‘ષડ્યંત્ર હેઠળ બદલાઈ રહી છે દેશની ડેમોગ્રાફી, દેશ ઘૂસણખોરોના હવાલે ન કરી શકાય’: લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ કરી હાઈ-પાવર્ડ ડેમોગ્રાફી મિશનની ઘોષણા

સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી સંબોધન કરતાં પીએમ મોદીએ ડેમોગ્રાફીનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે, એક સુવ્યવસ્થિત ષડ્યંત્રના ભાગરૂપે દેશની ડેમોગ્રાફી બદલવામાં આવી રહી છે. 

વડાપ્રધાને કહ્યું, “આજે દેશની સામે એક પડકાર છે. ષડ્યંત્ર હેઠળ દેશની ડેમોગ્રાફીને બદલવામાં આવી રહી છે. નવા સંકટનાં બી વાવવામાં આવી રહ્યાં છે. ઘૂસણખોરો મારા દેશના નવયુવાનોની રોજીરોટી છીનવી રહ્યા છે. મારા દેશની બેન-દીકરીઓને નિશાન બનાવે છે. ભોળા આદિવાસીઓને ભ્રમિત કરીને તેમની જમીન કબજે કરી રહ્યા છે. દેશ આ સહન નહીં કરે.”

ડેમોગ્રાફી પરિવર્તન થાય, સીમાવર્તી ક્ષેત્રમાં ડેમોગ્રાફી બદલાય ત્યારે રાષ્ટ્રીય સુરક્ષા માટે સંકટ સર્જાય છે. દેશની એકતા, અખંડિતતા અને પ્રગતિ માટે સંકટ પેદા થાય છે. સામાજિક તણાવનાં બી વવાય છે. દુનિયાનો કોઈ દેશ પોતાને ઘૂસણખોરોના હવાલે નહીં કરી શકે. આપણે ભારતને કઈ રીતે કરી શકીએ? આપણા પૂર્વજોએ ત્યાગ અને બલિદાનથી આપણને સ્વતંત્ર ભારત આપ્યું છે. આ મહાપુરુષો પ્રત્યે આપણું કર્તવ્ય છે કે આપણે દેશમાં આવી હરકતોને સ્વીકાર ન કરીએ.”

લાલ કિલ્લાની પ્રાચીર પરથી હાઈ-પાવર્ડ ડેમોગ્રાફી મિશનની રચનાનું એલાન કરતાં વડાપ્રધાને કહ્યું, “આ મિશન ભારત પરના આ ભીષણ સંકટને દૂર કરવા માતાએ નિશ્ચિત સમયમાં પોતાનું કામ કરશે.”