કલકત્તા હાઇકોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને ગયા મહિને મુર્શિદાબાદમાં થયેલી હિંસાના પીડિતોને પૂરતું વળતર આપવા જણાવ્યું છે. કોર્ટે જણાવ્યું છે કે, સરકાર દ્વારા આપવામાં આવેલ ₹1 લાખ 20 હજારનું વળતર બધા પીડિતોના નુકસાનને પહોંચી વળવા માટે પૂરતું નથી, કારણ કે દરેક ઘરને અલગ રીતે નુકસાન થયું છે.
આ નિર્ણય જસ્ટિસ સૌમેન સેન અને રાજા બસુ ચૌધરીની બેન્ચે આપ્યો હતો. કોર્ટે સરકારને એમ પણ કહ્યું છે કે, વિસ્તારના લોકો ત્યાં BSF કેમ્પ ઇચ્છે છે, આ વિશે પણ વિચાર કરવો જોઈએ. ઉપરાંત, કોર્ટે પોલીસની સ્પેશિયલ ટીમને (SIT) હિંસામાં સંડોવાયેલા ગુનેગારોની ધરપકડ કરવા અને તેમને ન્યાય અપાવવાનો આદેશ આપ્યો છે.
કોર્ટે એમ પણ કહ્યું છે કે, રજૂ કરાયેલા રિપોર્ટ પરથી એવું લાગે છે કે, હિંસા પૂર્વ-આયોજિત હતી. કોર્ટે એક અધિકારીની નિમણૂક કરવાનો આદેશ આપ્યો છે, જે નુકસાનનો ચોક્કસ અંદાજ લગાવશે. SITએ 31 જુલાઈ, 2025 સુધીમાં કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. આ કેસ 8થી 12 એપ્રિલ 2025 દરમિયાન મુર્શિદાબાદના જાંગીપુરમાં થયેલી હિંસાનો છે, જેમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા.