Thursday, March 13, 2025
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિગુમ થયેલ છે- હોળી પર પાણી બચાવવાની સલાહ આપનારા દોઢડાહ્યા બુદ્ધિજીવીઓ

    ગુમ થયેલ છે- હોળી પર પાણી બચાવવાની સલાહ આપનારા દોઢડાહ્યા બુદ્ધિજીવીઓ

    હિંદુ જાણી ગયો કે આ બધાનો આશય સમાજમાં કે ધર્મમાં સુધારો લાવવાનો નથી કે પર્યાવરણ કે પ્રાણીઓનું જતન કરવાનો નથી, તેમનો આશય તેને તેના ધર્મથી વિમુખ કરવાનો છે. તેણે જોયું કે જે વધુ ભણી ગયેલો લિબરલ તેને દિવાળી પર ફટાકડા ન ફોડવાની સલાહ આપતો હતો તે જ ક્રિસમસ અને ન્યૂ યર પર ફૂટતા ફટાકડા પર આંખ આડા કાન કરી લેતો હતો.

    - Advertisement -

    હોળી આવી ગઈ, પણ પાણી બચાવવાની સલાહો આપતા દોઢડાહ્યા બુદ્ધિજીવીઓ આ વખતે ન દેખાયા. હમણાં થોડા દિવસ પહેલાં મહાશિવરાત્રિ હતી. ત્યારે પણ પહેલાં જેઓ આપણને શિવલિંગ પર દૂધ ન ચડાવીને તેને ગરીબોને દાન કરવાનું કહેતા હતા તેમની સૂચક ગેરહાજરી જોવા મળી. ઉત્તરાયણ પર પણ જાતજાતની સલાહ આપનારાઓ છેટા જ રહ્યા. હવે બધું પહેલાં જેવું રહ્યું નથી. 

    થોડા પાછળ જઈએ. ઈન્ટરનેટ નામની ચીજ ભારતમાં પહેલવહેલીવાર 1995માં આવી, પણ એ સરકારી સ્તરે. સામાન્ય જનતા માટે તેનાં દ્વાર છેક 2000ની સાલ પછી ખૂલ્યાં. સોશિયલ મીડિયા ત્યારપછીનાં થોડાં વર્ષોમાં આવ્યું. 2010-15માં તે ફૂલ્યુંફાલ્યું, ને હવે તો બહુ આગળ નીકળી ગયું છે. તે સમય ઈન્ટરનેટની શિશુ અવસ્થાનો હતો. આ કિશોરાવસ્થાનો કહી શકાય. 

    કોઈ નવી ચીજ આવે, કશુંક નવી વ્યવસ્થા આકાર લઈ રહી હોય ત્યારે ઉગતાવેંત જ તેની ઉપર કબજો મેળવી લેવામાં ડાબેરી ઇકોસિસ્ટમને મહારત છે. દક્ષિણપંથીઓ કે પછી જેઓ નોન-લેફ્ટ છે તેઓ મોટેભાગે આ ટોળકીની કરતૂતોને કાઉન્ટર કરવામાં જ સીમિત થઈ જતા હોય છે એવું સ્વીકારવામાં વાંધો ન હોવો જોઈએ. ખેર એ અલગ વિષય છે. 

    - Advertisement -

    આ ટોળકીએ એ માપી લીધું કે સમાજ સામૂહિક રીતે સોશિયલ મીડિયા પર આવી રહ્યો છે. આ સંજોગોમાં તેમના વિચારો મૅનિપ્યુલેટ કરવા માટે, તેમના મન-મસ્તિસ્ક પર નિયંત્રણ મેળવી લેવા માટે, એક મોટા સમૂહમાં વિચારપ્રક્રિયા સ્થાપિત કરવા માટે આનાથી શ્રેષ્ઠ બીજું કોઈ માધ્યમ નથી. એટલે ધર્મવિરોધી, સંસ્કૃતિવિરોધી કે પછી દેશવિરોધી એજન્ડા જે તેઓ અગાઉનાં વર્ષોમાં પુસ્તકો, અખબારો, ટીવી કે પછી ફિલ્મો થકી ફેલાવતા હતા તે કામ માટે સોશિયલ મીડિયા પસંદ કરવામાં આવ્યું. 

    પુસ્તકો વાંચનરાઓનો એક વર્ગ અલગ છે. એ જ રીતે ટીવી જોનારાઓનો અલગ. ફિલ્મો જોનારાઓનો પણ અલગ. સોશિયલ મીડિયા જ્યારે એવું માધ્યમ છે જેમાં આ બધા જ આવી જાય. અહીં વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ પણ છે અને અહીં સામાન્યમાં સામાન્ય માણસ પણ છે. દરેકને સરખું પ્લેટફોર્મ મળે છે. એટલે જ એને ‘સોશિયલ મીડિયા’ કહેવાય છે. 

    પહેલાં કોઈ તહેવારો પર પોસ્ટકાર્ડ અને પત્રો લખવામાં આવતા. પછી સોશિયલ મીડિયાના કારણે આ ઝંઝટ પણ ગઈ. મેસેજોથી કામ થઈ જતું. સરળ હતું એક રીતે, પણ તેની સાથે બીજું એક દૂષણ પણ ઘૂસ્યું. આપણને દરેક તહેવાર આવે એટલે એવું શીખવવાનું શરૂ કરી દેવામાં આવ્યું કે આપણે જે ઉજવણી કરીએ છીએ એ સદંતર ખોટી રીત છે. તેનાથી કાં પર્યાવરણને નુકસાન થાય છે, કાં બીજા જેઓ તહેવાર નથી ઉજવતા તેમને નુકસાન થાય છે અથવા તો આપણે આ ઉજવણી કરીએ છીએ એ બધા મૂરખ છીએ. 

    ઉત્તરાયણ આવતી તો કહેવામાં આવ્યું કે પતંગની દોરીના કારણે પક્ષીઓ ઘવાય છે. હોળી પર પાણી ન બગાડવાની કે રંગ ન લગાવવાની સલાહ આપવામાં આવતી. મહાશિવરાત્રિ પર કહેવામાં આવતું કે શિવજીને દૂધ ચડાવવાથી કોઈ પુણ્ય મળતું નથી, પણ એ જ જો ગરીબોને આપીએ તો પુણ્ય મળે છે. દિવાળી પર કહેવામાં આવ્યું કે ફટાકડાના કારણે પર્યાવરણને ભારોભાર નુકસાન થાય છે અને તેના માટે જવાબદાર જો કોઈ હોય તો દિવાળી પર ઉજવણી કરતા હિંદુઓ જ છે. નવરાત્રિથી માંડીને બીજા અનેક તહેવારો પર કઈ રીતે એક મોટા સમુદાયને તેનાથી અલગ કરી શકાય, કઈ રીતે તેમને પોતાના જ ધર્મ-સંસ્કૃતિ પ્રત્યે અપરાધભાવ અનુભવતા કરી શકાય તે દિશામાં પ્રયાસો શરૂ થયા. 

    આમાં અમુક ફિલ્મોમાં કામ કરતા નટ-નટીઓ અને પોતાને બહુ મોટી હસ્તી સમજી બેઠેલા રમતવીરો પણ જોડાયા. આ લોકો જોકે આવી બાબતોમાં બહુ પોતાનું મગજ વાપરતા હોતા નથી અને પીઆર ટીમો કહે એ ઈશારે નૃત્ય કરે છે. એટલે તેમણે પણ બહુ વિચાર્યા વગર આ એજન્ડા ચલાવવામાં પોતાનું સારું એવું યોગદાન આપ્યું. ઈન્ટરનેટ પર જઈને શોધશો તો અનેક અભિનેતાઓ-અભિનેત્રીઓ કે ક્રિકેટરોની હિંદુ તહેવારો પર ફાલતુ અને મફતની સલાહ ઠોકતી પોસ્ટ મળશે.  

    કોઈ વિચાર એકસાથે તરતો મૂકવામાં આવે, જેને ઇંગ્લિશમાં ‘નરેટિવ સેટ કરવો’ કહેવાય છે, ત્યારે જો બહુ મોટા સમુદાય સાથે એ જોડાયેલો હોય તો થોડી-ઘણી પણ અસર કરે છે. એટલે શરૂઆતના સમયમાં ઘણા એજન્ડામાં ફસાયા, આ નરેટિવને થોડું બળ પણ મળ્યું અને તેમતેમ ઇકોસિસ્ટમ પણ પોતાના પ્રયાસો વધારતી ગઈ. પણ સમસ્યા ત્યાં આવી કે આ માધ્યમ ટૂ-વે છે, વન વે નહીં. 

    એજન્ડા સેટ કરનારાઓ પાસે અગાઉ જે માધ્યમો હતાં એ એકપક્ષીય સંવાદ કરવા માટેનાં હતાં. પુસ્તક લખી દઈને માર્કેટમાં જવા દીધા પછી તેનું કાઉન્ટર કઈ રીતે કરી શકાય? કોઈ વાચક શું નવેસરથી પુસ્તક લખીને કાઉન્ટર કરે? અખબારમાં એક લેખ વાંચીને તેને કાઉન્ટર કરવો હોય તો કઈ રીતે થઈ શકે? ન થઈ શકે. ફિલ્મમાં કશુંક વાંધાજનક લાગ્યું હોય તો દર્શક શું કરી શકે? કંઈ નહીં. ત્યાં એક જ તરફથી માહિતી આવતી, સામગ્રી પીરસાતી. સોશિયલ મીડિયા ત્યારે જુદી માયા છે. અહીં તમે જેને સામગ્રી પીરસો છો તેની પાસે પણ એટલું જ ખુલ્લું મેદાન છે, જેટલું તમારી પાસે છે. એટલે પછીથી કાઉન્ટર દલીલો પણ શરૂ થઈ. 

    નિરક્ષીર વિવેક રાખીને, બુદ્ધિપૂર્વક તહેવારો પર આ બધી સલાહ વાંચતા અને જોતા હિંદુએ જોયું કે તહેવારો પર સલાહ તો આપવામાં આવે છે, જ્ઞાનની વાતો તો થાય છે, પણ માત્ર તેના તહેવારો પર જ. અન્ય મજહબ, અન્ય પંથના પણ તહેવારો આવે છે, તેઓ પણ ઉજવણી કરે છે અને તેમની ઉજવણીની રીતો આનાથી અનેકગણી વધુ ઘાતક છે, પણ ત્યાં કોઈ કશું બોલતું નથી, ઉપરથી ગોળ, જાળીવાળી ટોપી પહેરીને ઈફ્તાર પાર્ટીમાં હોંશેહોંશે ભાગ લે છે. જે ક્રિકેટર કે અભિનેતા હોળી પર પશુને હેરાન ન કરવાની સલાહ આપતો હતો એ જ પછી ટેસ્ટથી હોટેલમાં બેસીને માંસાહાર કરતો જોવા મળે છે. જેને ઉત્તરાયણ પર પક્ષીઓની ચિંતા હતી તે પછી ચિકન ખાતો હોય તેવા પણ ફોટા આવે છે. 

    હિંદુ જાણી ગયો કે આ બધાનો આશય સમાજમાં કે ધર્મમાં સુધારો લાવવાનો નથી કે પર્યાવરણ કે પ્રાણીઓનું જતન કરવાનો નથી, તેમનો આશય તેને તેના ધર્મથી વિમુખ કરવાનો છે. તેણે જોયું કે જે વધુ ભણી ગયેલો લિબરલ તેને દિવાળી પર ફટાકડા ન ફોડવાની સલાહ આપતો હતો તે જ ક્રિસમસ અને ન્યૂ યર પર ફૂટતા ફટાકડા પર આંખ આડા કાન કરી લેતો હતો. જે નંગ તેને કહેતો કે હોળી પર પ્રાણીઓને હેરાન કરવામાં આવે છે, તે જ જ્યારે ઈદ પર લાખો પશુઓ કપાતાં ત્યારે ચૂપચાપ એક ખૂણામાં બેસી રહેતો. તેને ત્યારે પર્યાવરણ કે પ્રાણીઓની ચિંતા થતી ન હતી. ત્યારે તેને રીતસરની બીક લાગતી હતી. હિંદુઓમાં પોચું ભાળીને સળી કર્યા કરતો હતો. 

    ધીમેધીમે પછીથી એક કાઉન્ટર નરેટિવ બનવાનો શરૂ થયો. લોકોએ પૂછવા માંડ્યું કે દર વખતે અમારા તહેવારો કેમ દેખાય છે. પછીથી જે શરૂ થયું એને આ જમાત ‘ટ્રોલિંગ’ કહે છે, પણ તેમાં ખરું ટ્રોલિંગ ઓછું અને જેન્યુઇન તથ્યો સાથેની કાઉન્ટર દલીલો ઝાઝી હોય છે એવું અમે જોયું છે. તેમની પાસે જવાબો ન હોય એટલે ‘ટ્રોલિંગ’ અને ‘ટોક્સિક ચર્ચા’ કહીને છટકબારી શોધી લે છે. ત્યારપછી જેમ-જેમ તહેવારો આવતા ગયા અને સલાહો આવતી ગઈ તેમ-તેમ આ તરફથી પણ સવાલોનો મારો ચાલુ થયો. સ્વાભાવિક રીતે એજન્ડાબાજો પર તેના કોઈ જવાબો ન હતા કારણ કે જવાબો આપવાની તેમને આદત નથી. 

    તેમણે જે પીચ તૈયાર કરી હતી તેની ઉપર બેટિંગ હવે કોઈ બીજું કરી રહ્યું છે. એટલે જ ઘણા કહે છે કે સોશિયલ મીડિયા હવે ‘ટોક્સિક’ થઈ ગયું છે. થઈ ગયું હશે, પણ તેમાં આ બધાનો જ ફાળો છે. તેમને બળતરા એ વાતની છે કે જે પીચ તેમણે બનાવી હતી તેની ઉપર બેટિંગ હવે કોઈ બીજું કરી રહ્યું છે. હવે તેમની આ ચળવળ સંપૂર્ણ બેકફાયર થઈ ગઈ છે. હવે તો આવા કોઈ જોવા મળતા નથી. જો કોઈને ઉજમ ભરાય તો તેને ટાઢો પાડતા હવે સુજ્ઞજનો શીખી ગયા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં