Wednesday, July 9, 2025
More
    હોમપેજદેશઅમદાવાદમાં થયેલ એર ઇન્ડિયાના ડ્રીમલાઇનર ક્રેશે ફરી સમજાવ્યું, એરોસ્પેસમાં આત્મનિર્ભરતા ભારત માટે...

    અમદાવાદમાં થયેલ એર ઇન્ડિયાના ડ્રીમલાઇનર ક્રેશે ફરી સમજાવ્યું, એરોસ્પેસમાં આત્મનિર્ભરતા ભારત માટે કેમ છે જરૂરી: ટેકનોલોજીમાં પાછળ હોવાના બહાના હવે નહીં ચાલે

    બ્રહ્મોસ જેવી મિસાઇલ બનાવવાનું હોય કે તેજસ હોય, જ્યારે પણ આપણે પ્રયાસ કર્યો છે, ત્યારે આપણે સફળ થયા છીએ. અત્યારે પણ આવા પગલાં લેવાની જરૂર છે. અમદાવાદ વિમાન અકસ્માત દુઃખદ છે પણ તે આપણને એ પણ શીખવે છે કે આત્મનિર્ભરતાનો કોઈ વિકલ્પ નથી.

    - Advertisement -

    તારીખ- 12 જૂન, 2025. સમય- બપોરના લગભગ 1:30 કલાક. સ્થળ- અમદાવાદ. વધુ વિવરણ આપવાની જરૂર નથી. વિશ્વ આખું જાણે છે કે, આ તારીખે અમદાવાદમાં શું થયું હતું. એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ (Ahmedabad Plane Crash) થવાથી 250થી વધુ જિંદગી છીનવાઈ ગઈ. વિમાનમાં સફર કરનારાઓની સાથે જમીન પર પોતાનું કામ કરી રહેલા 20થી વધુ લોકો પણ કાળના મુખમાં સમાઈ ગયા. દોષ કોનો? પાયલોટનો? કે પછી વિમાન નિર્માણ કરતી કંપનીઓનો?- આ સવાલોના જવાબ ભારતીયો છેલ્લા ત્રણ દિવસથી શોધી રહ્યા છે. આશા છે, જલ્દી તેના જવાબો મળી શકશે. 

    દુર્ઘટનાનો ભોગ બનનારું વિમાન અમેરિકી કંપની બોઇંગે (Boeing) બનાવેલું 787 ડ્રીમલાઇનર (Dreamliner) હતું. વિમાન ટેક ઑફની એક જ મિનિટના દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. હમણાં સુધી દુર્ઘટનાના કારણો સ્પષ્ટ નથી થયા. પરંતુ અટકળો એવી થઈ રહી છે કે, પક્ષીના અથડાવાથી આવું થયું. વધુમાં ક્યાંક એવા દાવા પણ થઈ રહ્યા છે કે, વિમાનના બંને એન્જિન ફેલ થઈ ગયા હતા. પરંતુ વાસ્તવમાં શું થયું હતું તે જાણી શકાયું નથી. તેના પર કામ ચાલી રહ્યું છે. 

    Boeing 787

    જોકે, બ્લેક બોક્સ મળી આવ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. બીજા પણ ઘણા એવા ઉપકરણો મળી આવ્યા છે, જેના દ્વારા દુર્ઘટના વિશેની માહિતી મળી શકશે. આ બધી તપાસ પૂરી થયા બાદ દુર્ઘટનાનું કારણ સ્પષ્ટ થઈ શકશે. પરંતુ, બની શકે કે તેમાં કેટલાક મહિના અને એક વર્ષ સુધીનો સમય પણ લાગી શકે. ત્યાં સુધીમાં કદાચ એવું પણ બને કે, ઘટનાને લોકો ધીરે-ધીરે ભૂલવા લાગે અને રોજબરોજના કામમાં જોતરાય જાય. 

    - Advertisement -

    બોઇંગ પર પણ ઉઠી રહ્યા છે સવાલ

    આ સમગ્ર પ્રક્રિયા ખૂબ લાંબી છે અને સમય પ્રમાણે આગળ ચાલી રહી છે. પરંતુ આ બધા વચ્ચે બોઇંગ કંપની પર પણ સવાલો ઉઠી રહ્યા છે. તાજેતરના વર્ષોમાં જ બોઇંગનો સુરક્ષા ટ્રેક રેકોર્ડ ખૂબ ખરાબ રહ્યો છે. તેના 737 મેક્સ વિમાનો સતત દુર્ઘટનાનો શિકાર બન્યા છે. જે વિમાનો દુર્ઘટનાનો ભોગ બન્યા તેમાં પણ તકનીકી સમસ્યાઓ હોવાની વાત સામે આવી છે અને આ દાવો બોઇંગના પૂર્વ કર્મચારીએ કર્યો છે. તેમનું કહેવું એવું હતું કે, ખામીયુક્ત ડ્રીમલાઇનર વિમાનો એર ઇન્ડિયાને આપવામાં આવ્યા હતા.

    હાલમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલું વિમાન પણ બોઇંગ કંપનીએ બનાવ્યું હતું. તેનું નિર્માણ ભારતમાં નહોતું થયું. ભારતમાં ઉડતા લગભગ 90%થી વધુ નાગરિક વિમાનો ભારતમાં નથી બનતા. એવું નથી કે, કોઈ વિમાન ભારતમાં બનશે તો તે ક્યારેય ક્રેશ નહીં થાય. પરંતુ અહીં મુદ્દો એ છે કે, આપણે જે વિમાન બનાવીએ છીએ તેના પર આપણું પોતાનું નિયંત્રણ હશે. આપણે તેના ઉત્પાદન, તેના પ્રમાણપત્ર અને ઉપયોગમાં લેવાતી તકનીકોનું યોગ્ય નિરીક્ષણ કરી શકીશું અને દેશભક્તિની ભાવના પણ તેમાં અસર કરી શકે છે. 

    કંપની ક્યારેય નહીં સ્વીકારી શકે પોતાની ભૂલ

    સાથે એવું પણ કહેવાય રહ્યું છે કે, બોઇંગ કંપનીમાં બેદરકારી ચાલી રહી છે. જોકે, આપણે કાવતરાની થિયરી પર વધુ વિશ્વાસ કરવાની જરૂર નથી, પરંતુ બોઇંગ જેવી કંપનીઓ માત્ર નફા પર ચાલે છે. માત્ર બોઇંગ જ નહીં, પરંતુ તેના જેવી બધી જ કંપનીઓનો અંતિમ ધ્યેય પૈસો છે. જો એવું સાબિત થઈ જાય કે, દુર્ઘટના બોઇંગની ટેકનિકલ ખામીના કારણે થઈ હતી તો કંપનીને અરબોનું નુકસાન થશે. પરંતુ દોષનો ટોપલો પાયલોટ પર ઢોળાઈ જાય તો બોઇંગ છટકી શકે છે. તો તે પોતાની નિર્દોષતા સાબિત કરવા શું કરી શકે એમ છે? 

    એવું જરૂર નથી કે, આવું થશે જ. પરંતુ મોટી અમેરિકન કંપનીઓ પહેલાં પણ તપાસને પ્રભાવિત કરતી પકડાઈ છે. રહી વાત પાયલોટની ભૂલની તો એક વાત આજે આખી દુનિયા સ્વીકારે છે કે, ભારતીય પાયલોટ્સ વિશ્વના શ્રેષ્ઠ પાયલોટો માનવામાં આવે છે. તેમના માથા પર આ દોષનો ટોપલો ઢોળવો એ પણ એક સમસ્યાનો વિષય છે. 

    દુર્ઘટનાથી મળતી શીખ- એરોસ્પેસમાં આત્મનિર્ભરતા

    આગળ શું થવાનું છે અને શું થઈ શકે તેમ છે એ તો સમય જણાવશે. પરંતુ આ વિમાન દુર્ઘટનાએ ફરીથી ભારતમાં એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીને (Aerospace Industry) મજબૂત કરવાની માંગને બળ આપ્યું છે. અમદાવાદની દુર્ઘટના બની શકે કે, પાયલોટની ભૂલથી સર્જાઈ હોય પરંતુ તેમ છતાં પણ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીને મજબૂત કરવાની દલીલ નબળી પડી શકે તેમ નથી. વિદેશી વિમાનન કંપનીઓ પરની નિર્ભરતાના કારણે આપણે પહેલાં પણ ખૂબ નુકસાન ઉઠાવ્યું છે. 

    વર્ષ 2023માં ભારતની લોકલ એરલાઇન્સ ‘ગો ફર્સ્ટ’ આ કારણે જ બંધ થઈ ગઈ. તેના એરબસ પાસેથી ખરીદેલા વિમાનોમાં પ્રેટ એન્ડ વ્હિટનીના એન્જિન લાગ્યા હતા. આ એન્જિનમાં સમસ્યા આવી અને એરલાઇન્સના સેંકડો વિમાન અટકી પડ્યા. એન્જિન કંપનીને વારંવાર કહેવા છતાં કોઈ સમાધાન નહીં આવ્યું અને એક ભારતીય કંપની કારણ વગર બંધ થઈ ગઈ. NITI આયોગનો એક રિપોર્ટ કહે છે કે, અલગ-અલગ સમસ્યાઓના કારણે હાલમાં લગભગ 130થી વધુ વિમાન અટકી પડ્યા છે અને એરલાઇન્સને રોજ કરોડોનું નુકસાન સહેવું પડે છે. 

    આ મોટાભાગના વિમાનો ગ્રાઉન્ડેડ થવા પાછળનું કારણ ટેકનિકલ છે અને તેનું સમાધાન વિદેશી કંપનીઓ પાસે છે. જો આપણે ભારતમાં આવા વિમાનો બનાવી રહ્યા હોત તો કદાચ આ પરિસ્થિતિ ઊભી થાય તે પહેલાં જ આપણને ખબર પડી ગઈ હોત અને ઓછામાં ઓછું તે બન્યા પછી આપણે બીજાઓ પાસેથી મદદ માંગી ન હોત.  ભારતીય એરલાઇન્સે હાલમાં લગભગ 1500 વિમાનોના ઓર્ડર આપ્યા છે. આ બધા ઓર્ડર બોઇંગ અથવા એરબસને આપવામાં આવ્યા છે. આના કારણે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને જર્મની જેવા દેશોને લાખો કરોડનો ફાયદો થશે. સ્થાનિક સ્તરે વિમાનોનું ઉત્પાદન કરીને પણ આ પૈસા બચાવી શકાય છે.

    આત્મનિર્ભરતાનો નથી કોઈ વિકલ્પ

    એવું નથી કે સમસ્યાઓ ફક્ત પેસેન્જર વિમાનોમાં જ હોય ​​છે. વાયુસેના કે સેના માટે ખરીદેલા વિમાનોમાં વધુ સમસ્યાઓ હોય છે. ભારતીય વાયુસેના કાર્ગો માટે એટલે કે લશ્કરી સાધનોના વહન માટે રશિયન IL-76 વિમાનોનો ઉપયોગ કરે છે.  આ વિમાનોમાં પણ સમસ્યાઓ રહી છે. સંરક્ષણ નિષ્ણાતો કહે છે કે આ વિમાનોની ઉડાન તૈયારીનો અભાવ એક મુખ્ય મુદ્દો છે. રશિયા આ તકનીકી સમસ્યાઓનું નિરાકરણ લાવી શક્યું નથી. તેવી જ રીતે, ભારતમાં બનેલ તેજસ વિમાન અમેરિકન એન્જિન પર આધારિત છે. 

    અમેરિકન કંપની જનરલ ઇલેક્ટ્રિક આ માટે એન્જિન સપ્લાય કરે છે. આ એન્જિનની સપ્લાય એક વર્ષ લેટ છે, જેના કારણે તેજસ વિમાનનું ઉત્પાદન અટકી ગયું છે. વાયુસેનાએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. જનરલ ઇલેક્ટ્રિકને 100થી વધુ એન્જિન સપ્લાય કરવાના છે, જેમાંથી તે 10 પણ સપ્લાય કરી શકી નથી. આ બધાના મૂળમાં એક વસ્તુ છે અને તે છે આત્મનિર્ભરતા. એ સાચું છે કે આપણે હજુ સુધી ડ્રીમલાઇનર જેવા વિમાનો અથવા જનરલ ઇલેક્ટ્રિક જેવા એન્જિન બનાવવા માટે તકનીકી રીતે સક્ષમ નથી. પરંતુ આ બહાના હવે આપી શકાય એમ નથી.

    આપણે પણ એક સમયે એક બિંદુ પરથી શરૂઆત તો કરવી જ પડશે. જો આપણે બસ વિચારતા રહીશું તો વિદેશી દેશો પર નિર્ભર રહીશું. એવું નથી કે આપણે ક્યારેય આવું કંઈ કર્યું નથી. બ્રહ્મોસ જેવી મિસાઇલ બનાવવાનું હોય કે તેજસ હોય, જ્યારે પણ આપણે પ્રયાસ કર્યો છે, ત્યારે આપણે સફળ થયા છીએ. અત્યારે પણ આવા પગલાં લેવાની જરૂર છે. અમદાવાદ વિમાન અકસ્માત દુઃખદ છે પણ તે આપણને એ પણ શીખવે છે કે આત્મનિર્ભરતાનો (Self reliance) કોઈ વિકલ્પ નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં