Thursday, November 7, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિસોમનાથ – પ્રથમ જ્યોતિર્લીંગ અને શિવ સાથે જીવને નજીક લઇ આવતું એક...

    સોમનાથ – પ્રથમ જ્યોતિર્લીંગ અને શિવ સાથે જીવને નજીક લઇ આવતું એક અદભુત યાત્રાધામ

    ગુજરાતના પ્રભાસક્ષેત્રમાં આવેલા સોમનાથ મંદિર વિષે તેમજ અહીં થતી ત્રણ આરતીઓ વિષે અહીં અજાણી માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત આપ સોમનાથની આસપાસ આવેલા જોવાલાયક સ્થળો તેમજ રહેવાની સગવડો વિષે પણ જાણી શકશો.

    - Advertisement -

    સોમનાથ મંદિરની યાત્રા કર્યા બાદ એક વિચાર મનમાં આવ્યો કે, ઘણા વ્યક્તિઓ નાસ્તિક હોય છે અને એમાંથી ઘણાને પોતાના નાસ્તિક હોવા પર ઘણો ગર્વ પણ હોય છે. કેટલાક આવા જ ગૌરવાન્વિત નાસ્તિકો આસ્તિકોની આસ્થાનું સન્માન કરવાને બદલે તેમનું અપમાન કરવાની હદે તેમની મશ્કરી કરતા હોય છે. આ લોકોને ભગવાન, પ્રભુ કે પછી ઈશ્વરના અસ્તિત્વ પર જ શંકા હોય છે અને તેમણે પોતાના મનના દરવાજા એવા તો સજ્જડ રીતે બંધ કરી દીધા હોય છે કે ઈશ્વરના અસ્તિવ વિષેની વૈજ્ઞાનિક દલીલોને પણ તેઓ ધરાળ નકારતા હોય છે.

    તો સામે પક્ષે આસ્તિક વ્યક્તિને પોતાની આસ્થાના બળ પર ગમેતે સમયે ઈશ્વર પોતાની આસપાસ હોવાની અનુભુતી આપોઆપ થવા લાગે છે. જ્યારે કોઇપણ આસ્તિકને ઈશ્વર પોતાની નજીક હોવાનો અનુભવ થાય ત્યારે તેને એનીમેળે આનંદની લાગણી થવા લાગે છે, કોઇપણ કારણ વગર. કે પછી તેના આંખમાં આંસુ આવી જતા હોય છે, પગ અને હાથ આપોઆપ ડોલવા લાગતા હોય છે કે પછી શરીરનું એક એક રૂંવાડું નર્તન કરવા લાગતું હોય છે. ભગવાન સોમનાથના મંદિરમાં અને તેમની સમક્ષ ઉભા રહીને આવો જ અનુભવ થતો હોય છે.

    વર્ષોથી મનની ઈચ્છા હતી કે એકવાર સોમનાથદાદાના દર્શન કરવા એટલે કરવા જ. પરંતુ બીઝી શેડ્યુલમાં આ દર્શન દુર્લભ થઇ રહ્યા હતા. છેલ્લે લગભગ અઢાર વર્ષ અગાઉ ભગવાન સોમનાથના દર્શન કરવાનો લાભ મળ્યો હતો. છેવટે જુનાગઢમાં એક લગ્ન પ્રસંગે જવાની તક મળી અને મા ગિરનારીના આ નગરથી માંડ સો કિલોમીટર દૂર ધૂણી ધખાવીને બેસેલા સોમનાથદાદાના દર્શન કરી જ લેવા એવું લગભગ છ મહિના અગાઉજ નક્કી કરી લીધું હતું.

    - Advertisement -

    છેવટે 12મી માર્ચની સાંજે સોમનાથ નગર પહોંચવાનું થયું અને હોટલમાં ફ્રેશ થઈને દાદાના દર્શને સહપરિવાર નીકળી પડ્યો. ઉત્સાહ તો એટલો બધો હતો કે જેમ જેમ સોમનાથ મંદિરની ધજા નજીક દેખાવા લાગી તેમ તેમ ચહેરા પરનું સ્મિત પહોળુંને પહોળું થવા લાગ્યું હતું. છેવટે મંદિર સાવ નજીક આવી ગયું અને માતુશ્રી સાથે હોવાથી સિક્યોરીટીને સમજાવી મંદિરના દરવાજા જ્યાંથી દર્શનાર્થીઓએ પગપાળા જવાનું હોય છે ત્યાં આવેલા પાર્કિંગ સુધી કાર લેવડાવી.

    સુરજ દેવતા લગભગ અરબી સમુદ્રમાં છલાંગ લગાવવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે સોમનાથ મંદિરના મુખ્ય ગુંબજ પાછળ એમની આકૃતિ જોઇને તરતજ ફોટોગ્રાફ ખેંચી લીધો અને ઢળી રહેલા તેમ છતાં ઝળહળતા સુરજદાદાની ચમકથી ચમકતા સોમનાથ મંદિરને જોઇને મોઢામાંથી ‘વાહ’ નીકળી ગઈ. મંદિર પહોંચતા પહેલા જ માહિતી હતી કે અહીંની સાંધ્ય આરતી ખરેખર અનુભવવા લાયક હોય છે. આ આરતીમાં ભાગ લેવા માટે અમુક નિયમો હોય છે તેની પણ જાણ હતી એટલે ભલે વહેલા પહોંચી ગયા પણ આ આરતીનો લાભ ચૂકવો નહીં એમ નક્કી કરીને લગભગ પોણો કલાક વહેલા એટલેકે સાંજે સવા છ વાગ્યે મંદિરમાં પ્રવેશ કરી લીધો.

    પ્રવેશ કરવાની સાથેજ દાદાની પ્રથમ ઝલક જોઈ અને મન ગદગદ થઇ ગયું. કામકાજનો દિવસ હોવાથી ભીડ પ્રમાણમાં ઓછી હતી આથી તમામ ભક્તો આરામથી દાદાના દર્શન કરતા હતા અને અંદર રહેલી સિક્યોરીટી પણ તેમને કોઇપણ પ્રકારની દલીલ કર્યા વગર આરામથી દર્શન કરવા દેતી હતી. મારો વારો આવવાની સાથેજ મેં મારું શીશ નમાવીને મારી સાથે સંકળાયેલા અને ન સંકળાયેલા તમામની સુખાકારીની સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી.

    આ બધું તો માત્ર પાંચેક મિનિટમાં પતી ગયું અને સાંધ્ય આરતી શરુ થવાને હજી પણ પાંત્રીસથી ચાળીસ મિનીટ બાકી હતી. પરંતુ તેમ છતાં દર્શન કરવાના માર્ગની બાજુમાં રહેલી જગ્યામાં આરતી શરુ થવાની રાહ જોવાનું નક્કી કર્યું. આ સમયે મંદિરની સાઉન્ડ સિસ્ટમ પર જગજીત સિંહના અવાજમાં ભજન ચાલી રહ્યા હતા. શ્રદ્ધાળુઓ એક પછી એક મહાદેવના દર્શન કરી રહ્યા હતા. અમે જ્યાં ઉભા હતા ત્યાંથી બહુ નજીકથી જ ભગવાન શિવના દર્શન સતત થઇ રહ્યા હતા, ઉપરાંત ઉપર ત્રણ LED TV પર લાઈવ દર્શન થઇ રહ્યા હતા.

    એવામાં સાંજના 6.50 વાગ્યા અને જગજીત સિંહના ભજનની જગ્યા લીધી હનુમાન ચાલીસાએ. અમારી જેમ ત્યાં ઉભેલા અન્ય ભક્તોએ માઈક પર સંભળાતા હનુમાન ચાલીસાની સાથે સાથે પોતે પણ ગાવાનું ચાલુ કરી દીધું અને તેની સાથેજ આખું વાતાવરણ ભક્તિમય થવા લાગ્યું. આની સાથેસાથે ડાબી અને જમણી તરફના ગેટ બંધ થઇ ગયા અને ફક્ત મુખ્ય દ્વાર ખુલ્લું રાખવામાં આવ્યું પરંતુ શ્રદ્ધાળુઓને બહાર જ રોકી દેવામાં આવ્યા.

    બરોબર સાતના ટકોરે પહેલા અમારી પાછળથી એક શંખનાદ થયો અને પછી વારાફરતી પાંચ વખત શંખનાદ થયા અને સોમનાથ મંદિરના મુખ્ય પૂજારીએ ધૂપથી આરતી શરુ કરી તેની સાથેજ અમારી પાછળ રહેલા નગારા અને ઘંટના નાદથી ભગવાન સોમનાથની સાંધ્ય આરતી શરુ થઇ! બસ… આ આરતીની અદભુત ધૂન સાથેજ બંને હાથ આપોઆપ તાળી વગાડવા લાગ્યા અને પેલી આરતીની ધૂનની ગતિમાં ફેરફાર થતો રહ્યો એટલેકે એની ઝડપ વધતી ઘટતી રહી અને તેની સાથેજ ભક્તોના તાનમાં પણ વધઘટ થતી રહી.

    પગ આપોઆપ હલવા લાગ્યા, અમુકના માથા ધુણવા લાગ્યા, મારા જેવાની આંખો ભીની થવા લાગી. નજર સતત સોમનાથ મહાદેવ પર ટકેલી રહી. લગભગ પંદર મિનીટ થયા બાદ પૂજારીએ ગર્ભગૃહમાં રહેલા પાર્વતીજી અને અન્ય દેવ-દેવીઓની મૂર્તિઓની આરતી કરી અને પછી બહાર આવ્યા અને બહાર મંડપમાં આવેલી ગણેશજી, હનુમાનજી, નંદી તેમજ ચારેય દિશાઓની આરતી કરી. ત્યારબાદ ડાબી તરફનો દરવાજો ખોલવામાં આવ્યો અને તેમણે ધૂપથી સમુદ્રની આરતી કરી.

    ધૂપ આરતી બાદ પૂજારીએ દીપ આરતી શરુ કરી આ આરતી પણ પંદર મિનીટ ચાલી અને ધૂપ આરતીની જેમ જ મહાદેવની આરતી કર્યા બાદ અંદરની તેમજ બહારની મૂર્તિઓ અને સમુદ્રની આરતી પણ થઇ. ધૂપ આરતી પૂર્ણ થયા બાદ બહાર મુખ્ય દરવાજે રાહ જોઈ રહેલા શ્રદ્ધાળુઓને અંદર આવવા દેવામાં આવ્યા પરંતુ તેમને દર્શન કર્યા બાદ તરતજ બીજા દરવાજેથી બહાર જવાનું કહેવામાં આવ્યું. આવું દીપ આરતી બાદ પણ કરવામાં આવ્યું.

    આમ, અડધા કલાકની આરતી દરમ્યાન મન અને આત્મા તૃપ્ત થયાનો અનુભવ થયો. હતી તો આરતી જ પરંતુ એક પણ શબ્દ વગર માત્ર નગારા અને ઘંટની ધૂન પર થઇ અને અહીં રહેલા વાતાવરણની અસરને કારણે આધ્યાત્મનો અનુભવ થવો એ શક્ય હતું જ. કદાચ એની જ અસર હેઠળ આરતી પૂર્ણ થયાની બીજી જ સેકન્ડે હાજર તમામ શ્રદ્ધાળુઓનો શંકર ભગવાનના નામનો સ્વયંભુ જયઘોષ અને મંદિરની બહાર નીકળતી વખતે પણ ભગવાન શિવના વિવિધ નામોનો ઉપયોગ કરીને તેમનો જયઘોષ ચાલુ રાખવાનું તમામ માટે શક્ય બન્યું હશે.

    સંધ્યા આરતી તો ખરેખર એક બહાનું જ છે, પરંતુ ત્યારબાદ શૃંગાર અને મધ્યાહ્ન આરતીનો પણ મેં લાભ લીધો અને એટલીજ આધ્યાત્મિકતાનો અનુભવ ત્યારે પણ થયો હતો. સોમનાથ એ સર્વપ્રથમ જ્યોતિર્લીંગ ગણાય છે. જ્યારે સોમ એટલેકે ચંદ્ર પ્રજાપતિ દક્ષના શ્રાપથી ક્ષીણ થવા લાગ્યો હતો ત્યારે તેણે તે સમયે પ્રભાસક્ષેત્ર તરીકે ઓળખાતા આ સ્થાન પર ભગવાન શંકરની આરાધના કરી અને ભગવાન શંકર સોમનાથ તરીકે સ્વયંભુ પ્રગટ થયાં અને અહીં ભવ્ય જ્યોતિર્લીંગ અસ્તિત્વમાં આવ્યું.

    સોમનાથ મહાદેવના દર્શને જાવ ત્યારે આ બાબતોનું ધ્યાન રાખશો

    • સોમનાથ મહાદેવનું મંદિર સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું હોય છે.
    • ભગવાન સોમનાથની આરતી સવારે 7 બપોરે 12 અને સાંજે 7 વાગ્યે થાય છે.
    • મંદિરમાં મોબાઈલ, કેમેરા અને સ્વાભાવિકપણે ચંપલ લઇ જવાની મનાઈ છે. જો તમે પોતાના વાહન સાથે આવ્યા હોવ તો આ તમામ વસ્તુઓ તેમાં જ છોડી દેવા. ચંપલ સાચવવા માટે મંદિર પરિસરમાં વ્યવસ્થા છે.
    • સાંધ્ય આરતી પૂર્ણ થયા બાદ 7.30 વાગ્યે મંદિરની પાછળ તેના ઘુમ્મટ પર એક સાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાય છે જે ત્રીસ મિનીટનો છે જેમાં અમિતાભ બચ્ચન પોતાના અવાજમાં સોમનાથનો ઈતિહાસ વર્ણવે છે જે વગર ચૂકે જોવા જેવો છે.
    • સોમનાથ મંદિર પરિસરમાં એન્ટ્રીથી મંદિરના મંડપ સુધી લગભગ ચાર વખત સિક્યોરીટી ચેકિંગ થાય છે આથી સિક્યોરીટી અધિકારીઓને સહકાર આપવો.
    • પરિસરના એન્ટ્રી પોઈન્ટ પર વરિષ્ઠ નાગરીકો માટે ગોલ્ફ કાર અને વ્હીલચેરની સુવિધા આપવામાં આવી છે. વ્હીલચેરનો ઉપયોગ કરવો સલાહભર્યું છે કારણકે તેનાથી સમગ્ર પરિસરમાં વડીલોને ફેરવી શકાય છે અને ગોલ્ફ કારની રાહ અંદર આવવા કે પછી બહાર નીકળવા માટે જોવી પડતી નથી.
    • મદિર પરિસરમાં ત્રણ જગ્યાએ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે આથી મંદિર પરિસરની બહાર મળતા પ્રસાદ ખરીદવા નહીં કારણકે તે મંદિરમાં મોટેભાગે ધરાવવામાં આવતા નથી.
    • સાઈટ એન્ડ સાઉન્ડ શોમાં પણ વ્હીલચેર મૂકી શકાય તેની ખાસ વ્યવસ્થા છે.

    સોમનાથમાં જોવાલાયક અન્ય સ્થળો

    • બાણગંગા – અહીં પણ ભગવાન શંકરનું એક સ્વયંભુ શિવલિંગ આવેલું છે જેના પર ચોવીસ કલાક સમુદ્ર અભિષેક કરતો હોય છે. કહેવાય છે કે અહીંથી જ શિકારીએ એ તીર છોડ્યું હતું જે ભાલકામાં એક વૃક્ષ નીચે બેસેલા ભગવાન શ્રીકૃષ્ણને લાગ્યું હતું.
    • ભાલકા તીર્થ – ભગવાન શ્રીકૃષ્ણએ શિકારીનું તીર પોતાના પગના તળીયે લાગતાં અહીં જ દેહત્યાગ કર્યો હતો તે જગ્યા. અહીં એ વૃક્ષ પણ હજી છે અને તેની આસપાસ એક સુંદર મંદિર પરિસર પણ બનાવવામાં આવ્યું છે.
    • વેણેશ્વર મહાદેવ – સોમનાથના રાજાની કુંવરી પાછળ કેટલાક રાક્ષસો પડ્યા હતા. આ સ્થળે આવીને એ કુંવરીએ ભગવાન શંકરને પ્રાર્થના કરી અને તેને બચાવી લઈને પોતાના અસ્તિત્વને સાબિત કરવાનો પડકાર ફેંક્યો. ભગવાન લિંગમાંથી પ્રગટ થયા અને કુંવરીને ખેંચી લીધી. આ તરફ રાક્ષસોએ કુંવરીનો ચોટલો પકડીને પોતાના તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો પરંતુ છેવટે તેમના હાથમાં ફક્ત કુંવરીની વેણી જ આવી, જેથી આ મંદિરને વેણેશ્વર મહાદેવ કહેવામાં આવે છે. આજે પણ આ લિંગમાં તિરાડ જોવા મળે છે. એમ કહેવાય છે કે અહીં ફક્ત જલાભિષેક કરવા માત્રથી મનુષ્યની ઈચ્છાઓ પૂર્ણ થાય છે.
    • શ્રી ગીતા મંદિર– શ્રીમદ્ ભગવત ગીતાના તમામ 18 અધ્યાયો આ મંદિરના 18 સ્તંભો પર કંડારવામાં આવ્યાં છે. આ ઉપરાંત વિષ્ણુ ભગવાનના તમામ અવતારોનું સચિત્ર વર્ણન પણ અહીં કરવામાં આવ્યું છે.
    • લક્ષ્મી-નારાયણ મંદિર – ભગવાન નારાયણ અને લક્ષ્મીજીની મૂર્તિઓના દર્શન આ મંદિરમાં થઇ શકે છે.  
    • ત્રિવેણી સંગમ – હિરણ, કપિલા અને સરસ્વતી નદીઓનો ત્રિવેણી સંગમ આ સ્થળે થાય છે. આ સ્થળ પ્રભાસપાટણ તરીકે પણ ઓળખાય છે જ્યાં પિતૃઓના મોક્ષ માટેની શ્રાદ્ધવિધિ પણ કરવામાં આવે છે. અહીં મોટી સંખ્યામાં સિગલ પક્ષીઓ પણ રહેવાસ કરે છે.
    • પ્રાચી – સોમનાથથી લગભગ 40 મિનિટના અંતરે આવેલું પ્રાચી તીર્થ અનેરું મહત્વ ધરાવે છે. મહાભારતના યુદ્ધ દરમ્યાન પોતાનાથી થયેલા પાપથી મુક્તિ માટે પાંડવો અહીં આવ્યા હતા અને પૂજા વિધિ બાદ દાન દક્ષિણા આપી હતી.

    સોમનાથ હવે તો ઘણું વિકાસ પામ્યું છે, તેમ છતાં હજી પણ તેમાં જુના સોમનાથની સુવાસ પણ અનુભવાય છે.  યાત્રાધામ હોવાને કારણે અહીં ઘણી હોટલો, લોજ, ધર્મશાળાઓ તેમજ રહેવા માટેની ખાનગી વ્યવસ્થાઓ ઉભી થઇ છે. પરંતુ જો પરિવાર સાથે સોમનાથની યાત્રા કરતા હોવ તો સોમનાથ ટ્રસ્ટના ત્રણ ગેસ્ટહાઉસમાં રોકાવું વધુ યોગ્ય રહેશે.

    આ ત્રણ ગેસ્ટહાઉસમાં પણ સાગર દર્શન ગેસ્ટહાઉસ શિરમોર છે કારણકે તે સોમનાથ મંદિરની બાજુમાં જ છે, એટલુંજ નહીં પરંતુ સાગરને કિનારે છે. આ ગેસ્ટહાઉસના તમામ રૂમ સી-ફેસિંગ હોવાથી કોઇપણ રૂમની ગેલેરીમાંથી તમે સમુદ્રને સીધો જોઈ શકો છો, માણી શકો છો. સાગર દર્શનનું બુકિંગ માત્ર તેની વેબસાઈટ ઉપર જ થઇ શકે છે જેની ખાસ નોંધ લેશો. કોઇપણ આસ્થાળુ હિન્દુએ જીવનમાં એક વખત તો ભગવાન સોમનાથના દર્શન જરૂર કરવા જોઈએ.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં