‘સંઘનાં 100 વર્ષ રાષ્ટ્રસેવાનું ગૌરવપૂર્ણ પ્રકરણ’: સ્વતંત્રતા દિવસે પીએમ મોદીએ કહ્યું–સ્વયંસેવકોએ માતૃભૂમિના કલ્યાણ માટે જીવન સમર્પિત કર્યું

સ્વાધીનતા દિવસ (Independence Day) નિમિત્તે લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દેશસેવામાં યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. નોંધનીય છે કે 2025 સંઘનું 100મું વર્ષ છે. 1925માં સંઘની સ્થાપના થઈ હતી.

PM મોદીએ કહ્યું હતું કે, “આજે હું ગર્વ સાથે કહેવા માગું છું કે 100 વર્ષ પહેલાં એક સંગઠનનો જન્મ થયો હતો– રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS). રાષ્ટ્રની સેવા કરવાનાં 100 વર્ષ એક ગૌરવપૂર્ણ, સુવર્ણ પ્રકરણ છે.”

તેમણે કહ્યું કે, “’વ્યક્તિ વિકાસથી રાષ્ટ્ર નિર્માણ’ના સંકલ્પ સાથે, મા ભારતીના કલ્યાણના ઉદ્દેશ્ય સાથે, સ્વયંસેવકોએ માતૃભૂમિના કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું…સેવા, સમર્પણ, સંગઠન અને અનુશાસન જેની અપ્રતિમ ઓળખ રહી છે એવું RSS વિશ્વનું સૌથી મોટું NGO છે. તેનો 100 વર્ષના સમર્પણનો ઇતિહાસ છે…”

વધુમાં તેમણે કહ્યું કે, “આજે લાલ કિલ્લા પરથી 100 વર્ષોની આ રાષ્ટ્ર સેવાની યાત્રામાં યોગદાન આપનારા દરેક સ્વયંસેવકોનું આદરપૂર્વક સ્મરણ કરું છું. દેશને ગર્વ છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આ ભવ્ય, સમર્પિત યાત્રા આપણને પ્રેરણા આપતી રહેશે.”