ભૂટાન યાત્રાએથી પરત ફર્યા બાદ એરપોર્ટથી સીધા હોસ્પિટલ પહોંચ્યા પીએમ મોદી, દિલ્હી બ્લાસ્ટની ઘટનાના ઈજાગ્રસ્તોને મળ્યા

ભૂટાન યાત્રાએથી પરત ફર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીની લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલમાં દાખલ બ્લાસ્ટની ઘટનાના પીડિતો સાથે મુલાકાત કરી હતી.

લાલ કિલ્લા સામે એક કારમાં બ્લાસ્ટ થયા બાદ અનેક લોકોને ઈજા થઈ હતી, જેઓ હાલ સારવાર મેળવી રહ્યા છે. ઘટનામાં દસ વ્યક્તિઓનાં મૃત્યુ પણ નીપજ્યાં છે.

પીએમ મોદીએ એક પોસ્ટમાં આ તસવીરો પોસ્ટ કરીને લખ્યું, “LNJP હોસ્પિટલ પહોંચીને દિલ્હીમાં બ્લાસ્ટ દરમિયાન ઈજા પામેલા લોકો સાથે મુલાકાત કરી. તેમના ઝડપી સ્વાસ્થ્યલાભ માટે પ્રાર્થના કરું છું. આ ષડ્યંત્ર પાછળ જે કોઈ હશે તેમને છોડવામાં નહીં આવે.”

ઉલ્લેખનીય છે કે પીએમ મોદી બે દિવસ માટે ભૂટાનની પૂર્વનિયોજિત યાત્રાએ હતા. ભૂટાનથી પરત ફર્યા બાદ એરપોર્ટથી સીધા તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા.

સાંજે બુધવારે નિયમિત થતી કેબિનેટ બેઠક પણ યોજાશે તેવી સંભાવના છે, તેમજ કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજાય શકે છે, જેમાં અત્યાર સુધી કેસમાં ચાલેલી તપાસની વિસ્તૃત જાણકારી આપવામાં આવશે.