સુપ્રીમ કોર્ટે બુધવારે (21 મે) એક અરજી નકારીને દિલ્હી હાઇકોર્ટના પૂર્વ જજ યશવંત વર્મા વિરુદ્ધ FIR દાખલ કરવાની માંગ ફગાવી દીધી. કોર્ટે કહ્યું કે, હાલ મામલો વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યો છે, જેથી હસ્તક્ષેપ જરૂરી નથી.
ઉલ્લેખનીય છે કે માર્ચ 2025માં દિલ્હી હાઇકોર્ટના તત્કાલીન ન્યાયાધીશ યશવંત વર્માના નિવાસસ્થાને આગ લાગ્યા બાદ એક રૂમમાંથી મોટા પ્રમાણમાં રોકડા પૈસા મળી આવ્યા હતા. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આંતરિક સમિતિ નીમીને તપાસનો આદેશ આપ્યો હતો. બીજી તરફ જસ્ટિસ વર્મા વિરુદ્ધ FIR દાખલ કરવા કોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા.
જસ્ટિસ એ. એસ ઓકા અને ઉજ્જલ ભૂયાંની બેન્ચે અરજી સાંભળતા કહ્યું કે, 8 મેની સુપ્રીમ કોર્ટની પ્રેસ રિલીઝ અનુસાર ઇન-હાઉસ કમિટીનો રિપોર્ટ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલી આપવામાં આવ્યો છે. જેથી અરજદારોએ પહેલાં તેમનો સંપર્ક કરવો જોઈએ. કોર્ટે કહ્યું કે, જેમની સામે હાલ મામલો લંબિત છે તેમની પાસે પહેલાં જવું જોઈએ. કાર્યવાહી હવે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન કરશે.
કોર્ટે કહ્યું કે, રિપોર્ટમાં શું છે એ તમે પણ જાણતા નથી અને અમને પણ ખબર નથી. પહેલાં તમે તેમની (પીએમ-રાષ્ટ્રપતિ) પાસે જાઓ. જો તેઓ કાર્યવાહી ન કરે તો કોર્ટ પાસે આવજો.”
ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ યશવંત વર્મા સામે FIR દાખલ કરવાની માંગ કરતી એક અરજી સુપ્રીમ કોર્ટ ફગાવી ચૂકી છે. ત્યારે એ કારણ આપવામાં આવ્યું હતું કે સમિતિની તપાસ ચાલી રહી છે, જેથી હસ્તક્ષેપની જરૂર નથી.