Tuesday, April 8, 2025
More

    ‘બંધારણનો સ્વીકાર નહીં કરીએ…’ બંગાળમાં વક્ફ કાયદાનો વિરોધ કરવા નીકળેલા મુસ્લિમ ટોળાંઓએ આચરી હિંસા: પોલીસ પર હુમલો-પથ્થરમારો, સરકારી વાહનોમાં ચાંપી આગ

    પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ કાયદાનો વિરોધ કરવા નીકળેલા મુસ્લિમ ટોળાંઓએ હવે ભારે હિંસા આચરવાનું શરૂ કરી દીધું છે. સમાચાર સામે આવી રહ્યા છે કે, ટોળાંએ બંગાળ પોલીસ સાથે ઘર્ષણ પણ કર્યું છે અને પોલીસ પર પથ્થરમારો પણ કર્યો છે. જંગીપુર વિસ્તારમાં આયોજિત આ વિરોધ પ્રદર્શન માત્ર થોડા જ સમયમાં હિંસક બની ગયું હતું અને ટોળાંએ તોડફોડ શરૂ કરી દીધી હતી.

    રસ્તો જામ કરવાના પ્રયાસો થયા બાદ પોલીસ ટોળાંને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ પોલીસ અને ટોળાં વચ્ચે ઘર્ષણ શરૂ થઈ ગયું હતું. જોતજોતાંમાં પ્રદર્શનકારીઓએ પોલીસ વાહનોમાં આગ ચાંપી દીધી અને પોલીસ પર પથ્થરમારો પણ કરી દીધો હતો. સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે પોલીસે ટિયરગેસના સેલ પણ છોડવા પડ્યા હતા. આ હિંસક પ્રદર્શનમાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાનું કહેવાય રહ્યું છે.

    ભાજપ નેતા અમિત માલવિયાએ આ ઘટનાને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બનર્જી પર પ્રહાર કર્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, “પશ્ચિમ બંગાળ ફરીથી સળગી રહ્યું છે. સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી છે. આ વખતે મુર્શિદાબાદમાં મુસ્લિમ ટોળાં વક્ફ કાયદા વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા છે.”

    અમિત માલવિયાએ વધુ એક વિડીયો પોસ્ટ કરીને કહ્યું છે કે, “મુસ્લિમ ટોળાં મુર્શિદાબાદના રસ્તા પર ઉતરી આવ્યા છે અને ખુલ્લેઆમ બંધારણની અવહેલના કરવાનું આહ્વાન કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે..’હું બંધારણ નથી સ્વીકારતો અને ક્યારેય નહીં સ્વીકારું.’ મમતા બેનર્જીએ સ્થિતિ નિયંત્રણમાં લેવી જોઈએ અથવા તો રાજીનામું આપી દેવું જોઈએ.”