Saturday, November 2, 2024
More
    હોમપેજમંતવ્યAAP ધારાસભ્ય ચૈતર વસાવાએ ભીલીસ્તાનની કરી માંગ: દિલ્હીમાં શાહીન બાગ અને પંજાબમાં...

    AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ ભીલીસ્તાનની કરી માંગ: દિલ્હીમાં શાહીન બાગ અને પંજાબમાં ખાલિસ્તાન એક્ટીવ કર્યા બાદ હવે ગુજરાતમાં AAPની ભાગલા પાડો રાજનીતિ?

    ગત વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને જાકારો આપ્યો, અને રાજ્યમાં પોતાની સરકાર સ્થાપવાના દાવાઓ કરતી AAP માત્ર 5 સીટો સુધી જ સીમિત રહી ગઈ હતી. માત્ર 5 સીટો મળવા છતાં AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની ભીલીસ્તાનની માંગ કરવી તે વિચારવા યોગ્ય મુદ્દો છે.

    - Advertisement -

    અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી જ્યાં-જ્યાં તેનો પગપેસરો કરી રહી છે ત્યાં તીવ્ર રીતે ભાગલા પાડવાની માંગો ઉઠી છે. પંજાબમાં ચાલતી ખાલિસ્તાની મુવમેન્ટ તેનું મોટું ઉદાહરણ છે. તેવામાં હવે AAP ભોળા ભીલોને ભરમાવાની ફિરાકમાં હોય તેમ નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના AAP ધારાસભ્ય ચૈતર વસાવાની ભીલીસ્તાનની માંગ સામે આવી છે.

    એક વિડીયો જાહેર કરીને તેમણે આરોપ લગાવ્યાં છે કે વિકાસના નામે આદિવાસી સંસ્કૃતિને નામશેષ કરવાના પ્રયાસો થઇ રહ્યા છે. તેમનો તેવો પણ દાવો છે કે બંધારણની પાંચમી અનુસૂચિમાં આદિવાસીઓને આપવામાં આવેલા વિશેષ દરજ્જાનું ઉલ્લંઘન થઇ રહ્યું છે.

    અહેવાલોમાં જણાવ્યાં અનુસાર AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની ભીલીસ્તાનની માંગ કરતો વિડીયો સામે આવ્યો હતો. જેમાં તેઓ ગુજરાત અને પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભીલ અને આદિવાસી સમુદાયને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી હતી. એક વિડીયો જાહેર કરીને તેમણે જણાવ્યું હતું કે, તેઓ રાજકીય, સામાજીક અને ધાર્મિક આગેવાનોને જોડીને અલગ ભીલપ્રદેશની માંગનો અવાજ બુલંદ કરશે.

    - Advertisement -

    ચૈતર વસાવાનો દાવો છે કે આદિવાસી વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોથી સ્વૈચ્છિક સંસ્થાઓ અને સરકારનું અતિક્રમણ વધ્યું છે. જેના પગલે આદિવાસીઓના હક સાથે જંગલ, જમીન અને જળની પ્રાકૃતિક સંપદાને નષ્ટ કરવામાં આવી રહી છે. ત્યારે આદિવાસીઓનો હક અબાધિત રહે, અને આદિવાસી પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલો રહે તે માટે અલગ ભીલીસ્તાનની માંગ કરાઇ છે.

    આમ આદમી પાર્ટી જ્યાં પણ પોતાની જગ્યા બનાવી રહી છે, ત્યાં દેશના ભાગલા પાડવાની માંગો ઉઠવી તે પાર્ટીની માનસિકતા દર્શાવી રહી છે. પહેલા દિલ્હીમાં શાહીન બાગ અને લાલકિલ્લાની હિંસા, બાદમાં પંજાબમાં ખાલિસ્તાનીઓનું માથું ઊંચકવું અને હવે ગુજરાતમાં તેમના ધારાસભ્યની ભીલીસ્તાનની માંગ, શું આમ આદમી પાર્ટી ભાગલા પડવાની રાજનીતિ રમી રહી છે?

    શું છે ભીલીસ્તાન?

    ભીલીસ્તાન એ ખાલિસ્તાનની જેમ જ અલગાવવાદીઓએ પોતાની રીતે મનમાં માની લીધેલો એક અવાસ્તવિક વિસ્તાર છે. ભોળા આદિવાસીઓના કથિત મસીહાઓ બનીને ફરતા આ અલગાવવાદી નેતાઓને પોતાનો એક અલગ પ્રદેશ જોઈએ છે, જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિવાસી પટ્ટાના પ્રદેશો સંમેલિત છે.

    તેઓ દ્વારા બહાર પડાયેલ અનુસાર નકશા અનુસાર આ ભીલપ્રદેશમાં રાજસ્થાનના પાલી, રાજસમંદ, ઉદયપુર, ડુંગરપુર, ચિત્તોડ, પ્રતાપગઢ જેવા જિલ્લાઓ છે. આ ઉપરાંત મધ્યપ્રદેશના મંદસૌર, નીમચ, રતલામ, ઝાબુઆ અને ધાર, મહારાષ્ટ્રના ભરવાની અને ગુજરાતના દાહોદ, પંચમહાલ, નર્મદા, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાનો સમાવેશ થાય છે. 

    ભીલીસ્તાનનો નકશો (ફોટો: iHeart)

    આમ આદમી પાર્ટીએ જ્યાં પણ ડગલું માંડ્યું ત્યાં દેશના ટુકડા કરવાની વાત કેમ?

    આંદોલનમાંથી જન્મેલી આ આદમી પાર્ટીને અસ્તિત્વમાં આવ્યે હજુ આંગળીના વેઢે ગણી શકાય એટલા જ વર્ષો થયા છે. પાર્ટીએ “મફત-મફત” કરીને દિલ્હી અને પંજાબમાં સરકાર પણ બનાવી. પરંતુ જ્યાં પણ આમ આદમી પાર્ટીએ સરકાર બનાવી ત્યાં દેશ વિરોધી તાકતોને મજબુત પીઠબળ મળવું શું માત્ર એક સંજોગ છે?

    દિલ્હીની વાત કરીએ તો શાહીન બાગ અને લાલકિલ્લાની હિંસા AAPની સરકાર બન્યા બાદ જ થયા હતા. કોઈ પણ દેશની રાજધાનીને દેશનું સહુથી સુરક્ષિત સ્થાન માનવામાં આવે છે. અને તે છતાં એક પાર્ટીના શાસનમાં આવ્યા બાદ દેશ વિરોધી તત્વો સરળતાથી આખી રાજધાનીને બાનમાં લઈને દેશની સુરક્ષામાં છીંડા ઉભા કરી દે, શું તે બાબત વિચાર કરવા યોગ્ય નથી?

    આ પછી આમ આદમી પાર્ટીએ પંજાબમાં સરકાર બનાવી અને સરકાર બન્યા બાદ એકાએક આખું રાજ્ય ખાલિસ્તાની આતંકના ઓથા હેઠળ આવી ગયું. શું આ પણ એક માત્ર સંજોગ હોઈ શકે? ભિંડરાવાલે જેવા ખૂંખાર આતંકવાદીને પોતાનો ગુરુ માનતો અમૃતપાલ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે જે એકદમ દુબઈથી પંજાબમાં આવી ચઢે, અને ગુરુઓની ભૂમિ પંજાબના ટુકડા કરીને ભારતથી વિખૂટું પાડવા જાહેરમાં ખાલિસ્તાની આતંક ફેલાવવા લાગે. એક પોલીસ સ્ટેશનમાં હથિયારો લઈને ઘુસી જાય અને પોલીસને ભાગવા મજબુર કરે, આ ઘટનામાં તેને પીઠબળ પૂરું પાડનાર કોણ?

    પાકિસ્તાનની સીમાને અડીને આવેલા રાજ્ય પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ ખાલિસ્તાની મુવમેન્ટ જે પ્રમાણે ભરડો લઈ રહી છે, અને તેનો મુખ્ય સુત્રધાર અમૃતપાલ હજુ પણ ભાગતો ફરી રહ્યો છે. શું આ દેશની સુરક્ષામાં મોટું છીંડું નથી? પંજાબમાં ઉપદ્રવ મચાવવા ખાલિસ્તાનઓને પાકિસ્તાન તરફથી પણ સરળતાથી મદદ મળતી હોવાના અનેક અહેવાલો સામે આવ્યાં હતા. તો શું તેમ માની શકાય કે પંજાબમાં સરકાર બનાવીને AAP એ ખાલિસ્તાની અલગાવવાદીઓને પીઠબળ આપીને મનફાવે એમ વર્તવા છૂટો દોર આપ્યો છે?

    ગુજરાતમાં માત્ર 5 સીટ, છતાંય પાર્ટીએ ચૈતર વસાવા દ્વારા ભીલીસ્તાનની માંગ કરાવી

    ગત વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને જાકારો આપ્યો, અને રાજ્યમાં પોતાની સરકાર સ્થાપવાના દાવાઓ કરતી AAP માત્ર 5 સીટો સુધી જ સીમિત રહી ગઈ હતી. માત્ર 5 સીટો મળવા છતાં AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની ભીલીસ્તાનની માંગ કરવી તે વિચારવા યોગ્ય મુદ્દો છે.

    આમ આદમી પાર્ટીએ દિલ્હી અને પંજાબમાં સત્તા મેળવતાની સાથે જ ત્યાની શાંતિ અને સૌહાર્દ ભંગ થયા, તે સમજી શકાય કે ત્યાં તેમની સરકાર છે. પરંતુ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને માત્ર 5 સીટ મળી હોવા છતાં પાર્ટી તેમાંના એક ધારાસભ્ય પાસે ભીલીસ્તાનની માંગ કરાવે, તેના પરથી આમ આદમી પાર્ટીની ભાગલાવાદી માનસિકતા જગજાહેર થઈ ગઈ છે. AAP માત્ર એક રાજકીય પાર્ટી મટીને ભારત દેશને તોડવાનું પરીબળ બનવા તરફ જઈ રહી છે.

    ભોળા ભીલોને ભરમાવી રહી છે આમ આદમી પાર્ટી?

    જે દેશના સર્વોચ્ચ પદ પર બેઠેલા રાષ્ટ્રપતી આદિવાસી હોય, દેશના વડાપ્રધાન G20 સમીટ દરમિયાન ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝને આદિવાસી ભાતીગળ સંસ્કૃતિ દર્શાવતી હાથબનાવટની પેઇન્ટિંગ ‘પિથોરા’ ભેટમાં આપીને આદિવાસી સમુદાયને વૈશ્વિક સ્તરે ઓળખ આપતા હોય ત્યાં AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની ભીલીસ્તાનની માંગ કેટલી યોગ્ય છે?

    આમ હાલ આપણે સૌ વિચાર કરવા મજબુર બન્યા છીએ કે શું આ સંજોગ માત્ર છે કે જ્યાં જ્યાં આમ આદમી પાર્ટી પોતાનું પ્રભુત્વ વધારી રહી છે, ત્યાં ત્યાં ભાગલા પડવાની માંગ તીવ્ર રીતે ઉઠી રહી છે!

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં