Friday, April 26, 2024
More
    હોમપેજમંતવ્યકેજરીવાલનું ટેમ્પલ રન શરુ: સ્વસ્તિકની મજાક ઉડાવનાર તેમજ કાશ્મીરી પંડિતના નરસંહારને અસત્ય...

    કેજરીવાલનું ટેમ્પલ રન શરુ: સ્વસ્તિકની મજાક ઉડાવનાર તેમજ કાશ્મીરી પંડિતના નરસંહારને અસત્ય કહેનાર ગુજરાતનાં હિંદુઓને ગેરમાર્ગે દોરી શકશે?

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમનાથની યાત્રા પર આજે આવ્યા છે અને તેઓ હજી પણ ગુજરાતના તમામ મુખ્ય મંદિરોની યાત્રા કરશે એવું દેખાઈ રહ્યું છે. એક વિશ્લેષણ.

    - Advertisement -

    ખબર નહીં કેમ પણ ચૂંટણી આવતાંની સાથેજ પોતાને સેક્યુલર ગણાવતી પાર્ટીઓ અને તેના નેતાઓ મંદિરે મંદિરે ઘુમવાનું શરુ કરી દેતા હોય છે. સાડા ચાર વર્ષ સુધી સેક્યુલારિઝમના પોષાકમાં પોતાની જાતને સંતાડી અને આ સમય દરમ્યાન હિંદુઓ, હિંદુ ધર્મ અને હિન્દુત્વને મણમણની જાહેરમાં ચોપડાવનારા રાજકારણીઓ જે-તે રાજ્યમાં ચૂંટણી આવતાંની સાથેજ હિંદુ મત અંકે કરવા ટેમ્પલ રન શરુ કરી દે છે. આજે આવું જ ટેમ્પલ રન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમનાથની યાત્રા પર આવ્યા ત્યારે જોવા મળ્યું હતું.

    જો કે છેલ્લા ત્રણ દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની હિન્દુત્વની લેબોરેટરી કહેવાય છે એવું ગુજરાત મતોનો ઢગલો કરીને તેને મત આપતું આવ્યું છે તેને માટે આ પ્રકારનું ટેમ્પલ રન નવું નથી. 2017માં આવી જ રીતે કોંગ્રેસના તે સમયના પ્રમુખ રાહુલ ગાંધી પણ ગુજરાતના લગભગ દરેક મંદિરોની મુલાકાતે ગયા હતા. આજે અરવિંદ કેજરીવાલ સોમનાથની યાત્રા પર આવ્યા છે જેને રાહુલ ગાંધી પ્રકારનું જ ટેમ્પલ રન કહી શકાય છે.

    જો કે હિંદુઓને અવગણવાથી માંડીને તેમનું અપમાન કરવામાં કદાચ અરવિંદ કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટીનો રેકોર્ડ રાહુલ ગાંધીના પક્ષ કરતાં વધુ ખરાબ છે. એક સમયે અરવિંદ કેજરીવાલે ટ્વિટર પર હિંદુઓના પવિત્ર ચિન્હ એવા સ્વસ્તિકનું અપમાન કરતો ફોટો ટ્વિટ કર્યો હતો. આ ફોટામાં સ્વસ્તિક એટલેકે હિંદુવાદી પાર્ટી ભાજપને ઝાડુ જે પોતાની પાર્ટીનું ચૂંટણી ચિન્હ છે એ મારવા દોડી રહ્યું હોય એ સ્પષ્ટ દેખાતું હતું.

    - Advertisement -
    હિંદુ ધર્મના પવિત્ર પ્રતિક સ્વસ્તિકનું અપમાન કરતા અરવિંદ કેજરીવાલ

    આટલું જ નહીં પરંતુ આ વર્ષે જમ્મુ અને કાશ્મીરમાં થયેલા હિંદુઓના નરસંહારને સ્પષ્ટરૂપે ખુલ્લો કરતી ફિલ્મ કાશ્મીર ફાઈલ્સને જ્યારે ભારતની જનતાએ બહોળો આવકાર આપ્યો ત્યારે આ જ કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં તેની મશ્કરી કરી હતી અને ફિલ્મના નિર્દેશક વિવેક રંજન અગ્નિહોત્રીને ફિલ્મ જોવાની લોકોને અપીલ કરવાને બદલે યુટ્યુબ પર દેખાડી દેવાની ભલામણ કરી દીધી હતી.

    આ જ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ ભૂતકાળમાં ગુજરાતમાં ઠેરઠેર થતી કથાઓ તેમજ કથાકારોની હાંસી ઉડાવી છે. આજે જ્યારે અરવિંદ કેજરીવાલ સોમનાથની યાત્રા પર આવ્યા છે ત્યારે તેમણે ગોપાલ ઈટાલીયાને આ અંગે કોઈ સ્પષ્ટતા કરી હોય એવું જાણમાં આવ્યું નથી.

    મૂળ વાત એક જ છે કે અરવિંદ કેજરીવાલ કે પછી કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીની જેમ મુસ્લિમોના મત ગુમાવી દેવાના ડરથી ખુલ્લેઆમ પોતે હિંદુઓ અને હિન્દુત્વના સમર્થક છે એવું બોલી શકતા નથી. અરવિંદ કેજરીવાલ કાયમ ઇદમાં ઈફ્તાર પાર્ટી ખુદ આપતા હોય છે અથવાતો એમાં હિસ્સો પણ લેતા હોય છે. પરંતુ ક્યારેય તેમણે અયોધ્યામાં બની રહેલા રામમંદિરને ખુલ્લા દિલે સમર્થન આપ્યું હોય એવું જોવા નથી મળ્યું.

    ઉલટું, 2014માં અરવિંદ કેજરીવાલે પોતાની નાનીનું ઉદાહરણ આપીને ટ્વિટ કરીને એવું દર્શાવવાની કોશિશ કરી હતી કે તેઓ અયોધ્યામાં રામના જન્મસ્થાને એક ભવ્ય મંદિર બને તેના પક્ષમાં નથી. જ્યારે રામ મંદિરનું ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું ત્યારે તેમણે ક્યાંક એમનો ગરાસ ન લુંટાઈ જાય એનું ધ્યાન રાખતાં દેશવાસીઓને શુભેચ્છાઓ આપી હતી.

    અરવિંદ કેજરીવાલ રામ જન્મભૂમિ સ્થળે ભવ્ય રામ મંદિર બને એવું નહોતા ઈચ્છતા

    ગુજરાતની પ્રજા ધાર્મિક છે. અહીં સોમનાથ અને નાગેશ્વર એમ બે જ્યોતિર્લીંગ છે અને કૃષ્ણની કર્મભૂમિ દ્વારકા તેમજ તેમની નિર્વાણભૂમિ પ્રભાસપાટણ નજીક આવેલું ભાલકા તીર્થ પણ આવેલાં છે. જો ગુજરાતીઓનું ધ્યાન રાખવું હોય જો એમના મત જોઈતા હોય તો હિંદુ ધર્મ વિષે સારું સારું બોલીને અથવાતો મંદિરોની ઉડતી મુલાકાત લેવી એ પ્રકારની માનસિકતા જેમ અરવિંદ કેજરીવાલ સોમનાથની યાત્રા પર આવીને દર્શાવી રહ્યા છે એ જ રીતે અન્ય સેક્યુલર નેતાઓ પણ કાયમ દર્શાવતા હોય છે.

    જો કે પરિણામ આ પ્રકારનું આવતું નથી. ગુજરાતની પ્રજા ખાસકરીને બહુમતિ હિંદુ પ્રજાને ખબર છે કે આ પ્રકારની બે મોઢાંની વાતો કરનાર નેતાઓ ફક્ત ધાર્મિકતાનો અંચળો ઓઢીને તેમને ઉલ્લુ બનાવવાનો પ્રયાસ કરતા હોય છે. કદાચ એટલેજ ગયા વખતે પણ રાહુલ ગાંધીના ટેમ્પલ રનને ગુજરાતની પ્રજાએ નકારી દીધું હતું.

    આ વખતે અરવિંદ કેજરીવાલને મુસ્લિમો સાથે હિંદુઓના મત પણ જોઈએ છીએ. કદાચ ગુજરાત કોંગ્રેસને એ વાતનો ખ્યાલ આવી ગયો છે અને એટલેજ તેણે જગદીશ ઠાકોર, જીગ્નેશ મેવાણી અને કદીર પીરઝાદા મારફતે મુસ્લિમોને તેઓ જ તેમના હિતેચ્છુઓ છે એવો સંદેશ આપી દીધો છે. કેજરીવાલને ખબર છે કે તે કોંગ્રેસની જેમ સત્તા મેળવવા ઉતાવળમાં નથી, ભલે તેઓ કોઇપણ દાવા કરતા હોય, પણ જો મત મેળવવા એમણે બેલેન્સ કરવું હશે તો મુસ્લિમો સાથે હિંદુઓને પણ રીઝવવા પડશે.

    હજી તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી ચારેક મહિના દૂર છે, પરંતુ અત્યારથી જ અરવિંદ કેજરીવાલ સોમનાથની યાત્રા પર આવી ગયા છે એ એમ દર્શાવે છે કે હજી તો તેઓએ આ હિંદુ હોવાનું નાટક શરુ જ કર્યું છે, આગામી દિવસોમાં તેઓ દ્વારકા, નાગેશ્વર અને અંબાજી જેવા ગુજરાતી અને તમામ હિંદુઓની આસ્થા ધરાવતા સ્થળોના દર્શને જાય તો પણ નવાઈ નથી.

    આ પ્રકારનું ટોકન હિન્દુત્વ દર્શાવીને તેઓ દરરોજ જે રીતે તેમના દિલ્હી મોડલની પોલ ગુજરાતીઓ સમક્ષ ખુલી રહી છે તેનાથી થતું નુકશાન બિલકુલ અટકાવી નહીં શકે. હા, તેઓ કોંગ્રેસને નુકશાન પહોંચાડી શકે છે પરંતુ એ પણ એટલું નહીં કે ગુજરાતમાં કોંગ્રેસ નામશેષ થવાના આરે આવી જાય.

    કેજરીવાલની પાર્ટી માટે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વકરો એટલો જ નફો છે એટલે આ પ્રકારના નાટકો કરીને તેઓ ખેંચાય એટલી બેઠકો ખેંચી લેવાનો મરણીયો પ્રયાસ કરી રહ્યા છે એ તેમની આજની ‘સોમનાથ ભક્તિથી’ સ્પષ્ટ થઇ ચૂક્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં