હોમપેજગુજરાતગુજરાતી સાહિત્ય પરિષદ ભવનમાં સરસ્વતી પ્રતિમા કેમ નહીં? પૂજા કેમ નહીં?

ગુજરાતી સાહિત્ય પરિષદ ભવનમાં સરસ્વતી પ્રતિમા કેમ નહીં? પૂજા કેમ નહીં?

દિલ્હી સ્થિત કેન્દ્રીય સાહિત્ય અકાદમીના ભવનમાં માતા સરસ્વતીની મોટી મૂર્તિ સ્થપાયેલી છે. અન્ય ભાષાઓની સાહિત્ય સંસ્થાઓ ભાવપૂર્ણરીતે સરસ્વતીવંદના કરે જ છે. ગુજરાતી સાહિત્ય પરિષદકો જાણે માતૃઘાતી છે.

- Advertisement -

શુક્રવારે (23 જાન્યુઆરી) દેશભરમાં, ગુજરાતભરમાં મા સરસ્વતીની આરાધના કરીને વસંત પંચમીનું પર્વ ઉજવાયું. જ્ઞાન, કળા અને શબ્દપરંપરાના પાવન દિવસે ઘણી શૈક્ષણિક, સાંસ્કૃતિક, સાહિત્યિક સંસ્થાઓમાં પણ પૂજન-પ્રાર્થના થયાં હશે. પણ ગુજરાતી સાહિત્યની સેવા કરતી, અથવા તેવો દાવો કરતી ગુજરાતી સાહિત્ય પરિષદ અળગી રહી.

બે વર્ષ પહેલાં જ્યારે દિવાળી ટાણે આવો એક પ્રસંગ થયો ત્યારે સાહિત્યમાં સેવારત અમુક સેક્યુલરોએ હોબાળો મચાવ્યો હતો અને જાણે બહુ મોટું કોઈ દુષ્કૃત્ય થયું હોય એવો માહોલ બનાવી દીધો હતો તેને જોતાં બહુ આશ્ચર્ય થાય એમ પણ નથી. પરંતુ પ્રશ્ન યથાવત રહે કે સાહિત્ય સંસ્થામાં સરસ્વતી પૂજન કેમ ન હોય?

આ જ વિષય આવરી લઈને સાહિત્ય સંસ્થા પર વ્યાજબી પ્રશ્નો ઉઠાવતો વરિષ્ઠ પત્રકાર જશવંત રાવલનો વિચારપ્રેરક લેખ અહીં શબ્દશઃ પ્રસ્તુત છે.

- Advertisement -

—–

આજે વસંત પંચમી છે. શબ્દની શક્તિ મા શારદાનું પર્વ. સનાતન શાસ્ત્ર પરંપરામાં ‘શબ્દ’બ્રહ્મ છે. શતપથ બ્રાહ્મણમાં ‘શબ્દબ્રહ્મ’ની ચર્ચા છે. બૃહદારણ્યક ઉપનિષદ જગતની ઉત્પત્તિને શબ્દ સાથે જોડે છે. આકાશનો ગુણ શબ્દ છે. ભારતીય તત્ત્વમિમાંસામાં શબ્દ માત્ર વર્ણ સમૂહ નથી. વર્ણ એ શબ્દની શક્તિ છે. શબ્દ કારણ છે, અર્થ કાર્ય. શબ્દની શક્તિના પ્રતીકરૂપે મા શારદા છે.

સાહિત્ય તો શબ્દનો વિનિયોગ અને વૈભવ છે. અર્થની નિષ્પત્તિ દ્વારા જે શક્તિ (સર્જન) સર્જાય છે એની અધિષ્ઠાત્રી મા શારદા, સરસ્વતી છે. માત સરસ્વતી કોઈ ધાર્મિક કે પંથિક નથી. વિશ્વભરની દેવગાથાઓમાં (Mythology) જ્ઞાનનાં દેવ-દેવી નિર્ધારિત છે. ભારતીય દેવગાથાઓમાં માત સરસ્વતી જ્ઞાન, કળા, ડહાપણ, પ્રજ્ઞાની દેવી તરીકે સ્થિત છે. એટલે તો વસંતપંચમીએ શારદા પૂજન સાથે અભ્યાસ, ગ્રંથાલેખન, શાસ્ત્ર પરિશીલનનો પ્રારંભ થાય છે.

બહુ આગળ ન જઈએ તો મધ્યકાલીન અજ્ઞાત કવિ ‘પહીલઉં સરસતી અરચીસું, રચીસું વસંતવિલાસ’ એમ મંગલાચરણ કરી ‘વસંત વિલાસ’ આરંભે છે. વર્તમાને કવિ વિનોદ જોશીએ તેમના પ્રબંધ કાવ્ય ‘સૈરંન્ધ્રી’ના પ્રારંભે ‘વીજળીયું વેડી લેખણ કીધી, સરસવતી માતા કાગળનો ખાલી ખૂણો આપજો…’ લખી મંગલાચરણ કર્યું છે.

શારદા તો શબ્દદાનો અપભ્રંશ હોય એમ લાગે. સાહિત્ય તો શબ્દમેધ યજ્ઞ છે. એની આવાહયા દેવી સરસ્વતી છે. એના વિના ઋત્વિજને કેમ ચાલે?

પરંતુ ગુજરાતી સાહિત્ય પરિષદ માતા સરસ્વતીનું પૂજન અર્ચન કરતાં લજાઈ જાય છે. ચારેક વરસ પહેલાં પરિષદમાં સરસ્વતી પૂજન થયું હતું એમાં તો એક નામચીન ટોળકીએ એવો તો ગોકીરો કર્યો કે તત્કાલીન પ્રમુખ પ્રકાશ ન. શાહને થયેલાં અપરાધબોધ અને ગ્લાની હજુય ઓસરતાં નથી. નવા પ્રમુખ હર્ષદરાય તો એવી હિંમત દાખવે જ શાના.

જે સમુદાય પોતાની આરાધ્યાને જાહેરમાં આલિંગતાં, પાદસ્પર્શ કરતાં કે પૂજન કરતાં ડરે, શરમાય કે પછાત ગણાઈ જવાય એવી ભીતિથી સરસ્વતી પૂજન-અર્ચનથી આઘો ભાગે એવો સર્જક સમુદાય કે એમનો મોવડી ગુજરાતી સાહિત્યનું દળદર શેં ફેડે?

દિલ્હી સ્થિત કેન્દ્રીય સાહિત્ય અકાદમીના ભવનમાં માતા સરસ્વતીની મોટી મૂર્તિ સ્થપાયેલી છે. અન્ય ભાષાઓની સાહિત્ય સંસ્થાઓ ભાવપૂર્ણરીતે સરસ્વતીવંદના કરે જ છે. ગુજરાતી સાહિત્ય પરિષદકો જાણે માતૃઘાતી છે.

ગુજરાતી સાહિત્ય પરિષદના ભવનમાં માતા સરસ્વતીની પ્રતીમા સ્થપાય અને જ્ઞાનપંચમીએ કે શારદા પંચમીએ ત્યાં પૂજા થાય અને પર્વ લેખે ઉજવાય એ અરુણું પરભાત ક્યારે ઉગશે?

હવે પછી આવનાર પ્રમુખ આ કરી શક્શે? કરશે? ઉમેદવારી કરનાર પ્રમુખ પાસેથી આ વચન ન લઈ શકાય?

હે માત સરસ્વતી, હવે ઝાઝો સમય નથી સાબરમતી તીરે સ્વાધ્યાય મંદિર પાસે સરસ્વતી મંદિર પણ હોય એને. હે માત તું પધારજે ,પુસ્તક -વીણા ધારીણી માત.

કોઈ વીરલો પ્રમુખ ‘પહેલુઉં સરસતી સ્થાપીશું …’ એમ કહી ઉમેદવારી કરશે કે?સરસ્વતી કોઈ વીરમતીના હસ્તે જ આસનસ્થ થશે ગોવર્ધનરામના પરિસરમાં?

(લેખક જશવંત રાવલ વરિષ્ઠ પત્રકાર ઉપરાંત આણંદથી પ્રકાશિત થતા દૈનિક ‘નયા પડકાર’ના તંત્રી છે. ફેસબુક પર અહીંથી તેમનો સંપર્ક કરી શકાશે.)

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં