Sunday, July 6, 2025
More
    હોમપેજરાજકારણહિન્દીનું નામ સાંભળતાં ભડકી ઉઠે છે 'ભાષાપ્રેમીઓ' અને ઉર્દૂ માટે ખાસ 'ઇજ્જત':...

    હિન્દીનું નામ સાંભળતાં ભડકી ઉઠે છે ‘ભાષાપ્રેમીઓ’ અને ઉર્દૂ માટે ખાસ ‘ઇજ્જત’: હકીકતે બાહ્ય ભાષા કઈ? વોટબેંકની લાલચમાં ક્યાં સુધી અવગણશે દ્રવિડ-તમિલ નેતાઓથી માંડીને કોંગ્રેસના ‘કન્નડયોદ્ધાઓ’

    કારસ્તાનોએ ઉર્દૂની એક વિશેષ છબી બનાવી હતી અને હિન્દીને હાંસિયામાં ધકેલી દેવામાં આવી હતી. આનું પરિણામ એ આવ્યું છે કે, આજે પણ કેટલાક રાજકીય પક્ષો ઉર્દૂને વિશેષ દરજ્જો આપે છે અને તેના માટે ફંડ જારી કરે છે, જ્યારે હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓને અવગણવામાં આવે છે.

    - Advertisement -

    ભાષાકીય કટ્ટરતા અને હિંસક પ્રવૃત્તિ ફરી એક વખત ભારતીય સામાજિક અને રાજકીય દ્રશ્યને કલંકિત કરતી જોવા મળી રહી છે. વાત છે 29 જૂન, 2025ની. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના (મનસે) કાર્યકર્તાઓએ મુંબઈના મીરા રોડ ઉપનગરમાં એક મીઠાઈની દુકાનના 48 વર્ષીય માલિક બાબુલાલ ખીમજી ચૌધરી પર માત્ર એટલા માટે હુમલો કરી દીધો, કારણ કે તેમણે મરાઠીમાં વાત કરવાનો ઇનકાર કર્યો હતો. 

    બાબુલાલ ખીમજી ચૌધરી ‘જોધપુર સ્વીટ્સ એન્ડ નમકીન’ નામની દુકાન ધરાવે છે. 29 જૂનના રોજ MNS કાર્યકર્તા કરણ કંડાગીરે (મનસે શહેર ઉપપ્રમુખ), પામોદ નીલેકટ (વાહતુક સેના જિલ્લા આયોજક), અક્ષય દલવી, સચિન સાલુંખે અને અમોલ પાટીલ સહિત 7 લોકો દુકાનમાં પ્રવેશ્યા અને મરાઠીમાં વ્યવહારની માંગણી કરવા લાગ્યા. દુકાનકારે આવું ન કરતાં તેના પર હુમલો કરી દેવાયો.

    વાતચીત ટૂંક સમયમાં દલીલમાં ફેરવાઈ ગઈ. આ તણાવ ત્યારે વધુ તીવ્ર બની ગયો, જ્યારે દુકાનદારે મનસેના કાર્યકર્તાઓના તે ખોટા દાવા પર વાંધો ઉઠાવ્યો કે, મહારાષ્ટ્ર વિધાનસભામાં વ્યવસાયોમાં મરાઠી ભાષાનો ઉપયોગ અને મરાઠી ભાષી કર્મચારીઓની નિયુક્તિને અનિવાર્ય ગણાવી છે.

    - Advertisement -

    આ ઘટના ન માત્ર ભાષાના નામે થતી ગુંડાગીરીને દર્શાવે છે, પરંતુ તે પ્રાદેશિક પક્ષોની રણનીતિ પર પણ પ્રશ્નો ઉભા કરે છે, જે રાજકીય વર્તુળોમાં સમાચારમાં રહેવા માટે આવી ગુંડાગીરીનો આશરો લઈ રહ્યા છે. આવી ઘટનાઓ માત્ર લોકશાહી મૂલ્યોને જ નુકસાન પહોંચાડતી નથી, પરંતુ રાજ્યભરમાં ગુસ્સો અને સમાજમાં આંતરિક ઝઘડાને પણ પ્રોત્સાહન આપે છે.

    ભાષાની લડાઈથી ફરી જીવંત થયું રાજકારણ

    તાજેતરમાં મહારાષ્ટ્રમાં ભાષાના નામે બિન-મરાઠી ભાષીઓને હેરાન કરવામાં આવ્યા હતા. મનસે કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી અને ટૂંક સમયમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

    મનસે અને શિવસેના (UBT) જેવા પક્ષો લાંબા સમયથી મરાઠી અસ્મિતા વિશેની વાતો કરતા આવ્યા છે, પરંતુ તે મોટાભાગે અન્ય લોકોને ડરાવવા અને હેરાન કરવા સુધી મર્યાદિત રહ્યા છે.

    થોડા દિવસો પહેલાં જ્યારે રાજ્ય સરકારે શાળાઓમાં હિન્દી દાખલ કરવાનો નિર્ણય પાછો ખેંચી લીધો, ત્યારે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ ‘મરાઠી માનુષ’ની એકતા વિશે વાત કરી હતી. તેના વિરોધમાં ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતે સરકારી આદેશની નકલો બાળી નાખી હતી.

    મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે, જ્યાં ઘણી ભાષાઓ બોલતા લોકો રહે છે. અહીં બોલીવુડ જેવી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ છે. સામાન્ય મરાઠી લોકો બિન-મરાઠી ભાષીઓની વિરુદ્ધ નથી, પરંતુ મનસે જેવા કેટલાક પ્રાદેશિક પક્ષો ભાષાના નામે સંઘર્ષ અને ભયનું વાતાવરણ બનાવી રહ્યા છે.

    રાજ્યની ભાજપ સરકારે આ અંગે સ્પષ્ટ અને કડક વલણ અપનાવ્યું છે. શુક્રવારે (4 જુલાઈ) મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે, મરાઠી ભાષા પર ગર્વ કરવો ખોટું નથી, પરંતુ ભાષાના નામે ગુંડાગીરી સહન કરવામાં આવશે નહીં. ભાષાના આધારે મારપીટ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું છે કે, લોકોએ બધી ભારતીય ભાષાઓનું સન્માન કરવું જોઈએ.

    હિન્દી પર વિવાદ ઊભો કરવો અને અંગ્રેજીને સ્વીકારવી એ સમજની બહાર છે. કાયદો હાથમાં લેનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બીજી મહત્વની વાત એ છે કે, હિન્દી, ગુજરાતી અને અન્ય ભાષાઓ બોલતા લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ ઉર્દૂ ભાષા આ ગુસ્સાથી અસ્પૃશ્ય રહી છે.

    હિન્દી અને મરાઠી ભાષાની લિપિ અને મૂળ એક જ છે, છતાં હિન્દીને ‘ઉત્તર ભારતીય લાદવામાં આવેલી ભાષા’ કહેવામાં આવે છે, જ્યારે ઉર્દૂ ભાષા પર કોઈ સવાલ ઉઠી રહ્યા નથી.

    દેશના ઘણા રાજ્યોમાં ભાષા પર ભેદભાવ અને રાજકીય વિવાદ વધી રહ્યો છે. તમિલનાડુમાં DMK સરકારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો (NEP) વિરોધ કરતા કહ્યું છે કે, તે તમિલ બોલનારાઓ પર હિન્દી લાદવાનો પ્રયાસ છે.

    જોકે, નીતિમાં હિન્દી ફરજિયાત નહોતી અને વિદ્યાર્થીઓ વિકલ્પ તરીકે તેમની પસંદગીની કોઈપણ ભાષા પસંદ કરી શકતા હતા. માર્ચ 2024માં મહારાષ્ટ્રના પુણેના ભૂષણ માંડલિકને તમિલનાડુમાં ફક્ત એટલા માટે માર મારવામાં આવ્યો કારણ કે તે તમિલ બોલી શકતા ન હતા.

    તેવી જ રીતે કર્ણાટકમાં એક ઓડિયા રેસ્ટોરન્ટને સ્થાનિક ભાષા કન્નડના નામ માટે તેની ઓડિયા નેમપ્લેટ દૂર કરવાની ફરજ પડી હતી, જોકે તેમાં પહેલાંથી જ કન્નડમાં પણ નામ બોર્ડ લગાવાયેલું જ હતું.

    ઝારખંડમાં 2022માં JMM સરકારે ભોજપુરી અને મગધીને પ્રાદેશિક ભાષાઓની યાદીમાંથી બાકાત કરી દીધી, જ્યારે ઉર્દૂને જાળવી રાખી અને કોઈપણ જિલ્લામાં હિન્દીને પ્રાદેશિક ભાષાનો દરજ્જો પણ ન આપવામાં આવ્યો, જેના કારણે ભારે વિરોધ થયો હતો.

    શિવસેનાએ (UBT) મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં ઉર્દૂમાં પોસ્ટરો લગાવ્યા હતા, જેમાં ઉદ્ધવ ઠાકરેને ‘અલી જનાબ’ કહેવામાં આવ્યા છે, પરંતુ હિન્દીને વારંવાર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં પણ ઉર્દૂનો પ્રચાર થઈ રહ્યો છે, જ્યારે હિન્દીનો વિરોધ થઈ રહ્યો છે.

    યુપીમાં ઉર્દૂ ભાષાંતરની માંગ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, તેનો ઉદ્દેશ્ય બાળકોને મૌલવી બનાવવાનો છે, વૈજ્ઞાનિકો નહીં. આ બધી ઘટનાઓ પરથી સ્પષ્ટ થાય છે કે કેટલાક રાજકીય પક્ષો વોટબેંકના રાજકારણ માટે ભાષાનો ઉપયોગ હથિયાર તરીકે કરી રહ્યા છે અને ત્યાં માત્ર હિન્દી ભાષાને જ ટાર્ગેટ કરવામાં આવી રહી છે, ઉર્દૂનું નામ સુદ્ધાં લેવાતું નથી. 

    હિન્દીથી નફરત પણ વોટ માટે ઉર્દૂ અને અંગ્રેજી સ્વીકાર્ય

    દેશમાં ભાષાઓ પરનો વિવાદ સતત વધી રહ્યો છે, પરંતુ આ વિવાદ ભાષાની વાસ્તવિક ચિંતા કરતાં રાજકારણ સાથે વધુ સંબંધિત છે. કેટલાક પ્રાદેશિક અને મુસ્લિમ-તુષ્ટિકરણ પક્ષો હંમેશા હિન્દીનો વિરોધ કરે છે અને તેના પર તે ભાષા લાદવામાં આવતી હોવાનો આરોપ પણ લગાવે છે.

    જ્યારે ઉર્દૂને પ્રોત્સાહન આપવામાં તેમને કોઈ વાંધો નથી હોતો. તો હવે પ્રશ્ન એ છે કે માત્ર ‘સિલેક્ટિવ’ ભાષા સાથે આટલો રાજકીય અને સામાજિક ભેદભાવ આખરે કેમ થઈ રહ્યો છે? 1989માં ઉત્તર પ્રદેશની કોંગ્રેસ સરકારે મુસ્લિમ વોટબેંકને  ખુશ કરવા માટે ઉર્દૂને બીજી સત્તાવાર ભાષા બનાવી દીધી હતી. 

    પશ્ચિમ બંગાળ, દિલ્હી, બિહાર અને તેલંગાણા જેવા રાજ્યોમાં પણ આવી જ સ્થિતિ જોવા મળે છે, જ્યાં ઉર્દૂને ખાસ દરજ્જો મળે છે. પરંતુ હિન્દી, જે સંસ્કૃતમાંથી ઉતરી આવી છે અને દેશની ધરતીમાં મૂળ ધરાવે છે, તેને ‘ઉત્તર ભારતીય લાદવામાં આવેલી ભાષા’ તરીકે બદનામ કરવામાં આવે છે. ઉર્દૂનો ઉદ્ભવ ઇસ્લામી આક્રમણોના સમય દરમિયાન થયો હતો, જ્યારે ઇસ્લામી શાસકોને સ્થાનિક વસ્તી સાથે વાતચીત કરવા માટે મિશ્ર ભાષાની જરૂર હતી.

    ઉર્દૂમાં ફારસી અને અરબી ભાષાના શબ્દો છે, પરંતુ તેનું વ્યાકરણ હિન્દી ભાષાનું છે. મુઘલો અને તેમના પછીના ઘણા શાસકોએ તેને પ્રોત્સાહન આપ્યું હતું, તેને શાસન અને વહીવટની ભાષા બનાવી દેવામાં આવી હતી. બોલીવુડમાં પણ ઉર્દૂને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

    ગીતકારો અને લેખકોએ ફિલ્મોમાં ઉર્દૂ શબ્દો અને ઇસ્લામી શબ્દાવલીનો (જેમ કે જન્નત, ખુદા, કાફિર વગેરે) વ્યાપક ઉપયોગ કર્યો છે, જેનાથી હિન્દીને હલકી ગુણવત્તાવાળી ભાષા અને ઉર્દૂને વધુ ભવ્ય અને શિષ્ટ ભાષા તરીકે દર્શાવવામાં આવી છે.

    આ કારસ્તાનોએ ઉર્દૂની એક વિશેષ છબી બનાવી હતી અને હિન્દીને હાંસિયામાં ધકેલી દેવામાં આવી હતી. આનું પરિણામ એ આવ્યું છે કે, આજે પણ કેટલાક રાજકીય પક્ષો ઉર્દૂને વિશેષ દરજ્જો આપે છે અને તેના માટે ફંડ જારી કરે છે, જ્યારે હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓને અવગણવામાં આવે છે.

    મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુ જેવા રાજ્યોમાં હિન્દી બોલતા સામાન્ય લોકોને નિશાન બનાવવામાં આવે છે, જ્યારે ઉર્દૂ બોલતા મુસ્લિમો સામે કોઈ સવાલ ઉઠાવતું નથી. કોઈ મુસ્લિમોને પૂછતું નથી કે, તેઓ મરાઠી કે કન્નડ કેમ નથી બોલતા.

    તાજેતરમાં જ મહારાષ્ટ્રમાં જ્યારે એક મનસે કાર્યકર્તા મુસ્લિમ વિસ્તારમાં મરાઠી લાદવા ગયો ત્યારે તેણે માફી માંગવી પડી અને તે પણ હિન્દીમાં. તેમ છતાં હિન્દીને સન્માન નથી મળી રહ્યું, લોકો તેનો જ વિરોધ કરી રહ્યા છે.

    જો યોગ્ય રીતે સમજવાનો પ્રયાસ કરવામાં આવે તો જાણવા મળે કે, આ ભાષાયુદ્ધ નથી પણ એકતરફી રાજકારણ છે, જેમાં વિરોધના ડરથી બધા પક્ષો મુસ્લિમ સમુદાય અને ઉર્દૂને સ્પર્શતા ડરે છે, જ્યારે હિંદુઓ અને હિન્દી વિરુદ્ધ બોલવાને ‘સુરક્ષિત’ માનવામાં આવે છે. આ જ કારણ છે કે ઉર્દૂ, જે વાસ્તવમાં એક બાહ્ય અને લાદવામાં આવેલી ભાષા હતી, તેને આજે ખાસ દરજ્જો મળે છે અને હિન્દીને બદનામ કરવામાં આવે છે.

    કોઈ ભાષા પર ગર્વ કરવો એ ખોટું નથી અને જો કોઈ રાજ્યમાં રહેતા લોકો તે રાજ્યની ભાષા શીખે તો તે એક સારું પગલું પણ છે. પરંતુ દુકાનો કે સંસ્થાઓને પોતાની માતૃભાષામાં બોર્ડ લગાવવા દબાણ કરવું, ડર બતાવો અને મારમારી કરવી ક્યારેય યોગ્ય નથી.

    તેનાથી ભાષાઓનો આદર નથી થતો, પરંતુ નફરત અને દૂરી વધે છે. સત્ય એ છે કે આ સમગ્ર ભાષા વિવાદ ફક્ત કેટલાક નેતાઓ દ્વારા માત્ર મોદી સરકારનો વિરોધ કરવા અને પ્રાદેશિક ગૌરવના નામે રાજકીય લાભ લેવા ઉપજાવી કઢાયેલો એક માર્ગ છે. કોઈપણ રીતે આ ગતકડા ભાષાને બચાવવા માટેનો પ્રયાસ નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં