BBC સામે મોરેમોરો આવ્યા ટ્રમ્પ, એડિટેડ વિડીયો મામલે 5 બિલિયન ડોલર સુધીનો દાવો માંડવાનું એલાન

અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ પ્રસારણ સંસ્થા બીબીસી (BBC) વિરુદ્ધ આગામી અઠવાડિયામાં 5 બિલિયન ડોલર સુધીનો દાવો કરવાનું એલાન કર્યું છે. આ પગલું બીબીસી દ્વારા 6 જાન્યુઆરી, 2021ના રોજ તેમના ભાષણના વિડીયોને જાણીજોઈને ખોટા એડિટિંગ સાથે વાયરલ કરવાનો સ્વીકાર કર્યા બાદ ઉઠાવવામાં આવ્યું છે. ટ્રમ્પે કહ્યું છે કે બીબીસીની તે ડોક્યુમેન્ટ્રીના કારણે તેમને ‘ગંભીર પ્રતિષ્ઠતમક અને આર્થિક નુકસાન થયું છે.’ 

ટ્રમ્પના વકીલોએ બીબીસીને શુક્રવાર સુધીનો સમય આવતા કહ્યું છે કે તે ડોક્યુમેન્ટ્રી પરત લે, સાર્વજનિક માફી માંગે અને વળતર આપે. આવું નહીં કરવા પર ઓછામાં ઓછા 1 બિલિયન ડોલરનો દાવો કરવામાં આવશે. જોકે, ગુરુવારે બીબીસીએ આ એડિટિંગને ‘એરર ઑફ જજમેન્ટ’ ગણાવીને ટ્રમ્પની વ્યક્તિગત માફી માંગી હતી, પરંતુ માનહાનિના આરોપોને ફગાવી દીધા હતા. 

આ સાથે બીબીસીએ ડોક્યુમેન્ટ્રીને ફરી વખત પ્રસારિત ન કરવાનો નિર્ણય પણ લીધો છે. એર ફોર્સ વનના પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે, “અમે તેના પર 1 બિલિયનથી 5 બિલિયન ડોલર વચ્ચેનો દાવો માંડીશું. તેણે પોતે સ્વીકાર્યું છે કે તેણે છેતરપિંડી કરી છે. તેણે મારા ભાષણના શબ્દોમાં બદલી દીધા હતા.” 

શું હતો વિવાદ? 

ટ્રમ્પ પરની ડોક્યુમેન્ટ્રી બીબીસીના મુખ્ય કાર્યક્રમ પેનોરમાનો એક ભાગ હતો, જેમાં ટ્રમ્પનાં ભાષણના બે ભાગને એવી રીતે જોડવામાં આવ્યા હતા કે જેથી એવું લાગતું હતું કે ટ્રમ્પ કેપિટલ હિંસા ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય. આ ડોક્યુમેન્ટ્રીથી બીબીસીએ લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રમ્પના વકીલોએ તેને ‘ખોટી અને બદનક્ષીભરી’ ગણાવી હતી અને આ જ વિવાદમાં ટ્રમ્પ હવે બીબીસી વિરુદ્ધ મોરચો માંડીને બેઠા છે.