
સુરતમાં પકડાયેલા આરોપીઓને રસ્તા પર ફેરવીને માર મારવાના કિસ્સામાં ઇન્ચાર્જ ડીસીપી રાજદીપસિંહ નકુમ અને તેમની ટીમ વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો સંજ્ઞાન લઈને કાર્યવાહી શરૂ કરી છે. 13 જુલાઈએ સલાબતપુરા વિસ્તારમાં થયેલા હત્યાના પ્રયાસના કેસમાં પકડાયેલા પાંચ આરોપીઓનું જાહેર રસ્તા પર સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ દરમિયાન ડીસીપી અને એસઓજીની ટીમે આરોપીઓને રસ્તા પર ઊભા રાખીને વાળ પકડી લાફા માર્યા હતા તેમજ લાકડીઓ વડે ફટકાર્યા હતા.
આ ઘટના સામે આવ્યા બાદ ગુજરાત હાઇકોર્ટના વકીલ ઉત્કર્ષ દવેએ 15 જુલાઈએ ચીફ જસ્ટિસને પત્ર લખીને આ મામલે કોર્ટ પોતે ‘સુમોટો’ સંજ્ઞાન લેવાની માંગ કરી હતી. પત્રમાં દલીલ કરાઈ હતી કે, દોષિત ઠર્યા પહેલાં આરોપીઓને આવી સજા આપવી એ બંધારણની કલમ 14 (સમાનતાનો અધિકાર) અને કલમ 21 (સ્વતંત્રતાનો અધિકાર)નું ઘોર ઉલ્લંઘન છે.
હાઇકોર્ટે આ રજૂઆતને ગંભીરતાથી લઈને ‘સુઓમોટો’ સંજ્ઞાન લઈ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં સુપ્રીમ કોર્ટના ‘ડી.કે. બાસુ’ અને ‘પ્રકાશ સિંહ’ કેસની માર્ગદર્શિકા ટાંકીને જણાવવામાં આવ્યું કે કસ્ટડી દરમિયાન આરોપીઓ સાથે બર્બરતા દર્શાવવી ગેરકાયદે છે. આ ઉપરાંત રાજ્યના ઈન્ચાર્જ ડીજીપીએ પણ આરોપીઓનું સરઘસ ન કાઢવા અને માર ન મારવા અંગે સ્પષ્ટ આદેશો આપ્યા હોવાનું જણાવવામાં આવ્યું.

