તો આ બંને વિશે બહુ જાણકારી પબ્લિક ડોમેનમાં નથી. સંજય યાદવ હરિયાણાના છે. બિહારથી રાજ્યસભા સાંસદ છે. તેજસ્વી યાદવ સાથે રહે છે અને સમગ્ર ચૂંટણી કેમ્પેઈન ડિઝાઇન કરવામાં મોટી ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે. રમીઝ આરજેડીનું સોશિયલ મીડિયા સંભાળે છે એમ કહેવાય છે. તે સિવાય બંને વિશે બહુ જાણકારીઓ ઉપલબ્ધ નથી. પડદા પાછળના ખેલાડીઓ વિશે આમેય બહુ જાણકારીઓ હોતી નથી.
ચર્ચા એવી છે કે તેજસ્વીએ આ બંનેના વ્હાયે લાગીને ઘરમાં જ આગ લગાડી દીધી. આ બધામાં શું અને કેટલુંક સાચું અને કેટલુંક ખોટું એ તો તેમાં જે-જે સામેલ છે તેઓ જાણે. આપણને કશું નિસ્બત નથી.
આવું જ રાહુલ ગાંધીનું છે. રાહુલ ગાંધી જેમની સલાહ પર ચાલે છે એ જયરામ રમેશથી માંડીને કેસી વેણુગોપાલ અને પવન ખેડા, સેમ પિત્રોડા વગેરે અલ્ટ્રા લેફ્ટિસ્ટો છે. એટલે જ હવે કોંગ્રેસ વધુ પડતી લેફ્ટ-લિનિંગ બનતી જાય છે. નરેન્દ્રભાઈ કોંગ્રેસને મુસ્લિમ લીગ-માઓવાદી પાર્ટી કહે છે. એને માત્ર પોલિટિકલ કોમેન્ટ્રી તરીકે ન જોતાં બૃહદ દૃષ્ટિકોણથી જોઈએ તો વાત તદ્દન સાચી લાગે છે. વાસ્તવમાં એવું જ થયું છે. એવું થવામાં રાહુલના સલાહકારોનો ફાળો મોટો છે.
આ સલાહકારો રાહુલ ગાંધીને દર થોડા-થોડા દિવસે નવો મુદ્દો પકડાવી દે છે. રાહુલ જઈને કહ્યું હોય તેમ કરી આવે છે. વોટચોરીવાળામાં રાહુલે સ્ટેજ પર પ્રેસ કૉન્ફરન્સ કરી તેની ઉપરથી ખબર પડી ગઈ કે આ બધું ગોખાવી મારવામાં આવ્યું છે. બીજા કોઈના મગજની ઊપજ છે.
કોઈ માતા ચોથા-પાંચમામાં ભણતા બાળકને કશુંક ગોખાવી મારીને સ્ટેજ પર મોકલી આપે એવું જ થયું આ. બાળક સારું પ્રદર્શન કરે તો માતા તેને પ્રોત્સાહન આપે. નબળું પ્રદર્શન થાય ને બહુ મજા નહીં આવે તો કહી દે કે એમાં તારો કોઈ વાંક નથી પણ કોઈ પણ કારણ આપીને કહી દે કે એમ થયું હતું એટલે તારી સાથે આવું થયું. બાળક માની જાય. રાહુલના કિસ્સામાં મોટેભાગે આવું જ થાય છે. બિહારની ચૂંટણીમાં પરાજય બાદ આ સલાહકારો અને જીહજૂરિયાઓની ફૌજ રાહુલને એ જ સમજાવવા બેઠી છે કે હારનું કારણ તેમની કરતૂતો નહીં પણ ચૂંટણી પંચ છે!
રાહુલના પિતાજી પણ મોટેભાગે સલાહકારો પર જ નિર્ભર રહેતા એવું ઇતિહાસ વાંચીએ તો જોવા-જાણવા મળે છે. તેમના મોટાભાગના નિર્ણયોમાં સલાહકારોની ભૂમિકા મોટી હતી. અમુક નિર્ણયો તો લીધા જ સલાહકારોએ હતા, પણ વડા પ્રધાન તરીકે શ્રેય સ્વાભાવિક રાજીવને મળ્યો. (બાબરીનાં તાળાં ખોલવાનો નિર્ણય તેમાંનો જ એક છે. વિગતે વાત ફરી ક્યારેક.) રાજીવ સાથે પ્લસ પોઈન્ટ માત્ર એટલો હતો કે સલાહકારોમાં થોડા વ્યવસ્થિત માણસો હતા, જેમનાં આંખ-કાન ગ્રાઉન્ડ પર રહેતાં. એમાં રાહુલનાં માતાજી સોનિયા ગાંધી પણ ફાવી ગયાં અને એટલે જ કોંગ્રેસ વર્ષો સુધી ટકી રહી. રાહુલે એમાં થોડો સંઘર્ષ કરવાનો આવ્યો છે. જેવાં જેનાં નસીબ!
આમાં મોદી પણ આવે છે, પણ તેમની વાત તદ્દન જુદી છે અને એટલે જ મોદી એ મોદી છે. મોદી પાસે એક એકથી ચડિયાતા સલાહકારોની ફૌજ છે. તેમની ટીમમાં કામ કરનારા ઘણાને આપણે ઓળખતા પણ નથી. અમુકને ઓળખીએ છીએ તેમાં પહેલું નામ તો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે અજિત ડોભાલનું જ આવે. આર્થિક બાબતોની સલાહકાર પરિષદના અધ્યક્ષ તરીકે બિબેક દેબરોયે ઘણું સારું કામ કર્યું. ગયા વર્ષે તેમનું નિધન થયું. બીજાં આવાં ઘણાં નામો છે.
પણ મોદીની પાસે પોતાનું પણ મગજ છે. જેનો ઉપયોગ તેઓ સતત કરતા રહે છે. વર્ષોના પરિશ્રમ, પુરુષાર્થ અને અનુભવ પરથી જે જ્ઞાન મળ્યું એનું ભાથું પણ તેમની પાસે છે. દરેક ક્ષેત્રની તેઓ સમજ ધરાવે છે. ન હોય તો મેળવી લે છે. માત્ર અમુક ઇનપુટ્સ પર આધારિત રહેતા નથી. પોતાની રીતે પણ એટલો જ પરિશ્રમ કરે છે. એટલે તેમના નિર્ણયોમાં સલાહકારોનાં ઇનપુટ ભલે કામ આવે, પણ કોઈ પણ મોદી પાસે પોતાનું ધારેલું કરાવી શકે નહીં. કારણ કે કયું કામ ક્યારે કરવું તેની મોદીને ખબર છે.
નેતા થવું સરળ નથી. સલાહકાર થવું પણ સરળ નથી. નેતા તરીકે સલાહકાર પસંદ કરવામાં સાવચેતી રાખવી પડે છે. ન રાખે તો માણસ રાહુલ ગાંધી કે તેજસ્વી યાદવ બની જાય છે!


