Saturday, July 12, 2025
More
    હોમપેજરાજકારણભાષાવિવાદ, રાજકારણ અને રાજકીય અસ્તિત્વ ટકાવવા ફાંફાં મારતા પ્રાદેશિક પક્ષો

    ભાષાવિવાદ, રાજકારણ અને રાજકીય અસ્તિત્વ ટકાવવા ફાંફાં મારતા પ્રાદેશિક પક્ષો

    આ પ્રાદેશિક પાર્ટીઓની સ્થાપના જે-તે સમયે રાજ્યની અસ્મિતા ટકાવી રાખવાના નામે થઈ હતી. એક કે અમુક સીમિત રાજ્યો સુધી જ પહોંચ ધરાવતી પાર્ટીઓ પાસે બીજા કોઈ ખાસ મુદ્દા પણ હોતા નથી, જેને આધાર બનાવીને રાજકારણમાં પોતાની દુકાન ચલાવી શકે. આ પરિસ્થિતિમાં હવે એક સારો મુદ્દો મળી ગયો છે– ભાષા. 

    - Advertisement -

    ભાષા સંવાદનું માધ્યમ કહેવાઈ છે, પણ તમારી પાસે નવરીબજાર જેવી, રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે ફાંફાં મારતી પ્રાદેશિક પાર્ટીઓ હોય તો તેને વિવાદ કરવાનું પણ માધ્યમ બનાવી શકાય એવું છેલ્લા થોડા સમયના દેશનાં અમુક રાજ્યોનાં રાજકારણ પરથી જોવા-જાણવા મળે છે. થોડા સમય પહેલાં તમિલનાડુમાં અસ્મિતાને આધાર બનાવીને ભાષાનું ભૂત ધૂણ્યું હતું. હવે વારો મહારાષ્ટ્રનો આવ્યો છે. 

    તમિલનાડુની સત્તાધારી પાર્ટી DMKનું રાજકારણ હવે ભાષા અને તમિલ અસ્મિતા-સંસ્કૃતિ પર આવીને અટક્યું છે. કેન્દ્ર સરકારની શિક્ષણ નીતિમાંથી કારણ વગર વાંધા કાઢીને DMKએ વચ્ચે બહુ ચગાવ્યું હતું અને તમિલ વિ. હિન્દી ભાષાનો માહોલ સર્જી નાખ્યો હતો. ત્યાં બહુ ઝડપથી ભારતીય જનતા પાર્ટી પગપેસારો કરી રહી છે. ઓછામાં પૂરું તેમણે ફરી એક વખત AIADMK સાથે ગઠબંધન કરી લીધું છે. બંને પાર્ટીઓ સાથે મળીને લડે તો 2026માં DMKને સારી એવી ટક્કર આપી શકે એ નક્કી છે. DMK સરકાર સામે બીજા પણ અમુક પડકારો છે. 2026ની વિધાનસભા ચૂંટણી હવે માથે છે. 

    મહારાષ્ટ્રમાં આવો તો અહીં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના નામની એક પાર્ટી છે, જેની પાસે સમ ખાવા પૂરતો એક ધારાસભ્ય પણ વિધાનસભામાં નથી. લોકસભામાં એક પણ સાંસદ નથી.. ઉદ્ધવ ઠાકરે નામના એક નેતાની પાર્ટી છે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે). જે મૂળ શિવસેના હતી તેનાં નામ-નિશાન ગુમાવી ચૂક્યા બાદ ઉદ્ધવની પાર્ટીની સ્થિતિ પણ બહુ સારી કહી શકાય તેવી નથી. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં બહુ જોર લગાવ્યું તોપણ આંકડો માંડ 20 પર પહોંચી શક્યો. ઉદ્ધવની વ્યક્તિગત છબીને પણ પાછલાં વર્ષોમાં સારું એવું નુકસાન થયું છે. ઉપરથી સંજય રાઉત જેવા નેતાઓ પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે સતત બફાટ કરતા રહે છે, તેનું પરિણામ આખરે ઉદ્ધવ અને પાર્ટીએ પણ ભોગવવું પડી રહ્યું છે. 

    - Advertisement -

    તમિલનાડુ અને મહારાષ્ટ્ર, બંને રાજ્યોની આ પ્રાદેશિક પાર્ટીઓની સ્થિતિ જોશો તો એક વાત સામાન્ય એ છે કે હવે તેમના રાજકીય અસ્તિત્વ પર ધીમેધીમે જોખમ આવતું જાય છે. દ્રવિડિયન વિચારધારાને આધાર બનાવીને સ્થપાયેલી DMKની સ્થિતિ પણ હવે પહેલાં જેવી નથી અને આ તરફ મહારાષ્ટ્રમાં મનસે અને ઉદ્ધવ જૂથની સ્થિતિ તેના કરતાં ખરાબ છે. બંને તાજેતરમાં જ ચૂંટણીમાં જનતા સામે જઈ ચૂક્યા છે અને જનતાએ સદંતર નકારી દીધા છે. 

    મોટાભાગની પ્રાદેશિક પાર્ટીઓની સ્થાપના જે-તે સમયે રાજ્યની અસ્મિતાના નામે થઈ હતી. એક કે અમુક સીમિત રાજ્યો સુધી જ પહોંચ ધરાવતી પાર્ટીઓ પાસે બીજા કોઈ ખાસ મુદ્દા પણ હોતા નથી, જેને આધાર બનાવીને રાજકારણમાં પોતાની દુકાન ચલાવી શકે. આ પરિસ્થિતિમાં હવે એક સારો મુદ્દો મળી ગયો છે– ભાષા. 

    મહારાષ્ટ્રમાં હમણાં આ ભાષાનો વિવાદ ચાલી રહ્યો છે. થોડા દિવસ પહેલાં એક વિડીયો વાયરલ થયો, જેમાં મનસેના કાર્યકર્તાઓ એક ગુજરાતી વેપારી પાસે પહોંચી ગયા અને મરાઠી ન બોલવા બદલ બબાલ કરી. આવા છૂટક કિસ્સાઓ અગાઉ પણ બની ચૂક્યા છે. જોકે એ વાત પણ સાચી છે કે મુસ્લિમ વિસ્તારોમાં મનસેના કાર્યકરો આટલી બહાદુરી બતાવી શકતા નથી. શાંતિથી કામ કરતા ગુજરાતીઓ કે યુપી-બિહારીઓ સાથે જ માથાકૂટ કરતા રહે છે. આ વિવાદમાં એક રીતે ઉદ્ધવ સેનાનું પણ મનસેને મૂક સમર્થન મળી રહ્યું છે. એટલું જ નહીં મરાઠી-હિન્દી મુદ્દે રાજ્ય સરકારના નોટિફિકેશનનો વિરોધ કરવાના બહાને વીસ વર્ષ પછી ઉદ્ધવ અને રાજ ઠાકરે એકમંચ પર પણ આવી ગયા છે. શનિવારે (5 જુલાઈ) બંનેએ એક સંયુક્ત રેલી પણ યોજી.

    પોતાની ભાષા પર ગર્વ કરવો, તેનું જતન કરવા માટે પ્રયાસો કરવા, અસ્મિતા ટકાવવા માટે પ્રયત્નો કરવા આ બધામાં કશું જ ખોટું નથી. મરાઠીઓ, બંગાળીઓ, ગુજરાતીઓ, યુપી-બિહારવાસીઓથી માંડીને દક્ષિણના રાજ્યો સુધી, તમામને પોતાની ભાષા, પોતાની સંસ્કૃતિ પર ગર્વ છે ને હોવો જ જોઈએ. પરંતુ બહારથી વેપાર-ધંધા કરવા માટે આવેલા લોકોને બળજબરીથી ભાષા બોલવા માટે ફરજ પાડવી, તેમને હડધૂત કરવા, મારપીટ કરવી એ સ્પષ્ટ રીતે ગુંડાગીરી છે. રાજકારણ ચમકાવવાની ઘાતક રીત છે. 

    સ્વાભાવિકપણે પાર્ટીના કાર્યકર્તાઓ કે ગુંડાઓ આવાં કારસ્તાન કરતા હોય તો નેતાઓએ હાથ પકડીને બેસાડી દેવા જોઈએ. પરંતુ મહારાષ્ટ્રના આ વિવાદમાં અત્યાર સુધી એવું જોવા મળી રહ્યું નથી. તેનાથી સાબિત હવે એ થાય કે આ પાર્ટીઓ પણ આવા વિવાદના જોરે જ રાજકારણ રમવા માટે મોકળું મેદાન જ શોધી રહી છે. બીજા મુદ્દાઓ હવે રહ્યા નથી, અથવા ત્યાં હવે રાજકારણ કરવાની પૂરતી તકો નથી. 

    અસ્મિતાના નામે રાજકારણ

    અસ્મિતા ટકાવવી અલગ વાત છે અને અસ્મિતાના નામે ઉશ્કેરણી કરીને રાજકારણ કરવું અલગ. હાલ જે ચાલે છે તેમાં આ બીજું પાસું મૂળ છે. તમારે મરાઠી અસ્મિતા કે ફોર ધેટ મેટર કોઈ પણ અસ્મિતા ટકાવી રાખવા માટે બહારથી આવીને રહેતા, જેમને એ ભાષા સાથે કોઈ નિસ્બત નથી, તેમની પાસે ધરાર બોલાવવાની કે તેમની સાથે મારપીટ કરવાની કોઈ જરૂર નથી. પરંતુ અહીં મૂળ આશય અસ્મિતા નહીં, રાજકારણ છે. લોકોને ‘જુઓ તમારી ભાષા કે સંસ્કૃતિ જોખમમાં છે’ તેમ કહીને ઉશ્કેરીને આ ચળવળના નેતા થઈને રાજકારણ કરવામાં આ પાર્ટીઓને વધારે રસ હોય એમ લાગે છે.

    આમાં એક મોટું જોખમ એ છે કે કારણ વગર બે ભાષાકીય સમુદાયો વચ્ચે વૈમનસ્ય વધે છે. તેના કારણે આખરે વેપાર-ધંધાને અસર થાય છે. અર્થવ્યવસ્થાને અસર થાય છે. અરાજક અને અશાંત વાતાવરણમાં વેપાર-ધંધા થઈ શકતા નથી. રાજકીય-સામાજિક સ્થિરતા બહુ જરૂરી છે. કાલે ઉઠીને આ બધા વિવાદોની અસર આર્થિક રીતે પડે તો આ જ પ્રાદેશિક પક્ષો બુમરાણ મચાવવા માંડશે અને સરકાર પર માછલાં ધોવા માંડશે. કારણ કે બેવડાં ધોરણો ભારતમાં રાજકારણ શરૂ કરો એટલે લોહીમાં ભળી જાય છે. 

    જુદી-જુદી ભાષા બોલનારાઓ પણ નિરાંતે એકબીજા સાથે રહી શકે, વેપાર-ધંધા કરી શકે અને રાજ્યના વિકાસમાં યોગદાન આપી શકે તેનું સૌથી સારું ઉદાહરણ ગુજરાત વર્ષોથી પૂરું પાડી રહ્યું છે. અહીં બે ગુજરાતીઓ ભેગા થઈને હિન્દીમાં વાત કરતા હોય તેવું જોવા મળશે. જો કોઈ બહારથી આવેલા હિન્દીભાષીને ગુજરાતી બોલવામાં તકલીફ પડે તો ગુજરાતી સ્વયં હિંદી બોલવા માંડશે. ગુજરાતના આર્થિક વિકાસમાં આ એક પાસું પણ નકારવા જેવું નથી. 

    ગુજરાતીઓ જોકે આમ તો અસ્મિતા કે ભાષા પ્રત્યે બહુ સભાન નથી, પણ અહીં ભાષાનો ઉપયોગ કે દુરુપયોગ રાજકારણ માટે પણ નથી થતો એ પણ એક વાસ્તવિકતા છે. જોકે મહારાષ્ટ્ર કે અન્ય રાજ્યોની પ્રજા ક્યારેય આ પ્રકારની ગુંડાગિરીમાં ઉતરી નથી. મુંબઈમાં એક મોટો ગુજરાતી સમાજ રહે છે એ એ વાતની સાબિતી છે. પણ હવે રાજકીય પક્ષોએ આ નવું તૂત લાવવાનું શરૂ કર્યું છે ત્યારે સામાન્ય જનતા માટે આંખ-કાન ખુલ્લાં રાખીને, નિરક્ષીર વિવેક રાખીને નિર્ણય લેવાનો સમય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં