Sunday, March 2, 2025
More
    હોમપેજદેશસનાતન એકતાનો પ્રતીક જ ન બન્યો મહાકુંભ, પણ એ (ગેર)માન્યતાઓ પણ ધ્વસ્ત...

    સનાતન એકતાનો પ્રતીક જ ન બન્યો મહાકુંભ, પણ એ (ગેર)માન્યતાઓ પણ ધ્વસ્ત કરી, જેનાથી એક દાયરામાં સીમિત કરી દેવાતું હતું હિંદુ મહાપર્વ

    કુંભના કારણે જગતભરના હિંદુઓ એક છત્ર હેઠળ આવ્યા અને એકતાનો સ્પષ્ટ સંદેશ આખી દુનિયાને આપ્યો. 'તોડવાનો' નેરેટિવ તોડીને 'જોડવાના' વિશ્વાસ સાથે 60 કરોડથી વધુ લોકોએ કુંભ સ્નાન કરીને એકતાનો ગગનભેદી સંદેશ આપ્યો છે.

    - Advertisement -

    સનાતન એકતા, ભવ્યતા અને દિવ્યતાનો પરિચય કરાવતો મહાકુંભ (Mahakumbh) પૂર્ણ થયો છે. મહાશિવરાત્રિના અંતિમ અમૃત સ્નાન સાથે 44 દિવસનો આ દિવ્ય અને ભવ્ય ઉત્સવ સમાપ્ત થયો છે. ઘરઆંગણે કોઈ પ્રસંગ પૂર્ણ થયા બાદ જે રીતે ભયાનક સૂનકાર ફેલાઈ જાય, તેવી જ સૂનકાર હમણાં દેશના કરોડો લોકો અનુભવી રહ્યા છે. કારણ કે 44 દિવસ સુધી ચાલેલો આ પવિત્ર પ્રસંગ લોકોના હ્રદયમાં કાયમી સ્થાન પામી ગયો હતો, માનવજીવનમાં સહજતાથી વણાઈ ગયો હતો, લોકોને મહાકુંભના દિવ્ય અને અલૌકિક માહોલ સાથે જીવવાની આદત પડી ગઈ હતી. પરંતુ બધા જ પ્રસંગનું એક સમાપન હોય છે. એ સમાપન કાં તો સફળ હોય અને કાં તો અસફળ હોય.

    મહાકુંભ કેટલો સફળ થયો એ ચર્ચા કરવી જ વ્યર્થ છે. કારણ કે આજે સમસ્ત વિશ્વ તેની ભવ્યતા પર નતમસ્તક છે. રામચરિતમાનસમાં કહેવાયું છે ને કે ‘હોતઈ વહી જો રામ રચી રાખા’, અર્થાત- તે જ થાય છે, જે પ્રભુ રામે રચી રાખ્યું છે. આ જ સિદ્ધાંત સાથે સંયોગ પણ જુઓ કે, 144 વર્ષ બાદ મહાકુંભનું આયોજન થયું અને આયોજન પણ એક સન્યાસી મુખ્યમંત્રીના નેતૃત્વમાં થયું. શક્તિશાળી નેતૃત્વનું પરિણામ એ આવ્યું કે, પાછલા તમામ રેકોર્ડ તોડીને 2025ના મહાકુંભે એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો.

    જૂના તમામ નેરેટિવ ધ્વસ્ત કરીને સ્થાપિત કર્યો નવો કીર્તિમાન

    કદાચ આ પહેલી વખત હશે કે, વિશ્વના સૌથી મોટા મેળવડાનું આયોજન એક ભગવાધારી સંન્યાસીના હાથમાં હતું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એ સાબિત કરી બતાવ્યું કે, જો નિયત પવિત્ર હોય તો દુનિયાનું અસંભવ કાર્ય પણ સંભવ બની શકે છે. સદીઓથી ચાલતા આવતા કુંભના તમામ નેરેટિવ યોગી આદિત્યનાથે માત્ર એક જ વખતમાં ધ્વસ્ત કરી દીધા અને તે પણ કઈ બોલ્યા કે કહ્યા વગર. મહાકુંભની ભવ્યતાને CM યોગીએ એ સ્તર પર લઈ જઈને મૂકી દીધી છે કે હવે પછી જ્યારે કુંભ યોજાશે તો દુનિયા આની સરખામણી કરશે. આ મહાકુંભ ઇતિહાસના પાને પણ અમર થઈ ગયો છે. કારણ કે વિશ્વના ઘણા દેશોની વસ્તી કરતાં વધુ લોકોએ માત્ર 44 દિવસમાં સંગમ સ્નાન કર્યું છે અને તે પણ શ્રેષ્ઠ વયવસ્થા સાથે.

    - Advertisement -

    મહાકુંભ 2025ની વ્યવસ્થા પણ વળગીને આંખે આવે તેવી હતી. માહોલ એટલો પવિત્ર અને દિવ્ય હતો કે, લોકોએ પોતે જ મહાકુંભનો પ્રચાર કરવાનું શરૂ કરી દીધું હતું. સુનિયોજિત અને શ્રેષ્ઠ આયોજનની સાથે પ્રશાસનની કર્મઠતા પણ પવિત્ર હતી. યોગીનું પોલીસ પ્રશાસન પણ કોઈ વિશેષ સુવિધા કે અંગત સ્વાર્થ વગર સતત લોકોની સેવામાં લાગી રહ્યું હતું. સ્વયં યોગી પણ ખડેપગે રહ્યા હતા. સફાઈકર્મીઓએ પણ લોકોને પવિત્ર અને દિવ્ય અનુભૂતિ કરાવવા માટે સતત સ્વચ્છતાની ધૂણી ધખાવી રાખી હતી. આ તમામે મહાયજ્ઞમાં આહુતિ આપી અને આ મહાપર્વને સફળ બનાવ્યું હતું. બધાં જ પાસાં એટલાં ઉત્તમ હતાં કે 66 કરોડ લોકો સંગમ સ્નાન કરીને ધન્યતા અનુભવી શક્યા.

    શ્રેષ્ઠ વ્યવસ્થાની સાથે યોગી સરકારે ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કર્યો હતો. સ્પેશ્યલ એપ લૉન્ચ કરવાથી શ્રદ્ધાળુઓ પણ નિશ્ચિંત બની શક્યા હતા. તે સિવાય AI કેમેરા અને ડ્રોન મોનિટરિંગથી લઈને લેઝર શો અને ઇમરજન્સી SOS સુવિધાના કારણે ડિજિટલ મહાકુંભ માટેના પ્રયાસો પણ સફળ થયા હતા. સંગમ સ્નાન દરમિયાન પ્રત્યેક વ્યક્તિની જવાબદારી પોલીસ પ્રશાસન પર હતી. આ તમામ સુવિધાઓ અને શ્રેષ્ઠ વ્યવસ્થાના કારણે આજે મહાકુંભને જવલંત સફળતા મળી શકી છે.

    તમામ ગેરમાન્યતાઓને તોડીને એકતાનો મળ્યો સંદેશ

    મહાકુંભને લઈને વર્ષોથી અનેક માન્યતાઓ ચાલી આવે છે. આખી ઇકોસિસ્ટમે કુંભને હંમેશા નકારાત્મક ચિત્રણ જ કર્યું હતું. જેમ કે, ફિલ્મોમાં કુંભના મેળામાં બે ભાઈઓ એકબીજાથી વિખૂટા પડીને ગુમ થઈ ગયા હોવાનું દેખાડવામાં આવતું હતું. આ કારસ્તાન માત્ર એક ફિલ્મ પૂરતું સીમિત નહોતું. પરંતુ ઘણી ફિલ્મોમાં કુંભને ‘બિછડવા’ માટેના એકમાત્ર ‘ઉત્તમ’ સ્થળ તરીકે જોવામાં આવતો હતો. વાસ્તવમાં કુંભ ‘તોડવાનું’ નહીં, પરંતુ ‘જોડવાનું’ કામ કરે છે, જે આ વખતે લોકોએ સારી રીતે જાણ્યું પણ છે અને અનુભવ્યું પણ છે.

    ફિલ્મોમાં અને ઘણા ‘બુદ્ધિજીવી’ઓના ભાષણો/લખાણોમાં પણ કુંભને માત્ર વૃદ્ધો માટેની એક ટીપીકલ જાત્રા ગણવામાં આવતી હતી. સમાજનો એક મોટો વર્ગ પણ તે જ અજ્ઞાનતામાં ફસાઈ ચૂક્યો હતો. પહેલાં એવી ગેરમાન્યતાઓ પ્રસરી ગઈ હતી કે, કુંભમાં જવાથી પરિવાર છૂટી જશે અને વિખેરાઈ જશે. ત્યાં તો માત્ર વૃદ્ધોને જવાનું હોય છે. માત્ર ‘પાપ ધોવા’ માટે કુંભમાં જવાનું હોય છે. પરંતુ આ વખતે મહાકુંભમાં આ તમામ માન્યતાઓ તૂટી છે.

    જે કુંભને માત્ર ‘વિખૂટા’ પડવાના અને ‘પાવ ધોવા’ માટેના એક સ્થળ તરીકે જોવામાં આવતો હતો, તે જ કુંભ એકતાનો મહાસાગર બનીને હિલોળા મારી રહ્યો હતો. આ કુંભના કારણે જગતભરના હિંદુઓ એક છત્ર હેઠળ આવ્યા અને એકતાનો સ્પષ્ટ સંદેશ આખી દુનિયાને આપ્યો. ‘તોડવાનો’ નેરેટિવ તોડીને ‘જોડવાના’ વિશ્વાસ સાથે 60 કરોડથી વધુ લોકોએ કુંભ સ્નાન કરીને એકતાનો ગગનભેદી સંદેશ આપ્યો છે. આ વખતના કુંભના કારણે હિંદુઓએ જાતિના ભેદ ભૂલવાની દિશામાં એક, પરંતુ મજબૂત પગલું ભર્યું છે અને આ પગલાંની સાથે જ મહાકુંભની સાચી શક્તિ પણ સામે આવી છે.

    પ્રબળ નેતૃત્વ અને પવિત્ર મંશાના કારણે મહાકુંભ 2025 ઐતિહાસિક રીતે સફળ થયો છે. મહાકુંભે સાબિત કરી બતાવ્યું છે કે, માત્ર પાપ ધોવા માટે નહીં, પરંતુ હિંદુઓ પોતાની એકતાનું પ્રદર્શન કરવા અને ધર્મધ્વજ તળે એકઠા થઈને ધર્મનું વહન કરવા માટે પણ સંગમ સ્નાન કરે છે. ‘પાપ ધોવાના’ નેરેટિવને હિંદુઓએ પોતે જ તોડી નાખ્યો છે. વારંવાર કથિત બુદ્ધિજીવીઓ ટકોર કરતા હતા કે, માત્ર પોતાના સ્વાર્થ ખાતર ‘પાપ ધોવા માટે’ કુંભ જવું યોગ્ય નથી.

    પરંતુ તે બુદ્ધિજીવીઓ કદાચ એ ભૂલી ગયા હતા કે, હિંદુઓ તે જ સનાતન સંસ્કૃતિના વારસદારો છે, જ્યાં સ્વથી પહેલાં સમાજ અને હુંથી પહેલાં વિશ્વની વાત કરવામાં આવી છે. દુનિયાની એકમાત્ર સંસ્કૃતિ આપણી છે, જે પોતાના પ્રત્યેક કાર્યમાં વિશ્વના કલ્યાણની કામના કરે છે. મહાકુંભમાં પણ માત્ર હિંદુઓ માટે જ નહીં, પરંતુ સમગ્ર જીવ માટે કલ્યાણની ભાવના રહેલી છે અને તે આ વખતે સાબિત પણ થયું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં