Tuesday, October 8, 2024
More
    હોમપેજદેશતિરુપતિ મંદિર પ્રસાદ વિવાદ, બીફ ટેલો અને ‘શુદ્ધ શાકાહાર’ના વિચારની મજાક ઉડાવવાનો...

    તિરુપતિ મંદિર પ્રસાદ વિવાદ, બીફ ટેલો અને ‘શુદ્ધ શાકાહાર’ના વિચારની મજાક ઉડાવવાનો વધુ એક પ્રયાસ

    આ પ્રકારની બાબતોને માત્ર શાકાહારીઓને ‘ટ્રોલ’ કરવા માટેના એકલદોકલ કિસ્સા તરીકે ન જોતાં મોટા પરિપેક્ષથી જોવાની જરૂર છે. તેમનો મૂળ ઉદ્દેશ્ય આસ્થા પર પ્રહાર કરીને શ્રદ્ધા નબળી પાડવાનો છે.

    - Advertisement -

    તિરુપતિ મંદિરના પ્રસાદને લઈને ચાલેલા સમગ્ર વિવાદમાં (Tirupathi Prasad Controversy) એક પાસાને બિલકુલ સ્પર્શવામાં આવ્યું નથી અને એ છે ‘શુદ્ધ શાકાહાર’નો (Pure Vegetarianism) વિચાર અને કઈ રીતે પોતાને ‘સેક્યુલર’ અને ‘લિબરલ’ ગણાવનારાઓ દ્વારા આ વિચારની મશ્કરી કરવામાં આવે છે અને તેને બદનામ કરવાના પ્રયાસો થાય છે. સમય સાક્ષી રહ્યો છે કે જેણે-જેણે ‘પ્યોર વેજીટેરિયન’ની વાત કરી હોય તેને રૂઢિવાદી કે પછી જાતિવાદી ઠેરવી દેવામાં આવે છે. ભૂતકાળમાં આવાં ઘણાં ઉદાહરણો આપણે જોયાં છે. 

    થોડા મહિના પહેલાં ઝોમેટોએ શુદ્ધ શાકાહારી ભોજન ગ્રાહકોને પહોંચાડવા માટે ‘પ્યોર વેજ’ ફ્લીટની વાત કરી હતી, પણ ફૂડ ડિલિવરી કંપની પર ‘ભેદભાવ, જાતિવાદ અને પછાતપૂર્ણ વિચારો’ ધરાવવાના આરોપો લાગ્યા બાદ આખરે વીંટો વાળી દેવામાં આવ્યો. 

    સોશિયલ મીડિયા પર તુરંત જ મિસઇન્ફોર્મેશન કેમ્પેઈન શરૂ થઈ ગયું હતું અને ઝોમેટોની હરીફ કંપની સ્વિગીની ખોટી ‘જાહેરાતો’ પણ ફરવાની શરૂ થઈ ગઈ હતી. આ જાહેરાતોમાં દેખાડાયું હતું કે કઈ રીતે તેમની સર્વિસ ગ્રાહકોને સુરક્ષિત રાખશે અને ડિલિવરી પાર્ટનરોને પણ નોનવેજ ફૂડને લઈને થતા ‘ગુંડાઓ’ના (જેમનું વાસ્તવમાં કોઈ અસ્તિત્વ જ નથી) હુમલાઓથી પણ દૂર રાખશે. 

    - Advertisement -

    ત્યારબાદ તરત ઝોમેટોએ નિર્ણય પરત ખેંચી લેવો પડ્યો અને જાહેર કરવું પડ્યું કે તેમના ડિલિવરી પાર્ટનરો એ જ યુનિફોર્મ પહેરવાનું ચાલુ રાખશે અને ‘પ્યોર વેજ’ ઓર્ડર માટેના બોક્સ પેકેજિંગમાં પણ કોઈ ફેરફાર નહીં કરવામાં આવે. 

    ગત વર્ષે ઇન્ફોસિસનાં પૂર્વ ચેરપર્સન અને લેખિકા સુધા મૂર્તિએ એક વાતચીતમાં કહ્યું હતું કે, તેઓ જ્યાં જાય ત્યાં ભોજન સાથે લઈને જાય છે અને વિદેશ પ્રવાસ કરતી વખતે પણ પોતે જ રાંધવાનું પસંદ કરે છે, કારણ કે તેઓ શુદ્ધ શાકાહારી છે. તે વખતે પણ વોક/લિબરલોએ તેમની બહુ ટીકા કરી હતી. અહીં સુધી કે તેમને ‘જાતિવાદી’ સુદ્ધાં ગણાવી દેવામાં આવ્યાં. બ્રાહ્મણો પર આભડછેટનો આરોપ લગાવતી રહેતી આ જ વૉક પ્રજાતિએ વર્ષો સુધી બ્રાહ્મણો સામે આ જ ‘પ્યોર વેજ’ના વિચારને લઈને કાવતરાં કર્યે રાખ્યાં છે.

    એક કિસ્સો IIT બૉમ્બે પણ બન્યો હતો, જ્યાં અમુક વિદ્યાર્થીઓએ મેસમાં વેજિટેરિયન કોર્નરની માંગ કરી હતી, પણ આખરે તેમની સાથે શું થયું? તેમની માંગનો વિરોધ થયો અને આ વિદ્યાર્થીઓને જ બદનામ કરવામાં આવ્યા. દ્વેષ પરાકાષ્ઠાએમ ત્યારે પહોંચ્યો જ્યારે કોલેજના જ સમાજ વિદ્યાના એક પ્રોફેસર સૂર્યકાંત વાઘમારેએ આ વિદ્યાર્થીઓની સરખામણી ‘ઉગ્રવાદીઓ’ સાથે કરી નાખી હતી. 

    ‘ઈન્ડિયન એક્સપ્રેસ’માં પ્રકાશિત એક લેખમાં વાઘમારેએ ‘મિલિટન્ટ વેજિટેરિએનિઝમ’ શબ્દ વાપરીને તેના માટે સીધી રીતે હિંદુઓને અને ખાસ કરીને ઉચ્ચ વર્ણના હિંદુઓને માટે દોષ આપી દીધો હતો. એટલું જ નહીં, તેમણે હિંદુઓને શાકાહારી હોવા બદલ પર્યાવરણની ચિંતા કરતા હિંદુઓને પણ ભાંડ્યા હતા. 

    હવે ‘પ્યોર વેજિટરિએનિઝમ’ને લઈને થયેલા આ તમામ વિવાદો કદાચ સમાન્ય લાગી શકે, પણ તેનાં પરિણામો દૂરગામી આવી શકે છે. તેનું ઉદાહરણ તાજેતરમાં જોવા મળ્યું, જ્યારે તમિલનાડુ મંદિરના પ્રસાદ માટે વપરાતા ઘીમાં બીફ ટેલો (ડુક્કરની ચરબી) વાપરવામાં આવ્યું તો એમ કહીને બચાવ કરવામાં આવ્યો કે થોડું બીફ ટેલો જ તો વાપરવામાં આવ્યું છે, તેનાથી શું થઈ ગયું!

    આ રસ્તે જનારાઓમાં એક વિવાદિત ‘માયથોલોજિસ્ટ’ અને અવારનવાર હિંદુ આસ્થાનું અપમાન કરવાનો આરોપ જેમની ઉપર લાગતો રહે છે તે દેવદત્ત પટનાયક પણ છે. X પર તેમણે એક પોસ્ટ કરતાં કહ્યું, “ગૂગલ AI અનુસાર, ઘી એ પ્રાણીજ ચરબી જ છે. શુદ્ધ શાકાહારીઓ સહમત નહીં થાય. બરાબર?” જોકે, પછી બહુ વિવાદ થયો તો તેમણે પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. 

    તેઓ શું કહેવા માંગતા હતા એ સરળતાથી સમજી શકાય તેમ છે- કે જો ઘી પણ પ્રાણીજ ચરબી હોય, તો થોડુઘણું બીફ ટેલો આવી ગયું હોય તેનાથી શું? તે પણ એક પ્રાણીની ચરબી જ છે. ટૂંકમાં, તેમનું કહેવું એમ હતું કે તિરુપતિ મંદિરના પ્રસાદમાં જો ઘીમાં પ્રાણીની ચરબી મળી હોય તો તેમાં કાંઈ બહુ મોટી વાત નથી. 

    જોકે, દેવદત્ત એક જ વ્યક્તિ નથી. આવા ઘણા છે, જેમણે આવી દલીલો આપી છે અને તેમાંથી મોટાભાગના દ્રવિડિયન વિચારધારાને માનનારા છે, જેનો મૂળ ઉદ્દેશ્ય જ ‘સનાતન’ને ખતમ કરવાનો છે. 

    આ રેશનલ દલીલો અને તર્ક પ્રમાણે જઈએ તો બીફ ટેલો એ ખરેખર એક ‘પ્રાણીજ ચરબી’ છે, જે રીતે ઘી છે. રાંધવામાં જ વાપરવામાં આવે છે અને સ્વાસ્થ્યને નુકસાનકર્તા નથી. તેલ કે ઘીથી રાંધવામાં આવે અને તેમાં બીફ ટેલો થોડા પ્રમાણમાં હોય તો તમે ડુક્કરનું માંસ ખાધેલું ન કહી શકાય. આવી દલીલો વરીને ‘શુદ્ધ શાકાહાર’ના વિચારને કાયમ ભાંડવમાં આવે છે અને તેને આખરે ‘ક્ષુલ્લક’ સાબિત કરી દેવામાં આવે છે, જે રીતે પટ્ટનાયક અને દ્રવિડિયનોએ તાજા કિસ્સામાં કર્યું. 

    પણ આ પ્રકારની બાબતોને માત્ર શાકાહારીઓને ‘ટ્રોલ’ કરવા માટેના એકલદોકલ કિસ્સા તરીકે ન જોતાં મોટા પરિપેક્ષથી જોવાની જરૂર છે. તેમનો મૂળ ઉદ્દેશ્ય આસ્થા પર પ્રહાર કરીને શ્રદ્ધા નબળી પાડવાનો છે. જો તમે માંસ ખાવાને પાપ ગણતા હો તો તેઓ એવા પ્રયાસો કરશે કે આ માન્યતા નબળી પડતી જાય અને એક સમયે એવો આવે કે તે નામશેષ થઈ જાય.

    ઘણા લોકો વેજ અને નોન વેજ બંને ખાતા હોય છે, જ્યારે ઘણા એવા હોય જે અમુક દિવસોએ માંસ નથી ખાતા અને અમુક એવા લોકો છે જેઓ ધાર્મિક માન્યતાના કારણે કે પછી સ્વાસ્થ્ય કારણોસર બિલકુલ માંસ ખાતા નથી. બ્રાહ્મણવિરોધીઓ કાયમ ‘શુદ્ધ શાકાહાર’ની વાત આવે ત્યારે દલીલ લઈને દોડી આવે છે કે તે ભેદભાવપૂર્ણ છે, ભેદભાવને સમર્થન આપે છે, પણ એ ક્યારેય કહેતા નથી કે નોનવેજ ન ખાનારા લોકો ક્યારેય પોતાની માન્યતા બીજા પર થોપતા હોતા નથી. 

    તિરુપતિ મંદિરના પ્રસાદની પવિત્રતા જળવાય રહે તે માટે હિંદુઓ માંગ કરતા હોય તો તે આસ્થાનો વિષય છે. જે હિંદુઓ માંસાહાર કરે છે તેઓ પણ પોતાના ઘરમાં જ્યાં પૂજાસ્થાન હોય ત્યાં માંસ લઈ જતા નથી. તેઓ પણ સ્વચ્છતા પૂરતી જાળવે છે અને આવી ચીજોને અમુક સ્થાનેથી દૂર રાખે છે. કોઈ પણ હિંદુ સ્નાન કર્યા વગર કે સ્વચ્છ વસ્ત્રો પહેર્યા વગર મંદિરે જતો નથી. ઘણા હિંદુ એવા હોય છે, જેઓ નવરાત્રિ કે શ્રાવણ દરમિયાન નોનવેજ ખાતા નથી. 

    લાડુ પ્રસાદમાં પોર્ક ફેટ કે બીફ ટેલો વાપરવા પાછળ વિચાર ‘ખાદ્ય સુરક્ષા’ કે પછી રાસાયણિક કારણ નથી પણ મૂળ ઈરાદો છે આસ્થા પર પ્રહાર કરવાનો. સેક્યુલર લિબરલો આ મુદ્દાનો ઉપયોગ પછી હિંદુઓની માન્યતાઓને આડેધડ ઝૂડી કાઢવા માટે કરતા હોય છે. 

    અહીં નોંધવા જેવું એ પણ રહે કે શુદ્ધ શાકાહારીઓ ક્યારેય પોતાની ભોજન પદ્ધતિ બીજા પર થોપતા નથી કે ન તેઓ માંસાહાર કરનારાઓને નોનવેજ ન ખાવા માટે દબાણ કરતા હોય છે. તેમને નિસબત માત્ર એ વાતથી છે કે તેમની જે માન્યતા છે તે કોઈ પણ રીતે જળવાવી જોઈએ અને તેના પાલનમાં કોઈ સમસ્યા ન આવવી જોઈએ.

    આમાં પ્રગતિશીલતા કે રેશનાલિઝમને ક્યાંય લાગતું વળગતું નથી, તેમ છતાં એક ધૃણિત એજન્ડાના ભાગરૂપે  ભારતના સભ્યતાગત માળખાના પાયારૂપ સંસ્કૃતિ અને તેની માન્યતાઓને નબળી પાડવાના પ્રયાસો સતત થતા રહે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં