
અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટમાં દાન અને ચઢાવાના વિવાદો બાદ મોટો સંગઠનાત્મક ફેરફાર કરવામાં આવ્યો છે. પૂર્વ મહાસચિવ ચંપત રાય અને ખજાનચી ડૉ. અનિલ મિશ્રાના રાજીનામા બાદ રામ મંદિર પ્રોજેક્ટ મેનેજર તરીકે સેવા આપી રહેલા જગદીશ આફલેની નવા સચિવ તરીકે નિમણૂક કરાઈ છે, જેને 2 સપ્ટેમ્બરે ટ્રસ્ટની બેઠકમાં ઔપચારિક મંજૂરી અપાશે.
અધિકૃત હસ્તાક્ષરકર્તાની ગેરહાજરીના કારણે ટ્રસ્ટનાં બેન્ક ખાતાં અટકી પડ્યાં હતાં, જેનાથી આશરે 1,000 કર્મચારીઓના પગાર અને બાંધકામ એજન્સીઓની ચૂકવણી અટકી ગઈ હતી. ટ્રસ્ટે જગદીશ આફલેને અધિકૃત હસ્તાક્ષરકર્તા બનાવી SBIને નવો પ્રસ્તાવ મોકલતાં બેન્ક ખાતાંનું સંચાલન પુનઃ શરૂ થઈ ગયું છે અને નાણાકીય વ્યવહારો પૂર્વવત થઈ ગયા છે.
કોણ છે નવા સચિવ જગદીશ આફલે?
જગદીશ આફલે બાળપણથી જ RSS સાથે જોડાયેલા છે અને વ્યવસાયે ઈલેક્ટ્રિકલ એન્જિનિયર છે. તેમણે IIT બોમ્બેમાંથી B.Tech અને M.Tech કર્યા બાદ અમેરિકા તેમજ યુરોપની કંપનીઓમાં કામ કર્યું છે. નિવૃત્તિ બાદ ભારત પરત ફરીને તેઓ રામ મંદિર નિર્માણ પ્રોજેક્ટમાં વિના વેતને પ્રોજેક્ટ મેનેજર તરીકે જોડાયા હતા અને ત્યારથી ટેકનિકલ જવાબદારીઓ સંભાળી રહ્યા છે.
નોંધનીય છે કે મંદિરમાં દાન ચોરીના મામલે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ IG કિરણ એસ.ના નેતૃત્વમાં 3 સભ્યોની નવી SITની રચના કરવામાં આવી છે, જેમાં અયોધ્યાના DIG અને SSP પણ સામેલ છે. નાણાકીય ગેરરીતિઓની ઊંડાણપૂર્વક તપાસ માટે ફોરેન્સિક ઓડિટના નિષ્ણાત CAને પણ જોડવામાં આવ્યા છે. નવી SITએ બેંક સ્ટાફના નિવેદનો નોંધ્યા બાદ ટ્રસ્ટના પૂર્વ અધિકારીઓની પૂછપરછ હાથ ધરી છે.
દાન અને દાનની ગણતરીમાં સુધારો કરવા માટે ગણતરીમાં જોડાયેલા તમામ 36 જૂના કર્મચારીઓને હટાવી દેવામાં આવ્યા છે અને આ જવાબદારી હવે SBIના અધિકૃત સ્ટાફને સોંપવામાં આવી છે. આ સિવાય મંદિરમાં કાર્યરત તમામ 349 કર્મચારીઓની સઘન સ્ક્રીનિંગ પ્રક્રિયા ચાલુ છે.
ટ્રસ્ટના કાર્યકારી મહાસચિવ કૃષ્ણ મોહનના જણાવ્યા અનુસાર, વહીવટી વ્યવસ્થાને વધુ પારદર્શક અને મજબૂત બનાવવા માટે ટૂંક સમયમાં ટ્રસ્ટના નવા પ્રવક્તાના નામની અને CEOની પણ પસંદગી કરવામાં આવશે.

