…તો વિપક્ષો અને તેમની ઇકોસિસ્ટમના માનીતા પત્રકારો, યુટ્યુબ ચેનલો, એક્ટિવિસ્ટોએ ગામ માથે લઈ લીધું હોત. તેમાં ગુજરાત પ્રત્યે કાયમી દ્વેષ ધરાવનારાઓ પણ હોંશેહોંશે જોડાઇ ગયા હોત. ‘મોદીના ગૃહરાજ્યમાં અને જ્યાં ભાજપની સત્તા ત્રણ દાયકાથી છે ત્યાં લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે’, ‘મોદીના ગુજરાતમાં હવે વિપક્ષ પર અત્યાચાર થઈ રહ્યો છે’, ‘લોકશાહી મરી પરવારી છે’– આવી વાતો શરૂ થઈ હોત. અખબારોમાં પાનાં ભરીને લેખો લખાયા હોત. ટીવી ડિબેટો થઈ હોત. સોશિયલ મીડિયા છલકાયું હોત. પરંતુ પશ્ચિમ બંગાળમાં બન્યું છે, મમતારાજમાં બન્યું છે એટલે ક્યાંય હોઈ અવાજ સંભળાતો નથી.
પશ્ચિમ બંગાળના ફાલ્ટામાં બુધવારે (29 એપ્રિલ) વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું હતું ત્યારે અમુક બૂથ પર EVM પર ભાજપના ઉમેદવારનાં નામની સામે ટેપ લગાવી દેવામાં આવી હોવાની ઘટનાઓ બની. તેના પછીથી વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા. ભાજપ નેતાઓએ આ વિડીયો ફરતા કર્યા, TMCના માણસો પર આરોપ લગાવ્યો અને ફરીથી મતદાન કરાવવાની માંગ કરી. ચૂંટણી પંચે કહ્યું છે કે આવી ફરિયાદો જ્યાં-જ્યાંથી આવી હશે ત્યાં ફરીથી મતદાન કરાવવામાં આવશે. કમિશનને આવી એક નહીં 77 ફરિયાદો મળી હતી. ટૂંક સમયમાં કમિશન નિર્ણય કરશે.
This is what Mamata Banerjee was defending when she spoke up for Jehangir Khan, a criminal contesting on a TMC ticket from Falta in Diamond Harbour.
— Amit Malviya (@amitmalviya) April 29, 2026
In several polling booths, the option to vote for the BJP has been blocked using a tape, effectively preventing voters from… pic.twitter.com/sKw3mcdA86
જોવા જેવી વાત એ છે કે આ ઘટનાની ચર્ચા થઈ રહી નથી. જે થઈ રહી છે સોશિયલ મીડિયા પર ભાજપ સમર્થક વર્તુળોમાં થઈ રહી છે. પરંતુ એક ઇકોસિસ્ટમ શાંત છે. એક ખાસ ટોળકીનાં મોં સિવાઈ ગયાં છે. જાણે તેમનાં મોં પર પણ ટેપ લગાવી દેવામાં આવી છે.
ગુજરાતી મીડિયા પણ નેશનલ બાબતો માટે ઘણુંખરું સિલેક્ટિવ છે. એવું નથી કે અહીં રાષ્ટ્રીય મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં નથી આવતી. પરંતુ રાષ્ટ્રીય મુદ્દાઓમાં એજન્ડા ચાલી શકે કે નહીં તે જોઈને ચલાવવામાં આવે છે. તે જોઈને ટીવી ડિબેટો થાય છે. તે જોઈને અખબારોના તંત્રીલેખો લખાય છે.
બંગાળમાં EVM સાથે છેડછાડની ઘટનામાં પણ ખાસ ચર્ચાઓ જોવા મળી રહી નથી. કારણ કે આ બંગાળ સંબંધિત મુદ્દો છે, જ્યાં TMCનું શાસન છે. ગુજરાત કે કોઈ બીજું ભાજપશાસિત રાજ્ય હોત તો વાત અલગ હતી.
કોંગ્રેસ એક પછી એક ચૂંટણી હારતી ગઈ ત્યારબાદ EVM હૅક કરવામાં આવે છે એવું તૂત ચલાવ્યું પછી તેને આગળ વધારવામાં આ ઇકોસિસ્ટમે મોટી ભૂમિકા ભજવી હતી. તમે કોઈ જુઠ્ઠાણું ચાલતું હોય ત્યારે તેને ફેલાવો નહીં પણ તેને કાઉન્ટર કરીને એ જુઠ્ઠાણું છે એવું સાબિત કરવાની તમારી પાસે તક અને ક્ષમતા બંને હોય છતાં ચૂપ રહો તેને પણ બદમાશી જ કહેવાય. મીડિયાના એક મોટા વર્ગે આમ કર્યું. તેઓ સીધું એમ કહેતા નથી કે EVM હૅક થાય છે, પણ EVM હૅક થયાં છે એવાં રોદણાં રડતા નેતાઓનાં બયાનો છાપીને કહે છે કે તેમની ચિંતાઓ પ્રત્યે પણ ધ્યાન આપવું જોઈએ. આ વધારે ઘાતક કહેવાય.
2024ની લોકસભા ચૂંટણીમાં મહામહેનતે પણ સત્તા છેટી રહી ગઈ પછી કોંગ્રેસ વોટચોરીવાળું તૂત લાવી. રાહુલ ગાંધીને ફરફરિયાં પકડાવી દેવામાં આવ્યાં અને સ્પીચ ગોખાવી દેવાઈ, જે તેઓ મીડિયા સામે આવીને બોલી ગયા. ભાજપ ચૂંટણી પંચ સાથે મળીને ચૂંટણી પ્રક્રિયામાં ગોલમાલ કરીને જીતે છે, ચૂંટણી પંચ ભાજપનું મળતિયું બની ગયું છે, ચૂંટણી પંચની વિશ્વસનીયતા રહી નથી એવો નરેટિવ પ્રસ્થાપિત કરવાના પ્રયાસો થયા.
વાસ્તવમાં વિપક્ષો સીધી રીતે ચૂંટણી જીતી શકે એમ ન હતા એટલે આ અંતિમ ઉપાય અજમાવી જોયો. જો પ્રજા જ ચૂંટણી પંચની સામે થઈ જાય, અસહકાર પર ઉતરી પડે તો ગમે તેવું મોટું ચૂંટણી પંચ કે ગમે તેટલી મોટી સરકાર કે ઇવન જ્યુડિશરી પણ કંઈ ન કરી શકે એ તેમને ખબર હતી. પણ લોકસભા ચૂંટણી પછીની દરેક વિધાનસભા ચૂંટણીમાં લોકોએ આ મનસૂબાઓ ઉપર પાણી ફેરવીને મતદાન પ્રક્રિયામાં હોંશે હોંશે ભાગ લીધો.
જો વિપક્ષોને ખરેખર ચૂંટણી પ્રક્રિયાની આટલી ચિંતા હોય તો ગઈકાલની ઘટના પર બોલનારા તેઓ સૌથી પહેલા હોવા જોઇતા હતા. વોટચોરીથી માંડીને EVM હેકિંગની વાતો કોઈ આધાર-પુરાવા વગર ચગાવનારી ઈકોસિસ્ટમ હવે પુરાવો આંખ સામે હતો છતાં ચૂપ રહી, ચર્ચા ન કરી. એક દાયકાથી તેઓ EVMમાં છેડછાડ અને હેકિંગની બૂમો પાડતા રહ્યા, જ્યારે ખરેખર આવી ઘટના સામે આવી ત્યારે ચૂપ રહ્યા, કારણ કે એજન્ડામાં ફિટ બેસતું ન હતું.
આ જ ઇકોસિસ્ટમ જ્યારે 2021ની વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસની જીત થઈ પછી રાજ્યભરમાં જે હિંસા ફાટી નીકળી ત્યારે પણ આંખ આડા કાન કરી ગઈ હતી. જો સોશિયલ મીડિયા ન હોત, અલ્ટરનેટિવ મીડિયા ન હોત તો આપણે ક્યારેય એ બર્બરતા, એ હિંસા વિશે જાણી શક્યા ન હોત. કારણ કે મેઇનસ્ટ્રીમ મીડિયાને એ બધું બતાવવામાં રસ ન હતો.
2026ની વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણી પંચે આટલી કડકાઈ દાખવી હોવા છતાં, આટલી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરી હોવા છતાં, આટલા મોટા પ્રમાણમાં કેન્દ્રીય બળો ખડકી દીધાં હોવા છતાં જો દાદાગીરી કરીને EVMમાં ભાજપના ઉમેદવારના નામની સામે આવી ટેપ લગાવી દેવામાં આવતી હોય, જેથી લોકો તેને મત ન આપી શકે, તો સામાન્ય સંજોગોમાં TMC અને તેના માણસો શું-શું કરી શકે?
TMCના, મમતાના શાસનમાં શું-શું થયું અને શું-શું થઈ શકે તેનું આ ટ્રેલર છે. પશ્ચિમ બંગાળ આ બધામાંથી બહાર આવશે કે નહીં એ હવે ચોથી મેનાં પરિણામો સ્પષ્ટ કરશે.


