(લેફ્ટ, રાઇટ અને સેન્ટર: બુધવાર, 22 એપ્રિલ 2026)
એ જમાનો હતો જ્યારે નેહરુ-કૉન્ગ્રેસના બનાવટી સેક્યુલરિઝમની બોલબાલા હતી. શાસન જેમના હાથમાં હતું એવા દિલ્લીના અને રાજ્યોના કૉન્ગ્રેસી નેતાઓ મંદિરમાં જતા ડરતા પણ રમઝાન મહિનો આવે એટલે માથે જાળીદાર ટોપી પહેરીને રોજેરોજ ઈફ્તારીમાં ખજૂર ખાવા પહોંચી જતા. હિન્દુઓ હડે હડે થતા. આરએસએસનાં વખાણ કરનારો સરકારી કર્મચારી એના સાહેબની અડફેટે આવી જતો તો એની પનિશમેન્ટ પોસ્ટિંગ થતી અને બઢતીમાં અડચણો પેદા થતી.
ઇલેક્ટ્રોનિક મીડિયાના નામે માત્ર દૂરદર્શન હતું જેના સમાચારોનું પહેલું જ વાક્ય અચૂક આ રહેતું: ‘આજ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીને… આજ પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીને…’ બિનસાંપ્રદાયિકતાના ઓઠા હેઠળ ચાલતી કૉન્ગ્રેસની મુસ્લિમ અપીઝમેન્ટ અને હિંદુત્વ બૅશિંગની નીતિઓ દેશના બહુમતી પ્રજાજનો સુધી સનાતન પરંપરાનું સત્ય પહોંચવા દેતી નહીં. પ્રિન્ટ મીડિયા તો તે વખતેય હિન્દુત્વનું સગું નહોતું, આજેય નથી. અપવાદો તે વખતે હતા અને આજે પણ છે પરંતુ એ અપવાદો છે, મેઇનસ્ટ્રીમ મીડિયા તો સનાતન વિરોધી જ છે.
શાળાઓના અભ્યાસક્રમો અને શાળાઓનું વાતાવરણ બિનસાંપ્રદાયિકતાને ઉત્તેજન આપતું, હિન્દુત્વમાં કે સનાતનમાં આસ્થા હોય એવા લોકો જુનવાણી અને રૂઢિવાદી ગણાતા. તમારે ઉદાર દિલના, પ્રગતિશીલ, લિબરલ અને આધુનિક વિચારધારાવાળા, દુનિયાની પ્રગતિ સાથે કદમ મિલાવવાવાળા બનવું હોય કે દેખાવું હોય તો સર્વધર્મ સમભાવની જ વાતો કરવી પડે અન્યથા તમે કટ્ટરવાદી ગણાઓ એવું વાતાવરણ હતું.
હિન્દુ હો તો ઘરમાં પૂજાપાઠ જે કરવું હોય તે કરો, બહાર દેખાડા નહીં કરવાના. હનુમાન ચાલીસા કંઠસ્થ છે એવી કોઈને ખબર પડે તો તમને પછાત ગણીને તમારી હાંસી ઉડાવે. મસ્જિદની બહાર ટિંગાડેલા ચાર દિશામાં ફેલાયેલા ચાર ભૂંગળા રોજ પાંચ વખત અલ્લા સિવાય આ જગતમાં બીજું કોઈ નથી એવું ધ્વનિપ્રદૂષણ ફેલાવે ત્યારે તમે ગુલઝારસા’બની જેમ ધ્યાનમગ્ન થઈને ભક્તિભાવમાં ડૂબી જાઓ તો તમને સીધા સમાજના ઉચ્ચ સ્તરે પહોંચાડી દેવામાં આવે.
આવા વાતાવરણમાં 1987ના શિયાળાનો એક દિવસ. સુરતના નાનપુરામાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની હાઈસ્કૂલનું મેદાન. સાંજનો સમય. સ્વામી સચ્ચિદાનંદનું ભારતના ઇતિહાસ, ભારતનાં યુદ્ધો વિશેનું પ્રવચન. એ વખતે એમની ઉંમર ચોપનપંચાવન વર્ષની. મેં એમને પહેલી જ વાર જોયા, સાંભળ્યા. ઊંચો-ગોરો દેહ. ખડતલ શરીર પર ભગવો ચોગો શોભે. માથે નરસૈંયા ટોપી. રણકદાર અવાજ. સંધ્યાકાળે શાળાના મેદાનમાં જમા થયેલી હકડેઠઠ ભીડમાં છેક પાછળ ઊભાં ઊભાં હું સ્વામીજીના શબ્દોમાં ડૂબી ગયેલો ત્યાં જ શાળાને અડીને આવેલી મસ્જિદના મિનારાઓ પરથી મગરિબની નમાજનો વક્ત થઈ ગયો છે એની જાણ કરતી અઝાન શરૂ થઈ. સ્વામીજીની અસ્ખલિત રહેતી વાણી આ ધ્વનિપ્રદૂષણમાં ડૂબી ગઈ. સ્વામીજીએ તાત્કાલિક પ્રવચન અટકાવી દીધું. રામધૂન શરૂ કરી. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રોતાઓએ ધૂન ઝીલી લીધી. શ્રી રામ જય રામ, જય જય રામ… ધ્વનિપ્રદૂષણ સાફ થઈ ગયું. મસ્જિદ સુધી પહોંચે એવા અવાજે શ્રોતાઓની પ્રચંડ મેદની ધૂન ઝીલતી રહી. શ્રી રામ જય રામ, જય જય રામ…
આઝાન પૂરી થઈ. બાપજીએ ધૂન આટોપી લીધી. પ્રવચન આગળ વધાર્યું.
સ્વામી સચ્ચિદાનંદનો આ પ્રથમ પરચો જેનો હું સાક્ષી હતો. તે વખતે મારી ઉંમર 26-27ની. 1992માં બાબરીનો જર્જરીત ઢાંચો ધ્વસ્ત કરવામાં આવ્યો ત્યારે હું 32નો. 26-27થી 32ના પાંચેક વર્ષનો ગાળો મારા માટે ભારે મનોમંથન પછી થનારા પ્રાગટ્યનો ગાળો પુરવાર થયો. સ્વામી સચ્ચિદાનંદે મને જગાડ્યો. ગુજરાતી પ્રજાને જાગૃત કરી. બાપજીના અગણિત ઉપકારો છે ગુજરાતીઓ પર, આ દેશ પર, પર્સનલી મારા પર અને મારા જેવા એમના લાખો વાચકો, અનુયાયીઓ, ભક્તો અને પ્રશંસકો પર.
આ દેશના ઊંઘતા લોકોમાં જેમણે ‘વીરતા પરમો ધર્મ‘ જેવું મૌલિક સૂત્ર રચીને પ્રકાશ ફેલાવ્યો તે સંતના તેજોમય સાન્નિધ્યમાં ગયા અઠવાડિયાના મંગળવારે અમે કલાકો ગાળ્યા અને ઉજળા થયા.
સ્વામી સચ્ચિદાનંદ ગુજરાતના આણંદ જિલ્લાના પેટલાદ શહેરને અડીને આવેલા દંતાલી ગામમાં શ્રી ભક્તિ નિકેતન નામના પોતાના આશ્રમમાં નિવાસ કરે છે. ભગવાન એમને સવાસો વર્ષનું સ્વાસ્થ્યભર્યું આયુષ્ય આપે એવી પ્રાર્થના. આપણે નસીબદાર છીએ કે આવા યુગપુરુષ જે ગાળામાં વિદ્યમાન છે તે ગાળામાં આપણે પણ જીવીએ છીએ.
આજે, 22 એપ્રિલના બુધવારે, સ્વામી સચ્ચિદાનંદ 94 વર્ષ પૂરા કરીને 95માં પ્રવેશે છે. નવ દિવસ પહેલાં તેમણે છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ સમર્થ સ્વામી રામદાસ વિશે પુસ્તક લખવાનું શરૂ કર્યું છે. આ એમનું 144મું પુસ્તક છે. એમનું સૌથી જાણીતું પુસ્તક ‘મારા અનુભવો’. આ આત્મકથા છે. સ્વામી સચ્ચિદાનંદના જીવન વિશે વિશેષ જાણકારી મેળવવી હોય તો ‘મારા અનુભવો’ વાંચ્યા પછી બીજાં અડધોએક ડઝન પુસ્તકો તમારે વાંચવા જોઈએ– નાનાં નાનાં છેઃ ‘અગવડોમાં આરાધના’, ‘મારા ઉપકારકો’, ‘કડવા-મીઠા અનુભવો’, ‘મારા પૂર્વાશ્રમનાં સંસ્મરણો’, ‘મારી બાયપાસ સર્જરી’ અને ‘અમારા ત્રણ વૃદ્ધાશ્રમોના અનુભવો’. આ પુસ્તકો આત્મકથાના ખંડો જેવા જ છે.
સ્વામીજીએ ભારતમાં અને વિદેશમાં અનેક પ્રવાસો કર્યા છે. છેલ્લાં થોડાંક વર્ષથી ચાલવાની તકલીફ હોવા છતાં એમના પ્રવાસો ચાલુ જ છે. જરૂર પડ્યે વ્હીલચેરનો ઉપયોગ કરીને પણ પ્રવાસ કરે. 2020ના માર્ચમાં નર્મદાની પરિક્રમા કરી જે કોરોનાનું પહેલું લૉકડાઉન જાહેર થયું એટલે અધૂરી મૂકવી પડી. લૉકડાઉન ખુલી ગયા પછી પેન્ડેમિકના ગાળામાં પણ એમણે પ્રવાસો કર્યા છે. એકાદ વર્ષ ઉપર એમણે પશ્ચિમ બંગાળનો પ્રવાસ કર્યો અને એ વિશે પુસ્તક પણ લખ્યું.
દેશ-વિદેશના એમના દરેક પ્રવાસના અનુભવોનું એમણે વિગતવાર પોતાનાં પુસ્તકોમાં આલેખન કર્યું છે. 1986માં આત્મકથા પ્રગટ થઈ એ પહેલાં એમનું પ્રવાસવર્ણનનું પહેલું પુસ્તક ‘વિદેશયાત્રાના પ્રેરક પ્રસંગો’ પ્રગટ થઈ ચૂક્યું હતું. આ પુસ્તક પહેલાં એમનાં છ પુસ્તકો લખાઈ ચૂક્યાં હતાં જેમાં ‘ભારતીય દર્શનો’ સૌથી પહેલું પુસ્તક હતું. ‘સંસાર રામાયણ’ એમનું પાંચમું પુસ્તક, જે પ્રગટ થયું ત્યારથી બેસ્ટ સેલર છે. એક્ચ્યુલી તો એમનું લગભગ દરેક પુસ્તક એમના વિશાળ ચાહક-વાચક વર્ગને કારણે બેસ્ટસેલર બની જતું હોય છે. અત્યાર સુધીમાં એમનાં કુલ 143 જેટલાં પુસ્તકો પ્રગટ થયાં છે જેમાંથી પ્રવાસ વર્ણનનાં પુસ્તકો 35 જેટલાં છે.
આત્મકથા ઉપરાંત અનુભવકથાઓનાં છ પુસ્તકોમાં આ પ્રવાસવર્ણનનાં પુસ્તકો ઉમેરો તો તમે સ્વામી સચ્ચિદાનંદના જીવનની પળેપળનો ઉજળો હિસાબ પામી શકો.
‘કોઈ પાકી ધૂન વિના સાહસ નથી કરી શકતું, અને ધૂની માણસને લોકો ડાહ્યો નથી માનતા. જોકે, આવા ધૂની માણસો જ કોઈ વાર મહાન કાર્ય કરી શકતા હોય છે. બહુ ફૂંકી ફૂંકીને પગલાં ભરનારા બહુ બહુ તો સારી રીતે ઘરબાર-પેઢીઓ સાચવનારા થતા હોય છે, ઇતિહાસ રચનારા નહિ.’
‘મારા અનુભવો’ના ત્રીજા જ પાને આ યુગના સ્વામી વિવેકાનંદ સમા ક્રાંતિકારી સંતે આ વાક્ય લખ્યું છે. ડિસેમ્બર 1986માં પ્રગટ થયેલી આ આત્મકથા અત્યાર સુધીમાં લગભગ 40 વખત પુનર્મુદ્રણ પામી છે અને એની કુલ એક લાખથી વધારે નકલો ગુજરાતીઓના ઘરમાં, પુસ્તકાલયોમાં પહોંચી છે.
‘મારા અનુભવો’ની વિશેષતા એ છે કે જેટલી વખત વાંચો એટલી વખત એમાંથી કંઈક નવું ને નવું મળતું રહે. ક્વોટેબલ ક્વોટ્સનો ખજાનો છે એમાં.
સ્વામીજીના આ અનુભવગત મૌલિક વિચારોને વહેંચવા માટે કોઈ અવસરની રાહ જોવાની ન હોય. પણ આજે એમના જન્મદિવસની ઉજવણીને નિમિત્ત બનાવીને એમના ચોવીસ કેરેટના વિચારો, જે ‘મારા અનુભવો’માં પથરાયેલા છે તે તમારી સાથે વહેંચવા છે.
‘મારા અનુભવો’માં કથારસ તો પાકો છે જ છે. સ્વામી સચ્ચિદાનંદે કયા સંજોગોમાં ગૃહત્યાગ કર્યો, ક્યાં ક્યાં ભ્રમણ કર્યું, કેવી રીતે અભ્યાસ કર્યો, સંન્યાસ લીધો અને સંન્યાસી બન્યા પછી સંસારીઓ તથા સાધુઓ સાથે કેવા કેવા અનુભવો થયા એનું સવિસ્તર, ચિત્રાત્મક અને રોચક બયાન તમને ચારસો પાનાંના આ પુસ્તકમાં મળે જ છે.
‘મારા અનુભવો’ના પ્રથમ પ્રકરણમાં વાંચેલી એક વાત મનમાં સખત રીતે ચોંટી ગઈ છે. કોઈ પણ મોટી-મહાન વ્યક્તિના સારાં નરસાં કામોને ત્રાજવામાં તોળીને ન્યાયાધીશ બનીને અભિપ્રાયોની ફેંકાફેંક કરવાની ટેવ સોશિયલ મિડિયા નહોતું ત્યારે પણ લોકોમાં હતી. ટ્વિટર વગેરે પછી તો બુઝાયેલી દિવાસળી જેટલુંય જેમનું મહત્ત્વ નથી એવા એવા લોકો આવી પ્રવૃત્તિમાં રાચતા થઈ ગયા છે. ખેર.
સ્વામી સચ્ચિદાનંદ લખે છે: ‘અગ્નિમાં ધુમાડો હોય તેમ પ્રત્યેક સત્કર્મમાં પણ કંઈક દોષ તો રહેવાનો જ. સારાં કામો કરવાં હોય તેણે બે-પાંચ ટકાવાળી ઉધાર બાજુ જોયા કરવાની નહીં, પંચાણું ટકાવાળી જમા બાજુ જોવાની. દુરુપયોગના બે ટકા આગળ કરીને જે લોકો પ્રત્યેક કાર્યને વખોડે છે તે કદી સારાં કામો નથી કરી શકતા.’
પ્રથમ પ્રકરણના અંતે, ધર્મશાળામાં ભિક્ષુકો સાથે ગાળેલી રાત પછી સચ્ચિદાનંદજીનું ચિંતન છે:
‘મારા મનમાં આ લોકો (ભિક્ષુકો) પ્રત્યે આજે પણ લાગણી છે. હું વિચારું છું કે એમને જીવનમાં શું મળ્યું છે? એમની પાસે ઘર નથી, નોકરી ધંધા નથી, બૅન્ક-બૅલેન્સ નથી, કશું જ નથી. શહેરની કે પછી સ્વભાવની લાચારીએ તેમને ભિખારી બનાવી દીધા છે. એક ટુકડો રોટીની એ અપેક્ષા રાખે છે, મોટા ભાગે આ ટુકડો શ્રીમંતોને ત્યાંથી નહિ, ગરીબોને ત્યાંથી તેને મળતો હોય છે. ઉપર આકાશ અને નીચે ધરતી સિવાય તેમની પાસે શું છે? તે કાંઈ દેવો નથી કે આપણે તેમની પાસે ઉત્તમ સ્વભાવ કે જીવનની અપેક્ષા રાખી શકીએ. તેમનામાં અનેક દોષો છે. દોષો તો આપણામાંય ક્યાં નથી. પણ દોષોનું ઢાંકણ પૈસો છે. ગમે તેવા લોકોને પણ પૈસો ઢાંકી શકે છે. આપણે આપણા દોષો પૈસાથી ઢાંકી શકીએ છીએ પેલા પાસે પૈસાનું ઢાંકણ નથી એટલે તેમના નાના દોષો પણ મોટા દેખાય છે.’
માણસની ટેવો બદલાઈ શકે છે. ગૃહત્યાગ કર્યા પછી સચ્ચિદાનંદજીની સવારના નાસ્તો કરવાની ટેવ છૂટી રહી હતી. તેઓ લખે છે: ‘વ્યક્તિની પાસે દૃઢ ધ્યેય તથા પ્રબળ ઉત્સાહ હોય તો તે હજારો કષ્ટોને ફૂલની માફક સહી શકે છે. જે માણસ સવારના નાસ્તામાં થોડુંક મોડું થાય તો આકુળવ્યાકુળ થઈ જતો તે જ માણસ નાસ્તાને ભૂલીને સડસડાટ પવન સાથે હોડ કરી રહ્યો છે… બસ, એક જ ધ્યેય હતું– ક્યારે કુંભમેળામાં પહોંચું અને ક્યારે કોઈ સદ્ગુરુની શરણાગતિ સ્વીકારું.’
સદ્ગુણી માણસે જીવનમાં વધારે સભાન રહેવું પડે. બાપજી લખે છે: ‘ત્યાગની પણ ખુમારી હોય છે. આવી ખુમારી ધીરે ધીરે અહંભાવમાં પણ બદલાઈ જતી હોય છે. કોઈ પણ ગુણ ઝટ દઈને દોષમાં રૂપાંતર થઈ જતાં વાર નથી કરતો. ઈશ્વરકૃપા હોય તો જ સભાનતા રહે, નહિ તો ગુણો પણ વ્યક્તિને બેભાન બનાવી મૂકે.’
ઈશ્વર પરની શ્રદ્ધા વિશે બીજા પ્રકરણમાં બે વાત છે. બંનેને જોડીને સમજીએ તો વધારે ઊંડાણ પામી શકાશે: ‘અતૂટ શ્રદ્ધા હોય, માથા પર થોડી આપત્તિ હોય અને માણસ એકાકી પગપાળા યાત્રા કરતો હોય તો ઈશ્વર સ્મરણ બહુ સરસ થાય… અનિશ્ચિતતામાં જ ઈશ્વર પરનો વિશ્વાસ નિશ્ચિતતા જન્માવતો હોય છે. ઈશ્વર પરના વિશ્વાસ સિવાય મારી પાસે કશું જ નહોતું. આજ સુધી ઈશ્વરની બહુ જરૂર પડી નહોતી. કારણ કે હું રળતો-કમાતો અને મારી જરૂરિયાતો મેળવી લેતો. પણ આજે પ્રથમ દિવસે બધું જ અનિશ્ચિત હતું. એટલે આજે ઈશ્વર વિશ્વાસની ઓથ બહુ ભારે બળ બનીને ટેકો આપી રહી હતી. પ્રભુની ઓથ અને હૂંફ જેને હોય તે કપરું જીવન પણ હસતાં હસતાં પૂરું કરી શકે છે.’
જીવનમાં કોઈ સંકલ્પ લઈને એને અમલમાં મૂકતાં હોઈએ ત્યારે જાતજાતનાં વિઘ્નો આવતાં હોય છે. આવી અડચણો આવે ત્યારે મન પોતાની આદત મુજબ કમ્ફર્ટ ઝોનમાં પાછા જવા માટે તલસતું હોય છે. જે માર્ગ કાંટાળો છે તેના પર ચાલવાનો નિર્ણય કર્યા પછી પગમાં વધારે સારાં પગરખાં પહેર્યાં હોત, તડકો ન લાગે એ માટે ટોપી સાથે લઈ લીધી હોત, ટિફિન અને પાણીનો કૂંજો જેવી બીજી લાખ સગવડો સાથે રાખી હોત એવો વિચારો આવે ત્યારે સ્વામી સચ્ચિદાનંદે પ્રથમ બે પ્રકરણમાં બે વાર ભાર દઈ દઈને જે વાતો લખી છે તે યાદ કરવી: પહેલી જ રાતનો અનુભવ વર્ણવતાં લખે છે:
‘હું સૂતો તો ખરો, પણ તરત જ અનુભવ થયો કે ઓઢવાનું ઘણું ઓછું છે. ટાઢ વાઈ રહી છે. પણ હવે શું થાય? ઘેરથી થોડું વધારે લીધું હોત તો? એક વિચાર આવ્યો અને હસી પડ્યો. મનોમન બોલ્યો: ‘ઘર જ ના છોડ્યું હોત તો?’ કવિ પ્રીતમની પંક્તિઓ યાદ આવી: હરિનો મારગ છે શૂરાનો નહિ કાયરનું કામ જો ને/પરથમ પહેલું મસ્તક મૂકી વરતી લેવું નામ જો ને…’
આગળ લખે છે:
‘એક વિચાર આવી ગયો. એક પૈસાના સિંગ-ચણા લીધા હોત તો ટેકો થઈ જાત. ત્યારે (1951માં) એક પૈસાની પણ ખાસ્સી વસ્તુ આવતી. પણ વળી પાછો ખ્યાલ થતાં જ મનોમન હસ્યો: ‘તો ઘેર જ રહેવું હતું ને! કોણે તને જબરજસ્તીથી ઊંડાં પાણીમાં ઉતાર્યો છે!’
કારકિર્દીની પસંદગી કર્યા પછી કે જીવનના કોઈ પણ અગત્યના નિર્ણયો કર્યા પછી જ્યારે જ્યારે અવઢવ થાય કે વિચાર આવે કે આને બદલે આ કર્યું હોત તો વધારે સારું થાત ત્યારે સ્વામી સચ્ચિદાનંદના આ ઉપરોક્ત બે વિચારો વાગોળી લેવાના.
વિક્રમ સંવત 2025ની વસંત પંચમીએ (1968ની સાલમાં) દંતાલીસ્થિત શ્રી ભક્તિનિકેતન આશ્રમનું ખાતમુહૂર્ત થયું હતું.સ્વામીજીએ ‘મારા અનુભવો’માં નોંધ્યું છે એમ તે વખતે બે રૂમ અને રસોડું, બસ આટલી જ સુવિધા હતી. આજે લગભગ 55થી વધુ રૂમો, સત્સંગ હૉલ, મંદિર વગેરે ઘણો વિસ્તાર થયો છે.
‘જીવનમાં ઉત્તમ વ્યક્તિની પ્રાપ્તિ, હીરાની પ્રાપ્તિ કરતાં પણ વધુ મહત્ત્વની હોય છે. પછી તે વ્યક્તિ પતિ હોય, પત્ની હોય, મિત્ર હોય કે ગુરુ હોય, કોઈ પણ હોય’.
‘મારા અનુભવો’માં એક જગ્યાએ સ્વામી સચ્ચિદાનંદે આ વાત લખી છે. ઉત્તમ વ્યક્તિની શોધ અને પ્રાપ્તિ વિશે તેઓ આગળ લખે છે:
‘શ્રેષ્ઠ વ્યક્તિથી સંસારમાં કશું જ વધુ કીમતી નથી. સોનું શોધવા નીકળેલા માણસો કરતાં ઉત્તમ વ્યક્તિ શોધવા નીકળેલા માણસો વધુ ડાહ્યા હોય છે, કારણ કે સોનાના સુખ કરતાં ઉત્તમ વ્યક્તિનું સુખ ઘણું વધારે છે. સોનું તો કદાચ કોઈ સમયે દુઃખ રૂપ થઈ શકે છે. પણ ઉત્તમ વ્યક્તિઓ જીવનમાં અનાયાસે મળી જતી હોય છે. અનાયાસે મળતા લાભોમાં તો ઈશ્વર કૃપાની અનુભૂતિ કરવી જ જોઈએ’.
સ્વામીજીએ આ જે વાત લખી છે તેનો સાક્ષાત્કાર આપણને સૌને જીવનમાં થતો રહે છે. આગ્રહો, માન્યતાઓ અને પૂર્વગ્રહયુક્ત દ્રષ્ટિ છોડીને એમાં નીરક્ષીર વિવેક ઉમેરીએ છીએ ત્યારે ઉત્તમ વ્યક્તિઓનું પ્રત્યક્ષ કે પરોક્ષ સાન્નિધ્ય આપણને સાંપડતું હોય છે.
પર્સનલ વાત કરું તો સ્વામી સચ્ચિદાનંદના વ્યક્તિત્વનો પરિચય (પ્રથમ પરોક્ષ અને ત્યારબાદ પ્રત્યક્ષ) થયો એ વાત મારા જીવન માટે હીરાની જ નહીં, હીરાની મોટી ખાણની પ્રાપ્તિ બરાબર પુરવાર થઈ છે. મારા પૂર્વગ્રહોને જો મેં આઘા ઠેલ્યા ન હોત તો હું ક્યારેય એમના વિચારો સુધી પહોંચી ન શક્યો હોત અને મારામાં નીરક્ષીર વિવેક ખીલ્યો ન હોત તો હું આટલા દાયકાઓ પછી પણ એમની સાથે આટલું નિકટનું વૈચારિક સાન્નિધ્ય મેળવી શક્યો ન હોત.
1987ના આરંભની વાત. એ વખતે હું ‘ગુજરાત મિત્ર’ દૈનિકમાં નોકરી કરવા મુંબઈથી સુરત ગયો હતો. પાર્લે પોઇન્ટ નજીક ઘોડદોડ રોડ પરના મારા ઘરની બાજુમાં રહેતા મારા નેક્સ્ટ ડોર નેબર સાથે મારે ઝાઝો નહીં પણ હાય-હેલ્લોનો સંબંધ. એક દિવસ મને કહે કે ‘આવતા અઠવાડિયે નાનપુરા પાસેની એક સ્કૂલના ચોગાનમાં એક સંતનું પ્રવચન છે, જઈએ સાથે.’ મેં પૂછયું કે ‘શું નામ છે?’ એ કહે, ‘સ્વામી સચ્ચિદાનંદ’. મારા માટે આ નામ તદ્દન નવું હતું. મારા પિતાને કારણે મને રજનીશજી, કૃષ્ણમૂર્તિ તથા અન્ય આધ્યાત્મિક પુરુષોના જીવન-કથનમાં ઊંડો રસ પણ ભારતીય જ્ઞાનગુરુઓથી બહુધા દૂર રહેવાની વૃત્તિ જે મારી સ્યુડો ઈન્ટલેક્ચ્યુઅલ કુબુદ્ધિની ચટપટીની નીપજ હતી. મને જેમના નામની આગળ ‘સ્વામી’નું પ્રીફિક્સ લાગ્યું હોય અને પાછળ ‘આનંદ’નું સફિક્સ લાગ્યું હોય એવા લોકો માટે એલર્જી રહેતી. પણ મારા પાડોશી ધરાર મારે ત્યાં સ્વામી સચ્ચિદાનંદ લિખિત ચાર-છ પુસ્તકો મૂકી ગયા જેનાં પાનાં ફેરવવામાં પણ મને રસ નહોતો. બે દિવસ પછી પૂછી ગયા કે, ‘વાંચ્યું એમાંથી કશુંક?’ મેં કહ્યું, ‘નથી વાંચ્યું અને વાંચવું પણ નથી, તમે તમારી ચોપડીઓ પાછી લઈ જાઓ’. એમણે આગ્રહપૂર્વક કહ્યું કે, ‘તમારા ઘરમાં આટલાં પુસ્તકો છે, તમે સારા વાચક છો. મારી તમને વિનંતી છે કે બીજું કંઈ નહીં તો છેવટે ‘મારા અનુભવો’માંથી કોઈ પણ એક પ્રકરણ રેન્ડમલી પસંદ કરીને વાંચી જાઓ. પછી તમે કહેશો ત્યારે આ બધા જ પુસ્તકો હું પાછાં લઈ જઈશ.’
પાડોશીનું માન રાખવા એ રાત્રે મેં ‘મારા અનુભવો’ની ત્રણેક મહિના પહેલાં જ પ્રગટ થયેલી નકલ હાથમાં લીધી અને વચ્ચેથી કોઈ પ્રકરણ પસંદ કરીને વાંચવાનું શરૂ કર્યું. ભગવાનના સોગંદ, આખી રાત જાગીને મેં ‘મારા અનુભવો’ પૂરું કર્યું.
બીજે દિવસે સવારે હું પાડોશીને જઈને કહી આવ્યો કે આપણે આ સંતના પ્રવચનમાં સાથે જઈશું.
અઝાન, રામધૂન અને મસ્જિદનું લાઉડ સ્પીકર મૌન થયું. સ્વામીજીએ પ્રવચનનો તંતુ સાધી લીધો અને શ્રોતાઓએ એમને તાળીઓના પ્રચંડ ગડગડાટથી વધાવી લીધા. પ્રવચન પૂરું થયા પછી લોકોની ભીડને ચીરીને એમનાં નજીકથી દર્શન કર્યા: એમનાં ચરણસ્પર્શ કરવાનો એ પહેલવહેલો લહાવો. બસ, એ દિવસે મારો, મારા વિચારોનો પુનર્જન્મ થયો.
લાસ્ટ બૉલ
મૈં તો રસ્તે સે જા રહા થા
મૈં તો ઝાલમૂડી ખા રહા થા
રસ્તે સે જા રહા થા, ઝાલમૂડી ખા રહા થા
તુઝકો મિર્ચી લગે તો મૈં ક્યા કરું!
(ફેસબુક પર ફરતું)


