Tuesday, March 31, 2026
More
    હોમપેજમિડિયાટ્રમ્પના ભાષણનો વિડીયો કાપકૂપ કરીને ચલાવ્યો, પોલ ખુલી તો મોટાં માથાંએ આપવું...

    ટ્રમ્પના ભાષણનો વિડીયો કાપકૂપ કરીને ચલાવ્યો, પોલ ખુલી તો મોટાં માથાંએ આપવું પડ્યું રાજીનામું: BBC ફરી વિવાદમાં– વાંચો શું છે સમગ્ર મામલો

    જોકે, બીબીસી દર વખતે આમ જ પોતાનો નેરેટિવ સેટ કરીને પ્રોપગેન્ડાને આગળ વધારે છે. મૂળ તફાવત એટલો છે કે બાકી જગ્યાએ તે સુરક્ષિત થઈને આવા કારસ્તાનો કરે છે, ડોનાલ્ડ ટ્રમ્પના કેસમાં તેનું આ કારસ્તાન ઉઘાડું પડી ગયું છે.

    - Advertisement -

    સરકારી પૈસે ચાલતા બ્રિટનના મીડિયા સંસ્થાન બીબીસીના ન્યુઝ ડાયરેક્ટર જનરલ ટિમ દેવી અને ન્યુઝ CEO ડેબોરા ટર્નેસે રાજીનામું આપી દીધું છે. રાધર આપવું પડ્યું છે. કારણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જોડાયેલો એક વિવાદ છે, જે છેલ્લા થોડા દિવસથી ચાલી રહ્યો હતો. તાજા સમાચાર અનુસાર બીબીસીનાં મોટાં માથાંએ પદ છોડી દીધાં છે. મૂળ વિવાદ એ હતો કે બીબીસીએ એક ડોક્યુમેન્ટ્રી દેખાડી હતી, જેમાં ટ્રમ્પના ભાષણની ક્લિપ કાપકૂપ કરીને બતાવવાનો આરોપ લાગ્યો હતો. નરેટિવ એવો સેટ થઈ રહ્યો હતો કે ટ્રમ્પે જાન્યુઆરી 2021માં કેપિટલ હિલ ખાતે થયેલી હિંસાને પ્રોત્સાહન આપ્યું હતું.

    રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઘટના પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે બીબીસીના બોસ ટિમ ડેવી સહિતના શીર્ષ અધિકારીઓએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું અથવા તો તેમની હકાલપટ્ટી કરવામાં આવી છે કારણ કે આ લોકોએ 6 જાન્યુઆરી, 2021ના તેમના ભાષણમાં છેડછાડ કરી હતી. તેમણે આ ‘પત્રકારો’ને ખુલ્લા પાડવાને લઈને ધ ટેલિગ્રાફનો આભાર પણ વ્યક્ત કર્યો છે. નોંધનીય છે કે સમગ્ર વિવાદ ‘ટેલિગ્રાફ’ના ઘટસ્ફોટ બાદ શરૂ થયો હતો.

    શું છે વિવાદ? 

    આ આખો મામલો બીબીસીના જાણીતા કાર્યક્રમ ‘પેનોરામા’ની એક ડોક્યુમેન્ટ્રી ‘Trump: A Second Change’થી શરૂ થાય છે. આ ડોક્યુમેન્ટ્રી 2025ની અમેરિકી ચૂંટણીના એક અઠવાડિયા પહેલાં પ્રકાશિત કરવામાં આવી હતી. જેમાં ટ્રમ્પના ભાષણના કેટલાક અંશો પણ જોડવામાં આવ્યા હતા. આરોપ છે કે આ અંશો સાંભળવાથી લાગી શકે કે વૉશિંગટન ડીસીના કેપિટલ હિલ્સમાં હિંસા ભડકાવવા માટે જવાબદાર એકમાત્ર ટ્રમ્પ હતા. તેમણે ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું અને તેના કારણે હિંસા ભડકી હતી. આ આરોપ ટ્રમ્પ પર હમણાંથી નહીં પણ ઘણા સમયથી લાગતો રહ્યો છે.

    - Advertisement -

    પેનોરામા પ્રોગ્રામના તે એડિટેડ વિડીયોમાં ટ્રમ્પ કહેતા જોવા મળે છે કે, “આપણે કેપિટલ હિલ્સ સુધી ચાલીશું અને હું ત્યાં તમારી સાથે રહીશ. આપણે લડીશું, આપણે અંતિમ શ્વાસ સુધી લડીશું.” તાજેતરમાં જ્યારે વિવાદ સપાટી પર આવ્યો તો બીબીસી પર આરોપ લાગ્યો કે તેમણે આ એડિટેડ વિડીયોમાં ટ્રમ્પના ભાષણને તોડી-મરોડીને દર્શાવ્યું હતું અને વાસ્તવિકતા તદ્દન જુદી છે.

    કઈ રીતે સામે આવ્યું બીબીસીનું આ કારસ્તાન? 

    નિષ્પક્ષ હોવાનો દાવો કરતા બીબીસીએ પોતાનો એડિટેડ વિડીયો બતાવીને કેપિટલ હિલ્સમાં થયેલી હિંસાની એકતરફી વાસ્તવિકતા દેખાડવાનો પ્રયાસ કર્યો હતો. આ વિડીયોને બીબીસીએ પોતાના નેરેટિવના હિસાબે એડિટ કર્યો હતો, જેનું સત્ય હવે દુનિયાની સામે આવી ગયું છે. તેનો ઘટસ્ફોટ બીબીસીમાં કથિત પક્ષપાતને લઈને જાહેર થયેલા 19 પેજના ડોઝિયરમાં થયો છે. જે ઑક્ટોબર 2025માં બીબીસીના સંપાદકીય ગાઈડલાઇન્સ અને માનક સમિતિના પૂર્વ એક્સટર્નલ એડવાઇઝર માઇકલ પ્રેસ્કૉટે લખ્યું હતું. તાજેતરમાં જ નવેમ્બર 2025માં આ ડોઝિયર બીબીસી બોર્ડને સબમિટ કરવામાં આવ્યું હતું.

    આ ડોઝિયરમાં કહેવામાં આવ્યું છે કે બીબીસીના પેનોરામા પ્રોગ્રામમાં અમેરિકી રાષ્ટ્રપતિ પાસેથી એવી વાતો કહેવડાવવામાં આવી હતી, જે તેમણે ક્યારેય કહી જ નહોતી. તેમાં ટ્રમ્પના ભાષણની શરૂઆતના ફૂટેજને તેમના દ્વારા લગભગ એક કલાક પછી કહેવામાં આવેલી વાતો સાથે જોડવામાં આવ્યું છે. ડોઝિયરમાં કહેવામાં આવ્યું છે કે બીબીસીના વરિષ્ઠ અધિકારીઓ અને અધ્યક્ષે સંસ્થાના પોતાના વૉચડોગ દ્વારા ઉઠાવવામાં આવેલી ગંભીર ફરિયાદોને અવગણીને તેને ફગાવી દીધી હતી

    દુનિયા સામે સત્ય આવ્યા બાદ બીબીસીની ખૂબ ટીકા પણ કરવામાં આવી છે. જે નિષ્પક્ષતાનો નેરેટિવ ઘડીને મીડિયા સંસ્થાને એડિટેડ વિડીયો ચલાવ્યો, હવે તેના પર પક્ષપાતના આરોપો લાગવા લાગ્યા છે. ત્યાં સુધી કે બીબીસીને ‘ખોટા સમાચાર’ ફેલાવનાર મીડિયા સંસ્થાન ગણાવતા અમેરિકાથી બહાર કાઢવાની માંગણી પણ થવા લાગી છે. 

    શું છે બીબીસીના એડિટેડ વિડીયોની વાસ્તવિકતા? 

    આ વિડીયોની સૌથી પહેલી પોલ ધ ટેલિગ્રાફે ખોલી હતી. સંસ્થાએ એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે બીબીસીએ ટ્રમ્પના વિડીયો સાથે છેડછાડ કરી છે અને પ્રોપગેન્ડા ફેલાવવાના હેતુથી તેનો ઉપયોગ કર્યો છે. 

    હકીકતે ટેલિગ્રાફમાં એક આંતરિક મેમો લીક થયો હતો. આ મેમો બીબીસીના પૂર્વ સલાહકાર માઇકલ પ્રેસ્કૉટે લખ્યો હતો. તેમાં કહેવાયું હતું કે, ટ્રમ્પના ભાષણની એડિટિંગ દર્શકોને ગેરમાર્ગે દોરવાનો જાણીજોઈને કરવામાં આવેલો પ્રયાસ છે. મેમોમાં બીબીસીની અન્ય સમસ્યાઓ પણ ઉજાગર કરવામાં આવી હતી. જેમાં કહેવાયું હતું કે ટ્રાન્સજેન્ડરના મુદ્દાઓ પર તે એકતરફી કવરેજ આપે છે અને બીબીસી અરબી સર્વિસમાં ઇઝરાયેલ વિરુદ્ધ પણ પ્રોપગેન્ડા ફેલાવે છે. 

    આ મેમો સામે આવ્યા બાદ યુકે પાર્લામેન્ટની કલ્ચર, મીડિયા એન્ડ સ્પોર્ટ્સ કમિટીએ બીબીસીના અધ્યક્ષ સમીર શાહને પત્ર લખીને પૂછ્યું હતું કે આવા કિસ્સાઓ પર શું કાર્યવાહી થશે. પૂર્વ બીબીસી હેડ રોજર મોસીએ કહ્યું હતું કે બીબીસી આ આરોપોનો જવાબ આપવામાં મોડું રહ્યું છે. ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જોન્સને પણ X પર બીબીસી પર સવાલ ઉઠાવ્યા હતા.

    ધ ટેલિગ્રાફ અનુસાર બીબીસીએ વિડીયોમાં ટ્રમ્પનું ભાષણ દર્શાવ્યું છે તે વર્ષ 2021મા થયેલી અમેરિકી ચૂંટણીનું છે. બીબીસીના એડિટેડ વિડીયોની દ્રષ્ટિથી જોવામાં આવે તો એવું લાગે કે કેપિટલ હિલ્સમાં હિંસા ભડકાવવામાં ડોનાલ્ડ ટ્રમ્પનો હાથ છે. પરંતુ હકીકતમાં આ વિડીયો ટ્રમ્પના ભાષણના બે અલગ-અલગ ભાગોને જોડીને સંદર્ભ વગર રજૂ કરવામાં આવ્યો છે. 

    ભાષણમાં ટ્રમ્પ કહે છે કે, “આપણે કેપિટલ હિલ્સ સુધી ચાલીશું અને ત્યાં હું તમારી સાથે રહીશ.” આ જ ભાષણમાં 54 મિનિટ બાદ ટ્રમ્પે કહ્યું હતું કે, “અને આપણે લડીશું. આપણે અંતિમ શ્વાસ સુધી લડીશું.” એક જ દિવસે પણ અલગ-અલગ સમયે અપાયેલા આ ભાષણને બીબીસીએ વચ્ચેથી કાપી નાખ્યું હતું. એટલે કે પહેલું વાક્ય અને ત્યારબાદનું વાક્ય જોડી દઈને વચ્ચેથી 54 મિનિટનું ભાષણ કાપી નાખવામાં આવ્યું અને તેને ભડકાઉ ભાષણ તરીકે દર્શાવવામાં આવ્યું. વચ્ચે ટ્રમ્પે શાંતિપૂર્ણ વિરોધ કરવાનું કહ્યું હતું, તે પણ આ એડિટમાં દર્શાવાયું નથી. 

    વાસ્તવમાં ટ્રમ્પે કહ્યું હતું કે, “આપણે કેપિટલ સુધી ચાલીશું. અને આપણે આપણાં બહાદુર સીનેટરો, કોંગ્રેસીઓ અને મહિલાઓના ઉત્સાહમાં વધારો કરીશું.” ધ ટેલિગ્રાફે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, “અમેરિકી ચૂંટણીના એક અઠવાડિયા પહેલાં પ્રસારિત કરાયેલા પેનોરમા કાર્યક્રમમાં દર્શકોને સંપૂર્ણપણે ગુમરાહ કરવામાં આવ્યા હતા.” 

    તટસ્થાની ટોપી પહેરી પક્ષપાત કરતું બીબીસી

    આમ પણ બીબીસીની વિશ્વસનીયતા પર કાયમ સવાલો ઉઠતા જ રહ્યા છે. ભારતમાં પણ બીબીસી સક્રિય છે અને ગુજરાતી સહિતની પ્રાદેશિક ભાષાઓમાં પણ તેની દુકાનો ચાલે છે. નિષ્પક્ષ અને પ્રમાણિક મીડિયા ગણાવતી આ સંસ્થાનાં ભૂતકાળનાં કારસ્તાનો વિશે અહીં પણ ઘણું લખાયું છે. 2002ના ગોધરા હિંદુહત્યાકાંડ અને ત્યારબાદ થયેલાં રમખાણો પર પણ આ બ્રિટિશ સંસ્થાનું રિપોર્ટિંગ મોદીવિરોધી રહ્યું હતું અને કોઈ પણ રીતે મોદીને આ બધા માટે જવાબદાર ઠેરવવાના અને મોદીના શાસનમાં ભારતના માઈનોરિટી સુરક્ષિત નથી તેવો નરેટિવ ચલાવવાના વિદેશી મીડિયાના પ્રયાસોમાં આ સંસ્થાએ પણ યથાયોગ્ય ફાળો આપ્યો હતો. જોકે બીબીસી જ નહીં ત્યારે ભારત-વિદેશના મોટાભાગના મીડિયાએ બહુ ઉત્પાત મચાવ્યો હોવાનું ઇતિહાસમાં લખાયું છે.

    વચ્ચે બીબીસીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે પણ એક ડોક્યુમેન્ટ્રી પ્રકાશિત કરીને અંતિમ પ્રયાસ કરી જોયો હતો. જ્યારે સરકારે પ્રોપગેન્ડા ગણાવીને નિયંત્રણો લાદ્યાં તો ઇકોસિસ્ટમે બહુ રડારોળ મચાવી હતી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની વાતો કરવા માંડી હતી. પરંતુ ટ્રમ્પ સાથે બનેલો આ એપિસોડ દર્શાવે છે કે બીબીસીની ડોક્યુમેન્ટ્રી કેવી હોય છે અને તેનું પત્રકારત્વ પણ કેવું થઈ રહ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં