બંગાળના ફાલ્ટામાં EVMમાં ભાજપના બટન પર લગાવી દેવાઈ ટેપ, વિડીયો વાયરલ થયા બાદ હોબાળો: ચૂંટણી પંચે કહ્યું– ફરી મતદાન થશે

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. દરમ્યાન ફાલ્ટા વિધાનસભા ક્ષેત્રમાં અમુક મતદાન મથકોએ EVMમાં ભાજપના બટન પર ટેપ લગાવી દેવામાં આવી હોવાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. વિડીયોમાં ભાજપ ઉમેદવારના નામની સામેના બટનને ટેપથી ઢાંકેલું જોઈ શકાય છે. ચૂંટણી પંચે આ મામલે તપાસ કરીને અહેવાલો માગ્યા છે.

પશ્ચિમ બંગાળના ભાજપના સહ પ્રભારી અને IT સેલ હેડ અમિત માલવિયાએ X પર વિડીયો શૅર કરીને લખ્યું કે, અનેક મતદાન મથકોમાં ભાજપને મત આપવાનો વિકલ્પ ટેપ લગાવીને બ્લૉક કરી દેવામાં આવ્યો, જેથી મતદારો પોતાના અધિકારનો ઉપયોગ ન કરી શકે.

ઉલ્લેખનીય છે કે ફાલ્ટા સીટ પરથી TMCમાંથી જહાંગીર ખાન ઉમેદવાર છે. આગળ માલવિયાએ કહ્યું કે આ એ જ ડાયમંડ હાર્બર મોડેલ છે, જેનો ઉપયોગ કરીને મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ લોકસભા સીટ જીતી હતી.

માલવિયાએ ભાજપ વતી માગ કરી કે ફાલ્ટામાં જ્યાં-જ્યાં આવી ઘટનાઓ બની છે ત્યાં તાત્કાલિક ફરીથી ચૂંટણી કરવાના આદેશ આપવામાં આવે. તેમણે ક્યાં અને કયાં મતદાન મથક પર આ બન્યું તેની વિગતો પણ આપી હતી.

જ્યાં-જ્યાં ફરિયાદ મળી ત્યાં ફરી મતદાન થશે: ચૂંટણી પંચ

પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ કુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે કોઈ પણ મતદાન મથકે આ પ્રકારે EVM પર ટેપ લગાવી હોવાનું જાણવા મળશે ત્યાં ફરીથી મતદાન કરાવવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું કે અન્ય કોઈ વિધાનસભા મતક્ષેત્રમાંથી આવી ફરિયાદો મળશે તો ત્યાં પણ ફરી મતદાન થશે.

ઉલ્લેખનીય છે કે પહેલાં જ ચૂંટણી પંચ એ નિર્દેશ આપી ચૂક્યું છે કે મતદાન શરૂ થાય પહેલાં એ સુનિશ્ચિત કરવામાં આવે કે EVM પર તમામ ઉમેદવારોનાં નામ સ્પષ્ટ રીતે દેખાતાં હોય.

પશ્ચિમ બંગાળમાં આજે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. 7 જિલ્લાની 142 બેઠકો પર વોટિંગ હાથ ધરવામાં આવશે. પરિણામો 4 મેના રોજ ઘોષિત કરવામાં આવશે.