Saturday, April 20, 2024
More
    હોમપેજમંતવ્ય15 વર્ષ અગાઉ ગુજરાતવિરોધ દર્શાવનાર આમિર ખાનની લાલ સિંહ ચડ્ઢા પણ ગુજરાતમાં...

    15 વર્ષ અગાઉ ગુજરાતવિરોધ દર્શાવનાર આમિર ખાનની લાલ સિંહ ચડ્ઢા પણ ગુજરાતમાં થશે ‘ફના’?

    આમિર ખાનની ફિલ્મ લાલ સિંઘ ચડ્ઢાનો હાલમાં થઇ રહેલો વિરોધ અને બોયકોટની હાકલો કેવી રીતે તેની પંદર વર્ષ જૂની ફિલ્મ ફના યાદ દેવડાવી દે છે?

    - Advertisement -

    કહેવાય છે કે એક વખત ઊંડો ઝખમ થાય પછી એ ઝખમ ક્યારેય રુઝાતો નથી. આટલુંજ નહીં પરંતુ એ ઝખમ જેને થાય છે તેને પોતાને જેણે આ ઝખમ આપ્યો છે એ વ્યક્તિ પણ ક્યારેય ભૂલાતો નથી. ગુજરાતીઓને લગભગ 15 વર્ષ અગાઉ ભાવનાત્મક ઝખમ આપનાર આમિર ખાનની આવનારી ફિલ્મ લાલ સિંહ ચડ્ઢાના હાલ ગુજરાતમાં તેની ફિલ્મ ફના જેવા જ થાય તેવા એંધાણ અત્યારથી જ આવી રહ્યા છે.

    ગુજરાતીઓ ક્યારેય સામે ચાલીને તકલીફ ઉભી કરતા નથી આ એમનો સ્વભાવ છે. કારણકે ગુજરાતીઓ પોતાના કામથી કામ રાખે છે અને આથી પોતાના કામને પડતું મુકીને વિરોધ કરવાથી એમનું જ નુકશાન થતું હોય છે એની એમને ખબર હોય છે. પરંતુ, જો તેમની લાગણી સાથે છેડછાડ કરવામાં આવે તો પછી તેઓ કોઈ ચમરબંધીને પણ છોડતા નથી. આમિર ખાન આ હકીકતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

    વાત 2006ની છે, મહિનો એપ્રિલનો હતો. દિલ્હીમાં ઘોર ગુજરાત વિરોધી મેધા પાટકર પોતાના લાવલશ્કર સાથે ધરણા પર બેઠા હતા. મુદ્દો હતો ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પર એ સમયે બની રહેલો નર્મદા ડેમ કેવી રીતે અટકાવવો. આમિર ખાનની ‘રંગ દે બસંતી’ સુપર હીટ થઇ ચૂકી હતી અને આમિર તેની આવનારી ફિલ્મ ફનાના પ્રમોશનમાં વ્યસ્ત હતો. ખબર નહીં પણ કેમ આમિર ખાનને કઈ કમતી સુજી કે એ એના રંગ દે બસંતીના સાથી કલાકાર અતુલ અગ્નિહોત્રી અને ફિલ્મના નિર્દેશક રાકેશ ઓમ પ્રકાશ સાથે આ ધરણામાં જઈને બેસી ગયો.

    - Advertisement -

    આપણને ખ્યાલ છે કે જ્યારે પણ કોઈ બોલીવુડી કોઈ ધરણા કે પ્રદર્શનમાં સામેલ થાય ત્યારે એ સવાયો રાજકારણી બની જાય છે. આમ કહેવા પાછળનું કારણ એક જ છે કે આમિર ખાન આ ધરણામાં બેસીને ત્યાં બેસેલા લોકો સાથે વાતચીત તો કરી રહ્યો હતો પરંતુ ત્યારબાદ તેણે કોઈ જાહેર નિવેદન આપ્યું હોય એવું ક્યાંય જોવા મળ્યું ન હતું. ડીટ્ટો એવી જ રીતે જેવી રીતે CAAના વિરોધ સમયે દીપિકા પદુકોણ JNUમાં પ્રદર્શન કરી રહેલા લોકો વચ્ચે જઈને મૂંગા મોઢે દસ મિનીટ ઉભી આવી હતી.

    આ પ્રકારે બોલીવુડીઓ પોતે કશું બોલ્યા નથી એટલે જે-તે મુદ્દાનો પ્રગટ વિરોધ નથી કર્યો એમ કહીને સીતફથી છટકબારીમાંથી બહાર નીકળવાનો રસ્તો જાતેજ ગોતી લેતા હોય છે. પરંતુ આવા સમયે આ જ બોલીવુડનું એક પ્રખ્યાત ગીત ‘યે પબ્લિક હૈ યે સબ જાનતી હૈ’ ખુદ બોલીવુડ જ ભૂલી જતું હોય છે. ભલેને એ વર્ષ 2006 હોય જ્યારે સોશિયલ મિડિયાનું નામ પણ કોઈએ સાંભળ્યું ન હતું કે પછી આજનો સમય હોય જ્યારે સોશિયલ મિડીયાથી લગભગ કશું છૂપું ન રહેતું હોય. ભારતની પ્રજા બધું જ જાણતી સમજતી હોય છે પણ આ જ બોલીવુડી કલાકારોની જેમ મૂંગી રહીને પોતાનો વિરોધ દર્શાવી દેતી હોય છે.

    હા, તો પરત આવીએ ફના પર. જેમ આગળ કહ્યું એમ એ સમયે સોશિયલ મિડિયા તો હતું જ નહીં પરંતુ આમિર ખાને મેધા પાટકરના નર્મદા વિરોધી એટલેકે ગુજરાત વિરોધી ધરણામાં ભાગ લીધો છે એ સમાચાર મિડીયામાં તો આવી જ ગયા હતા.

    અત્યારે એવું યાદ આવે છે કે એક ટીવી કાર્યક્રમમાં મોટેભાગે ‘આપ કી અદાલત’માં આમિર ખાને એવો દાવો કર્યો હતો કે પાટકરના ધરણામાં એનું જવું એ પહેલેથી નક્કી ન હતું. પોતે એ ધરણા સ્થળ પાસેથી પસાર થયો અને તેને લાગ્યું કે તેણે જોવું જોઈએ કે આ શેનો વિરોધ છે એટલે એ ફક્ત ત્યાં પૃચ્છા કરવા જ ગયો હતો. કદાચ, આ કાર્યક્રમ સમયે આમિરને તેની ભૂલ સમજાઈ ગઈ હશે એટલે પોતાની ફિલ્મ ફનાને બોક્સ ઓફિસ પર ફના થતી અટકાવવાનો એણે પ્રયાસ કર્યો હશે.

    પણ, ગુજરાતીઓ એમ કોઈને છોડતા નથી જો તેમની ભાવનાઓ સાથે કોઈ છેડછાડ કરે અને નર્મદા નદી અને સરદાર સરોવર એ ગુજરાતની ભાવનાઓ સાથે સ્વતંત્રતાના સમયથી જ જોડાયેલાં છે. આ જ મેધા પાટકરને ગુજરાતીઓએ બાબા આમ્ટે જેવા પ્રખંડ આંદોલનજીવી સાથે ગુજરાત સરહદે ફેરકુવા ખાતે દિવસો સુધી રોકી રાખ્યા હતા અને ગુજરાતમાં પ્રવેશ કરવા નહોતા દીધા, તો સિઝનલ આંદોલનજીવી આમિર ખાનની તો શું વિસાત?

    છેવટે આમિર ખાનના ધરણા નાટકના એક મહિના બાદ એટલેકે 2006ના મે મહિનામાં ફના રિલીઝ થઇ અને અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જેવા ગુજરાતના મેટ્રો શહેરોના સીનેમાઓ સહીત નાના શહેરો અને નગરોમાં ફના માટે ફના થવા કોઈજ દર્શક અથવાતો બહુ ઓછી સંખ્યામાં દર્શક આવ્યા, છેવટે ફિલ્મ પર ગુજરાતમાં પ્રતિબંધ પણ મુકવામાં આવ્યો. ફક્ત જામનગરના અંબર સિનેમામાં ફિલ્મ રિલીઝ થઇ પરંતુ અહીં એક દર્શકે ફિલ્મનો વિરોધ કરતા પોતાને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો ત્યારે અહીંથી પણ ફિલ્મ હટાવી દેવામાં આવી.

    આટલું બધું થયું હોવા છતાં આમિર ખાને ક્યારેય ગુજરાતીઓની લાગણી સાથે રમવા બદલ તેમની માફી નથી માંગી. એ યાદ રહે કે આમિર ખાનની અને ભારતની પણ સહુથી મોટી હિટ્સમાંથી એક એવી લગાનનું શુટિંગ ગુજરાતના જ કચ્છમાં થયું હતું અને ગુજરાતે મહિનાઓ સુધી આમિર ખાનની ખાતર બર્દાશ્ત કરી હતી. તેમ છતાં આમિરે ગુજરાત અને ગુજરાતીઓની માફી માંગીને આગળ વધવાને બદલે 5-7 કરોડ (ગુજરાતના) ગુમાવવાથી પોતાની ફિલ્મ ફનાને નુકશાન નહીં થાય એમ કહ્યું હતું.

    હવે વારો છે લાલ સિંઘ ચઢ્ઢાનો. ફના સમયે જો ગુજરાતનું અપમાન મામલો હતો તો આ વખતે ભારતનું અપમાન અને હિંદુફોબિયા મુદ્દો બનીને સામે આવ્યો છે. ફિલ્મ પીકેમાં હિંદુ ધર્મની આસ્થાની મજાક અને ફક્ત 2014 પછી જ પોતાની પત્નીને ભારતમાં રહેવાથી ડર લાગે છે એમ કહીને આ વખતે આમિર ખાને સમગ્ર ગુજરાતના હિંદુઓનો રોષ વ્હોરી લીધો છે.

    ફના સમયે સોશિયલ મિડિયા ન હતું તેમ છતાં ગુજરાતીઓના સ્વયંભુ વિરોધ, બહિષ્કાર અને પ્રતિબંધે ફિલ્મને ગુજરાતમાં ડુબાડી દીધી હતી. આ વખતે તો ગુજરાતનું સોશિયલ મિડિયા પૂરી તૈયારી સાથે ઉભું છે આમિરની આગામી ફિલ્મનો વિરોધ કરવા માટે.

    આમિર ખાને ભલે એમ કહ્યું કે તેની ભારત વિરોધી છબી ખોટી છે અને પોતે ભારતને ખૂબ પ્રેમ કરે છે પરંતુ જ્યાં સુધી તેનો આ ભારત પ્રેમ તેની કાર્યશૈલીમાં નહીં દેખાય ત્યાં સુધી ગુજરાતીઓ સહીત સમગ્ર દેશવાસીઓ જેમનામાં થોડુંક પણ દેશાભિમાન છે એ આમિરની દાળ ગળવા નહીં દે.

    આથી હાલમાં ગુજરાતી સોશિયલ મિડીયામાં લાલ સિંહ ચડ્ઢાનો જે રીતે વિરોધ થઇ રહ્યો છે એ સાબિત કરે છે કે આમિરની આગામી ફિલ્મ દેશ સહીત ગુજરાતમાં પણ ફના થઈને જ રહેશે!

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં