કોઈ થાકેલા, હારેલા, પોતાના ભવ્ય અતીતને ભૂલીને પશુવત દોડતા રહેલા માણસને જ્યારે અચાનક પોતાનું ખોવાયેલું સ્વમાન પરત મળે અને ત્યારે જે અનુભૂતિ થાય, તેવી જ અનુભૂતિ આજથી એક વર્ષ પહેલાં 22 જાન્યુઆરી, 2024ના રોજ દેશ-દુનિયામાં વસતા કરોડો હિંદુઓને થઈ હતી. રામ મંદિર (Ram Mandir Ayodhya) એક ધાર્મિકસ્થળ કે પૂજાવિધિ કરવાનું સરનામું માત્ર નથી. તે કરોડો હિંદુઓનું તે સ્વમાન છે, જે આજથી 500 વર્ષ પહેલાં કચડી દેવાયું હતું, ક્રૂર ઇસ્લામી ઝંડા તળે દબાવી દેવાયું હતું. 500 વર્ષ સુધી ચાલેલી આ લડાઈ માત્ર જમીનના ટુકડા માટેની નહોતી, પરંતુ સદીઓથી ભારતને પોતાની માતા માનતા કરોડો હિંદુઓના આત્મસન્માનની હતી.
22 જાન્યુઆરી, 2024માં રોજ ભારતવર્ષના જીવંત વારસદારોએ ઈશ્વરનું તે સ્વરૂપ જોયું, જેની એક ઝલક માટે આપણા પૂર્વજોએ માથાં આપી દીધાં હતાં. સંઘર્ષ ઓછો નહોતો. મુઘલો ગયા, અંગ્રેજો પણ ગયા. બસ નહોતું ગયું હિંદુઓની છાતી પર લાગેલું ‘બાબરી મસ્જિદ’ નામનું એ કલંક. બહુમતી હિંદુઓ ધારત તો હથિયારના જોરે, કાયદાની પરવા કર્યા વગર પોતાના અધિકાર માટે આહુત થયા હોત. પરંતુ તે હિંદુઓની તાસીર નથી. કરોડો હિંદુઓએ સદીઓ સુધી બંધારણીય લડાઈ લડી, રામના રાષ્ટ્રમાં રામ હોવાના પુરાવા મંગાયા છતાં હિંદુઓ અકળાયા નહીં. કારણ કે આ પરીક્ષા માત્ર સ્વમાનની નહોતી, આ કસોટી હતી હિંદુઓના ધૈર્યની.
તમામ મોરચે લડાઈ થઈ અને તમામ મોરચે આપણાં બલિદાનીઓ અને મહાપુરુષોએ આપણને વિજય અપાવ્યો. ASIની તજજ્ઞ ટીમોએ બાબરી ઢાંચાના વિધ્વંસ બાદ નિષ્પક્ષ તપાસ હાથ ધરી. 2014ના પરિવર્તન બાદ કેસ આગળ ચાલ્યો અને જમીનમાં દટાયેલા પુરાવાઓ રામના અસ્તિત્વને પોતાની સાથે લઈને આવ્યા અને સદીઓના આ સંઘર્ષનો અંત આવ્યો. પરંતુ એટલું સહેલું નહોતું રામ મંદિર બનાવવું પણ..
હિંદુઓનું મનોબળ તોડવાના પણ થયા હજારો પ્રયાસો
એક તરફ હિંદુઓ પોતાની જ મૂળભૂમિ પર રામના પુરાવા આપી રહ્યા હતા અને બીજી તરફ લેફ્ટ-લિબરલ અને અન્ય જમાતી ટોળકીઓ સતત હિંદુઓને ટાર્ગેટ કરી રહી હતી. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ આ ટોળકી હિંદુઓને ટાર્ગેટ કરીને કહી રહી હતી કે, ‘મંદિર વહીં બનાયેંગે, પર તારીખ નહીં બતાયેંગે’. હજારો સમસ્યાઓની સાથે હિંદુઓ આ ટોળકીની મજાક પણ સહન કરતા રહ્યા. પરંતુ, આખરે પુરુષાર્થ, ભક્તિ અને દ્રઢ સંકલ્પશક્તિના જોરે સ્વપ્ન સાકાર થઈ શક્યું. આજે રામ મંદિરની ધ્વજપતાકા આકાશ સાથે સંવાદ કરે છે, ત્યારે એ વારંવાર યાદ અપાવે છે કે, જમીનમાં દટાયેલા હિંદુઓના સ્વાભિમાનને ગગનચુંબી બનતા આટલું ચડાણ કરવું પડ્યું હતું.
જોકે, હિંદુઓની સામે ઊભી થયેલી આ ઇકોસિસ્ટમ ત્યાંની ત્યાં જ રહી ગઈ. ‘તારીખ નહીં બતાયેંગે’નો ઢોલ પિટતી આ ટોળકી 22 જાન્યુઆરી, 2024ના રોજ કદાચ ઘરની બહાર પણ નહીં નીકળી હોય. પરંતુ આખરે હિંદુઓએ તેનો જવાબ પણ પુરુષાર્થથી જ આપ્યો. તારીખ પણ જાહેર થઈ અને હિંદુઓની સદીઓની પ્રતીક્ષાનો અંત પણ આવ્યો. 22 જાન્યુઆરીના તે ઐતિહાસિક દિવસે 500 વર્ષના વનવાસ બાદ પ્રભુ રામ પોતાના સ્વગૃહે આવ્યા અને કરોડો હિંદુઓની આંખો ભીની કરી ગયા. ભગવાન રામ જાણે કહેતા હતા કે, “હે ભારતના ધુરંધર સપૂતો. જુઓ તમારી ધૈર્યની કસોટીનો અંત આવ્યો.”
મંદિરની જગ્યાએ શાળા-હોસ્પિટલ બનાવવાની માંગ કરતી ટોળકી અંતે હારી ગઈ
પરંતુ વિરોધી ટોળકી એમ હાર માને તેમાંની નહોતી. તારીખ જાહેર થઈ ગયા બાદ તે નવું તૂત લઈ આવી અને મંદિરના સ્થાને ‘શાળા-હોસ્પિટલ’ બનાવવાની વાતો કરવા લાગી. સદીઓના સંઘર્ષ બાદ હિંદુઓને સફળતા મળી અને તેમાં આ ટોળકી ફરીથી હિંદુઓને હીન અને આરોપી ગણાવવા માટે કાર્યરત થઈ ગઈ. વારંવાર એવી દલીલો આપવામાં આવી કે, મંદિરના સ્થાને શાળા કે હોસ્પિટલ બનાવવી જોઈએ. અહીં એ પણ નોંધવું જોઈએ, આ ટોળકી શાળા અને હોસ્પિટલ બનાવવા માટેની વાતો એટલા માટે નહોતી કરતી કે, તેમને શિક્ષણ અને સ્વાસ્થ્યની ચિંતા હતી. તેમનો આશય માત્ર એટલો હતો કે, હિંદુઓનું મંદિર ન બનવું જોઈને, તેમનું પુનરુત્થાન ન થવું જોઈએ.
આ ટોળકી માત્ર હિંદુઓને જ હોસ્પિટલ અને શાળા બનાવવાની સલાહો ઠોકતી હતી. તેમનો કોઈ સંબંધ શિક્ષણ કે સ્વાસ્થ્ય સાથે નહોતો. એ જ ટોળકી મસ્જિદ માટે પાંચ એકર જમીન ફાળવી ત્યારે મૌન રહી હતી. આ ટોળકીએ મુસ્લિમ સમુદાયને તે પાંચ એકર જમીન પર શાળા કે હોસ્પિટલ બનાવવાની એક વખત પણ સલાહ આપી નહોતી. કારણ કે, તેમનો હેતુ માત્ર હિંદુ મંદિર ન બનવા દેવાનો હતો. જોકે, આખરે તેમાં પણ તેમને મળી તો હાર જ. આજે રામ મંદિર એ કક્ષાએ પહોંચી ગયું છે કે, આવી સો શાળા-હોસ્પિટલો બનાવી શકે.
એક વર્ષમાં કેટલા શ્રદ્ધાળુઓ આવ્યા? અર્થતંત્રને કેટલો થયો લાભ
હિંદુ મંદિર ન બનવા દેવા માટે આ ટોળકી સતત મથતી રહી. પરંતુ હિંદુઓએ તેમને જવાબ આપવાની જગ્યાએ કામ કરી બતાવવું વધુ યોગ્ય સમજ્યું. આજે તે જ કામ આ ટોળકીઓને જવાબ આપી રહ્યું છે. ડેટા અનુસાર વાત કરીએ તો વર્ષ 2024ના અંત સુધીમાં અયોધ્યા ઉત્તર પ્રદેશનું સૌથી વધુ જોવાયેલ સ્થળ બની ગયું હતું. કહેવાતી સાતમી અજાયબી તાજમહેલને પણ રામ મંદિરે પાછળ છોડી દીધી છે. જ્યાં દિવસ દરમિયાન માત્ર 500-1000 લોકો આવતા હતા, ત્યાં મંદિર બન્યા બાદ લગભગ દિવસના 2થી 3 લાખ લોકો આવવા લાગ્યા છે.
1 જાન્યુઆરી, 2025ના રોજ અયોધ્યા રામ મંદિરમાં દર્શનાર્થીઓની સંખ્યા 500,000થી પણ વધુ હતી. પ્રાણપ્રતિષ્ઠા પૂર્ણ થયાના માત્ર 12 જ દિવસમાં 2.4 મિલિયન ભક્તોએ રામ મંદિરની મુલાકાત લીધી હતી. માત્ર એક જ વર્ષમાં અયોધ્યા રામ મંદિરની મુલાકાત લેનારા શ્રદ્ધાળુઓનો આંકડો 135.5 મિલિયન કરતાં પણ વધુ થઈ ગયો હતો અને આ તો હતા માત્ર ઘરેલુ પર્યટકો. બાકી હજારોની સંખ્યામાં વિદેશી શ્રદ્ધાળુઓએ પણ રામ મંદિરના દર્શન કર્યા છે તે તો અલગ.
વાત અર્થતંત્રની કરીએ તો વર્ષ દરમિયાન અયોધ્યામાં 15 કરોડ જેટલા શ્રદ્ધાળુઓ આવશે તેવું અનુમાન છે. પ્રવાસન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર રાજેન્દ્ર પ્રસાદ યાદવનું કહેવું છે કે, આગામી સમયમાં અયોધ્યામાં ચાલતી કેટલીક પર્યટન અને વિકાસ યોજનાઓ પૂર્ણ થશે, ત્યારે આ સંખ્યામાં વધારો થવાની આશા છે. ભારત અને વિદેશી લોકોના આગમનના કારણે રેડિસન, મેરિયોટ, ઓબેરોય, તાજ, ડોમિનોઝ જેવા મોટા ઔધોગિક જૂથોએ અયોધ્યામાં હોટેલ અને રેસ્ટોરન્ટ ખોલી છે. આ હોટેલો સિવાય સ્થાનિક લોકો પણ ખૂબ કમાણી કરી રહ્યા છે અને રાજ્યની અર્થવ્યવસ્થામાં યોગદાન આપી રહ્યા છે.
સ્પષ્ટ વાત છે કે કોઈ સ્થળે જ્યારે એકસાથે બહુ મોટી સંખ્યામાં લોકો આવે છે ત્યારે એ એકમ નહીં પણ સમગ્ર વિસ્તારનો વિકાસ થાય છે. એક સમયે જે અયોધ્યામાં પ્રભુ રામ એક તંબૂમાં બિરાજમાન હતા, જે અયોધ્યાને પાછલી સરકારોએ જોયું પણ ન હતું એ જ અયોધ્યા હવે હિંદુ પુનર્જાગરણના એક પ્રતીક તરીકે ઉભરી આવ્યું છે. દર વર્ષે અહીં કરોડો લોકો પહોંચશે. તેનાથી ન માત્ર મંદિરને પણ સમગ્ર અયોધ્યાને ફાયદો પહોંચશે.
ધાર્મિક-સામાજિક પુનરુત્થાનની સાથે આર્થિક ક્ષેત્રે પણ દેશને યોગદાન આપે છે મંદિરો
અહીં એ પણ જોવા જેવુ ખરું કે, મંદિરના સ્થાને માત્ર શાળા-હોસ્પિટલ બનાવો તો તેની અસર સીમિત લોકો સુધી પહોંચી શકે છે અને આખરે તો તે એક જ બનીને રહી જાય છે. પરંતુ આવી સનાતન ચેતના જાગૃત કરનારાં મંદિરો ધાર્મિક, સામાજિક ઉત્થાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે તે તો ખરું જ, પણ આર્થિક રીતે પણ દેશને આગળ લઈ જવામાં યોગદાન આપે છે. તે સિવાય એ પણ નોંધવું રહ્યું કે, હિંદુઓનાં મંદિરો આદિકાળથી હોસ્પિટલો અને પાઠશાળાઓ ચલાવતાં આવ્યાં છે અને હજુ પણ ચલાવી રહ્યાં છે. કાશી વિશ્વનાથ મંદિર શાળાઓની સાથે હોસ્પિટલો પણ ચલાવે છે. સોમનાથ મહાદેવ મંદિર પણ યુનિવર્સિટીની સાથે હોસ્પિટલો ચલાવે છે.
રામ મંદિરનું નિર્માણ, હિંદુઓની ભક્તિ અને સંકલ્પસિદ્ધિ એ તેમના ગાલ પર તમાચો છે, જેઓ કહેતા હતા કે, મંદિરની જગ્યાએ શાળા-હોસ્પિટલ બનાવવી જોઈએ. આજે રામ મંદિરથી ન માત્ર ભક્તિ અને અધ્યાત્મ વધ્યા છે, પરંતુ દેશના અર્થતંત્રને પણ વેગ મળ્યો છે. સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિથી આ મંદિરો સમાજને પણ ખૂબ આપી રહ્યા છે. માત્ર એક જ વર્ષમાં રામ મંદિરે યુપીના અર્થતંત્રમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે અને આવનારા સમયમાં બમણું આપવા માટે તૈયાર છે.