અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે ઇઝરાયેલ અને ઈરાન (Israel-Iran) પણ એકબીજા પર હુમલા કરી રહ્યા છે. આ જ ક્રમમાં તાજેતરમાં સામે આવેલી માહિતી અનુસાર ઇઝરાયેલે ઈરાનના પરમાણુ મથકો પર હુમલા કર્યા હતા જેના જવાબમાં ઈરાને ઇઝરાયેલ પર મિસાઈલો (Missile Attack) છોડી છે.
અહેવાલ અનુસાર 13 જૂનની મોડી રાત્રે ઈરાને ઇઝરાયલ પર અનેક બેલિસ્ટિક મિસાઇલો છોડીને બદલો લીધો. જેના કારણે જેરુસલેમ અને તેલ અવીવ પર આકાશમાં વિસ્ફોટ થયા અને નીચેની ઇમારતો હચમચી ગઈ હોવાના અહેવાલ છે.
રિપોર્ટ્સ અનુસાર, મધ્ય ઇઝરાયલી શહેર રિશોન લેઝિઓનમાં ઘરો નજીક એક ઈરાની મિસાઇલ ત્રાટકી હતી. આ હુમલામાં 13 લોકો ઘાયલ થયા છે. જેમાં 2ની સ્થિતિ ઘણી ગંભીર છે, 1નું મૃત્યુ થયું છે તથા ઘણા લોકો હજુ પણ ઘટના સ્થળે ફસાયેલા છે.
⚠️RAW FOOTAGE: Iran launched multiple ballistic missiles toward Israel in the past hours.
— Israel Defense Forces (@IDF) June 13, 2025
The IDF cannot, and will not, allow Iran to attack our civilians. pic.twitter.com/IrDK05uErm
નોંધનીય છે કે, આ હુમલો ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના ટેલિવિઝન સંબોધન પછી શરૂ થયો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે, “ઈસ્લામિક રિપબ્લિકના સશસ્ત્રદળો આ દુષ્ટ દુશ્મન પર ભારે પ્રહાર કરશે.”
બીજી તરફ ઈરાનમાં હુમલા ચાલુ છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, રાજ્ય પ્રાયોજિત તસ્નીમ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે ઈરાનની રાજધાની તેહરાનમાં અનેક વિસ્ફોટો સંભળાયા હતા. તેહરાનના મેહરાબાદ એરપોર્ટ પર બે પ્રોજેક્ટાઇલ પડ્યા હતા, જ્યાં ફાઇટર જેટ અને ટ્રાન્સપોર્ટ વિમાનો સાથેનો વાયુસેનાનો અડ્ડો છે.