‘સૌથી વધુ અસહિષ્ણુ પ્રજાતિ જો કોઈ હોય તો એ ગાંધીવાદીઓ છે.’– ગઈકાલે ગાંધીવાદીઓની ટીખળ કરતી એક પોસ્ટ ફેસબુક પર કરી તો એક વડીલ મિત્રે આ ટિપ્પણી કરી. તેમની વાત સાથે ઘણુંખરું સહમત થઈ શકાય એમ છે. મોહનદાસ ગાંધીને જેટલું નુકસાન આ વધારે પડતા ઉત્સાહી, અતિશક્યોક્તિ કરનારા અને બેવડાં ધોરણો ધરાવતા અમુક ગાંધીવાદીઓએ કર્યું છે એટલું તેમના ટીકાકારોએ પણ નથી કર્યું. ટીકાકારો જોકે ઘણાં વર્ષો સુધી હતા જ નહીં. સોશિયલ મીડિયા આવ્યા પછી બધું બદલાયું.
આ ઉત્સાહી ચેલકાઓએ ‘પૂ. બાપુ’નું સ્તર એ ઠેકાણે પહોંચાડી દીધું છે કે ઉપરના ફકરામાં ‘મોહનદાસ ગાંધી’ લખ્યું ને ‘મહાત્મા ગાંધી’ કે ‘ગાંધીજી’ ન લખ્યું એ પણ કોઈને અજુગતું લાગી શકે. જ્યારે વ્યક્તિઓને તેમના નામથી સંબોધવા એ તદ્દન સામાન્ય છે. તેમાંથી ઈશ્વરના અવતારો પણ બાકાત રહ્યા નથી. પણ મોહનદાસની વાત જુદી છે. તેમને અમુકે અવતારનું સ્થાન આપી દીધું છે. એમાં પણ જોકે ઘણોખરો તેમનો અંગત સ્વાર્થ છે.
એ વાત સાચી કે સ્વતંત્રતા સંગ્રામ પહેલાંના રાજકારણમાં વર્ષો સુધી મોહનદાસ ગાંધી કેન્દ્રમાં રહ્યા. જે-તે સમયે તેમણે આગેવાની પણ લીધી અને લડત પણ આપી. ગાંધીની સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે તેમણે લોકોને એકઠા કર્યા અને લડતને જનઆંદોલન બનાવવામાં સફળ રહ્યા. આજની તારીખે આ કામ પ્રમાણમાં સરળ થઈ પડ્યું છે, કારણ કે સમય પણ બદલાયો અને ટેકનોલોજી આમાં મોટો ભાગ ભજવી જાણે છે. પણ તે સમયે આ બધાના અભાવ વચ્ચે સીમિત સંસાધનો સાથે કામ કરીને પણ આટલા મોટા સ્તરે જનસમર્થન મેળવવું એ નાની વાત ન કહેવાય. તેના માટે ગાંધીને યાદ કરવા પડે.
સામાજિક સુધારણા માટે પણ ગાંધીએ ઠીકઠાક પ્રયાસો કર્યા. બીજાં અમુક ક્ષેત્રોમાં પણ તેમનાં યોગદાનો સાવ ભૂલી જઈએ તો આપણામાં અને જડ મગજના થઈ ગયેલા ગાંધીવાદીઓમાં કોઈ ફેર ન રહે. માત્ર ગાંધીના કારણે સ્વતંત્રતા મળી એ કહેવું તો અતિશયોક્તિ છે, કારણ કે આ એક સામૂહિક પ્રયાસ હતો અને તેમાં અનેક અગણિત નામો હતાં, પણ ગાંધીનો ફાળો મોટો અને અવગણી ન શકાય એવો રહ્યો એ પણ એટલી જ સાચી વાત છે.
આ બધી વાતો કરીએ ત્યાં સુધી ગાંધીવાદીઓને આપણે વહાલા લાગીએ છીએ, પણ જેવી અમુક બાબતોમાં ગાંધીની ટીકા થાય કે પ્રશ્નો કરવામાં આવે એટલે તેઓ તથ્યો સાથે જવાબ આપવાના સ્થાને ‘ગોડસેવાદી’ કે ‘અંધભક્ત’નાં સર્ટિફિકેટ લઈને ઉતરી પડે છે. (અંધભક્ત કોને કહેવાય? જે તાર્કિક પ્રશ્ન કરતો હોય તેને કે પછી બ્રહ્મચર્યના પ્રયોગો જેવી બાબતોને પણ ડિફેન્ડ કરતો હોય તેને? જવાબ સુજ્ઞ વાચક જાણે છે.) કારણ કે તેની પાસે બીજો કોઈ જવાબ હોતો નથી.
મૂળ વાત એ છે કે ગાંધીનાં કામો અને યોગદાનોનું મહત્ત્વ છે અને તેને સ્વીકારવું જ જોઈએ. પણ ગાંધી કોઈ પયગંબર કે ઈશ્વરનો અવતાર નથી કે તેના વિશે કશુંક વિરોધમાં બોલવામાં આવે કે ટીકા કરવામાં આવે એટલે તેને ‘બ્લાસફેમી’ તરીકે જોવામાં આવે.
‘પૂ. બાપુ’ અત્યારે હયાત હોત તો આવાં બેવડાં ધોરણો બદલ અમુક જડ બની ગયેલા ગાંધીવાદીઓને લાકડી-લાકડીએ ફટકાર્યા હોત. તેઓ તો લોકતાંત્રિક વ્યવસ્થાના, ફ્રી સ્પીચના હિમાયતી હતા– આવું કહેવાય છે. આપણને ખબર નથી.
ખિલાફત આંદોલન વખતે ગાંધીની ભૂમિકા પર પ્રશ્નો કરી શકાતા નથી. પ્રશ્નો કરવા પર જવાબો તો મળતા નથી, ઉપરથી વાહિયાત કારણો આપીને ડિફેન્ડ કરવામાં આવે છે અને તર્ક ન રહે એટલે આ ગેંગ ગોડસે પર ઊતરી આવે છે. એ પ્રશ્ન થતા નથી કે મોપલા નરસંહાર વખતે કેમ તેઓ ચૂપ હતા. ગાંધીના કથન ‘હિંદુઝ શૂડ નોટ હાર્બર એન્ગર અગેન્સ્ટ મુસ્લિમ, ઇવન ઇફ લેટર વોન્ટ ટૂ ડિસ્ટ્રોય ધેમ’ (મુસ્લિમો તેમને ખતમ કરી નાખવા માગતા હોય તોપણ હિંદુઓએ મુસ્લિમો પ્રત્યે હૃદયમાં કોઈ આક્રોશનો ભાવ રાખવો જોઈએ નહીં.) પર પ્રશ્ન કરીએ એટલે આપણને ધર્માંધ, કટ્ટરમાં ખપાવી દેવામાં આવે છે. એવું પૂછીએ કે આ ભાઈ પાકિસ્તાનને મદદ માટે ઉપવાસ પર કેમ બેઠા હતા ત્યારે પણ આપણે પ્રમાણપત્રોની તૈયારી રાખવાની.
હમણાં થોડા દિવસ પહેલાં એકાદ લેખકડાએ ‘ધ બેંગાલ ફાઈલ્સ’ને ઉતારી પાડવા અને ગાંધીનો વાહિયાત બચાવ કરવા માટે લેખ ઘસી માર્યો. જોકે એ સંપૂર્ણ નિષ્ફળ રહ્યો એ વાત અલગ છે. ફિલ્મમાં વાસ્તવમાં કોઈ કરતાં કોઈ રીતે ગાંધીની નિંદા કરવામાં આવી નથી. માત્ર એટલું કે બીજી ફિલ્મોમાં જેમ આ ભાઈને ઈશ્વરના અવતાર તરીકે રજૂ કરીને ફાલતુ વખાણ કરવામાં આવતાં રહે એવું વિવેક અગ્નિહોત્રીએ નથી કર્યું. (શુભકામનાઓ તેમને, આના માટે!) ઉપરથી ગાંધીની તે વખતેની સ્થિતિનું ઇતિહાસના સંદર્ભો સાથે વર્ણન કર્યું છે. આ દર્શાવે છે કે આ ગેંગ ગાંધીની સામાન્ય ટીકા પણ સહન કરી શકતી નથી.
આ જ ગાંધીવાદીઓની કરતૂતોના પરિણામે રાજકારણમાં પણ ગાંધીનું સ્થાન એવું થઈ ગયું છે કે કોઈ રાજકારણી કાલે ઊઠીને એમ કહે કે મોહનદાસે આ-આ ભૂલ કરી હતી તો એક્રોસ ધ પાર્ટીલાઈન એણે આ સામાન્ય વાત માટે પણ માફી માગવી પડે! જ્યારે ગાંધી પોતે હયાત હોત તો કહ્યું હોત કે નેતાઓ અને રાજકારણીઓ પણ આખરે માણસો જ છે, તેમનાં કામોનું નિરપેક્ષ મૂલ્યાંકન થાય એ જરૂરી છે.
પરિસ્થિતિની કલ્પના એ વાસ્તવિકતા પરથી પણ કરી શકાય એમ છે કે આ દેશના કેન્દ્રની સરકાર સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કરીને કહી શકે છે કે ભગવાન રામ હોવાના કોઈ ઐતિહાસિક પુરાવા છે જ નહીં. છાશવારે વિપક્ષી નેતાઓ ભગવાનને, હિંદુ આરાધ્યોને, દેવી-દેવતાઓને ગાળો ભાંડી શકે છે, અમુક લંપટ ચિત્રકારો તેમનાં નગ્ન ચિત્રો પણ દોરી શકે છે… પણ કોઈ ગાંધીની ટીકા કરી શકતું નથી!
સમજવાનું માત્ર એટલું છે કે મોહનદાસ ગાંધી હોય કે અન્ય કોઈ પણ રાજકારણી કે નેતા, તેમને રાજકારણી કે નેતા તરીકે જ જોઈએ. તેમનાં સારાં કામોની પણ ચર્ચા કરીએ, નબળાં કામો અને ખામીની પણ ટીકા ન કરીએ તો પહેલાં ચર્ચા તો કરીએ. લોકશાહીનો અર્થ જ એ થાય છે. ને બીજું, રાષ્ટ્રપિતા કોઈ વ્યક્તિ ન હોય શકે. આ રાષ્ટ્રના પિતા અયોધ્યામાં બિરાજમાન છે. એટલું યાદ રાખીએ.
ગાંધીવાદીઓની વાત નીકળી છે તો બે વર્ષ પહેલાંની એક ફેસબુક પોસ્ટ ટાંકીને આજનું પૂરું કરીએ.
કોઈ સ્યુડો ગાંધીવાદી સામે તમે મોહનદાસની ટીકા કરો એટલે તરત ગંભીર ચહેરો બનાવીને સામો સવાલ ફેંકે કે ‘શું તમે ગાંધીને વાંચ્યા છે?’
ઘડીક તો આપણનેય એમ થાય કે સાલું ચાર-પાંચ પુસ્તકો અને ઇન્ટરનેટ પરથી અમુક જાણકારીઓ મેળવીને આવો અભિપ્રાય બાંધીને મોટો ગુનો કરી નાખ્યો.
પણ હકીકત એ હોય કે એ ટણપાએ પોતે પણ ‘સત્યના પ્રયોગો’નાં પહેલા ચાર પાનાં સિવાય કશું વાંચ્યું હોતું નથી.


