Saturday, March 22, 2025
More

    ‘શીશ મહેલને બનાવશે મ્યુઝિયમ… જનતા જોશે’: મુખ્યમંત્રી પદે શપથગ્રહણ કરતાં પહેલાં જ રેખા ગુપ્તાનો તીખો પ્રહાર

    દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે પહેલીવાર વિધાયક બનેલા રેખા ગુપ્તાનું (Rekha Gupta) નામ જાહેર થયા બાદ તેમણે તેમણે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. તેમણે 20 ફેબ્રુઆરીએ શપથ ગ્રહણ પહેલાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન ‘શીશ મહેલ’ (Sheesh Mahal) અંગે નિવેદન આપ્યું હતું.

    શપથગ્રહણ બાદ તેઓ ક્યાં રહેશે એવા પ્રશ્ન પર તેમણે સ્પષ્ટ કહી દીધું હતું કે તેઓ ‘શીશ મહેલ’માં નહીં રહે. તેમણે આગળ કહ્યું હતું કે, “’શીશ મહેલ’ને મ્યુઝિયમ બનાવવામાં આવશે, જેથી જનતા જોઈ શકે.” આ ઉપરાંત ભ્રષ્ટાચાર પરના પ્રશ્નનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે “એક-એક પૈસાનો હિસાબ લેવામાં આવશે.”

    ઉલ્લેખનીય છે કે જ્યારે AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી હતા ત્યારે કરોડોના ખર્ચે મુખ્યમંત્રી આવાસનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. ત્યારે CM આવાસના નવીકરણમાં જાહેર નાણાનો વધુ પડતો ઉપયોગ થયો હોવાના આરોપ લાગ્યા હતા. ત્યારથી આ બંગલાને ‘શીશ મહેલ’ કહેવામાં આવે છે.

    નોંધનીય છે કે 5 ફેબ્રુઆરીએ યોજાયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 27 વર્ષ બાદ ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે 19 ફેબ્રુઆરીએ પાર્ટીના ધારાસભ્યોની બેઠક બાદ ભાજપે રેખા ગુપ્તાનું નામ મુખ્યમંત્રી તરીકે જાહેર કર્યું હતું.