હોમપેજમિડિયાફેક ન્યુઝ કરતાં વધારે ખતરનાક છે હાફ-ફેક ન્યુઝ

ફેક ન્યુઝ કરતાં વધારે ખતરનાક છે હાફ-ફેક ન્યુઝ

અસત્યમાં પાંચ-દસ-પંદર ટકા સત્ય ભેળવીને તમે તમારા જુઠ્ઠાણાને વધુ વિશ્વસનીય બનાવી શકો છો. ભારતવિરોધી તત્વો આ જ ચાલ ચાલી રહ્યા છે.

- Advertisement -

લેફ્ટ, રાઈટ અને સેન્ટર 

સૌરભ શાહ 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર્વોચ્ચ વડા ડૉ. મોહન ભાગવતે પરમ દિવસે એક બહુ અગત્યની વાત કહી. દશેરાથી સંઘની 100 વર્ષની ઉજવણીનો આરંભ થાય તે પહેલાં નવી દિલ્હીના વિશાળ વિજ્ઞાન ભવનમાં ત્રણ દિવસની વ્યાખ્યાનમાળાના બીજા દિવસે, 27 ઑગસ્ટે, સરસંઘચાલકે કહ્યું કે રોજ તમે મીડિયામાં વાંચો છો કે જુઓ છો કે ભારતમાં આ ખરાબ છે, તે ખરાબ છે પણ તમને ખબર હોવી જોઈએ કે એના કરતાં 40 ગણી સારી વાતો ભારતમાં બનતી રહે છે. 

- Advertisement -

માનનીય મોહનજી ભાગવતે આ આંકડો આપવામાં જાણીજોઈને અલ્પોક્તિ કરી હશે. હકીકત એ છે કે 40 નહીં, 400 નહીં, 4000 ગણી સારી વાતો ભારતમાં છે અને રોજ બનતી રહે છે પણ એના વિશે છાપાંમાં છપાતું નથી, ટીવી પર બ્રેકિંગ ન્યુઝમાં દેખાડાતું નથી, સોશિયલ મીડિયામાં એની ચર્ચા થતી નથી. 

ભારતમાં હજારો નાનામોટા બ્રિજ છે. વર્ષોથી, દાયકાઓથી એના પરથી ટ્રેનો, વાહનો સહીસલામત પસાર થાય છે. ભારતમાં રોજેરોજ ડઝનબંધ બૅન્કોમાં કુલ મળીને લાખોની સંખ્યામાં ચેક પાસ થાય છે અને જેના નામનો હોય તેના ખાતામાં પૈસા જમા થઈ જાય છે. ભારતમાં હજારો ટ્રેનો રોજના લાખો પૅસેન્જરોને એમના ગંતવ્યસ્થાને હેમખેમ પહોંચાડે છે. પણ તમારા સુધી જે સમાચારો પહોંચે છે તે કયા છે? હજારોમાંનો એક બ્રિજ તૂટ્યાના. લાખોમાંના પાંચ-પચ્ચીસ ચેક બાઉન્સ થયાના. અગણિત ટ્રેનોમાંથી ક્યારેય કોઈ ટ્રેનને અકસ્માત થયાના. 

ભારતમાં… કેટલી વાતો ગણાવીએ તમને? પણ આમાંનું કશું જ તમને છાપાંમાં વાંચવા નહીં મળે, ટીવી પર જોવા નહીં મળે, સોશિયલ મીડિયામાં એની પોસ્ટ નહીં બને. શું કામ? કારણ કે ‘સમાચાર એટલે શું’ એની જૂની જડભરત જેવી વ્યાખ્યાને હજુય મીડિયાવાળા વળગી રહ્યા છે– કૂતરો માણસને કરડે એને ન્યુઝ ના કહેવાય, માણસ કૂતરાને કરડે એને ન્યુઝ કહેવાય. મીડિયાનો આખો કારોબાર આ ચવાઈને ચુથ્થો થઈ ગયેલી બકવાસ વ્યાખ્યા પર ચાલે છે. અને એટલે જ કોઈ દિવસ માણસ કૂતરાને કરડ્યો હોય તેવો બનાવ ન બને ત્યારે મીડિયાવાળા માણસને બોચી પકડીને એના મોઢાને કૂતરા પાસે લાવીને બચકું ભરાવીને સેમી-ફેક ન્યુઝ ફેલાવે છે કે જુઓ માણસ શ્વાનને કરડ્યો. આ સમાચારને તમે ફેક ન્યુઝ કહેશો તો જવાબ મળશે કે ફેક ક્યાંથી? માણસે બટકું તો ભર્યું જ છે ને! પણ એ બટકું ભરાવતી વખતે માણસની બોચી કોના હાથમાં હતી અને કૂતરાને પકડીને કોણ માણસ પાસે લાવ્યું હતું તે વાત તમારાથી છુપાવવામાં આવતી હોય છે. 

સેમી-ફેક ન્યુઝ કે હાફ-ફેક ન્યુઝનો ધંધો આજકાલનો નથી. આઝાદી મળી ત્યારથી આ ધંધો ચાલતો આવ્યો છે. અને હવે તો એ હદ સુધી વધ્યો છે કે તમને ચિંતા થાય કે આ અડધા નકલી સમાચારના રંગે રંગાઈને ભારતના મતદારો 2029ની ચૂંટણીમાં મત કોને આપશે? 

સોશિયલ મીડિયા હાફ-ફેક ન્યુઝનું જથ્થાબંધ ઉત્પાદન અને વિતરણ કરે છે. ટીન એજરોથી લઈને જિંદગીની અડધી સફર કાપી ચૂકેલી 40ની આસપાસની જનરેશનો માટે ન્યુઝ મેળવવાનું એકમાત્ર સાધન સોશિયલ મીડિયા બની ગયું છે. 

1) આઝાદી પછી ફેલાવવામાં આવેલા હજારો હાફ-ફેક ન્યુઝમાંના કેટલાક પર ઉડતી નજર નાખીને વિચારીએ કે આવા અડધા નકલી સમાચારોથી જેમને ટાર્ગેટ કરવામાં આવે છે એ પંદરથી પાંત્રીસ વર્ષ વચ્ચેની જનરેશન ચાર વર્ષ પછીની લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા જશે ત્યારે એમના દિમાગમાં કેવું ભૂસું ભરેલું હશે: 

આઝાદી પછીના સૌથી પહેલા હાફ-ફેક ન્યૂઝ હતા: હે, રામ! ગાંધીજીએ એમની હયાતિ દરમિયાન એક વખત એવું કહ્યું હતું કે મરતી વખતે મારા મોઢામાંથી નીકળેલો છેલ્લો શબ્દ રામનું નામ હોય એવું હું ઈચ્છું. ગાંધીવાદીઓ અને કૉન્ગ્રેસીઓએ ગાંધીજીના આ વિધાનને ગાંધીજીના રામ માટેના લગાવ તરીકે જોવાનું હોય, અયોધ્યા-બાબરીના કોર્ટના વિવાદમાં કૉન્ગ્રેસે ભાજપને સાથ આપવાનો હોય. ખેર, એ તો ના થયું. ગાંધીહત્યાના અનેક સાક્ષીઓએ રેકૉર્ડ પર કહ્યું છે કે ગાંધીજીએ છેલ્લા શ્વાસ લેતી વખતે માત્ર ઊંહકારો કર્યો હતો: આહ…! પણ કેટલાક ઉત્સાહી ગાંધીજનોએ જ જોડી કાઢ્યું કે તેઓ ‘હે, રામ!’ બોલ્યા હતા. આજે પણ રાજઘાટ પર મોટા અક્ષરે તમને ‘હે, રામ!’ વંચાશે.

2) નજીકના ભૂતકાળ તરફ આવીએ. 2004માં રાષ્ટ્રપતિએ કૉન્ગ્રેસને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું ત્યારે સોનિયા ગાંધીની વડા પ્રધાન તરીકે સોગંદવિધિ કરવાની તમામ તૈયારીઓ થઈ ચૂકી હતી. છેક છેલ્લી ઘડીએ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું ધ્યાન એક કાયદાકીય જોગવાઈ તરફ દોરવામાં આવ્યું. ભારતનો કાયદો એમ કહે છે કે વિદેશમાં જન્મેલી પણ ભારતીય નાગરિકત્વ ધરાવતી વ્યક્તિ વડા પ્રધાન બની શકે પણ આ બાબતે વિદેશી નાગરિકના દેશમાં જે જોગવાઈ હોય તે એને ભારતમાં લાગુ પડે. ઈટલીમાં એવો કાયદો છે કે જન્મે ઇટાલિયન ના હોય એવી વ્યક્તિ ઇટલીના સર્વોચ્ચ હોદ્દા પર ચૂંટાઈ શકે નહીં. આથી ભારતે પણ વાટકી અ-વ્યવહાર સાચવવો પડે અને ઇટાલિયન બૉર્નને ભારતના વડા પ્રધાન બનાવી શકાય નહીં. આ જોગવાઈને લીધે સોનિયા ગાંધીના હોઠ સુધી આવેલો પ્યાલો છીનવાઈ ગયો. પણ કૉન્ગ્રેસીઓએ ડિંડવાણું ચલાવ્યું કે સોનિયાજીનો આ મહાત્યાગ હતો. ત્યાગી સોનિયાજીના આ હાફ-ફેક ન્યુઝ એવી જડબેસલાક રીતે પ્રસર્યા કે આજની તારીખે બુદ્ધુ કૉન્ગ્રેસીઓ જ નહીં અર્ધદગ્ધ બિન-કૉન્ગ્રેસીઓ પણ સોનિયા ગાંધીના આ ત્યાગનાં ગુણગાન ગાય છે.

3) ભારતના વિદેશ મંત્રી, રક્ષા મંત્રી, ખુદ પ્રધાન મંત્રી કહી કહીને થાક્યા કે ઑપરેશન સિંદૂર વખતે પાકિસ્તાને ઘૂંટણિયે પડીને કાલાવાલા કર્યા એટલે ભારતે સીઝફાયરની ઘોષણા કરી. આમ છતાં રાહુલ ગાંધી પોતાની સડકછાપ શૈલીમાં મોદી-શાહ માટે તૂ-તડાક ભાષામાં બોલ્યા કરે છે કે ટ્રમ્પના કહેવાથી આ યુદ્ધવિરામની ઘોષણા થઈ. રાહુલ એક હજારવાર આ જુઠ્ઠાણું બોલશે તો એ સાચું થઈ જવાનું નથી એની એને પોતાને પણ ખબર છે. છતાં એ બોલ્યા કરે છે કારણ કે એને એ પણ ખબર છે કે ભારતની અડધોઅડધ ભોળી પ્રજા આ હકીકતમાં ઊંડે ઉતરીને સત્ય શોધવાની મહેનત કરવાની નથી અને મોદી-શાહને કોસતી થઈ જવાની છે.

4) આવું જ વોટચોરીનું છે. રાહુલ ગાંધી દ્વારા થયેલા તમામ આક્ષેપોનો મુદ્દાસર, પુરાવા સહિત જવાબ મળી ચૂક્યો છે. ખુદ ભારતના ચૂંટણી પંચે આ બાબતે પ્રેસ કૉન્ફરન્સ કરીને પત્રકારોને સંતોષકારક જવાબો આપ્યા છે. ખોટા આંકડાઓ જાહેર કરવા બદલ સી.એસ.ડી.એસ (સેન્ટર ફૉર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝ) નામની બિનસરકારી સંસ્થાના કો-ડાયરેક્ટર અને સેફોલોજિસ્ટ (ચૂંટણીના આંકડાના વિશ્લેષક) સંજય કુમાર પર એફ.આઈ.આર. થઈ છે અને સંજય કુમારે માફી પણ માગી છે. જોકે કેસ ચાલવાનો છે. આમ છતાં રાહુલ ગાંધી આખા બિહારમાં ફરીને પોતાના ફાટી ગયેલા વાંસ જેવા અવાજમાં મોઢા પર ગંદા તિરસ્કાર ભાવ લાવીને મોદીને, શાહને વોટ ચોર-વોટ ચોર કહ્યા કરે છે. કૉન્ગ્રેસીઓ રાહુલની આ બદમાશીને સોશિયલ મીડિયા પર ફેરવ્યા કરે છે. અને ધુમાડો છે તો આગ જરૂર લાગી હશે એવું માનનારાઓ આ દેશની ચૂંટણી વ્યવસ્થા પર, મોદી-શાહની પ્રામાણિકતા પર શંકા ઉઠાવીને એમને ચૂંટનારા કરોડો મતદારો જાણે તથાકથિત ચોરીના ભાગીદાર હોય એવો માહોલ ઉભો કરી રહ્યા છે.

5) હવેનો મુદ્દો બહુ સેન્સેટિવ છે. પણ વન્સ એન્ડ ફૉર ઑલ મોદીપ્રેમીઓમાં (કે મોદીવિરોધીઓમાં પણ) કોઈ શંકા ના રહે એ માટે એની ચર્ચા થઈ જાય એ જરૂરી છે. 25 ઑગસ્ટે વડા પ્રધાનનો અમદાવાદમાં રોડ શો હતો. મોદીને રૂબરૂમાં જોઈને એમના અનેક ચાહકો-સમર્થકોની આંખમાં હર્ષનાં આંસુ આવી જતાં હોય છે. એવી ઘણી ભાવુક તસવીરો આપણે જોઈ છે. અમદાવાદના રોડ શોની આવી જ એક તસવીર ઝીલાઈ છે જેમાં મોદીની પીઠ દેખાય છે અને દૂર એક બહેન હાથમાં આરતીની થાળી સાથે ભાવભીની મુદ્રામાં હાથ ઊંચો કરીને વડા પ્રધાનનું અભિવાદન કરી રહેલાં દેખાય છે.

આ આદરણીય મહિલાનું નામ વિલાસબા સિસોદિયા છે. પણ કૉન્ગ્રેસની રાષ્ટ્રીય પ્રવક્તા જેના ટ્વિટર પર પોણા છ લાખ જેટલા ફોલોઅર્સ છે તે ડૉ. રાગિણી નાયક અત્યંત હલકી માનસિકતા પ્રગટ કરતાં ટ્વિટ કરે છે: ‘એક પલ કે લિયે લગા કિ સામને જશોદાબેન હૈ.’ આ ભદ્દું ટ્વિટ બાર-તેર લાખથી વધુ લોકો સુધી પહોંચી ગયું. અનેક લોકો આ વાત ફેલાવશે. નાસમજુઓ જાતજાતની કુથલી કરશે. (આ એ રાગિણી નાયક છે જેને કૉન્ગ્રેસે એક જમાનામાં પક્ષમાંથી સસ્પેન્ડ કરી હતી. કયા ગુનાસર? એ રાહુલ ગાંધી સાથે જેમને ફોટા પડાવવા હોય એમની પાસેથી દસ-દસ હજાર રૂપિયા લઈને ફોટોશૂટ ગોઠવી આપતી હતી.)

સત્ય શું છે? મોદી જે જ્ઞાતિમાં જન્મ્યા તેમાં તે વખતે બાળવિવાહની પ્રથા પ્રચલિત હતી. પિતા દામોદરદાસે 6 (છ) વર્ષની ઉંમરના નરેન્દ્રની સગાઈ જશોદાબેન સાથે કરી દીધી હતી. આ વિધિ મૌખિક હોય અને એમાં સામસામે થોડીક ભેટોની આપલે કરવાની હોય. બેઉ બાળકોને આ વિશે કોઈ ખ્યાલ ન હોય. એ પછી બીજો તબક્કો આવ્યો જ્યારે નરેન્દ્ર 16 વર્ષના થયા અને લગ્નવિધિ થઈ. પણ એ વખતે નરેન્દ્ર મોદીએ જશોદાબેનને કહ્યું હતું કે લગ્ન કરવા માટે હું યોગ્ય વ્યક્તિ નથી. તમારે બીજી કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરી લેવાં જોઈએ કારણ કે મેં અલગ રસ્તો અપનાવવાનો નિર્ણય લીધો છે. મોદીએ જશોદાબેન સાથે કરેલી આ ટૂંકી વાતચીત એ બંને વચ્ચેની એકમાત્ર મુલાકાત હતી.

ત્રીજો તબક્કો આણા વખતે આવવાનો હતો. લગ્નને ઔપચારિક રૂપ આપવા માટે, દાંપત્યજીવન શરૂ કરવા માટે દુલહનને પતિના ઘરે લાવવાની વિધિ એટલે ‘આણું.’ પણ મોદીના જીવનમાં આ ત્રીજો તબક્કો આવ્યો જ નહીં કારણ કે બીજા તબક્કા પછી એકાદ વર્ષ સુધી જ મોદી ઘરમાં રહ્યા.

મોદીના નિકટના સહયોગી દશરથભાઈ લક્ષ્મણદાસ પટેલ કહે છે: ‘લગ્નને મામલે મોદી અને એમના પિતા વચ્ચે વણકહી ખાઈ સર્જાઈ. બેઉનાં મન ઊંચાં થઈ ગયાં. છ વર્ષના દીકરાએ પિતાની ઈચ્છા મુજબ જે કહ્યું એ કર્યું કારણ કે એને ખબર ન હતી કે શું થઈ રહ્યું છે. એ પછી બીજા તબક્કામાં વિધિમાં બેસવાનું હતું ત્યારે ના પાડવાનું સાહસ નહીં કરી શક્યા કારણ કે પિતાથી ડરતા હતા. એ જમાનામાં સોળ વર્ષનો પુત્ર પિતાની સામે બંડ પોકારવાની હિંમત રાખતો નહોતો. પિતા દીકરાને સંસારના બંધનમાં બાંધીને સ્થિર જિંદગી જીવે એ માટે તૈયાર કરી રહ્યા હતા. પારિવારિક દબાવને કારણે દીકરાથી કંઈ બોલી શકાય નહીં પણ અંદરથી બહુ દુઃખી હતો.’

નરેન્દ્ર મોદીના મોટાભાઈ સોમભાઈના કહેવા મુજબ પરિવારના તમામ સભ્યોને ભેગા કરીને નરેન્દ્રભાઈએ પોતાના વિચારો સૌની સામે રજૂ કર્યા અને ભગવાન બુદ્ધનો દાખલો આપીને કહ્યું: ‘હું ત્યારે જ ઘર છોડીને જઈશ જ્યારે તમે સૌ રાજીખુશીથી મને જવા દેશો. હું ઘરેથી ભાગી નહીં જાઉં.’

દશરથભાઈ કહે છે: ‘મોદીના તથાકથિત લગ્નના કારણે સંઘના પ્રચારક બનવામાં કોઈ વિઘ્ન આવ્યું નહીં… સૌ કોઈ જાણતું હતું કે આ લગ્નવિધિ બાદ દાંપત્યજીવનની કોઈ ઔપચારિકતા નિભાવવામાં નથી આવી.’

6) આવું જ મોદીના ભણતર વિશેનું છે જે જૂઠ કેજરીવાલે અને રાહુલે ખૂબ ફેલાવ્યું, હજુય ફેલાવ્યા કરે છે. મોદીએ બી.એ.ની અને એમ.એ.ની બેઉ ડિગ્રી એક્સ્ટર્નલ એક્ઝામ આપીને પ્રાપ્ત કરી છે અને ભાજપે બંને ડિગ્રી જાહેરમાં મૂકી જ છે. આમ છતાં વિરોધીઓ આજ દિન સુધી અપપ્રચાર કર્યા કરે છે કે મોદી જુઠ્ઠું બોલે છે, એ ‘ચોથી પાસ’ છે.

7) અમેરિકાની ‘ટેરિફ વૉર’ દરમ્યાન ગયા અઠવાડિયે કોઈએ પડીકું તરતું મૂક્યું કે ચીનને ખુશ કરવા ભારતે ‘ટિકટૉક’ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો છે. સરકારે આ બાબતે સ્પષ્ટતા કરી, વારંવાર કરી કે પ્રતિબંધ નથી ઉઠાવ્યો, એવો વિચાર પણ નથી કર્યો. આમ છતાં સોશિયલ મીડિયાના બહાદુરો મંડી પડ્યા કે જુઓ મોદી ચીનની ખુશામત કરી રહ્યા છે. 

8) એક નરેટિવ વર્ષોથી ચાલે છે જે રાહુલ ગાંધીના પિઠ્ઠુ પત્રકારોએ જ ફેલાવ્યા છે: ‘મોદી ક્યારેય પ્રેસ કૉન્ફરન્સ નથી કરતા. મોદી પત્રકારોના પ્રશ્નોનો જવાબ આપતાં ડરે છે.’ હકીકત એ છે કે મોદી પચાસ કરતાં વધુ ટોચના પત્રકારોને વન ટુ વન મળીને એમના આકરા પ્રશ્નોના સચોટ જવાબ આપી ચૂક્યા છે. રાહુલે અગિયાર વર્ષ પહેલાં અર્નબ ગોસ્વામીને વન ટુ વન ઇન્ટરવ્યુ આપીને પોતાને ‘પપ્પુ’ સાબિત કર્યા પછી કોઈ જાણીતા પત્રકારને વન ટુ વન મુલાકાત આપવાની હિંમત નથી કરી. અને પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન કોઈ પત્રકાર રાહુલને ધારદાર સવાલ પૂછે તો ‘તું તો ભાજપ વતી સવાલ કરે છે. ચાલ, બેસી જા’ કહીને સૌની વચ્ચે એનું અપમાન કરી નાખે છે.

9) સૈયદા હમીદને મનમોહન સિંહની સરકારે 2007માં પદ્મશ્રીથી નવાજેલાં. આ મોહતરમાએ તાજેતરમાં બાંગ્લાદેશી ઘૂસપેઠિયાઓને ભારતમાં આવતાં રોકવાની જરૂર નથી એવું કહીને જાહેર કર્યું છે કે આ ધરતી અલ્લાહે બનાવી છે. અવૈધ રીતે આવતા બાંગ્લાદેશીઓને ભારતમાં રહેવાનો પૂરેપૂરો હક છે. આ વાંચીને ‘લિબરલ’ માઇન્ડ ધરાવનારાઓ કૂદી પડ્યા કે વાત તો સાચી છે, ભારત સરકાર જ નકામી છે, જે બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પગલાં લે છે.

10) દિલ્હીમાં રસ્તા પરના શ્વાનોને લગતા સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ભારતવિરોધ માટે જાણીતી એન.જી.ઓ. ‘પેટા’ (પીપલ ફૉર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઑફ એનિમલ્સ) દ્વારા ભારતનાં અગ્રણી વર્તમાનપત્રોમાં ફુલ ફ્રન્ટ પેજની જાહેર ખબર પ્રગટ થઈ. એ જાહેરખબરમાં કૂતરાને બચાવવાની વાત થઈ, હાથીને બચાવવાની વાત થઈ, વાંદરાને બચાવવાની વાત થઈ. એ ત્રણેય પ્રાણીઓનાં મોટાં ચિત્રો પણ મૂકવામાં આવ્યાં. સગવડિયો ધર્મ પાળતી સંસ્થા ‘પેટા’ને બકરી કેમ યાદ નહીં આવી હોય? 

મિત્રો, ઉપરનાં તમામ 10 ઉદાહરણોમાં સો ટકા સત્ય તો નથી જ તો સો ટકા અસત્ય પણ નથી. જો 100% જુઠ્ઠાણું હોય તો આ કિસ્સાઓ કોઈનાય ગળે ઉતરત નહીં. એ બધા ફેક ન્યુઝ નથી, અર્ધ-ફેક ન્યુઝ છે. આ બધા અર્ધ-સત્ય ધરાવતા અથવા તો કહો કે અર્ધ-અસત્ય ધરાવતા સમાચાર છે જે વધારે જોખમી છે. કારણ કે આવા સમાચારો ફેલાવતી વખતે તમારી સાથે ચાલાકી થતી હોય છે. 

ગાંધીજીને ગોળી વાગી ત્યારે કશુંક તો તેઓ બોલ્યા જ હતા. સોનિયા ગાંધી વડાં પ્રધાન ન બન્યાં તે પણ હકીકત છે. ભારતે ઑપરેશન સિંદૂર પછી યુદ્ધવિરામ જાહેર કર્યો તે પણ વાત તો સાચી છે. મતદારયાદીમાં કેટલાક બનાવટી મતદારોનાં નામ છે એ પણ હકીકત છે. (જેને SIR દ્વારા દૂર કરવાની પ્રક્રિયા પણ થઈ રહી છે). મોદી પોતાના ઉમેદવારીપત્રકમાંની વિગતોમાં જશોદાબેનનું નામ પત્ની તરીકે લખે જ છે. મોદીની સાથે ભણનારા વિદ્યાર્થીઓ કે એમને ભણાવનારા અધ્યાપકો કોણ હતા એની કોઈનેય ખબર નથી એ હકીકત છે કારણ કે એમણે એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે પરીક્ષાઓ પાસ કરી છે. 

ભારત પોતાની આર્થિક નીતિમાં ફેરફાર લાવીને ચીન સાથે કોઈક બાબતોમાં આગળ વધી શકે છે પણ ટિકટૉક પરનો પ્રતિબંધ હટાવી લીધો છે એ વાત તો ખોટી જ છે. મોદીએ પ્રેસ કૉન્ફરન્સ નથી કરી એ પણ હકીકત છે. પ્રાણીઓને બચાવવાં જોઈએ તે પણ જરૂરી છે. વસુધૈવ કુટુમ્બકમમાં માનતું ભારત અવૈધ બાંગ્લાદેશીઓને કેમ નથી સ્વીકારતું તેનો જવાબ પણ ગુરુવારે, 28મી ઑગસ્ટે મોહનજી ભાગવતે વ્યાખ્યાનમાળાના ત્રીજા અને અંતિમ દિવસ દરમ્યાનની પ્રશ્નોત્તરીમાં આપી દીધો છે.

અસત્યમાં પાંચ-દસ-પંદર ટકા સત્ય ભેળવીને તમે તમારા જુઠ્ઠાણાને વધુ વિશ્વસનીય બનાવી શકો છો. ભારતવિરોધી તત્વો આ જ ચાલ ચાલી રહ્યા છે.

એક તરફ મીડિયા પોતાના કારોબારનો વિસ્તાર વધારવા દેશની શરમજનક ઘટનાઓને ચૂંથ્યા કરે છે તો બીજી તરફ મોદીયુગને કારણે જેમના ભ્રષ્ટ ધંધારોજગાર ઠપ થઈ ગયા છે એ લોકો મરણિયા બનીને 15 ટકાના સત્યમાં 85 ટકાનું અસત્ય ભેળવીને આપણને ગુમરાહ કરે છે. આવા સંજોગોમાં આપણે પોતે ફેક્ટચેકર બનવું પડે. અને આવું કરવા માટેનાં સમય, શક્તિ, ઈચ્છા કે સગવડ ન હોય તો બે જ વિકલ્પ છે તમારી પાસે: કાં તો આવા અર્ધ-બનાવટી સમાચારો વાંચીને/જોઈને એને ફૉરવર્ડ કર્યા વગર કચરાપેટીમાં પધરાવી દેવાના કાં પછી 2029માં આવા સમાચારોથી દોરવાઈને થઈ શકનારા મતદાનનાં પરિણામો માટે તૈયાર રહેવાનું. 

કહેવાય છે કે ટ્વિટર વગેરે કંઈ રિયલ વર્લ્ડ નથી. ગ્રાઉન્ડ લેવલની વાસ્તવિકતા સોશિયલ મીડિયા કરતાં ઘણી જુદી હોય છે. આ વાત તો સાચી પણ જે જનરેશનને જમીની હકીકતો પરિચય નથી, જે પેઢી માટે ઇન્સ્ટા-ટ્વિટર-એફબી કે યુટ્યુબમાં જ પોતાનું જગત સમાઈ જાય છે તેઓ આ બધા હાફ-ફેક ન્યુઝથી પ્રભાવિત થઈ જાય છે એનું શું? આ પેઢી આ રીતે પોતાનો મત બાંધીને પોતાના મિત્રો-કલીગ્સમાં એ વિશે ચર્ચાઓ કરીને સોશિયલ મીડિયાએ ફેલાવેલી ભ્રમણાઓને ગ્રાઉન્ડ લેવલની રિયાલિટી બનાવી દે છે તેનું શું? 

આ બાબતે લાગતાવળગતા પક્ષે પોતાની આઈ.ટી. સેલ દ્વારા જે કંઈ કરવાનું છે તે કરશે, કરે જ છે. એનું પરિણામ જે આવે તે– તેની રાહ જોયા વિના વ્યક્તિગત ધોરણે આપણે જે કરી શકીએ તે કરીએ. શું કરી શકીએ? સોશિયલ મીડિયાને માત્ર મનોરંજનનું સાધન ગણવાને બદલે, ટાઈમપાસ માટેની સગવડ માનવાને બદલે એને સિરિયસલી લઈએ. જેટલો ટાઇમ સોશિયલ મીડિયા પાછળ ખર્ચીએ છીએ એમાંનો કેટલોક સમય ખાંખાંખોળા કરવામાં ગાળીએ અને શોધી લઈએ કે વિશ્વસનીય પોસ્ટ કોણ મૂકે છે. એને રિપોસ્ટ કે રિટ્વિટ કરીએ, લાઇક-કમેન્ટ કરીને બિરદાવીએ. શરૂઆત તો કરીએ. 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં