Monday, June 23, 2025
More

    ચિન્નાસ્વામી સ્ટેડિયમ ભાગદોડનો મામલો પહોંચ્યો કર્ણાટક હાઇકોર્ટ, 2:30 વાગ્યે સુનાવણી કરશે કોર્ટ

    બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર મચેલી ભાગદોડમાં 11 વ્યક્તિઓનાં મોત બાદ આ મામલો કર્ણાટક હાઇકોર્ટમાં પહોંચ્યો છે. જે મામલે ગુરુવારે (5 જૂન) બપોરે 2:30 વાગ્યે સુનાવણી હાથ ધરવામાં આવશે. 

    મામલો સવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ જનરલ શશી કિરણ શેટ્ટીએ જણાવ્યું કે તેઓ તમામ પગલાં લઈ રહ્યા છે અને રિપોર્ટ પણ દાખલ કરશે. સરકાર પાસેથી માહિતી મેળવ્યા બાદ તમામ જાણકારી આપશે. 

    ત્યારબાદ મામલો એક્ટિંગ ચીફ જસ્ટીસ વી. કે રાવ અને જસ્ટિસ સી. એમ જોશીની બેન્ચ પાસે ગયો, જેની ઉપર 2:30 વાગ્યે સુનાવણી હાથ ધરવામાં આવશે. 

    ઉલ્લેખનીય છે કે 3 જૂને અમદાવાદના મોદી સ્ટેડિયમમાં યોજાયેલી IPLની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો વિજય થયા બાદ બીજા દિવસે હોમગ્રાઉન્ડ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે વિક્ટરી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાગ લેવા માટે એકઠી થયેલી ભીડ બેકાબૂ થઈ ગઈ અને ભાગદોડ મચી જતાં 11 લોકોનાં મોત થયાં હતાં.